Tari Pidano Hu Anubhavi - 11 in Gujarati Moral Stories by Dada Bhagwan books and stories PDF | તારી પીડાનો હું અનુભવી - ભાગ 11

Featured Books
Categories
Share

તારી પીડાનો હું અનુભવી - ભાગ 11

મિરાજ, આજે સાંજના શોમાં સીટ ખાલી છે. મેં ઓનલાઈન જોઈ લીધું છે. તું કહે તો ટિકિટ બુક કરાવી દઉં.’ નિખિલે કહ્યું.

‘મૂવી? પણ મારે પહેલા ઘરે પૂછવું પડે.’

‘અત્યારે જ ફોન કરીને પૂછી લે ને.’ પરમે શોર્ટ કટ બતાવ્યો.

‘ના, આવી બધી વાતો માટે એમ ફોન પર જવાબ ના મળે.’

આ સાંભળીને પરમ અને નિખિલ બંને એકબીજા સામે હસતા હસતા રહી ગયા. એ બંને માટે આ વાત મજાક જેવી હતી. પણ મારા માટે આ બધી બાબત બળતામાં ઘી હોમવા જેવી હતી.

ટીનેજમાં આવેગ અને ઉશ્કેરાટના વેગ એવા હોય છે કે બીજા પાસે હોય એ પોતાની પાસે પણ હોવું જ જોઈએ, એ એમની જિદ બની જાય છે. પરમ અને નિખિલ પાસે એવું કંઈક હતું જે મને પણ જોઈતું હતું... ફ્રીડમ.

‘મમ્મી, આજે મારા ફ્રેન્ડ્સ મૂવી જોવા જાય છે. હું પણ જાઉ?’ ઘરમાં પગ મૂકતાની સાથે જ મેં મમ્મીને સીધો પ્રશ્ન કર્યો.

‘મૂવી જોવા?’ આમ અચાનક મારા દ્વારા પૂછાયેલા આવા પ્રશ્નથી મમ્મીને પણ નવાઈ લાગી.

‘હા, પપ્પા તો એમ પણ આપણને બહુ મૂવી જોવા લઈ નથી જતા.’

‘જે જોવાલાયક હોય છે, એ જોવા લઈ જ જાય છે ને?’

‘હા, અને એમના પ્રમાણે આખા વર્ષમાં માંડ એક કે બે પિક્ચર જ એવા આવે છે, જે જોવાલાયક હોય.’

‘મિરાજ, તારા પપ્પાને અને મને બીજા લોકોની જેમ વલ્ગર પિક્ચર જોવા નથી ગમતા. તને તો ખબર છે ને?’

‘હા, મને ખબર છે. પણ બધા પિક્ચર કંઈ એવા નથી હોતા. મારા ફ્રેન્ડ્સ પિક્ચરની જ્યારે વાતો કરે ત્યારે હું બાઘાની જેમ જ બેઠો હોઉ છું.’

‘મિરાજ, આપણે આવી વાતોમાં બીજા સાથે કમ્પેરિઝન નહીં કરવાની. બેટા, તારામાં જે સદ્ગુણો છે એને જાળવી રાખવાની જવાબદારી તારી જ છે.’

‘મમ્મી, પપ્પા તો મને ક્યારેય નહીં સમજી શકે. તું તો સમજ.’ મમ્મીને ઈમોશનલી બ્લેક મેઈલ કરીને પોતાની જિદ મનાવવા માટે મેં વાતને બદલી.

મીત પણ હાજર હતો. મમ્મીએ એની સામે જોયું.

‘હવે એ પોતાનું ધ્યાન રાખી શકે છે. વેકેશન છે તો ભલે જઈ આવે. પછીથી એને ભણવામાંથી ઊંચું જોવાનો વારો જ નથી આવવાનો.’ મને કલ્પનામાં પણ નહોતું કે મીત મારી ફેવરમાં મમ્મીને સમજાવશે.

મીત મિરાજને લાગણીથી ભીંજાઈને જોઈ રહ્યો હતો, જેનાથી અજાણ મિરાજ વીતેલા ચેપ્ટરના પેજમાં ખોવાયેલો હતો.

‘સારું. આ વખતે જઈ આવ પણ દર વખતે આવું નહીં ચાલે.’ મમ્મીએ મક્કમતાથી કહ્યું.

‘મારે દર વખતે જવું પણ નથી. હવે એમ પણ દસ દિવસમાં સ્કૂલ ખૂલી જશે, પછી ક્યાં જવાનો છું?’ આ બોલતી વખતે મારા મનમાં તો એમ જ હતું કે બાદ કી બાદ મેં દેખ લેગે.

‘સારું. કેટલા વાગ્યાનો શો છે?’

‘સવા પાંચનો.’

‘ટાઈમસર ઘરે આવી જજે. ત્યાંથી બીજે ક્યાંય બહાર જવાનું નથી, સમજ્યો?’

‘જો હુકમ, જનાબ.’ મેં માથું ઝુકાવીને મમ્મીને સલામ કરતો હોય એવી સ્ટાઈલ કરી.

‘બસ, હવે આ બધા નાટક કરવાની જરૂર નથી.’

પહેલીવાર આમ ફ્રેન્ડ્સ સાથે મૂવી જોવા જવાનો મોકો હતો. સાથે પરમ અને નિખિલ જેવા હાઈ-ફાઈ ફ્રેન્ડ્સની કંપની હતી. એટલે મેં મારા ફેવરિટ, બ્રાન્ડેડ કપડાંની પેર કબાટમાંથી કાઢી. નાઈકીના શૂઝ, ગોગલ્સ અને સ્ટ્રોંગ પરફ્યૂમ લગાવીને અપ ટૂ ડેટ તૈયાર થઈને હું, પરમ અને નિખિલ સાથે શહેરના સૌથી મોટા મોલમાં પહોંચી ગયો. શો શરૂ થવામાં દસ મિનિટની વાર હતી. ત્રણેય ફટાફટ ટિકિટ કાઉન્ટર પર પહોંચ્યા. જે મૂવી જોવા અમે પહોંચ્યા હતા એની બધી જ ટિકિટ વેચાઈ ગઈ હતી.

‘ઓહ નો.’ પરમે ઉદાસ ચહેરે કહ્યું.

‘અરે, ઈટ્સ ઓ.કે. બીજી કોઈ મૂવી જોઈ લઈએ.’ નિખિલે તરત જ પરમને આશ્વાસન આપ્યું.

‘હા, ચાલશે.’ મેં તરત જ હા પાડી. મમ્મી પાસે આજીજી કરીને આટલી બધી તૈયારીઓ કરીને આવ્યા પછી મૂવી જોયા વિના પાછા જવાની મારી કોઈ ઈચ્છા નહોતી.

‘પણ મારે તો આ જ મૂવી જોવું હતું યાર. પહેલા જ ઓનલાઈન બુક કરી લીધું હોત તો સારું થાત!’ પરમને હજી પણ અફસોસ હતો.

‘અરે, કાલે ફરી આવીશું, અત્યારે બીજું જોઈ લઈએ.’ નિખિલે એનો મૂડ સારો કરવા કહ્યું.

‘કાલની કોને ખબર છે યાર. અત્યારે જે મળે એની ટિકિટ લઈ લઈએ.’ મૂવી કઈ છે, કેવી છે, એ જોયા વિના, ગમે તે રીતે કોઈક મૂવી તો જોવી જ છે એવો મારો આગ્રહ હતો.

નિખિલ ફરીથી ટિકિટ કાઉન્ટર પાસે ગયો. એ ત્રણ ટિકિટ લઈને પાછો આવ્યો. હું બહારની દુનિયાનો આનંદ લેવા કરતા પોતાને અનુભવાતી ફ્રીડમનો આનંદ લેવામાં વધારે મશગૂલ હતો. અમે ત્રણેય સ્ક્રીન ત્રણની બહાર ઊભા હતા. ત્યાં ઊભેલી પબ્લિકમાં ઘણું બધું ક્રાઉડ યંગસ્ટર્સનું જ હતું.

‘મમ્મી-પપ્પા મને કેટલા રિસ્ટ્રિક્શનમાં રાખે છે. આ બધા કેવા એકલા એન્જોય કરે છે.’ એ લોકોને જોઈને મેં મનોમન વિચાર્યું.

હું મૂવી કરતા વધારે ફ્રીડમ એન્જોય કરી રહ્યો હતો. મૂવી કંઈ સારી તો નહોતી જ. પણ થિયેટરના અંધારામાં હું મારી હાલત બીજા બધાથી આસાનીથી છુપાવી શક્યો. નિખિલ અને પરમ ક્યાંક વચ્ચે વચ્ચે કમેન્ટ કરતા. હું નકલી સ્માઈલ આપીને એમના જેવા જ હોવાનો ડોળ કરતો રહ્યો. અમુક સીન વખતે અમુક લોકો સીટી મારતા, ત્યારે નિખિલ પણ એક્સાઈટ થઈને સીટી વગાડી દેતો. પરમ એની સામે જોઈને લુચ્ચું હસતો. મારા માટે આ બધું બહુ જ ઓક્વર્ડ હતું. આવું કરવાવાળા લોકોને હું કાયમ ‘ચીપ’ કે ‘વલ્ગર’ ગણતો હતો. એવા લોકોની સામે જોવાનું પણ મને નહોતું ગમતું. આજે મારી બાજુમાં બેઠેલા મારા પોતાના ફ્રેન્ડ્સ જ એવું વર્તન કરી રહ્યા હતા. છતાં, હું કોઈ પણ રિએક્શન આપવા અસમર્થ હતો. મારા અંતરમનની સ્થિતિ સંપૂર્ણપણે ડામાડોળ થઈ રહી હતી. મારી અંદર બે પક્ષ ઊભા થઈ ગયા હતા. એક પક્ષ આ બધાનો વિરોધ કરી રહ્યો હતો અને બીજો પક્ષ આવું બધું તો નોર્મલ કહેવાય, આને જ લોકો એન્જોયમેન્ટ કહે છે, મેં મારી જાતને વધારે પડતા મર્યાદાના બંધનમાં બાંધી રાખી છે... એમ અનેક દલીલ કરી રહ્યો હતો. હું જબરજસ્તી પોતાને એમના જેવો જ દેખાડવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો.

‘એવું કેમ?’ મેં મિરાજ તરફ એક ગહન પ્રશ્ન મૂક્યો.

‘એટલા માટે કે મારું એબ્નોર્મલ વર્તન જોઈને બધા મને ‘ઓડ મેન આઉટ’ ના ગણે.’

‘પછી?’

મૂવીમાં આવતા અસભ્ય સીનથી મારું મન સજ્જડ અને શરીર અસહજ થઈ ગયું હતું. મૂવી પૂરી થયા બાદ જ્યારે બધા આરામથી ઊભા થઈને બહાર નીકળવા લાગ્યા, ત્યારે મારાથી ઊભા પણ નહોતું થવાતું. જાણે કોઈની સાથે નજર મિલાવવા પણ અસમર્થ હોઉ, એમ નીચું જોઈને હું આગળ ચાલવા લાગ્યો. જાણે મેં કોઈ ગુનો કર્યો હોય, એમ મારું મન મને કોરી રહ્યું હતું.

૫૨મ અને નિખિલ એકદમ નોર્મલ દેખાય છે. તો મારી સાથે કેમ આવું થાય છે? એ પ્રશ્ને મને ઝંઝોળી નાખ્યો. શું સાચે જ મારામાં કોઈ ખોટ છે? એ પ્રશ્ન મને ખૂબ સતાવવા લાગ્યો. કદાચ અંદર ને અંદર હું મારી જાતને કોસવા લાગ્યો હતો. મારી અંદર એટલો બધો વિરોધાભાસ ચાલુ થયો હતો, જેને શાંત પાડવા મારી પાસે ન તો સાચી સમજણ હતી, ન આવડત. હું અજાણતા જ મારી જાતને સમય અને સંજોગોના પ્રવાહમાં ખેંચાઈ જવાની મંજૂરી આપી ચૂક્યો હતો.

‘ચાલો, પિઝા હટ જઈએ.’ ત્યાં તો પરમે કહ્યું.

‘યસ, લેટ્સ ગો. બહુ ભૂખ લાગી છે.’ નિખિલે પરમની વાતને વધાવી લીધી.

‘શું કહે છે મિરાજ?’ પરમે પૂછ્યું.

‘આમ તો જવામાં વાંધો નહીં. પણ ઘરે પહોચતા લેટ થઈ જશે.’ મારો ચહેરો ફિક્કો પડી ગયો હતો.

‘નહીં થાય લેટ. બસ અડધો કલાક વધારે થશે.’ પ૨મે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું.

‘કમ ઓન મિરાજ. ડોન્ટ બી મમ્મા'સ બેબી.’

‘ઓ.કે.’ બધા સામે પોતાનું ખરાબ ના દેખાય, એટલે મેં સ્વીકૃતિ આપી દીધી. આમેય પરમ મને કાયમ મનાવી જ લેતો.

‘આજે મારા તરફથી બધાને પાર્ટી.’ પરમે પોતાનું વોલેટ બહાર કાઢ્યું અને પિઝા ઓર્ડર કરવા આગળ ગયો.

એ ઓર્ડર કરીને પાછો આવે એટલામાં હું અને નિખિલ એક ખાલી ટેબલ પાસે જઈને બેઠા. કોઈએ નિખિલના નામની બૂમ પાડી.

‘હાય...’ અઢાર-ઓગણીસ વર્ષની એક છોકરીએ આવીને નિખિલને ધબ્બો માર્યો.

‘શોર્ટ યેલો ડ્રેસ, હાય હિલ્સ, ખભા પર સ્લિંગ બેગ, માથા પર ગોગલ્સ, ગોલ્ડન હાઈલાઈટ કરેલા વાળ અને ડાર્ક કલરની લિપસ્ટિકવાળી આ છોકરીને નિખિલ સાથે શું સંબંધ હોઈ શકે?’ હું એને જોઈને વિચારતો જ રહી ગયો.

‘હેય... શિવાંગી.’ નિખિલે એની સાથે હાથ મિલાવ્યો.

‘ગુડ ટૂ સી યૂ આફ્ટર અ લોંગ ટાઈમ.' શિવાંગીએ નિખિલને ભેટીને કહ્યું.

‘તું અહીંયા?’

‘હા, જેમ તું બરોડા છોડીને આવ્યો એમ હું પણ...’ શિવાંગીના ચહેરા પરના ભાવ સહેજ બદલાયા.

‘છોડીને?’

‘જવા દે ને... ઈટ્સ અ લોંગ સ્ટોરી.’

‘યૂ મીન તું ઘર છોડીને...?’

‘નોટ એક્ઝેક્ટલી, બટ સમ થિંગ લાઈક ધેટ... આઈ એમ સ્ટેયિંગ વિથ માય ફ્રેન્ડ.’ શિવાંગીએ પાછળના ટેબલ પર બેઠેલી બે-ત્રણ છોકરીઓમાંથી એક છોકરી તરફ ઈશારો કરતા કહ્યું.

‘ઓહ... ધેટ્સ સેડ.’

‘નો, ધેટ્સ એબ્સોલ્યૂટલી કૂલ.’

એટલામાં પરમ પિઝા ઓર્ડર કરીને આવ્યો.

‘મીટ પરમ, માય બેસ્ટ ફ્રેન્ડ ઈન ધીસ ન્યૂ સીટી.’

‘હાય!’ શિવાંગીએ એની સાથે હાથ મિલાવ્યો.

‘આ મિરાજ છે.’ નિખિલે મારી તરફ જોઈને કહ્યું.

હું એકીટસે શિવાંગીને જોઈ જ રહ્યો. કારણ કે, એને જોઈને મારા મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. પણ જેવું શિવાંગીએ મારી સામે જોયું કે મારી નજર એક પળ માટે ઝૂકી ગઈ. કોણ જાણે કેમ બ્લૂ કલરના લેન્સવાળી એની આંખોમાં રહેલી નખરાવાળી વૃત્તિ અને બેશરમીને મારી આંખો સહન ના કરી શકી.

