મિર્ઝાપુર 3
- રાકેશ ઠક્કર
છેલ્લા ચાર વર્ષથી જે વેબસિરીઝની રાહ જોવાતી હતી એ ‘મિર્ઝાપુર 3’ ના દસ એપિસોડ એકસાથે જોયા પછી છેક છેલ્લા એપિસોડમાં ફરિયાદ દૂર થઈ જાય છે. ‘મિર્ઝાપુર’ ના ચાહકો નિરાશ થવાના નથી. સનક, સરપ્રાઈઝ અને શૉક વેલ્યૂ એની યુએસપી રહી છે. પણ હિંસા અને અપશબ્દો બાબતે કહેવું પડશે કે નબળા દિલવાળા અને પરિવાર સાથે જોનારા દર્શકો માટે આ વેબસિરીઝ નથી. જો આ સીરિઝ ફિલ્મ તરીકે રજૂ કરવાનો પ્રયત્ન થયો હોત તો પુખ્ત વયનાનું સર્ટિફિકેટ આપીને પણ રજૂ થાય એમ ન હતી. એના પર પ્રતિબંધની માંગ થઈ ગઈ હોત.
સમીક્ષકોને લોકપ્રિય રહેલી આ વેબસિરીઝની એક વાત એ પણ ખટકી કે નૈતિકતા જેવી કોઈ વસ્તુ જ એમાં રાખી નથી. કોઈ એક એવું પાત્ર નથી જેની પાસે નૈતિક્તાની આશા રાખી શકાય. કોઈ પાત્ર એવું જરૂર હોવું જોઈએ જેને દર્શકોનો સહયોગ મળે. જે કાળો અને કુરૂપ સંસાર રચવામાં આવ્યો છે એ માત્ર મનોરંજન માટે જ છે. નિર્દેશક ગુરમિત સિંહ અને આનંદ ઐયરે આ વખતે મારધાડ સાથે રાજકારણને કેન્દ્રમાં રાખ્યું છે. પહેલી અને બીજી સીઝન જેટલી હળવી ક્ષણો નથી. એમાં શૉક વેલ્યૂ શરૂઆતથી જ રહી છે. હવે એ વિશેષતા બની રહી નથી. દરેક પાત્ર પોતાના વ્યક્તિત્વથી અલગ કરતો દેખાય અને સરપ્રાઈઝ આપે એનું પુનરાવર્તન જ થાય છે.
અંતમાં મુખ્ય પાત્રો જે કરે છે એની કોઈને અપેક્ષા ન હતી. આ વખતે વળી મુખ્ય પાત્રો કરતા સહયોગી પાત્રોને વધારે આગળ કરવામાં આવ્યા છે. એક નવો ફેરફાર એ છે કે મહિલા પાત્રોને મહત્વ આપવામાં આવ્યું છે. દર વખતની જેમ માત્ર પુરુષોની દ્રષ્ટિએ વાત નથી. એક વાત નિરાશ કરશે કે કોઇ લવસ્ટોરી સંપૂર્ણ થતી નથી.
‘મુન્ના ભૈયા’ ની ગેરહાજરી વધારે સાલે છે. ‘કાલીન ભૈયા’ પંકજ ત્રિપાઠી માટે જ ‘મિર્ઝાપુર 3’ જોતાં દર્શકોએ દસમા એપિસોડ સુધી એની રાહ જોવી પડે છે. પંકજને મહેમાન કલાકાર બનાવી દીધો છે. પહેલી સીઝન પંકજને એજ હતી. ત્યારે કોઈને કલ્પના નહીં હોય કે એની ભૂમિકા આટલી રહી જશે. ‘ગુડ્ડુ ભૈયા’ અલી ફઝલને થોડી તક મળી છે. અને એણે જ થોડી લાજ બચાવી છે. ‘બીના’ રસિકા દુગ્ગલ કે ‘ગોલૂ’ શ્વેતા ત્રિપાઠી કશું નવું કરી શકી નથી. ‘મુન્ના ભૈયા’ ના મોત પછી ‘મિર્ઝાપુર’ ની ચમક ઘટી ગઈ છે. એની કમી ખટકે છે. વિજય વર્માનું કામ સારું છે પણ પાત્રલેખન નબળું રહી ગયું છે.
નવ એપિસોડ સુધી વાર્તા કાચબાગતિએ ચાલે છે. વાર્તાનો વિકાસ કરવામાં એટલો સમય લીધો છે કે ઘણા કંટાળો અનુભવશે કે વચ્ચેથી જ છોડી દેશે. જો સાતમા એપિસોડથી જોવામાં આવે તો પણ ચાલે એમ છે. છેલ્લા એપિસોડ સુધી ધીરજ રાખનારને મીઠા ફળ જરૂર મળે છે. દસમો એપિસોડ ખતરનાક બનાવ્યો છે અને ચોથી સીઝન માટે એક સરપ્રાઈઝ રાખી છે. જોરદાર એક્શન દ્રશ્યો, કોર્ટરૂમ ડ્રામા, ગુડ્ડુનો જલવો, સીવાનમાં હુમલો, ગુડ્ડુ અને શરદની સીકવન્સ જેવા કેટલાક ઉલ્લેખનીય દ્રશ્યો સાથે ક્લાઇમેક્સ પૈસા વસૂલ ગણાય એવો છે.
મોટાભાગના સમીક્ષકોની સલાહ છે કે હવે વેબસિરીઝનો અંત આવી જવો જોઈએ. કેમકે પહેલી અને બીજી સીઝનની સરખામણીએ દર્શકોને ‘અમેઝોન પ્રાઇમ વિડીયો’ ની સૌથી વધુ લોકપ્રિય ગણાતી અને ક્રાઇમ સીરીઝની શરૂઆત કરાવનારી ‘મિર્ઝાપુર’ ની ત્રીજી સીઝનમાં દર્શકોને બહુ મજા આવી નથી. ‘મિર્ઝાપુર 3’ ના ટ્રેલર પછી માટે જે ઉત્સાહનો માહોલ ઊભો થયો હતો એ પ્રમાણે બની નથી. એવું લાગે છે કે ‘મિર્ઝાપુર’ નું નામ ઘણું થયું હતું એટલે ત્રીજી સીઝન બનાવી દીધી છે. ‘મિર્ઝાપુર 3’ ને કલાકારોના સારા અભિનયને કારણે જ પાંચમાંથી ત્રણ સુધી સ્ટાર મળ્યા એ પરથી જ ખ્યાલ આવી જશે કે એમાં કેટલી ખામીઓ રહી ગઈ છે. જાણે એનો ‘ભૌકાલ’ જ ખતમ થઈ ગયો છે.