પ્રકરણ:૨ અવૈધ
આજે પવન ફૂંકાઈ રહ્યો હતો. જો બે મિનિટથી વધારે સમય કાન ખુલ્લા રાખી બ્હાર ફરો તો કાનમાં દુખવા લાગે, માથું ચડે અને શરદી લાગવાની સંભાવના પણ વધી જતી. વાહનો પસાર થતાં બંધ થઈ ગયા હતા. અજવાળું પોંઢવા લાગ્યું. આવી તીવ્ર ઠંડીમાં સૌ પોત-પોતાના ઘરમાં અને ગરમ વસ્ત્રોમાં લપાઈ ગ્યાં’તા. પંખીઓનો કલરવ સંભળાતો બંધ થઈ ગયો. આકાશ આખું સાફ. એક પક્ષી ગગનમાં નહીં.
આદમી રખેપાતમાં આવ્યો. ખડકી ખુલવાનો અવાજ સંભળાતા અંદર હુક્કો ગગડાવતો ખેડૂત સજાગ બન્યો. તે ઊભો થઈ દરવાજા પાસે આવ્યો. જાળી પાસે ઉભેલા આદમીએ બંદૂક કાઢી અને સામે તાકી. પળ વારમાં ખેડૂતના કપાળમાં ગોળી ઉતારી દીધી. સૂતળી બોમ્બ ફૂટ્યો હોય એવો ધડાકો થયો, ખેડૂત જમીન પર ઢળી પડ્યો, માથામાંથી પ્રસરતી રક્તધારા જમીન પર જર્જરિત રેખા બનાવા લાગી. આખી શ્રુષ્ટિ નિર્જન, નિર્જીવ અને નીરવ બની ગઈ હતી. જાડ પરથી એક પંખી પણ કશી હરકતમાં ન આવ્યું. એવી નિર્મમ ટાઢ પડી રહી હતી. સૂર્ય ઢળી ગયો, આદમી જતો રહ્યો, ગોવાળિયાની લાશ હિમ થતી રહી.
*
એક થેલીમાં કાગળિયા લઈ આરવ ઓફિસ આવ્યો. હમણાં જે ખૂન થયું, એ દ્રશ્યની માનસિક કૃતિ તેને હેરાન કરી રહી હતી અને તે આંખો... ભેંસની એ નજર. તેમાં કઈક રહસ્યભાવ લાગી રહ્યો હતો. યંત્રવત રીતે તે લોકરરૂમમાં પ્રવેશ્યો, પાકીટ-મોબાઈલ લોકરમાં મૂક્યા. કાર્ડ સ્વાઈપ કરી અંદર આવ્યો. ઝારાએ તેને આવતા જોયો. તે તેના ડેસ્ક પર બેસ્યો, થેલીમાંથી ગીતના કેસની ફોટોકોપી કાઢી. ઝારા પાસે આવી. આરવને આવેલો જોઈ કેપ્ટન ભંવરે એને પોતાની પાસે બોલાવ્યો. થેલીમાં પાછા કાગળિયા ખોસી તે ઊભો થયો. ઝારા બેસી રહી.
“હું આવું, કેપ્ટનને મળીને.” તેણે ઝારાને કહ્યું.
વૃશ્વિક ભંવરનો ડેસ્ક બધાથી અળગો અને અલગ સ્થિતિમાં હતો. ત્યાંથી તેઓ સમગ્ર ઓફિસ જોઈ શકતા. તેમના ડેસ્કની આસપાસ કોઈ ન હતું. જેથી મોકળાશથી વાત કરી શકાતી. આરવને સામે ખુરશી પર બેસવા કહ્યું. પછી બોલ્યા:“કેમ આટલો લેટ આવ્યો આજ?”
“અમદાવાદ ગયો હતો. કમિશ્નર ઓફિસ.”
“જો હું એપ્રિસિયેટ કરું છું તારા એફર્ટ્સ. ગીતના જવાનું તને દુખ છે પણ એ ચાલી ગઈ છે. હવે એ પાછી આવવાની નથી. તો એ કેસમાં આમતેમ સમય ના વેડફિસ...”
“અરે, હું સાચે અમદાવાદ ગયો હતો.”
“લીવ ઈટ આરવ. સાંભળી લે મને. તને કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય તો મને પૂછ. બાકી ખોટો સમય ના બગાડીશ, ઓફિસના ટાઈમમાં.” કેપ્ટન તેની સામે જોઈ રહ્યા. આરવને લાગ્યું ચૂપ રહેવું જોઈએ. કેપ્ટનને ખ્યાલ આવી ગયો હતો કેમ મોડો આવ્યો હતો. તે ચૂપચાપ કેપ્ટનની વાત સાંભળી રહ્યો. બાદ પાછો ડેસ્ક પર ગયો. થેલીમાંથી ફોટોકોપી નિકાળી. એવી જ કોપી ભંવર પાસે હતી. ઝારાએ રાંદેસણ પોલીસ સ્ટેશનનો અહેવાલ માંગ્યો. આરવે આખી વાત જણાવી.
રાંદેસણ પોલીસ ચોકી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એક ગામ નજીક આવેલી છે. મુખ્યત્વે દિલદારસિંહ અને નવઘણ ચાવડા ત્યાં હાજર રહેતા. ઘરે જતી વેળાએ નવઘણ તાળું મારી ચાવી સાથે લઈ જતો. હાલ તે અને દિલદારસિંહ ફોનમાં લૂડો રમી રહ્યા હતા. વાદળી જીન્સ, ચેક્સ શર્ટ(ઇન સાથે), આંખો પર ગોગલ્સ અને પગમાં સ્નીકર્સ સાથે આરવ મોનાણી ચોકીના દરવાજે આવી ચઢ્યો.
“ઓહો... જોવો જોવો કોણ આવ્યું છે!” નવઘણ બોલ્યો. બે ક્ષણ બાદ ઉમેર્યું: “આઇ.બી.ના ડિટેક્ટિવ આરવ મોનાની.” દિલદારસિંહની નજર તેના પર પડી.
“નવઘણ કેટલી વાર કહ્યું તને... મારી સંસ્થાનું નામ જાહેરમાં નઈ લેવાનું.”
“જાહેરમાં? અહીં ક્યાં કોઈ છે? આપડા ત્રણ સિવાય?”
“આ કેમેરા તો છે ને?” કહી તેણે સી.સી.ટી.વી. તરફ આંગળી ચીંધી. પછી વાક્ય પૂરું કર્યું:”અને નામ મોનાણી છે, મોનાની નય.”
નવઘણ ચૂપ થઈ ગયો. મનમાં વિચારવા લાગ્યો:’સાલા ડિટેક્ટિવની નજર કેટલી તેજ છે!’ આરવે ચશ્મા ઉતારી શર્ટના ખીસામાં મૂક્યા, પછી અંદર પ્રવેશ્યો.
“આવ, આરવ...” દિલદારસિંહ ઊભા થયા.
“દિલદારભાય...” આરવે તેમની સાથે હાથ મળાવ્યો. તેમણે બેસવા કહ્યું.
“આભાર.” ખુરશી પર બેસતા તે બોલ્યો.
“શું ચાલે? તબિયત સારી?” દિલદારસિંહે પૂછ્યું.
“હોવ.”
“ઓકે. બોલો શું થયું હવે?”
“ગીતાંજલી ભંવરનો કેસ ક્યાં પહોંચ્યો છે?”
“ક્યાં પહોંચ્યો? પતી ગયો કેસ. ઇટ્સ ક્લિયર સુસાઇડ કેસ. બધુ બીજા જ દિવસે રેપપ કરી નાખ્યું. થેંક્સ ટુ યોર બોસ વૃશ્વિક ભંવર! એમણે જ બધી પ્રોસેસ ઝડપી કરાવી. ફોટોગ્રાફ્સ, ફોરેન્સિક રિપોર્ટ, ઇન્વેસ્ટિગેશન બધુ.” દિલદારસિંહે કહ્યું.
“તમને કઈ અજુગતું ના લાગ્યું?”
“શું?”
“ઘટનાસ્થળ પર તેણે કપડાં ચેન્જ કર્યા. કોઈ સુસાઇડ નોટ નહીં. કશુક તો હોવું જોઈએ ને?” આરવે તેને થતો પ્રશ્ન મૂક્યો.
“હવે, કપડાં તો કઈ... માણસ શૂટકોટ પે’રીને ના’વા થોડી જાય? તેણે અંડરગાર્મેંટ્સ પેરયા’તા.”
“તેના હાથમાં એક ટીશર્ટ હતી એનો શું અર્થ થયો?”
“ટીશર્ટમાં ક્લોરોફોર્મના સેમ્પલ મડ્યા’તા. એણે ક્લોરોફોર્મ હુંઘીને સુસાઇડ કર્યું’તુ.”
“કઈક મિસિંગ છે આમાંથી.”
“શું?”
“ખબર નય પણ આવી રીતે આત્મહત્યા કોઈ કરે એ માનવામાં નય આવતું.”
“હવે જે છે એ આ છે. તેનું બોડી બળી ગયું હતું, બીજી કોઈ ઈંજરિસ બોન્સમાં કે ઇન્ટરનલ ઓર્ગન્સમાં હતી નહીં. જો કોઈ એની હારે જબરદસ્તીથી મર્ડર કરે તો તેણે સામે કઈક તો પ્રતિક્રિયા આપી હોય ને? આફ્ટર ઓલ તે એક આઇ.બી.ની એજન્ટ હતી. એકલા હાથે ૪ આદમીને માત આપી દે એવી ટ્રેઇન્ડ ઓફિસર હતી. ઘરમાં તે એકલી હતી. બીજા કોઈના આવવા કે જવાના નિશાન સુધ્ધાં નથી મડ્યા. બીજું કોઈ હતું જ નહીં. તેણે પોતાની મરજીથી સુસાઇડ કર્યું છે.” દિલદારસિંહે કહ્યું.
“કોય કારણ સુસાઇડનું?” તેણે પૂછ્યું.
“બેય માણાં’ને મેરેજમાં બોવ બધા પ્રોબ્લમ ઊભા થયા’તા. એવું વૃશ્વિકનું નિવેદન હતું.” દિલદારસિંહના આ નિવેદનથી તેને ગીતે કીધેલી વાત યાદ આવી ગઈ: ‘વૃશ્વિકનું ક્યાંક અફેર છે. શું આ કારણથી તો તેણે...?’
“અને તે પાછી પેલી સાયકોલોજિકલ મરીજ છે.” દિલદારસિંહે કહ્યું. બે ક્ષણ બાદ ઉમેર્યું:“એવું એના મેડિકલ રિપોર્ટ્સમાં હતું. શું કે’વાય એને?” દિલદારે નવઘણને પૂછ્યું. નવઘણ ક્ષણવાર વિચારમાં પડ્યો. પછી તે અને આરવ સાથે બોલ્યા: ”બોર્ડરલાઇન ઇન્સોમીયાક.”
“હા, એવી માનસિક બીમારી છે. માણસ આખી રાત જાગે તો એવા જ વિચાર આવે ને? ખાલી ઘર શેતાનનું દિમાગ.” દિલદારસિંહ કહેવત ઉલ્ટી બોલ્યો પણ એના પર ધ્યાન આપવા કરતાં આરવ વિચારમાં પડ્યો. બે ઘડી શાંતિ જળવાઈ રહી. પછી તે બોલ્યો:”મને ઓટોપ્સીની રિપોર્ટ આપજો.”
“હા, ચાવડા ત્યાંથી ફાઇ…” દિલદારનું વાક્ય પતે એ પહેલા નવઘણ ઊભો થતાં બોલ્યો:”હા.” અને બીજા ટેબલ પર પડેલા ફાઈલોના થોકડામાંથી ગીતાંજલીની ફાઇલ કાઢી આરવને આપી. તે વાંચવા લાગ્યો.
કશી નવી માહિતી ન હતી મળી રહી. અંદર દર્શાવેલી તમામ નોંધથી તે વાકેફ હતો. તેને પોતાને પણ પ્રશ્ન થઈ રહ્યો હતો તે શું ખોળી રહ્યો છે? તેની શંકા યોગ્ય સ્થાને તો છે ને? બધા રિપોર્ટ્સ, બિડાણ અને કાગળિયા વાંચ્યા પછી પણ ધ્યાન આકર્ષે એવું કઈ ખાસ ધ્યાનમાં ન આવ્યું. લાગ્યું હવે અહીંથી પાછા જઉ જોઈએ.
“સારું. મને વારદાતના ફોટોગ્રાફ્સની કોપી મળશે?” તેણે દિલદારને પૂછ્યું.
“મારી પાસે એક જ છે.”
“ફોટોકોપી ચાલશે.”
“સારું.. ચાવડા લે આ...”
“હા.” કહી તરત નવઘણ પાસે આવ્યો અને ફાઇલ લઈ ફોટોકોપીના મશીન પાસે ગયો. નવઘણની આવી અતિશક્રીય કાર્યવૃતિને દિલદારે કટાક્ષમાં વખાણી:“જોયું, અમારા નવઘણ સાએબ ફૂલ સ્પીડમાં કામ કરે. આરોપીને ગુનો કરતાં પે’લા જ પકડી પાડે.”
“આરોપીને નય, ગુનેગારને.” નવઘણે સુધાર્યું. દિલદારસિંહ હસી પડ્યો. આરવ પણ ફિક્કું હસ્યો. થોડીવાર બાદ કોપી લઈ તે પાછો ફર્યો.
“ખરેખર એવા કારણથી ગીતે સુસાઇડ કર્યું હશે? જો કોઈ કેપ્ટન સાથે એવા આડા સંબંધમાં હોય તો તેણે ખોટું કર્યું. આ સુસાઇડ નય આ મર્ડર છે. તે માણસે ગીતનું ખૂન કર્યું છે. વળતી વેળાએ હું વિચારી રહ્યો હતો કે ત્યાં તારો કોલ આવ્યો.” તેણે ઝારાને કહ્યું.
“બાપ રે...” ઝારા બોલી. તે તૃપ્તિની સામે જોઈ રહી. તૃપ્તિ તેના લેપટોપ પર કામ કરી રહી હતી. ઝારાને લાગ્યું આરવને વાત જણાવી જોઈએ પણ એનાથી ગંભીર આરોપ તૃપ્તિના માથે આવી શકે એમ હતા. છતાં, વાત પરની રાખ હટાવા ફૂંક મારવી જ રહી, તો જ સત્યનો પ્રકાશ જળહળશે. બે ક્ષણ બાદ તે બોલી:”તને એક વાત કહું?”
“બોલ.”
“તેર તારીખે મેં તૃપ્તિ અને ગીતને રેસ્ટરૂમમાં એકબીજા સાથે વાત કરતાં સાંભળ્યા હતા...”
આરવનું ધ્યાન ફોટામાંથી ઝારા તરફ ગયું. ઝારા તેની નજીક આવી હળવેથી વાત કહેવા લાગી:“ગીત તૃપ્તિને પૂછતી’તી કે શું તેની અને વૃશ્વિક વચ્ચે કઈ છે?”
“ના હોય!” આશ્ચર્યથી આરવ બોલી ઉઠ્યો.
“હા.”
“પછી?”
“ના. કઈ નથી. એવું તૃપ્તિએ કીધું.”
“પછી?”
“પછી બંને ચૂપ રહ્યા. હું અંદર હતી તો જોઈ ના શકી પણ એટલું મને સંભળાયું હતું. તું સમજે છે ને હું શું કે’વા માંગુ છું?”
“એક સેકન્ડ, તે કહ્યું તેરમીએ બંનેને વાત કરતાં તે સાંભળ્યા…”
“હા.”
“’ને ચૌદમીએ ગીતે સુસાઇડ કર્યું.”
“બરાબર.”
“ચૌદ તારીખે તૃપ્તિ ઓફિસ આવી હતી?”
“ના... ખ્યાલ નહીં હો.”
“એ રાત ગીત વૃશ્વિકની રા’ જોઈ રય’તી. બંને હંગર આઈ(ગ્રાઉંડ ફ્લોરના કેફેટેરિયા)માં ડિનર કરવાના હતા. હું ત્યારે ઓફિસ આવી રહ્યો હતો. મેં એને એકલી બેસેલી જોઈ. હું પાસે ગયો. તેણે ટેબલ પર બધુ સજાવ્યું હતું, મેં એક બે બાઇટ ખાધા. પછી પૂછ્યું કેપ્ટન ક્યાં તો તેણે કહ્યું રસ્તામાં છે, આવે છે. સારું કહી હું નીકળી ગયો. અર્ધા કલાક બાદ હું પાછો કામથી નીચે આવ્યો ત્યારે પણ તે રા’ જોઈ રઈ’તી. કેપ્ટન આઈ ગયો’તો પણ તેને કોંસ્ટંટ કોલ આવી રહ્યા હતા. મને ગીતે જોયો, તેની પાસે બોલાવ્યો. હું ત્યાં ગયો, એણે મને ખાવાનું ઓફર કર્યું. તે થોડી ઉદાસ લાગી રહી હતી.
મને એમ કે કેપ્ટન આજે પણ બીઝી છે માટે એણે મોં ચડાવ્યું હશે. વિચાર્યું ન’તું ઘરે જઈને એ સુસાઇડ કરશે. યાદ નૈ આવતું એ દિવસે તૃપ્તિ ઓફિસ આવી હતી કે નહીં?” આરવ બોલ્યો.
“ઊભો રે’ જોઈ લઈએ.” ઝારા તેના પી.સી. પર ગઈ, મેઈલ ઓપન કર્યા અને એમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાની અટેંડન્સ ફાઇલ ખોલી. ૧૪ તારીખે તૃપ્તિ પ્રેઝન્ટ બતાવતી હતી.
“પ્રેઝેંટ બતાવે છે.” ઝારા બોલી.
“હેં?” ખરાઈ કરવા આરવ બોલ્યો.
“She was present on 14th feb.”
“કેવી રીતે?” તેણે-ઝારાએ તૃપ્તિને એ દિવસે ભાળી હોય એવું સ્મરણમાં આવતું ન’તું. બે ઘડી બાદ:
“બીજાને પૂછી જોઈએ, બની શકે આપડે ના જોઈ હોય પણ બીજાએ જોઈ હોય...”
“કોને? પટેલને અને રોનાલ્ડને?”
“હા.” ઝારાએ કહ્યું.
બાજુમાં પડેલા લેંડલાઇન ફોનનું રિસીવર ઉપાડી, નેલ્સન પટેલના ડેસ્ક પર કોલ લગાવ્યો. નેલ્સને એક્સટેન્સન નંબર જોયો, ખ્યાલ આવી ગયો કોણે કોલ કર્યો છે. તેણે એની સામે જોયું. ૪,૫ હરોળ પછી એ જ લાઇનમાં આરવ સામે બેઠો હતો. આરવ તેને જોઈ રહ્યો હતો. નેલ્સને ફોન ઉપાડયો.
“ચૌદમીનો ડ્રેસકોડ શું હતો? એ દા’ડે વેલેન્ટાઇન ડે હતો.” આરવ બોલ્યો.
“રેડ અને બ્લેક. ‘ને તમે કોઈને પણ રોઝ આપી શકો. જો એ રોઝ લઈ લે તો તમે એની સાથે ડેટ પર જય શકો; એ દિવસની એ તમારી વેલેન્ટાઇન.” રિસીવર ખભા વતી કાને રાખી કીબોર્ડ પર ટાઈપ કરતાં કરતાં તે બોલી રહ્યો હતો.
“અચ્છા.”
“બોલને શું થયું?”
“તે અને રોનાલ્ડે બધી છોકરીઓ જોડે ફોટા પડાવ્યા’તા ને એ દિવસે?
નેલ્સન હસવા લાગ્યો:“શું થયું અચાનક?”
“બસ એમ જ ફોટા જોવા છે. કોણ કેવું તૈયાર થયું હતું. ન્યુ જોઈનીવાળી છોકરીઓ સાથે ઓળખાણ નથી થઈ તો જોવીને શું છે આઇબીનું ભવિષ્ય.” આરવ બોલ્યો. ઝારા તેની સામે જોઈ સ્મિત કરી રહી હતી. તે મરક-મરક હસી રહ્યો.
“નવો માલ જોવો છે? એમ બોલને.”
“ના, ના એ રીતથી નય. સારું તું એ કહી દે એ દિવસે તૃપ્તિ આવી હતી?”
“ઓહો તૃપ્તિ! શું વાત છે? એ બાજુ તું ક્યારથી પડ્યો?”
“નથી પડ્યો ભાઈ.”
“અચ્છા, તો પ્લાનિંગ છે?
“ના.
“જો હોય તો કય દે. તો તને ખોટી મે’નત કરતો રોકું.”
“કેમ?”
“પાર્ટી ટેકન છે.”
