Kanta the Cleaner in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 18

Featured Books
Categories
Share

કાંતા ધ ક્લીનર - 18

18.

તો કાંતા એ પહેલી ડેટ યાદ કરતી કામ કરી રહી. એ યાદ સારી હતી તો તેણે જોયેલી લાશ અને પોલીસ ઇન્ટ્રોગેશન જેવી યાદો ખરાબ હતી. મગજ છે, ગમે ત્યારે ગમે તે યાદ આવી જાય.

એને રાઘવને પોતે જીવણને રોજ સંતાડવાની વાત કોઈને કહેશે નહીં એમ વચન તો આપ્યું પણ જીવણની એવી દયા રાઘવ શા માટે ખાતો હતો તે સમજાયું નહીં. પોતે આવાં કામ માટે કેમ કબૂલ થઈ! રાઘવ તેની પડખે ઊભો રહેશે એ આશાએ? અત્યારે તો ભલે ચાલ્યા કરે.

તેનું સવારનું કામ પૂરું થવા આવ્યું. તે બીજે માળે ટ્રોલી લઈ આંટો મારી આવી. સરિતા અહીં ક્યાંક છે. કઈ રૂમમાં હશે? તે હવે અગ્રવાલની બધી મિલકતની માલિક બનશે કે અગ્રવાલની છાપાંઓએ કહ્યા મુજબ આગલી પત્ની અને બાળકો છે તેમની સાથે મિલકત માટે જંગ થશે?

તે સરિતાને હવે કયા મૂડમાં છે તે જોવા અને મળવા તલપાપડ થઇ રહી પણ એ કયા રૂમમાં છે તેની ખબર પડે? પેલી એર ટિકિટ શાની હશે? બેયની કે એની એકલીની? એ એર ટિકિટ પર ભાગી તો નહીં ગઈ હોય ને?" તેને વિચારો આવ્યા કર્યા.

સાંજના છ વાગવા આવ્યા. તેણે લોકરરૂમમાં જઈ પોતાનો યુનિફોર્મ બદલી જે કાઈં સાદો ડ્રેસ ઘેરથી પહેરીને આવેલી એ કાઢ્યો. કોઈની લોસ્ટ એન્ડ ફાઉંડ માં મળેલી ઈસ્ત્રી લઈ ડ્રેસ પર ફેરવી. થોડી ઠીકઠાક થઈ નીચે આવી લાઉન્જમાં બેઠી. ત્યાં ગ્રાહકો માટે એક બરણીમાં રાખેલ પાણીમાં ડૂબાડેલ સંતરા અને કાકડી વાળું પાણી પીધું. થોડી વારમાં રાઘવ આવ્યો. તે બન્ને હોટેલમાં જ કોઈ એકાંત ખૂણો ગોતી બેઠાં. કાંતા જાણી જોઈ સામાન્ય વાત કરવા લાગી. રાઘવ હજી ઊભો થયો ન હતો. ત્યાં ક્યાંકથી રાધાક્રિષ્નન સર આવી પહોંચ્યા. તેમણે ખૂણામાં બેઠેલાં આ બેય સામે જોયું. કાંતા સામે ડોક નીચી કરી સ્મિત આપ્યું. એટલી વારમાં રાઘવ પોતાનો ફોન લઈ ક્યાંક વાત કરતો જલ્દીથી ભાગી ગયો. સાહેબ જતાં પાછો આવ્યો.

"રાઘવ, અત્યારે આપણી ડ્યુટી નથી તો પછી સાહેબ આવતાં આમ ભાગવાનું કારણ?"

રાઘવ નિરુત્તર રહ્યો.

"ચાલ, ગાર્ડનમાં બેસીએ. પ્રાઇવસીની પ્રાઇવસી ને આનંદ નો આનંદ." તેણે કહ્યું.

"પણ ડીનરમાં જવાનું? એમ કર, હું તારે ઘેર કે તારા એકોમોડેશન નજીક આવવા તૈયાર છું. ત્યાં વાત કરીએ" કાંતાએ સામેથી પહેલ કરી. તેને હતું કે રાઘવ ખુશ થશે પણ એ તો કહે "ના રે ના. આપણે એમ કર, અત્યારે મારી, આપણી કુપન પર હોટેલનાં જ રેસ્ટોરાંમાં ઈડલી કે એવું ખાઈ લઇએ.

તે ઊઠીને ચાલવા જ લાગ્યો. લે, આ ડેટિંગ કહેવાય? આને ડીનરની ટ્રીટ કહેવાય? કાંતા વિચારી રહી.

તેઓ રેસ્ટોરાંમાં બેઠાં. રાઘવ મેઇન કિચનમાં હતો જ્યાં સવારે સહુ ગેસ્ટને સારો એવો બ્રેકફાસ્ટ હોટેલ કોમ્પ્લીમેંટરી આપતી . અહીં તો એમ્બીયન્સ સાવ અલગ હતું.

