સાંજનો પાંચ વાગ્યાનો સમય હતો. હજી સૂરજ આથમવાને વાર હતી. છતા અંધારુ થવા લાગ્યુ હતુ. ઠંડો સૂસવાટા મારતો પવન ઝઙપથી ફૂંકાતો હતો. આકાશમા કાળા ડિબાંગ વાદળો દોડતા સ્પષ્ટ દેખાઈ આવતા હતા. આકાશમા પંખીઓ પણ આમતેમ ઉડતા કલરવ કરતા વાતાવરણમા એમના કલરવનો મધુર તાલ મિલાવી જાણે કોઈ સંગીતની ધૂન બનાવતા હોય, એવુ આહલાદક વાતાવરણ બનાવી રહ્યા હતા. એના લીધે સૌ કોઈની નજર આ નયન રમ્ય દ્રશ્ય પર મંડાતી. એટલામા વીજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ શરુ થયો. વિધિ પોતાના બેડ પરથી ઊભી થઈ બારી પાસે આવી. તે ણે બારીને અધ ખૂલ્લી રાખી તેમાથી હાથ બહાર કાઢી વરસાદના છાંટાને હાથમા ઝીલવા લાગી. તેના નિસ્તેજ અને ઉદાસ ચહેરા પર એક નાનકડી હાસ્યની રેખા ઉપસી આવી.
તે બારી પાસેજ ઊભી રહી ગઈ. અને બારીમાથી બહાર ગાર્ડનમા વરસાદમાં પલળતા બાળકોને જોઈ રહી હતી. બાળકો આમતેમ દોડતા હતા. વરસાદના પાણીને પોતાની હથેળીમા ભરવાનો પ્રયાસ કરતા હતા. અને એકબીજા પર વરસાદના પાણીને નાંખતા ધિંગા મસ્તી કરતા હતા. તો કેટલાક બાળકો ફ્લેટના કમ્પાઉન્ડમા ભરાયેલા ખાબોચિયાના પાણીમા છબછબિયા કરતા હતા. કમ્પાઉન્ડ પાસેના ધટાટોપ લીમડાનુ ઝાડ એકદમ લીલુછમ લાગી રહયુ હતુ. તેની ડાળીએ એકબીજાને લગોલગ અડીને બેઠેલા બે કબૂતર પ્રણય ક્રિડા કરી રહ્યા હતા.
ત્યા જ વિધાને પાછળથી આવીને વિધિની કમરમા પોતાના બંન્ને હાથ પરોવી વિધિની ગરદન પર હળવુ ચૂંબન કર્યુ . વિધિ આ સ્પર્શને ઓળખી ગઈ. તે હજી પાછળ ફરે એ પહેલાજ વિધાને તેને મજબૂત આલિંગનમા જકડી ફરી ચૂંબન કર્યુ . વિધિ રોમાંચિત થઈ ઉઠી, પોતે પણ વિધાનના બાહુપાશમા જાતે જ જકડાવા લાગી. કેટલીય વાર સૂધી બંન્ને એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર આમ જ એકબીજાના આલિંગનમા રહી કયારેક વરસતો વરસાદ તો કયારેક ગાર્ડનમા રમતા બાળકોની મસ્તી જોતા. વિધિએ વરસાદના બૂંદ ને હાથમા ઝીલવા માટે પોતાનો હાથ બારી બહાર કાઢયો. વિધાને વિધિના હાથને પકડી હળવેથી તેનો હાથ દબાવ્યો વિધિ વધુ રોમાંચિત થઈ ગઈ.. તેણે વિધાનને કહ્યુ. આજે વહેલા ઘરે પધારવાનુ કારણ? વિધાન આજે પૂરી મસ્તીના મૂડમા હતો. તેણે વિધિને કહ્યુ : આટલુ રોમેન્ટિક વાતાવરણ હોય તો બંદા પોતાની પત્નીથી દૂર કઈ રીતે રહી શકે...!! આજે તો બોસે પણ બધી મીટિંગ કેન્સલ કરી દીધી છે. એટલે બધાને વહેલા ઘરે જવાનો ચાન્સ મળી ગયો. તો જોઈલો શ્રીમતીજી....!! તમારા કામદેવ સમા પતિદેવ તમારી પાસે આવી ગયા છે. આટલુ બોલતા જ વિધાને ફરી વિધિને ગાઢ આલિંગન આપ્યુ. વિધિ વરસાદને બદલે વિધાનના પ્રેમમા તરબોળ થઈ રહી હતી. વિધિને ખબર છે વિધાનને વરસાદ ખૂબ ગમે છે. વિધાને વિધિને કહ્યુ ચાલો હવે આપણે લોંગ ડ્રાઈવ પર જઈશુ ? વિધિએ હા કહેતા જ વિધાન તેનો હાથ પકડીને પાર્કિંગ સૂધી લઈ આવ્યો. આજે કાર ના બદલે બંન્ને બાઈક પર જ લોંગ ડ્રાઈવ પર જવા નીકળી ગયા. વરસાદ હવે ઝાપટાભેર પડી રહ્યો છે.અને બાઈક પર વિધિ વિધાનની અગોલગ બેસીને વિધાન પર પ્રેમની હેલી વરસાવી રહી છે. થોડીવાર આમજ બાઈક પર ફર્યા બાદ રસ્તામા ગરમા ગરમ દાળવડાની લારી જોઈ બંન્ને ત્યા જ ઊભા રહી ગયા. વિધાન તો જાણે દાળવડા ખાવા માટે રીતસરનો અધિરો બની ગયો. બંન્ને જણા ખૂબ જ પ્રેમથી એકબીજાને દાળવડા ખવડવતા હતા. આજુબાજુ અન્ય લોકો તેમને જુએ છે એનુ બંન્ને ને ભાન જ ન હતુ. એમને જોનારને વિધિ અને વિધાન પતિ પત્નીને બદલે પ્રેમીઓ જ લાગતા હતા .વરસતો વરસાદ , સાથે પ્રેમાળ પ્રિયતમા હોય, અને ગરમાગરમ મકાઈ, દાળવડા, ભજીયા હોય તો કોનુ મન ના લોભાય...!