“ઓફિશયલી? આઈ મીન પબ્લિકલી?”
“અનઓફિશયલી ઓફિશયલી ઇન ઓફિસ.”
“શું બોલે છે?”
“બે તું તો જાણે કઈ જાણતો ના હોય એમ બોલે છે.”
“શું?”
“શાણો ના બન ટોપા!”
“લે મને નથી ખબર સાચ્ચે. તું કહી દે તો ખબર પડે. એમાં પડું કે નય.”
“ના પડ. કશું છે નય એમાં.”
“કેમ?”
“તું યાર...”
“અરે કે’ તો ખરી. કોની વાત કરે છે?”
“મોટા સાએબ.
“ના...”
“હા...” કહી નેલ્સન હસવા લાગ્યો.
“ક્યારથી.”
“સાંભળ તારે આ બધી વાતો કરવી હોય તો મોન્ટુના ગલ્લે આવાવનું ચા-સુટ્ટા માટે. ન્યાં આરામથી આપડે વાત કરી શકીએ.”
“ગામમાં?”
“હા, રતનપુર.”
“સારું પણ એટલું તો કે’ એ દિવસે તૃપ્તિ આવી હતી કે નય?”
“ક્યારે?”
“ચૌદ તારીખે.”
“ના. એણે એસ.એલ. મારી હતી.”
“ઓકે.” તેણે ફોન મૂક્યો અને નેલ્સન તરફ હાથ ઊંચો કરી થમ્સ અપની સંજ્ઞા કરી. નેલ્સને પણ સામે એમ કર્યું.
“બોવ લપિયો છે પટેલ.” તે બબડ્યો.
“શું કીધું એણે?”
“તૃપ્તિએ એ દિવસે સિક લીવ લીધી હતી.”
“અરે રે... મને તો દાળમાં કઈક કાળું લાગે છે.” ઝારાએ ચિંતા દર્શાવી.
“તને લાગે છે એ ત્યાં ગઈ હશે?”
“ગીતના ત્યાં?”
તૃપ્તિ કેપ્ટનના ડેસ્ક પર લેપટોપ આપી, પોતાના ડેસ્ક પર આવી. તેને આવતા જોઈ આરવ-ઝારા ચૂપ થઈ ગયા. તૃપ્તિ આરવની સામે બેસતી. તેણે પી.સી. સ્ટાર્ટ કર્યું અને ખુરસી સેટ કરી, બંને બે ઘડી તેને જોઈ રહ્યા. પછી ફોટોકોપીમાં પરોવાયા. ફોટા જોતાં અચાનક એક બાબત ધ્યાનમાં આવી. તે દ્રશ્ય થોડું વિચિત્ર લાગ્યું, તે બોલ્યો:
“આ તને દેખાય છે? સ્ટૂલની પોઝિશન જો.”
ઝારાએ જોયું:”હમ્મ...”
“”આવી રીતે સ્ટૂલ આડું કેવી રીતે પડી શકે?” આરવ બોલ્યો. ઝારા વિચારવા લાગી. તૃપ્તિ બંનેને જોઈ રહી.
“તું શું કે’વા માંગે છે?” ઝારાએ પૂછ્યું.
“લાઇક, જે રીતે કેપ્ટને કહ્યું હતું, તે સ્ટૂલ પરથી કૂદી હતી. કૂદી હતી એટલે એના પરથી બાથટબમાં પડી. સ્ટૂલની હાઇટ અરાઊંડ સાડા ત્રણ કે પોણા ચાર ફૂટ હશે.”
“હમ્મ.”
“તો જો સ્ટૂલ પરથી કોઈ પડે તો સ્ટૂલ પણ એ દિશામાં પડવું જોઈએ પણ ફોટામાં ઊંધી દિશા બતાવી છે. સ્ટૂલના પાયા બાથટબ તરફ છે. પાયા બાથટબ તરફ હોય એનો મતલબ તે ફોર્સથી કૂદી હોવી જોઈએ પણ એવું થયું હોય એમ લાગતું નથી. તેણે ઓલરેડી એનેસ્થેસિયાના ડોસ માર્યા’તા, ક્લોરોફોર્મ સુંઘ્યું’તું. તે એટલી હોશમાં ના હોય શકે કે સ્ટૂલ પર ચઢીને કૂદી શકે. ઘેનમાં આવ્યા બાદ એવી સ્ટેબિલિટી રાખવી અઘરી બાબત છે...”
“બરાબર.”
“ચલો, તો પણ થોડી વાર માટે માની લઈએ તે સ્ટૂલ પરથી ફોર્સથી કુદવાનું મેનેજ કરી લે તો તેની પોઝિશન ઊંધી હોવી જોઈએ પણ ફોટામાં દેખાઈ આવે છે. બાથટબમાં તે સીધી છે...”
“બની શકે ને કે તે બાથટબમાં કુદયા પછી સીધી થઈ ગઈ હોય?” ઝારા બોલી.
“ના થાય એવું, કારણ જેવી તે બાથટબમાં પડી હશે એવી તરત તેની સ્કીન બળવા લાગી હશે. બાથટબમાંનું કેમિકલ તરત સ્કિનના લેયર બાળી નાખવાના શરૂ કરી દેશે. તેથી પડખું ફેરવવું અઘરું પડે ‘ને જો તેણે પડખું ફેરવ્યું હોય તો તેનો બીજો હાથ સેફ ન રહ્યો હોત. જે બ્હાર લટકે છે. પડખું ફેરવતા કેમિકલ ટચ થયું જ હોત પણ તેનો ડાબો હાથ સ્વસ્થ દેખાય છે.”
