A - Purnata - 24 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 24

Featured Books
Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 24

વિકીએ રેનાનો જીવ બચાવ્યો એ જાણી હેપ્પી વિકીને ભેટી પડી. સૌ હસતાં મસ્તી કરતાં જ્યાં બધા ટેન્ટ બનાવી રસોઈની તૈયારી કરતાં હતાં ત્યાં પહોંચ્યા. તેમને જોઈને પ્રોફેસર પહેલા તો ખિજાઈ ગયાં.
"આટલી બધી વાર લાગે કઈ પાણી ભરીને આવતાં? અહી અમે બધા કેટલી ચિંતા કરતાં હતાં કે તમે જંગલમાં ક્યાંક ભૂલા તો નથી પડ્યાં ને."
"અરે, સર અમે ક્યાંય ભૂલા નથી પડ્યાં પણ એક ઘટના એવી ઘટી કે અહી પહોંચતા મોડું થઈ ગયું." આમ કહી પરમે આખી વાત પ્રોફેસરને કહી. જે સાંભળી પ્રોફેસર બોલ્યા, "વિકી, મને તારા પર ગર્વ છે કે તે રેનાનો જીવ બચાવ્યો." આમ કહી બધાએ વિકી માટે તાળીઓ વગાડી.
"સર, એ મારી ફરજ હતી. એમાંય રેના તો દોસ્ત છે મારી. એને થોડું કઈ થવા દઉ."
મિશા વિકીને જોઈ જ રહી. જેવા બધા આડા અવળાં થયા કે તે તરત જ રેના અને વિકી પાસે પહોંચી ગઈ.
"રેના, તું ઠીક છે ને? વિકી, તું પણ ઠીક છે ને?"
રેના અને વિકી બંને એ માથું હલાવી હા પાડી.
રસોઈની મોટાભાગની તૈયારી થઈ ગઈ હતી. રેના અને વિકી ભીના હતાં એટલે તેમણે પોતાના ટેન્ટમાં જઈ કપડાં બદલ્યા. રેનાએ ફરી બ્લેક લેગીન્સ અને રેડ કલરની કુર્તી પહેરી લીધી. તેના વાળ ભીના હતાં એટલે તે વાળ ખુલ્લા કરી એક ઝાડ નીચે બેઠી. હેપ્પી પણ ત્યાં આવીને બેઠી.
"હેપ્પી, તું હમેશા વિકી પર શંકા કરે છે ને પણ જો આજ તે ન હોત તો મારું શું થાત? તે ખરેખર સારો છોકરો છે."
હેપ્પી હજુ કઈ બોલવાં જાય એ પહેલા જ વિકી પણ આવીને હેપ્પીની બાજુમાં બેઠો એટલે હેપ્પીએ કઈ ન બોલવું જ યોગ્ય માન્યું.
એટલામાં જ ઉપરથી એક ચકલી હેપ્પીના ખભા પર ચરકી. આ જોઈ હેપ્પી બોલી, "છી....ચકલી ચડ્ડી પહેરતી હોય તો."
આ સાંભળી વિકી ખડખડાટ હસ્યો અને બોલ્યો, "હેપ્પી કરેકશન કર...ચડ્ડી નહિ... ડાયપર પહેરતી હોય તો...ચડ્ડીમાંથી તો કદાચ..." એમ કહી વાક્ય અધૂરું મૂકી ફરી હસવા લાગ્યો.
આ બન્નેની કૉમેન્ટ સાંભળી રેના પણ ખડખડાટ હસી. "ચકલી કઈ નાનું બાળક છે તો ડાયપર પહેરે!!"
હવે પોતાની જ કૉમેન્ટ પર હેપ્પી પણ હસી પડી. "હું આ ચકલીનું છી છી સાફ કરતી આવું." આમ કહી તે જતી રહી.
રેના અને વિકી ફરી એકલાં પડ્યાં. અધૂરી વાત પૂરી કરવા માટે વિકીએ ફરી પૂછ્યું, "રેના, તે કહ્યું નહિ કે તને કોઈ મર્યાદાપુરુષોત્તમ કેમ ન મળ્યો હજુ સુધી."
"તારી પિન હજુ ત્યાં જ અટકી છે?"
"મને જ્યાં સુધી કોઈ વાતનો સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી હું એનો તંત મૂકું નહિ."
"અને મારે જવાબ ન આપવો હોય તો? એમ તો હું પણ પૂછી શકું ને કે હજુ સુધી તારી કોઈ ગર્લફ્રેન્ડ કેમ નથી?"
"કોઈ મળ્યું જ નહિ એવું જે પહેલી નજરે દિલમાં વસી જાય." પછી વિકી મનમાં જ બોલ્યો કે હવે મળી ગઈ છે એવી જે પહેલી નજરે દિલમાં વસી ગઈ છે.
"તો બસ...એવું જ કઈક માની લે કે મને એવું કોઈ મળ્યું જ નહિ. આમ પણ હું આવા બધામાં નથી માનતી. મારું ફોકસ મારા ભણવા પર જ રહે એ જ ગમે છે મને. બાકી તમારા બધા જેવા મિત્રો છે જે મારી જિંદગીને કલરફૂલ રાખે છે. મારે કોઈ બોયફ્રેન્ડની જરૂર જ નથી."
વિકી હજુ આગળ કોઈ વાત કરે એ પહેલા જ હેપ્પીની બુમ સંભળાઈ, "વિકી, રેના, જમવાનું બની ગયું છે. ચાલો જલ્દી ..."