હળવી પીળી ઓરેન્જ લાઈટો, મંદ મંદ સંગીત. વહેલી સાંજે ક્યો ગેસ્ટ અહીં નાસ્તો કરવા બેઠો હોય? રેસ્ટોરન્ટ ખાલી હતું. દૂર બે વેઇટ્રેસ ગપ્પાં મારતી હતી.

રાઘવ એક છેવાડેના ટેબલે બેઠો એટલે કાંતાએ પણ બેસવું પડ્યું.

બેસતાં જ રાઘવે કાંતાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.

"કાંતા, સાચું કહે. પોલીસે જે પૂછ્યું એમાં ક્યાંય જીવણની વાત નહોતી નીકળી ને?"

"ના. એમને તો મેં શું જોયું એમાં જ રસ હતો. એમણે ખાસ પૂછ્યું કે મેં શું અસામાન્ય લાગે એવું જોયેલું"

"તેં શું જોયેલું અને શું કહ્યું?"

"મેં જે જોયું તે. ખાસ તો, તેમના બેડ પાસે વેરાયેલી પિલ્સ જે સરિતા લેતાં. એ કોઈ બ્રાન્ડ ની ન હતી."

કાંતાને લાગ્યું કે રાઘવનું મોં પડી ગયું.

"બીજું શું કહ્યું?"

"રૂમમાં એક તિજોરી હતી જેમાં આગલી રાત્રે પૈસાની થપ્પી જોયેલી તે મને ફરી બોલાવી ત્યારે નહોતી."

"તેં બીજું શું માર્ક કરેલું જે પોલીસને નથી કહ્યું?"

"એમતો ઘણું. પણ મારે એ જ કહેવું હતું જે અગ્રવાલનાં શંકાસ્પદ મૃત્યુ સાથે મારી નજરે સંકળાયેલું હોય. સરિતાનું નહાવા જવું, કપડાંની ગમે તેમ થપ્પી, પહેલાં ઊંધા પછી ગઈ ત્યારે ચત્તા પડેલા અગ્રવાલ.. એ બધું."

"એ લોકોએ મારા કે જીવણ ,અમારા વિશે કાઈં નથી પૂછ્યું ને?" રાઘવ ફરી તેના ગાલ સુધી મોં લાવતો બોલ્યો.

કાંતા ગુસ્સાથી દૂર થઈ ગઈ.

"તેં ખૂન નથી કર્યું તો તને આટલી બધી પંચાત કેમ છે? જે કહેવાનું હતું તે પોલીસને કહ્યું. તારું કોઈએ પૂછ્યું નથી, મેં કહ્યું નથી." કહીને તે કંટાળાથી બીજે જોઈ રહી.

"રહેવા દે તો. ઠીક, સરિતા મેડમ સાથે તને ખૂબ સારા સંબંધ છે ને? એ અગ્રવાલની કોઈ પ્રવૃત્તિ વિશે વાત કરતાં હતાં?"

"બહુ થયું. કઈ પ્રવૃત્તિ એ મને જ ખબર નથી. એ બે વચ્ચેના સંબંધોમાં માથું મારનારાં આપણે કોણ?" કહેતાં તે લગભગ ઊભી થઈ ગઈ. રાઘવે ઊભા થઈ તેની પીઠે હાથ ફેરવ્યો અને હાથ પકડી પાછી બેસાડી.

"લે, આ તો પડખે ઊભા રહીએ તો પણ વાંધો! અલી, મને નહીં કહે તો કોને કહીશ? મારાથી કાઈં છુપાવીશ નહીં તો એ તારે માટે જ સારું છે." કહેતાં તેણે બેયની કુપનો લઈ સાદા નાસ્તાનો ઓર્ડર આપ્યો. સંપૂર્ણ નિરાશા સાથે ખાઈને કાંતા ઊભી થઈ. બેય ગેટ તરફ ગયાં.

"ટેક્સી બોલાવવી છે." રાઘવે વ્રજકાકાની જગ્યાએ આવેલા રાતના ગાર્ડ ને કહ્યું.

"સ્યોર સર!" કહેતાં ગાર્ડે પાર્કિંગમાં ઊભેલી ટેક્સી બોલાવી. ઝૂકીને ટેક્સીનો દરવાજો ખોલ્યો. ચાલો, એટલીસ્ટ ટેકસીમાં સાથે આને ઘેર જવાશે એમ માની કાંતા બેસવા ગઈ.

"મારે માટે બોલાવી છે. મારે જવું છે ઇસ્ટ બાજુ, તારે વેસ્ટમાં. નહીં તો ઉતારી દેત. ઓકે. ગુડ નાઈટ." કહેતો રાઘવ ટેકસીમાં બેસી રવાના થઈ ગયો. કાંતા શૂન્ય મનસ્ક હોટેલની બહારની રંગબેરંગી લાઈટો જોતી રહી.

ક્રમશ: