Dava vagar tandurast raho - 3 in Gujarati Health by Suresh Trivedi books and stories PDF | દવા વગર તંદુરસ્ત રહો - 3

Featured Books
  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

Categories
Share

દવા વગર તંદુરસ્ત રહો - 3

૩) ચૌદહવીં કા ચાંદ: લોહીમાં લોખંડ


ટાઈટલમાં લોહીમાં લોખંડ શબ્દો વાંચીને આશ્ચર્ય ના અનુભવતા, કારણ કે ફક્ત મનુષ્ય જ નહિ, દરેક પ્રાણીના લોહીમાં લોખંડ એટલે કે ‘લોહતત્વ’ હોય જ છે. અરે લોહી નામ જ લોહ એટલે લોખંડ શબ્દ પરથી જ પડ્યું છે! શરીરમાં લોહીની અને લોહીમાં લોહતત્વની અગત્ય એટલી બધી છે કે તેને ‘ચૌદહવીં કા ચાંદ’ની ઉપમા આપી છે. 

 

લોહીનો લાલ રંગ લોહીના એક ઘટક રક્તકણને લીધે હોય છે અને રક્તકણનો લાલ રંગ તેમાં રહેલા હિમોગ્લોબીન નામના તત્વને લીધે હોય છે. આ હિમોગ્લોબીન શરીરની તંદુરસ્તી અને શક્તિ માટેનું એક ખૂબ અગત્યનું તત્વ છે અને લોહીમાં તેનું પ્રમાણ ઓછું હોય, તો રોગ પેદા થાય છે. એટલે હિમોગ્લોબીન વિષે પૂરતી જાણકારી હોવી જરૂરી છે.

 

હિમોગ્લોબીન શું છે:

હિમ એટલે લોહતત્વ અને ગ્લોબીન છે એક જાતનું પ્રોટીન. આમ હિમોગ્લોબીન એ લોહતત્વ અને પ્રોટીનનો બનેલો એક પદાર્થ છે. 

 

હિમોગ્લોબીન શા માટે જરૂરી છે:

આપણું શરીર કરોડો કોષોનું બનેલું છે. આ દરેક કોષને જીવંત રહેવા માટે અને પોતાનું કાર્ય ચાલુ રાખવા માટે સતત ઓક્સિજનની જરૂર પડે છે. શરીરના દરેક કોષને જરૂરી ઓક્સિજન પૂરો પાડવાનું અગત્યનું કાર્ય લોહીમાં રહેલા હિમોગ્લોબીન મારફત થાય છે.

 

આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ, તે ફેફસામાં જાય છે. ત્યાં શ્વાસમાં રહેલો ઓક્સિજન લોહીમાં રહેલા હિમોગ્લોબીનમાં ભળે છે. તે પછી આ ઓક્સિજનવાળું શુધ્ધ લોહી જયારે શરીરનાં બધાં અંગોમાં વહે છે, ત્યારે શરીરના બધા કોષો તેમાંથી ઓક્સીજન મેળવે છે, જેના વડે આ કોષો પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે.

 

પરંતુ  લોહીમાં હિમોગ્લોબીન નિર્ધારિત માત્રાથી ઓછું હોય, તો લોહીમાં ઓક્સીજન ઓછો ભળે છે. પરિણામે શરીરના કોષોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી. આને લીધે આ કોષો પોતાનું કાર્ય સારી રીતે કરી શકતા નથી. આવા સંજોગોમાં શરીરને થાક, સુસ્તી, અશક્તિ, ચક્કર આવવાં, ગભરામણ થવી, શ્વાસ ચઢવો, પગમાં સોજા ચઢવા જેવી અનેક તકલીફો થઇ શકે છે. આવું ન થાય એટલા માટે આપણા લોહીમાં પૂરતું હિમોગ્લોબીન હોવું ખૂબ જરૂરી છે.

 

પૂરતું હિમોગ્લોબીન એટલે કેટલું:

એલોપથીના હાલનાં ધારાધોરણ મુજબ પુરુષનું હિમોગ્લોબીન લેવલ ૧૩%થી ૧૬% અને સ્ત્રીનું હિમોગ્લોબીન ૧૨%થી ૧૫% હોવું જોઈએ.

