પ્રેમસમાધિ
પ્રકરણ-85
નારણની ગાડી દમણથી બહાર નીકળી અને નારણનો દાબી રાખેલો ગુસ્સો ફુટ્યો. એણે ગાડી રોડની એક સાઇડ દબાવી એને થયું આક્રોશના ઉછાળામાં ડ્રાઇવીંગ બરાબર નહીં થાય. એણે ગુસંસામાં સતીશ સામે જોયુ અને બોલ્યો "દારૂ પીધાં વિનાનો રહી ગયેલો સાલા નાલાયક, નપાવટ.... શું શું બકી ગયો હતો તું બધા સામે ? ખાસ કરીને કાવ્યા કલરવ સામે ? આપણાં ટંડેલ કુટુંબોમાં દારૂ પીવો માછલી માંસ ખાવું નવાઇ નથી... નથી કોઈ રોક ટૌક પણ..”.
મંજુબેન વચ્ચે પડીને બોલ્યાં... “તમે અને વિજયભાઈ ક્યાં ઓછું પીવો છો ? જુવાન છોકરો છે બીચ પર ગયેલાં મન થયું પીધો આમાં આટલાં બધાં અકળાવો કેમ ? શું ગુનો કર્યો મારાં છોકરાએ ? “
નારણભાઇએ મંજુબેન સામે જોતાં કહ્યું “દારૂ પીધો એનો વાંધો નથી કે નહીં હોય... તકલીફ એ છે કે એને પચતો નથી ઉપરથી... પીધાં પછી લવારી કરે છે ના બોલવાનું બોલે અને ના જણાવવાનું જણાવી દે છે કોઇ વાર મોટી મુશ્કેલીમાં પડી જશે. હું એનો બાપ છું સમજાવું કે નહીં ? માયા દીકરા આ શું ઓકી મર્યો છે કલરવ કાવ્યા સામે ?”
માયાએ પહેલાં સતિષ સામે જોયું પછી બોલી "પાપા આમ તો કશું ખાસ નથી બોલ્યાં ભાઇ... એટલું કીધુ સુરતમાં પીવાની મજા ના આવે દમણમાં દારૂની છૂટ છે અહીં મજા આવે... હાં અને બોલેલાં.. ડુમ્મસ પણ પીવાની મજા આવે મિત્રો સાથે...”. ત્યારે કલરવે પૂછ્યું ડુમ્મસ વિજયઅંકલની હોટલે ?”
“ત્યારે ભાઇએ કહ્યું ના રે ના ત્યાં નથી જતો ત્યાં જઊં તો મારી હાજરીની ખબર પડે હું તો....” ત્યાં નારણથી રહેવાયું નહીં એણે કહ્યું “શું બકી મર્યો ? પરવેઝની વાત કાઢેલી ?”
ત્યાં સતિષ મરણીયો થઇને બોલ્યો “નાં ભાઇ ના કશું નથી બોલ્યો આમ શું પાછળ પડી ગયાં છો ? મને સમજ નથી પડતી ? ક્યાં શું બોલાય ક્યાં ના બોલાય ?”
નારણે કહ્યું “તો સારું છે નહીંતર..” પછી એ ગંભીર અને ડરામણી ચિંતામાં પડી ગયો માયાએ સતિષ સામે જોયું સતિષે ઇશારામાં આગળ ન બોલવા આજીજી કરી, માયા ચૂપ થઇ ગઇ. નારણ કહે “તારાં પીવામાં વાંધો નથી પીધાં પછીની લવારી કોઇવાર તને ખૂબ ખરાબ રીતે ફસાવી દેશે હવે ધ્યાન રાખજે..”. કહી ગાડી સ્ટાર્ટ કરી....
***************
કલરવે કહ્યું "અંકલ ખરી વાત તો હવે શરૂ થાય છે સાંભળો..” કલરવ હજી કહેવા શરૂ કરે ત્યાં વિજયનો મોબાઇલ રણક્યો. વિજયે સ્ક્રીન પર જોયું સાથે સાથે સમય જોયો.... આટલી રાતે ભાઉનો ફોન ? એણે તરતજ ફોન રીસીવ કર્યો અને બોલ્યો" હાં ભાઉ"...
સામેથી ભાઉએ વિજયને બધી માહિતી આપવા માંડી કાવ્યા અનો કલરવ બંન્નેની નજર વિજયનાં ચહેરાં પર હતી વિજયનાં હાવભાવ બદલાઇ રહેલાં એનો ચહેરો ચિંતાગ્રસ્ત અને તાણપૂર્ણ હતો.વચ્ચે વચ્ચે થોડી રાહત થતી હોય એવું લાગે પણ કંઇ સમજાઇ નહોતું રહ્યું...
વિજયે બધી વાત સાંભળી અંતે બોલ્યો "ભાઉ તમે એનાં સંપર્કમાં રહો.. સારું છે તમારે સંપર્ક ચાલુ છે બધી માહિતી મળી હું અત્યારેજ શીપ પર આવું છું બધાને રેડી કરો આપણે શીપ લઇને નીકળીએ છીએ રાહ જુઓ હું આવુ અને સુમનને પણ.. આવુ પછી વાત..”.