‘હાય, મિરાજ. નાઈસ નેમ.’ શિવાંગીએ મારી સામે હાથ આગળ કર્યો.

‘હાય.’ મેં ફરી એની સામે જોયું અને મારો હાથ આગળ કર્યો.

અચાનક મિરાજ આગળ બોલતા અટક્યો. મારી સામે જોતા જોતા એની નજર મીત પર જઈને પછી ઝૂકી ગઈ.

‘મિરાજ, મને તારા પર ગર્વ છે. હું ભલે મારી જાતને એક્સ્ટ્રોવર્ટ સમજતો હોઉ પણ તારા જેવી ઓપનનેસ તો મારામાં પણ નથી. તારી ટ્રાન્સ્પરન્સી પર આજે મને રિસ્પેક્ટ થાય છે. તે ખરું કર્યું કે ખોટું એના તરફ મારી દૃષ્ટિ નથી, પણ તારી સાથે જે વીત્યું એ તું આમ વર્ણવી શકે છે, એ જોઈને મને આજે તું મારો મોટોભાઈ હોય એવું લાગે છે.’ મીતની આંખો સહેજ ભીની થઈ.

‘મિરાજ, આ મીત છે ને, એનું હૃદય અને એના વિચારો બંને જરાય સંકુચિત નથી, એ તારાથી બહેતર બીજું કોણ જાણે છે? એટલે જે પણ થયું એ નિશ્ચિંત થઈને બોલ.’ આટલું કહીને મિરાજ આગળ બોલે એના માટે હું અને મીત ચૂપ રહ્યા.

આજ સુધી આટલી બધી મોર્ડન છોકરી સાથે મેં ક્યારેય વાત પણ કરી નહોતી. હેન્ડ શેક કરીને એક અલગ જ પ્રકારની ફીલિંગ આવી. નિખિલ મારા કરતા ઉંમરમાં છએક વર્ષ મોટો હતો, એ વાત હું ભૂલી જ ગયો. મને લાગવા લાગ્યું કે જે મોજમજા નિખિલ કરી શકે અને જે છૂટછાટ પરમ લઈ શકે છે, એ બધું આજના જમાના પ્રમાણે નોર્મલ કહેવાય અને મારે પણ હવે ચેન્જ થવું જ જોઈએ.

નકલી સ્માઈલવાળા માસ્કની પાછળ રહેલા મારા મનમાં સતત ઘમસાણ ચાલી રહ્યું હતું. ગમે તે ભોગે મારે હવે બદલાવું હતું. બધા જેવા થવું હતું. મારી દુનિયા જાણે પરમ અને નિખિલના વ્યક્તિત્વ સુધી સીમિત થઈ ગઈ હતી. મારે મારું વ્યક્તિત્વ જ બદલી નાખવું હતું.’

‘આઈ મસ્ટ સે, યોર ફ્રેન્ડ્સ આર વેરી ક્યૂટ... સ્કૂલ બોય્સ.’ આટલું બોલીને શિવાંગી હસી પડી. આને કોમ્પ્લિમેન્ટ સમજવું કે મજાક એ વાત પરમને અને મને સમજાય એ પહેલા જ શિવાંગીની ફ્રેન્ડ ત્યાં આવી પહોંચી.

‘કમ ઓન. શોનો ટાઈમ થઈ ગયો છે.’

‘ઓહ, યસ...’ શિવાંગીએ એના કાંડા પર ચમકતી મોટી રિસ્ટ વોચમાં જોયું.

‘તમે લોકો મૂવી જોવા આવ્યા છો?’ નિખિલ પૂછે એ પહેલા પરમે જ પૂછી લીધું.

‘યસ. બટ સોરી... વી આર ગેટિંગ લેટ.’ શિવાંગીએ પરમ સામે સ્માઈલ કરીને એના ગાલ પર સહેજ ટપલી મારતા કહ્યું.

‘પહેલી જ મુલાકાતમાં આવું વર્તન?’ મને મનોમન ખૂબ નવાઈ લાગી.

‘ઈટ્સ ઓ.કે. નાઈસ મીટિંગ યૂ. વી વિલ મીટ અગેઈન. રાઈટ નિખિલ?’ પરમે નિખિલ સામે જોઈને કહ્યું.