 

જોકે આ લેવલ્સ યુરોપિયન દેશોએ નક્કી કરેલાં છે. એટલે સ્વભાવિકપણે ત્યાંના લોકો પર પ્રયોગો કરીને નક્કી કરેલાં હોય. આપણા દેશના હવામાન, અહીંના લોકોનાં જીન્સ, જીવન પધ્ધતિઓ અને જીવનધોરણ મુજબ આ લેવલ્સમાં થોડો ઘણો ફેરફાર હોઇ શકે છે. એટલા માટે થોડા ફેરફાર માટે ગભરાવાની જરૂર નથી. સાધારણ સંજોગોમાં કોઈ તકલીફ ન હોય ત્યાં સુધી ૧ કે ર ટકાની ઘટ માટે ચિંતા ન કરવી. પરંતુ હિમોગ્લોબીન લેવલ તેનાથી પણ ઓછું હોય, તો તે વધારવાના પ્રયત્નો કરવા જોઈએ.

 

હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવા શું કરવું:

હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવાના ઉપાયો જાણતાં પહેલાં હિમોગ્લોબીન શાનું બનેલું છે તે જાણવું જરૂરી છે. હિમોગ્લોબીન ત્રણ ઘટકનું બનેલું છે:

૧)      લોહતત્વ (Iron)

૨)      ફોલિક એસિડ (Folic Acid)

૩)      વિટામિન બી૧૨ (Vitamin B12)

આ ત્રણેય ઘટકમાં લોહતત્વ સૌથી અગત્યનું ઘટક છે. શરીરમાં લોહતત્વનું પ્રમાણ વધારવામાં આવે તો લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ આપોઆપ વધે છે. હવે લોહતત્વ મુખ્યત્વે ખોરાકમાંથી મળે છે. એટલે લોહતત્વ વધારે હોય તેવો ખોરાક લઈએ, તો લોહીમાં હિમોગ્લોબીનનો વધારો આપોઆપ થઇ જાય છે.

 

WHO ના માપદંડ પ્રમાણે લોહતત્વની દરરોજની જરૂરિયાત:

પ્રકાર
મિલીગ્રામ
૧ વર્ષ સુધીનું બાળક
૦.૫
૧ થી ૧૨ વર્ષ સુધીનું બાળક
૧.૦
કિશોર
૧.૮
પુખ્ત પુરુષ
૦.૯
માસિક આવતું હોય તેવી સ્ત્રી
૨.૪
ગર્ભવતી સ્ત્રી
૩.૫
માસિક ના આવતું હોય તેવી સ્ત્રી
૦.૯


દરરોજના ખોરાકમાં ઉપર મુજબનું લોહતત્વ શરીરને મળી રહે તેવો ખોરાક આપણે લેવો જોઈએ. પરંતુ દરેક પ્રકારના ખોરાકમાં લોહતત્વ હોતું નથી. એટલે હવે જાણીએ કે ક્યા ખોરાકમાં લોહતત્વનું પ્રમાણ વધારે હોય છે:

ખોરાકનો પ્રકાર

શાકભાજી: બીટ, રીંગણ, ટામેટાં, લીલાં પાંદડાંવાળી ભાજીઓ જેવી કે પાલક, મેથી, ફુદીનો, કોથમીર, લીલી ડુંગળી
ફળ: સફરજન, દાડમ, તરબૂચ, કેળાં
ડ્રાયફ્રૂટ: કાજુ, બદામ, અખરોટ, જરદાલુ, ખજૂર, દ્રાક્ષ
અન્ય ખોરાક: ચાળ્યા વગરનો ઘઉંનો લોટ/Whole Wheat, સાઠી ચોખા/Brown Rice, બાજરી, કઠોળ, ગોળ, મધ, શેરડી, દૂધ અને તેની બનાવટો, કોળાનાં બી
 

માંસાહારી ખોરાકમાં લોહતત્વ વધુ હોય છે. પરંતુ માંસાહારી ખોરાકના બીજા ઘણા ગેરફાયદા હોવાથી તે શરીરની તંદુરસ્તી માટે હાનિકારક છે. એટલા માટે લોહતત્વ વધારવા માટે માંસાહારી ખોરાક લેવો સલાહભર્યું નથી.  