“તો કેવી રીતે એ કૂદી હોય?” કમ્પ્યુટરમાંથી માથું બ્હાર કાઢી તૃપ્તિ બોલી.
“એક જ શક્યતા મને લાગે છે, જેમ કેપ્ટને કહ્યું તે સ્ટૂલ પરથી ઊંધી કૂદી...”
“તે સ્ટૂલ પરથી પડી હતી. કેપ્ટને એવું કીધું હતું.” તૃપ્તિ બોલી.
“કેપ્ટને કીધું હતું તે સ્ટૂલ પરથી ઊંધી કૂદી હતી.” આરવ બોલ્યો.
“ના, ના. એવું ન હતું કહ્યું.”
“એવું જ કહ્યું હતું.”
“ઝારાને પૂછ...” તૃપ્તિ ઝારા સામે જોતાં બોલી.
બંને ઝારા સામે જોઈ રહ્યા. તે વિમાસણમાં મુકાઇ. કોઈનો પક્ષ લેવા ન હતી માંગતી:“મને ખરેખર યાદ નથી એક્ઝેટ શું બોલ્યા હતા.” તે બોલી.
“મને યાદ છે, કેપ્ટને કહ્યું’તુ તે બાથટબમાં પડી હતી. ‘ઊંધી કૂદી’ એવા શબ્દનો ઉપયોગ જ નથી કર્યો.” તૃપ્તિએ કહ્યું.
“યુ વોન્ટ પ્રોફ?”
“યાહ, આઇ વોન્ટ અ પ્રૂફ.”
“ઓકે.” આરવ બોલ્યો અને પીસીમાં કોંટેક્ટ લિસ્ટમાંથી રાજધીરસિંહનો નંબર નિકાળ્યો, બાદ લેંડલાઇનથી રાંદેસણ પોલીસ ચોકી કોલ જોડ્યો. રિંગ જઈ રહી હતી દરમિયાન તેણે તૃપ્તિને કહ્યું:“બ્હાર લોકરરૂમમાં ચલ. તને ભંવરનું સ્ટેટમેન્ટ સંભળાવું.” તૃપ્તિ મંદ ચીડ સાથે તેને જોઈ રહી.
“હલો...”
“હેલો. રાંદેસણ પોલીસ ચોકી.”
“દિલદારભાય...”
“બોલો ડિટેક્ટિવ.” ઇન્સ્પેક્ટર દિલદારસિંહ બોલ્યા.
“મને ગીતાંજલી કેસનું સ્ટેટમેન્ટ મોકલી આપશો?”
“કોનું સ્ટેટમેન્ટ?”
“વૃશ્વિક ભંવરનું.”
“એની શું જરૂર પડી?” ઇન્સ્પેક્ટરે પૂછ્યું.
“કેટલીક ડિટેલ એક્યુરેટલી જોઈએ છે. તમે મને વોટસપ કરી દો.”
“જી... મોનાણી એ કોન્ફિડેન્શિયલ છે. હું ના મોકલી શકું. તે મને ઓકવર્ડ પોઝિશનમાં મૂકી દીધો.” કહી દિલદારસિંહ કૃત્રિમ હસવા લાગ્યો.
“સારું. એક કામ કરો, અત્યારે ફોન પર જ પ્લે કરી દો. હું લખી લઉં છું.”
“ઓકે. તારું નશીબ સારું છે. હું ફાઇલ પિરાણા મોકલવાનો હતો. પાંચ મિનિટ પછી જો તે કોલ કર્યો હોત તો ચાવડા ફાઇલ લઈને નીકળી ગ્યો’ હોત.”
“બરાબર.”
“વેઇટ, હું પ્લે કરું છું.”
આરવે લાઊડ સ્પીકર પર ફોન મૂકી અવાજ ધીમો કર્યો. દિલદારસિંહ કમ્પ્યુટરમાં ફાઇલ શોધી રહ્યા. આરવે ઇશારાથી તૃપ્તિને પાસે આવવા કહ્યું, બાજુમાંથી ખુરશી ખેંચી. ત્રણેયે સ્પીકર નજીક કાન સરવા કર્યા. રેકોર્ડિંગ ચાલુ થયું.
(વૃશ્વિક ભંવર:)
“તારીખ ચૌદ ફેબ્રુઆરી ૨૦૨૦ની રાતે લગભગ અગિયાર, સવા અગિયારે ઓફિસથી હું મારા ઘેર આવ્યો. ઘરમાં એકદમ શાંતિ હતી. મેં અંદાજો લગાવ્યો ગીતાંજલી સૂઈ ગઈ હશે. હું અમારા બેડરૂમમાં ગયો પણ ત્યાં તે દેખાઈ નહીં. બધી લાઇટો અને પંખા બંધ હતા. બારીના કાચ બંધ. ક્યાંય કશો સંચાર થઈ ન હતો રહ્યો. તેણે સાંજે જે કપડાં પહેર્યા હતા, એ બેડ પર પડ્યા હતા તો મને લાગ્યું તે જરૂર નાહવા ગઈ હશે. મેં પછી મારા કપડાં ચેન્જ કર્યા. મારે પણ ફ્રેશ થવું હતું પણ ગીત બાથરૂમમાં ગઈ’તી. થોડીવાર આડો પડી મેં મારા મેઈલ ચેક કર્યા. પાંચેક મિનિટ થઈ ગઈ.