રેના તરત જ ઊભી થઈ ચાલવા લાગી પણ વિકી ત્યાં જ વિચારતો ઉભો રહ્યો કે રેના ખરેખર આવી લાગણીમાં નહિ માનતી હોય તો પોતે શું કરશે? રેનાએ પાછળ ફરીને જોયું તો વિકી હજુ ત્યાં જ ઉભો હતો એટલે તેણે કહ્યું, "હું હેપ્પીને કહી દઉં કે તારા ભાગનું ભોજન પણ એ જ કરી લે. તારે આજે ઉપવાસ છે એમ."
"હે? ના..ના..આવું છું...મને તો બઉ ભૂખ લાગી છે. એ જાડી તો એક ટાઈમ નહિ જમે તો પણ ચાલે એમ છે."
"એય...એની સાંભળતા જાડી બોલીશ તો ખબર છે ને કેવી હાલત થશે?" રેનાએ આટલું કહ્યું ત્યાં તો વિકીને જૂની ઘટના યાદ આવી ગઈ એટલે તેણે કાન પકડ્યા, "સોરી."
રસોઈમાં છાલવાળા રસાદાર બટાકાનું શાક, પૂરી , કઢી અને ભાત હતાં. સાથે છાશ અને ગોળ પણ. સેલ્ફ સર્વિસ હતી જમવામાં. સૌએ પોતપોતાની રીતે ડીશ બનાવી અને ઝાડના છાંયડે બેઠક જમાવી.
પરમે શાક અને પૂરીનો બટકો મોઢામાં મૂકતા જ બોલ્યો, "વાહ! ટેસ્ટી છે રસોઈ."
મિશા બોલી, "કુદરતી વાતાવરણમાં અને ચૂલા પર બનેલી રસોઈ તો મીઠી જ થાય."
"હા, એ પણ છે. આપણે જ કુદરતથી દુર ભાગીને આ બધો લહાવો ગુમાવ્યો છે." પરમ બોલ્યો.
હેપ્પી બોલી, "ભૂખ લાગે એટલે બધું મીઠું જ લાગે."
"તને તો ભૂખ ન હોય તોય બધું મીઠું જ લાગે કેમકે તું ખાવા માટે ચોવીસ કલાક તૈયાર જ હોય." વિકીએ કહ્યું.
"હા, વિકી એટલે જ હું તારી જેમ કુપોષિત નથી."
"હા, તું તો વધુ પોષિત છે. અમારા જેવાના ભાગનું પણ તું જ તો ખાય છે." વિકીએ મોઢું બગાડ્યું.
વાત ફરી વધે એ પહેલા જ રેના બોલી, "સાંજે આપણે મંદિરની આજુબાજુ સફાઈ કરવાની છે એવું પ્રોફેસર કહેતાં હતાં. પ્લાસ્ટિકથી જંગલ પ્રદૂષિત કરીએ તો સફાઈ પણ કરવી એ આપણી નૈતિક ફરજ પણ છે."
બધાએ રેનાની વાતમાં સુર પુરાવ્યો. આ બધા વચ્ચે હેપ્પી તો મસ્ત જમવામાં જ મગ્ન હતી. તેણે ગોળને પુરીની વચ્ચે મૂક્યો અને જેમ રોટલીનું પપૂડું વાળીએ એમ પુરીનું પપુડું વાળ્યું. આ જોઈ વિકી બોલ્યો, "તું ખરેખર અજાયબી છે હો. રોટલીમાં ગોળ મૂકી પપુડું વાળતાં બધાને જોયા પણ તું તો પુરીમાં પણ...."
"માણસે કશુંક નવું ટ્રાય કરતાં રહેવું જોઈએ." હેપ્પીએ અધવચ્ચે જ એની વાત કાપીને કહ્યું. જે લિજ્જતથી હેપ્પી એ પુરીનું ગોળવાળું પપૂડું ખાઈ રહી હતી એ જોઈને એમ થાય કે ખરેખર ભોજનનો આનંદ લેવાનું તો હેપ્પી પાસેથી જ શીખવું જોઈએ.
હેપ્પી અચાનક જ બોલી, "વિકી, તને એમ હશે ને કે હું ખાઉધરી છું એટલે મને નવું નવું અને સારું સારું ભોજન કે વાનગીઓ જ ભાવતી હશે?"
વિકીએ માથું હલાવીને જ હા પાડી.
"તો તને કહી દઉં કે એવું જરાય નથી. પેલી કહેવત છે કે ' ઊંઘ ન જોવે પથારી અને ભૂખ ન જોવે ભાણું.' હા, હું ખાવાની શોખીન જરૂર છું પણ મારી થાળીમાં જે કંઈ પણ આવે તે અન્નનો આદર કરી લિજ્જતથી જમતાં મને આવડે છે. પછી એ છપ્પન ભોગ હોય તોય ભલે અને મીઠું અને રોટલો હોય તો પણ ભલે. હું રોજ જમતાં પહેલા ભગવાનનો આભાર માનું છું કે મને આટલું સારું ભોજન મળી રહે છે. બાકી દુનિયામાં કેટલાય એવા લોકો છે જે ભૂખ્યા જ સૂઈ જતાં હોય છે."
વિકી થોડીવાર હેપ્પીના ચહેરા સામે જોઈ જ રહ્યો પછી બોલ્યો, "આ જંગલમાંથી તારી અંદર કોઈ ભૂત આવી ગયું છે કે શું? તું હેપ્પી જ છે ને?"
( ક્રમશઃ)
હેપ્પીના વિચારો જાણી વિકીનો હેપ્પી પ્રત્યે અભિપ્રાય બદલાશે?
રેના સુધી વિકીની લાગણી પહોંચશે ખરી?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.