 

બીજી કઈ અગત્યની વાતોનું ધ્યાન રાખવું:

૧) શરીર ક્યારે લોહતત્વ ગુમાવે:

Ø  દરેક વ્યક્તિ પરસેવો, આંસુ, પેશાબ અને ઝાડા મારફત થોડું લોહતત્વ દરરોજ ગુમાવે છે.

Ø  સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમ્યાન મોટી માત્રામાં લોહતત્વ વહી જાય છે. આથી માસિક આવતું હોય એવી સ્ત્રીઓએ વધુ લોહતત્વવાળો ખોરાક લેવો જરૂરી છે.

Ø  ગર્ભવતી સ્ત્રીઓએ તેના પેટમાં રહેલ બાળકના સારા પોષણ માટે વધુ લોહતત્વવાળો ખોરાક લેવો ખૂબ જરૂરી છે.

Ø  જો કરમિયાની કે મસાની તકલીફ હોય અથવા કોઈ લાંબા સમયની માંદગી હોય તો પણ શરીરમાં લોહતત્વ ઓછું થઇ જાય છે. આવા કિસ્સામાં ડોક્ટરની સલાહ મુજબ પગલાં લેવાં.

 

૨) લોહતત્વ કઈ રીતે લોહીમાં ભળે છે:   

Ø  પ્રાણીજ ખોરાક એટલે કે માંસાહારી ખોરાક તથા દૂધ અને તેની બનાવટોમાં રહેલું લોહતત્વ શરીરમાં જલ્દીથી શોષાઈ જાય છે.

Ø  વનસ્પતિજન્ય ખોરાકમાં રહેલું લોહતત્વ શરીરમાં જલ્દીથી શોષાતું નથી. આથી શાકાહારી લોકોમાં લોહતત્વની ખામી વધારે જોવા મળે છે.

Ø  ધાવણાં બાળકોને તેમની માતાના દૂધમાંથી પૂરતું લોહતત્વ મળી રહે છે. પણ જો આ બાળકો બહારના દૂધ પર રહેતાં હોય તો તેમને લોહતત્વની ઉણપ ઉભી થાય છે.

Ø  વિટામિન સીની હાજરીમાં લોહતત્વ શરીરમાં સારી રીતે શોષાય છે. આથી લોહતત્વવાળા ખોરાકની સાથે લીંબુ કે સંતરા જેવાં વિટામિન સી ધરાવતાં ફળ લેવાથી વધારે ફાયદો થાય છે.

Ø  કેલ્શિયમની હાજરીથી શરીરમાં લોહતત્વના શોષાવાની ક્રિયામાં અવરોધ ઉભો થાય છે. એટલા માટે લોહતત્વવાળા ખોરાકની સાથે દૂધ લેવામાં આવે તો દૂધના કેલ્શિયમને લીધે ખોરાકનું લોહતત્વ શરીરમાં બરાબર ભળતું નથી.  

Ø  ઘઉંના થુલામાં રહેલ ફાયટીક એસિડ/Phytic Acid  શરીરમાં લોહતત્વના શોષાવાની ક્રિયામાં અવરોધ ઉભો કરે છે.

Ø  ચા અને કોફીમાં રહેલ કેફીન અને ટેનિન પણ શરીરમાં લોહતત્વના શોષાવાની ક્રિયામાં અવરોધ ઉભો કરે છે. માટે જમવાની સાથે કે જમ્યા પછી તરતજ ચા કે કોફી લેવાં જોઈએ નહીં.

Ø  લોહતત્વની ઉણપ ગરીબ અને પૈસાદાર બંને વર્ગને નડે છે. ગરીબ વર્ગને પોષક ખોરાકના અભાવે અને પૈસાદાર વર્ગને રીફાઇન્ડ, રેફ્રિજરેટેડ અને જંક ખોરાકની આદતોને લીધે લોહતત્વની ઉણપ થાય છે. જોકે ગરીબ વર્ગ લોઢાનાં વાસણ, ચપ્પુ વિગેરે વાપરે છે, તેથી તેમને લોહતત્વની થોડીઘણી પૂરણી થઇ જાય છે.