મેં ફિલ કર્યું બાથરૂમમાંથી કશો અવાજ નથી આવી રહ્યો કે ન કોઈ હલન-ચલન થઈ રહ્યું હોય. હું ઊભો થયો. ભળભાંખળી લાઇટના આછા અજવાળે મેં બાથરૂમ સુધીનો સફર પસાર કર્યો, મનમાં અજાણી બેચેની થઈ રઈ’તી. મેં બારણે ટકોર કરી. સામેથી કશો જવાબ ન આવ્યો. મેં ફરી દરવાજો ખખડાવ્યો અને બોલ્યો: ‘ગીત, તુ અંદર છો?
સામેથી કોઈ જવાબ ના આવ્યો. મેં ફરી પૂછ્યું:“ગીત, આર યુ ઇન ધેર? બે ઘડી એના જવાબની મેં રા’ જોઈ પણ તે કઈ બોલી નય. એટલે મેં કીધું: ‘હું અંદર આવું છું.’ બે ઘડી એના જવાબની રાહ જોતો ઊભો રહ્યો પણ કોઈ રિસ્પોન્સ ન આવતા, મેં દરવાજો ખોલ્યો.
અંદરનું દ્રશ્ય જોઈ હું શોક થઈ ગયો! મારી ધડકન બે ઘડી બંદ થઈ ગઈ અને પછી ફાસફસ ધડકવા લાગી. હું ખૂબ જ ડઘાઈ ગયો. એટલો ડર મને લાગ્યો કે મારા મોઢામાંથી એકાએક રાડ નીકળી ગઈ! બાથટબમાં ખૂનથી લથપથ ગીતની બોડી પડી હતી. જમીન પર સ્ટૂલ હતું, જે રીતથી સ્ટૂલ પડ્યું હતું મને લાગે છે તે એના પરથી બાથટબમાં પડી હશે.
(જેવુ છેલ્લું વાક્ય આવ્યું તૃપ્તિએ આરવને ઠોંહો માર્યો. આરવે શાંત રહેવા ઈશારો કર્યો અને આગળ વાત જાણવા જિજ્ઞાસુ બન્યો)
તેનું આખું બોડી બળી ગયું હતું અને ડાબો હાથ બ્હાર જુલતો હતો. તેણે, તેણે એ હાથથી ટીશર્ટ પકડી હતી. આ જોઈ... (ભંવર રડવા લાગ્યો) મારે એને બ્હાર કાઢવી હતી બટ... તે, હું... એણે ટબમાં એસિડિક કેમિકલ નાખ્યું હતું. હું એને... (ભંવરનો અવાજ જર્જરિત થઈ ગયો) બાદ મેં ૧૦૦ નંબર પર કોલ કર્યો અને ઘટનાની માહિતી આપી.”
સ્ટેટમેન્ટ પૂરું થયું.
“આભાર દિલદારભાય.” આરવ બોલ્યો અને રિસીવર મૂક્યું.
“જોયું, સાંભળી લીધું ને” ઠાવકાઈથી તૃપ્તિ બોલી.
“મને યાદ છે ત્યાં સુધી કેપ્ટને આપડને એમ જ કીધું’તુ તે ઊંધી કૂદી.”
“લો, એટલે તુ જ સાચો, બાકી બધા ખોટા!” તૃપ્તિ ઊભી થઈ લીધેલી ખુરશી જ્યાં હતી ત્યાં મૂકી પોતાના ડેસ્ક પર આવી.
“સારું ચલ પોઝિશન સ્પેસિફિક નથી પણ તુ સ્ટૂલની દિશા જો ફોટામાં દેખાઈ આવે છે. સ્ટૂલના પાયા બાથતબ તરફ છે. એનો અર્થ થયો કે તે ખૂબ જ પાવર લગાવી ધક્કો મારી કૂદી હોય પણ તે ઓલરેડી નશામાં હતી...”
‘લો હવે કે’ છે નશામાં હતી... હમડા હુધી એમ કે’તો તો કે તે ઘેનમાં હતી અને હવે કે’ છે નશામાં હતી. તુ શું ભાય બોલી રહ્યો છે ખબર છે તન?”
“આઈ મીન ઘેનમાં હતી...” આરવે સુધાર્યું. તૃપ્તિએ ચીડ સાથે માથું નકાર્યું અને કમ્પ્યુટરમાં પરોવાઈ. મનોમન બબડી: ‘કોણે આ ડફોળને આઇબીમાં લીધો હશે!’ આરવે પોતાનો પક્ષ કહેવાનો યથાવત રાખ્યો:”એનામાં એટલી તાકાત ન હોય કે તે એટલું જોર લગાવી શકે અને પોઈન્ટ ન ભુલશો જો એ સ્ટૂલ પરથી સીધી કૂદી હોય તો જ સ્ટૂલ જમણી બાજુ પડે અને તેનો ડાબો હાથ પણ બળ્યો હોય. પણ હાથ નથી બળ્યો. જો તે ઊંધી કૂદી હોય તો સ્ટૂલ આગળની તરફ પડવું જોઈએ અને પાયા પાછળ તરફ, પણ ફોટામાં પાયા આગળ દેખાઈ રહ્યા છે. મતલબ તે ધીરેથી જ ઊંધી બાથટેબમાં પડી હોવી જોઈએ.