પરમ એમ પણ કોઈ છોકરી સાથે વાત કરવાનો મોકો છોડે એવો નહોતો, એ તો મને ખબર જ હતી છતાં એ વખતે મને એના પ્રત્યે સહેજ અણગમો થયો.

‘યસ ઓફ કોર્સ. હવે એમ પણ આને ખબર છે કે હું અહીંયા છું. એટલે આ મારું લોહી પીધા વિના નથી રહેવાની.’ નિખિલે હસતા હસતા કહ્યું.

શિવાંગી પણ હસી પડી. મોડું થવાથી એની ફ્રેન્ડ એનો હાથ ખેંચવા લાગી.

‘નિખિલ, ગિવ મી યોર કોન્ટેક્ટ નંબર. આઈ વિલ કેચ યૂ લેટર.’

‘સ્યોર.’ બંનેએ પોતાના કોન્ટેક્ટ નંબર એક્સચેન્જ કર્યા.

‘બાય એવરીવન.’ શિવાંગી અને એની ફ્રેન્ડ હાથ હલાવીને ત્યાંથી નીકળવા લાગ્યા.

‘નાઈસ મીટિંગ યૂ.’ પરમે છેલ્લે છેલ્લે ફરીથી કહ્યું.

શિવાંગીએ પાછા વળીને એને સ્માઈલ આપી.

‘તું શિવાંગીને કેવી રીતે ઓળખે છે?' પરમનો ડ્રાઈવર બધાને લેવા મોલના પાર્કિંગમાં આવી પહોંચ્યો હતો. ઘરે પાછા જતા રસ્તામાં પરમે નિખિલને પૂછ્યું.

‘શી વોઝ ઈન માય કોલેજ.’

‘ઓહ...’

‘શી વોઝ બિહાઈન્ડ મી. બટ આઈ વોઝ નોટ મચ ઈન્ટરેસ્ટેડ ઈન હર.’ નિખિલે એના માથામાં હાથ ફેરવતા કહ્યું.

‘વ્હાય? શી ઈઝ સો નાઈસ.’

‘શી ઈઝ નોટ ઓફ માય ટાઈપ. શી ઈઝ જસ્ટ ફોર ટાઈમ પાસ.’

‘ટાઈમ પાસ? ધેન વ્હોટ ઈઝ યોર ટાઈપ?’

નિખિલે માત્ર સ્માઈલ આપી અને પરમના સવાલનો કોઈ જવાબ ના આપ્યો.

‘એનો એક બોયફ્રેન્ડ હતો, જે ઘણા વખતથી અહીંયા જ શિફ્ટ થઈ ગયો છે. લાગે છે આ પણ એની પાછળ જ અહીંયા આવી ગઈ છે.’

‘ઓહ... રિયલી?’ પરમે જરાક ઉદાસી બતાવી.

‘તારે પણ ગર્લફ્રેન્ડ તો હશે જ ને?’ પરમે નિખિલને પૂછ્યું.

‘એમાં કંઈ પૂછવા જેવી વાત છે?’ નિખિલે હસીને કહ્યું.

હું એ લોકોની વાતો કુતૂહલતાથી સાંભળી રહ્યો હતો.

એટલામાં ડ્રાઈવરે બ્રેક મારીને કાર સાઈડમાં ઊભી રાખી. મારું ઘર આવી ગયું. એ દિવસે મેં નિખિલનું એક નવું રૂપ જોયું. નિખિલ અને પરમની માનિસકતાનું તારણ કાઢવામાં હું એવો ખોવાઈ ગયો હતો કે પોતાનું ઘર આવી ગયું છે એ વાતનું મને ધ્યાન જ ના રહ્યું.

‘મિરાજ... તારું ઘર આવી ગયું.’ પરમે મિરાજને હલાવ્યો.

‘ઓહ... યસ.’

‘ક્યાં ખોવાઈ ગયો?’ પરમે હસીને પૂછ્યું.

‘ક્યાંય નહીં. ચલો બાય. એન્ડ થેન્ક્સ પરમ.’

‘અરે... મેન્શન નોટ.’