Ø  જો તમે ડોક્ટરની સલાહ મુજબ લોહતત્વની ગોળીઓ કે દવા લેતા હો તો જાણી લો કે જમ્યા બાદ આ ગોળીઓ લઈએ તો શરીરમાં લોહતત્વ ઓછું શોષાય છે. પરંતુ જો આ ગોળીઓ ભૂખ્યા પેટે લઈએ તો પેટમાં બળતરા અને બીજી અનેક તકલીફો કરે છે. તેથી આવી ગોળીઓ જમ્યા પછી લેવી પડે છે. ઉપરાંત આ ગોળીઓ દૂધ સાથે લેવી ના જોઈએ, કારણ કે દૂધમાં રહેલા કેલ્શિયમને લીધે લોહતત્વ શરીરમાં બરાબર ભળતું નથી. આમ છતાં દવાઓને લગતા દરેક સૂચનનો અમલ પોતાના ડોક્ટરની સલાહ મુજબ જ કરવો.

Ø  આપણું શરીર જરૂર પૂરતા લોહતત્વનો ઉપયોગ કરે છે અને વધારાના લોહતત્વને યકૃત/લીવર, ફેફસાં અને હૃદયમાં જમા કરે છે. જયારે શરીરને લોહતત્વની ઉણપ ઉભી થાય, ત્યારે આ વધારાના લોહતત્વનો ઉપયોગ થાય છે.  કુદરતની કેવી અદભૂત વ્યવસ્થા!

 

છેલ્લે એ પણ જાણી લો કે ‘અતિ સર્વત્ર વર્જ્યતે’, અર્થાત્ શરીરમાં લોહતત્વનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય, તો વધારાનું લોહતત્વ યકૃત, હૃદય અને ફેફસાંમાં એકઠું થઈને  આ અંગોને નુકસાન પહોંચાડી શકે છે. એટલે ડોક્ટરની સલાહ વગર લોહતત્વની દવાઓ લેવી ના જોઈએ તેમજ ડોક્ટર દ્વારા જણાવેલ નિર્ધારિત સમયથી વધારે સમય ચાલુ પણ ના રાખવી જોઈએ.

 

જો તમે લોહતત્વ વિશેની ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં લઈને તે મુજબ દિનચર્યા અપનાવીને શરીરમાં લોહતત્વનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશો, તો તમારા ઘણા રોગો દૂર થશે અને તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે.

 

પંચામૃત:

મેગ્નેશિયમ શરીર માટે એક જરૂરી મિનરલ છે, જે આપણને લીલાં પાંદડાંવાળાં શાકભાજી, ગાજર, કાજુ, કોળાનાં બીજ, દૂધ અને દૂધની બનાવટોમાંથી મળી રહે છે. પરંતુ જો આપણા ખોરાકમાં ખાંડવાળો ખોરાક વધુ હોય તો શરીરમાં મેગ્નેશિયમની ઘટ ઊભી થાય છે. કારણ કે ખાંડના એક અણુને બર્ન કરવા માટે મેગ્નેશિયમના ૫૪ અણુઓ વપરાય છે. માટે ખોરાકમાં ગળ્યા પદાર્થોનું પ્રમાણ માફકસર જ રાખો.

***

ખોરાકમાં લીધેલા કેલ્શિયમને શરીરમાં શોષાવા માટે વિટામિન ડી ની જરૂર પડે છે.

***

સોડા નાખવાથી ખોરાકમાંથી વિટામિન સી નો નાશ થાય છે.

***

ઠંડી ઋતુમાં સુર્યપ્રકાશના ઓછા સંપર્કમાં આવવાથી હેપ્પી હોર્મોન સેરોટોનિનનું સ્તર ઘટે છે, જેનાથી ડિપ્રેશન થાય છે. તદુપરાંત ઊંઘ ઘટે છે, સુસ્તી અને આળસ લાગે છે અને શરીરનું વજન વધે છે. એટલા માટે શિયાળામાં સુર્યપ્રકાશમાં વધુ રહો.