બીજો પ્રશ્ન મને એ થાય છે કુદતા પહેલા તેણે ટીશર્ટ ઉતારી, તેના પર ક્લોરોફોર્મ લગાવ્યું. જો તેણે સ્ટૂલ પર બેસી ક્લોરોફોર્મ સુંઘ્યું હોય તો પાછળ તરફ પડવાની શક્યતા ઓછી છે. વ્યક્તિ બેભાન થઈ રહી હોય તો તેનું માથું આગળ તરફ ઝૂકે, નહીં કે પાછળ તરફ. તમારું બોડી એ સ્થિતિમાં આપોઆપ આગળ ઝૂકે. પાછળ ધકેલવા બળ લગાવું પડે. એનેસ્થેશિયાના બે શોટ અને ક્લોરોફોર્મ સુંઘ્યા પછી તને લાગે છે તે સ્ટૂલ પર ચઢી, ઊંધી બેસી, દમ લગાવી પાછળની દિશામાં પડી શકે?”
“સ્ટૂલવાળી વાત જરા ડાઉટફૂલ લાગે છે પણ બાથટબમાં કુદવાવાળી વાતમાં એવું નથી લાગતું. તે કેટલી અનકોનસિયસ હતી કોને ખબર? માણસ આગળ પણ ઝૂકી શકે અને પાછળ પણ. ડિપેન્ડ ઓન ઈંડિવિજ્યુઅલ.”(વ્યક્તિગત રીતે આધાર રાખે છે.) ઝારાએ જણાવ્યુ.
“સારું.” આરવ કામે વળગ્યો. ઝારા તૃપ્તિની બાજુમાં પોતાના ડેસ્ક પર ગઈ અને પીસી સ્ટાર્ટ કર્યું. દરમિયાન તેણે તૃપ્તિને કહ્યું:“તે ફોર્ટિન્થે એસ.એલ. લીધી’તી?”
“હા... કેમ?” અચાનક આવો સવાલ આવતા તે જરા અચકાઈ.
“શેરપોઈંટમાં પ્રેઝેંટ બતાડે છે, તો લીવ એપ્લાય કરી દેજે.”
“અચ્છા. અરે, મેં રોનાલ્ડને વાત કરી’તી. તેણે કીધું તે અપડેટ કરી નાખશે. પછી ખબર નય, ચલને હું જોઈ લવ છું. થેંક્સ!” તૃપ્તિએ કહ્યું.
ઝારાએ સ્મિત કર્યું અને પછી કામે વળગી. આરવ મૌન રહ્યો. ઝારા એને વિચારમાં વ્યસ્ત જોઈ વારે ઘડીએ સામે જોઈ રહી હતી. તેને ખબર હતી આરવ આમ ચૂપ તો નહીં જ બેશે, તેના મગજમાં જરૂર કઈ ચાલી રહ્યું હતું. તે પારદર્શક કાચની દીવાલ તરફ જોઈ રહ્યો.
અંધારું થઈ ગયું હતું. બ્હાર તમરા અને ઉડતા જીવાણુઓ હરકતમાં આવ્યા હતા. ગિફ્ટ સિટીમાં બે ઊભી ઊંચી ઇમારતો સિવાય તમામ વિસ્તાર વેરાન લાગતો. એમાંય આ ટાઢ. વાતાવરણ જડ બની ગયું હતું. એક તરફ અમદાવાદ શહેરની હદ શરૂ થતી હતી. ત્યાંની સિટીલાઇટ્સની ક્ષિતિજ ભારે આકર્ષક લાગતી. તેની સહેજ જમણી છેડે એરપોર્ટની લાઇટ્સ દેખાતી. અર્ધા પોણા કલાકે ફ્લાઇટ લેન્ડ કરતી/ટેક ઓફ કરતી. આવા અંધારામાં ફક્ત લાલ-લીલી લાઇટથી જ ખ્યાલ આવતો પ્લેન જઈ રહ્યું છે. બીજી તરફ વગડા જેવુ ગિફ્ટ સિટી. પાસે પાસે ખેતરો, બંજર અને બિનફળદ્રૂપ જમીન અને નાના ગામો. આવા જ એક ગામના સીમાડે રખેપાત પાસે ટોળું ભેગું થયું હતું.
રખેપાતમાંથી એક લાશ એમ્બ્યુલન્સમાં મુકાઇ. ઈન્સ્પેકટર દિલદારસિંહ અને સબઈન્સ્પેકટર નવઘણ ચાવડા મોકા-એ-વારદાત પર આવી ગયા હતા. બે દિવસમાં આ બીજી લાશ હતી, જે આવી વિકૃત પદ્ધતિથી મારવામાં આવી હતી. દિલદારસિંહે આ ખૂનીને પકડવાના મનોમન પ્રણ લીધા. જે ગોવાળિયા-ખેડૂતોનો જીવ લઈ રહ્યો છે. આ તરફ એ આદમી તેના ત્રીજા ટાર્ગેટને વીંધવા નીકળી પડ્યો હતો.
*
(ક્રમશ:)