વિજયે ફોન મૂક્યો તરત કલરવે પૂછ્યું "શું થયું અંકલ ? સુમન સાથે આવે છે... હું પણ આવું ? મારે પણ તમારી સાથે ઘણી વાત કરવી છે મેં નિર્ણય લીધો છે કે હું.. “ વિજયે કહ્યું “કલરવ સમય આવ્યે બધું તને કહીશજ સુમન સાથે લઊં છું કારણ કે શીપ અંગે જાણવું એને જરૂરી છે બીજું અહીં કાવ્યા એકલી છે મારે જવુ પડે એવી સ્થિતિ છે તું અને કાવ્યા અહીં રહો આપણે ફોનથી સંપર્કમાં રહીશું....”
કાવ્યાએ કલરવ બોલે પહેલાં ક્હ્યું "પાપા આમ અચાનક તમે પાછા ... ? હમણાં તો શીપ પર જઇને આવ્યા ફરીથી ? એવું તો શું ચાલી રહ્યું છે ? જરૂર પડે કલરવને સાથે લઇ જાવ મને શેનો ડર ? અહીં બધો સ્ટાફ છેજ પણ હવે આ અસમંજસ અને પ્રવાહી સ્થિતિ મને સહન નથી થતી મંમી હતાં ત્યારે પણ.. આખી જીંદગી એમની તમારી રાહ જોવામાં ગઇ.. મારે કશું નથી જોઇતું પણ તમે મારી સાથે રહો સલામત રહો એજ માંગુ છું..” એમ કહેતાં કહેતાં કાવ્યા રડી પડી...
વિજય થોડો નરમ પડ્યો એને લાગણી થઇ આવી એ બોલ્યો “દિકરા થોડી ધીરજ રાખ હું તારો બાપ છું મને ખબર છે મારી તારાં પ્રત્યેની ફરજો છે પણ આ ખૂબજ અગત્યની ફરજ મને બજાવી આવવા દે પછી તું કહીશ એમ રહીશ” પછી કલરવની સામે જોઇને કહ્યું "કલરવ હું પાછો આવીશ પછી શાંતિથી તને સાંભળીશ.. તને ક્યાંય અન્યાય નહીં થાય એની ખાત્રી આપું છું સુમનને લઇ જવો પડે એ પણ કારણ છે.. “
કાવ્યાએ કહ્યું "પણ પાપા વરસાદ ચાલુ થયો છે તમે..” વિજયે હસતાં હસતાં કહ્યું "શીપ પર રહેનારાં દરિયો ખેડનારા કેટલાય તોફાન.. વરસાદ વાવાઝોડાનો સામનો કરે છે આ વરસાદ તો અમી છાંટણાં કહેવાય... હું નીકળુ પછી ફોનથી સંપર્કમાં રહીશ ટેઇક કેર દીકરા...”
વિજય એમ કહી પોતાનાં રૂમમાં જઇ તૈયાર થવા લાગ્યો. એણે યાદ કરીને ખાસ પોતાની ખાનગી રીવોલ્વર લીધી સાથે બુલેટ્સ લીધી અને થોડાં પૈસાનાં બંડલ લીધાં નાની એટેચી સાથે ઝડપથી નીચે આવ્યો...
કાવ્યા અને કલરવ બંન્ને જાણે તાણમાં બેઠાં હતાં વિજયે કહ્યું “બી રીલેક્ષ... કંઇ ચિંતા નથી અમે ખારવા ટંડેલનાં જીવન આવાંજ હોય ક્યારે ખેપ મારવા નીકળવું પડે ખબર નથી ક્યારે અને ક્યાં કાળ ખેપ કરી જાય ખબર ના પડે પછી કાવ્યાને પોતાની પાસે બોલાવી ગળે વળગાવી અને બોલ્યો "દીકરા ચિંતા ના કરીશ.. હું તારુ મન, આંખો અને દીલ વાંચી શકું છું તું જેમાં ખુશ રહે એજ હું કરીશ એજ તને આપીશ.. બસ એક ફરજ પુરી કરીને આવુ જે પુરી કરવા હું દિવસ રાત પ્રાર્થના કરતો રહ્યો છું”.
કાવ્યા વિજયનાં છેલ્લા વાક્યો સાંબળી આખમાં આંસુ સાથે વળગી પડી બોલી "પાપા આઇ લવ યુ મને તમારાં ઉપર સંપૂર્ણ ભરોસો છે મેં..”. પછી ચૂપ થઇ ગઇ અને કલરવ તરફ નજર કરી.
વિજયે સમજીને કલરવ તરફ નજર ના કરી અને બાય કહીને સડસડાટ ઘરની બહાર નીકળી ગયો ત્યારે ઘરની ઘડીયાળનાં રાત્રીનાં 12 વાગ્યાનાં ડંકા થયાં જે બહાર વરસાદ અને વાદળનાં ગડગડાટમાં શમી ગયાં. કાવ્યા એ પાપાને જતા જોઇ કલરવની સામે જોયું અને બોલી “પાપા આજે મને કંઇક જુદા જ લાગ્યા.... કલરવ.... “
વધુ આવતા અંકે ---- પ્રકરણ-86