હવે ઝાપટાભેર પડતો વરસાદ ધીમો થતા બંન્ને જણા ઘરે આવવા નીકળી પડ્યા. ઘરે આવતા જ વિધિ ટોવેલ લઈને બાથરુમમા નાહવા ગઈ. વિધાન પણ બીજા બેડરુમના બાથરુમમાથી નાહીને આવી અરિસા પાસે ઊભો રહી વાળ ઓળતો હતો. ત્યાજ વિધિ પણ ટોવેલ લપેટીને બહાર આવી. વિધાન વિધિનુ આ અનુપમ સૌંદર્ય જોઈ જ રહ્યો. તૈ વિધિની નજીક ગયો અને વિધિના પલળેલા ખૂલ્લા વાળ સાથે રમત કરવા લાગ્યો. વિધિને પોતાના બાહુપાશમા જકડી બેડ પર લઈ ગયો. બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને બેડ પર વિધાન વિધિ પર પ્રેમ વરસાવી રહ્યો હતો. વિધિ પણ વિધાનના આ અનહદ પ્રેમમા ડૂબવા લાગી. જીવન ભરનો પ્રેમ બંન્ને જણા આજે એકબીજા પર લુંટાવી અને લૂંટી રહયા હતા. આટલો પ્રેમ તો બંન્ને એ લગ્નની પ્રથમ રાતે પણ નહી કર્યો હોય એવો પ્રેમ. જે કામદેવ અને રતી એ પણ કયારેય ન કર્યો હોય એવો પ્રેમ. ડોરબેલ વાગતા જ વિધિ ચમકી. તે વાસ્તવિક દુનિયામા પાછી ફરી હોય એમ ફરી ઉદાસ થઈ દરવાજો ખોલવા ગઈ. નર્સે ધરમા પ્રવેશી વિધિને બેડ પર સૂઈ જવા કહ્યુ. અને ઈન્જેક્શન તૈયાર કર્યુ.
વિધિ એક નિ: શાસો નાખી બેડ પર સૂઈ ગઈ. નર્સે વિધિને ઈન્જેક્શન આપ્યુ અને ફટાફટ ઘરે જવા નીકળી ગઈ. ત્યા જ વિજળીનો એક જોરદાર કડાકો થયો . વિધિ બેડ પર જ ચોધાર આંસુએ રહી પડી. અને બરાડવા લાગી. શા માટે વિધાન, .... શા માટે મને છોડીને જતા રહયા ? મને એકપળ માટે પણ પોતાની નજરથી ક્યારેય દૂર ન રાખતા , તો શા માટે તમે મારાથી આટલા દૂર ચાલ્યા ગયા ? શા માટે મને કામદેવની રતીમાથી વિરહિણી બનાવી ગયા..? ત્યાજ સુલોચના બા અને વિધિનો ચાર વર્ષનો પુત્ર દક્ષ દોડી આવ્યા દક્ષને જોઈને વિધિએ તરત જ આંસુ લુછી લીધા. અને દક્ષને પોતાની પાસે બેસાડી વહાલ કરવા લાગી. કાર અકસ્માતમા વિધાનનુ મૃત્યુ થયુ ત્યારે વિધિ પણ જીવવા નહોતી માંગતી. પરંતુ
તેના પેટમા વિધાનની છેલ્લી નિશાની સમો ગર્ભ ઉછરી રહ્યો હતો. આજે વિધાનના મૃત્યુને સાડા ચાર વર્ષ થઈ ગયા હોવા છતા વિધિ આ આધાત માથી પૂરેપૂરી બહાર નથી આવી શકી. દર વર્ષે આવતુ ચોમાસુ આમ જ વિધાનની યાદ અપાવી વિધિને તરસાવતુ જતુ રહેતુ. વિધિ એક વિરહિણી બનીને વિધાનની યાદોના સહારે જીવવાનુ મન મનાવી ચૂકી છે. પણ વિધાનની યાદોનુ ચોમાસુ વરસ્યા વિના રહેતુ જ નથી.
લેખક : Jighnasa Solanki