ઘણાં બધાં દિવસો પછી બંને યુવાન હૈયાનું સુમધુર મિલન અને આ પ્રેમી પંખીડાને સાથ આપવા માટે અને રિઝવવા માટે પધારી રહેલા મેઘરાજા...!!
ખૂબજ સુમધુર સંગમ હતો...
સમીરને થોડી મસ્તી સૂઝી...
અને તે કંઈ બોલે કે કોમેન્ટ કરે તે પહેલાં પરીના સેલફોનમાં રીંગ વાગી...
હવે આગળ....
મેઘરાજાનું તાંડવ અને સાથે સાથે હિલોળે ચડેલા બંને યુવાન હૈયાનો થનગનાટ...
વરસતાં વરસાદમાં પોતાની ગમતી વ્યક્તિનો હૂંફાળો પ્રેમાળ મીઠો સ્પર્શ..
થોડા ભીનાં થવાની અને થોડા કોરા રહી જવાની મજા..
માટીની ભીની ભીની મીઠી મહેંક.. અને પ્રિયજનનો હાથ પોતાના હાથમાં..
પ્રકૃતિ પણ આજે જાણે સમીરને સાથ આપી રહી હતી..!!
વરસાદ અને ગમતી વ્યક્તિનો સાથ કેવો સોનેરી સંગમ હતો આ..!!
એક નાનકડા ટી સ્ટોલ પાસે સમીરે પોતાની કારને અટકાવી..
"કેમ શું થયું સમીર?" પરીએ સ્વાભાવિકપણે જ પૂછી લીધું.
"કંઈ નહીં, બસ અમસ્તુ જ" સમીર ફુલ મસ્તીના મૂડમાં હતો.
"અરે તે કાર કેમ રોકી? એમ પૂછું છું."
"મારી મરજી.."
"હમણાં તો તું કહેતો હતો કે લેઈટ થાય છે અને.."
"બસ, આ તોફાની વરસાદમાં ચા પીવાનું મન થયું છે."
"પણ આપણે બંને પલળી જઈશું.." પરીએ ચિંતા વ્યક્ત કરી.
"આજે તો પલળવું જ છે અને તને પણ તરબોળ કરી દેવી છે.."
"શેમાં તરબોળ?"
"ગાંડી મારા પ્રેમમાં.."
"એય, પાગલ તો નથી થઈ ગયો ને?"
"કંઈક એવું જ સમજ કે તારો દિવાનો છું અને તારા પ્રેમમાં પાગલ થઇ ગયો છું."
પરીએ પોતાની સાઈડનો કારનો દરવાજો ખોલ્યો, "અરે અહીંયા તો પાણી પાણી થઈ ગયું છે લાગે છે કે વધારે વરસાદ પડી ચૂક્યો છે." પરીને પલળવાની કે ભીનામાં પગ મૂકવાની જરા પણ ઈચ્છા નહોતી.
સમીર છત્રી ☔ હાથમાં લઈને પરીની બાજુમાં આવીને ઉભો રહી ગયો અને બોલ્યો, "ઉંચકી લઉં તને આઈ એમ એન આર્મી મેન?"
"ના ના તો તો બધા મારી સામે જ જોયા કરે.."
"લે એમાં શું થઈ ગયું, તારો આશિક છું તને ઉંચકી લેવા માટે કેપેબલ છું તો ઉંચકી લીધી.. સિમ્પલ.."
"પણ આપણે અહીં ન રોકાઈએ તો ન ચાલે?" પરી હજુ પણ આનાકાની કરી રહી હતી.
"તું નીચે ઉતરે છે કે હું તને ઉંચકી લઉં, આઈ એમ ધ એન્ગ્રી યંગ મેન.."
"આઈ ક્નોવ, આઈ ક્નોવ.. રોકાઈ જા મને ઉંચકીશ નહીં, ઉતરું છું બાબા નીચે.."
પરી ઉતરી એટલે સમીરે તેનો કૂણો માખણ જેવો હાથ પોતાના હાથમાં લીધો અને બંને એક જ છત્રીમાં ☔ એકબીજાને અડોઅડ, લગોલગ પલળાય નહીં તેમ ચાલતાં ચાલતાં આગળ વધ્યા.
સમીરે બેસવા માટે એક કોર્નરવાળું ટેબલ પસંદ કર્યું અને બંને એકબીજાની સામ સામે ગોઠવાઈ ગયા.
પરી હજી પણ કંઈક વિચારી રહી હતી.
"તું શું લઈશ?" સમીરે પરીને તેના વિચારોમાંથી બહાર લાવવાની કોશિશ કરી.
"આમ તો ગરમાગરમ કોફી પીવાની ઈચ્છા છે પણ તું ચા પીવાનો છે તો આપણે બંને જણાં ચા જ પીએ." પરીએ કહ્યું.
"હા, આની ચા બહુ સરસ આવે છે."
અને વેઈટરને બોલાવીને સમીરે ચા નો ઓર્ડર આપ્યો.
પરીને આમ વિચારોમાં ખોવાયેલી જોઈને સમીરે તેની આંખો સામે પોતાનો હાથ લાવીને ચપટી વગાડી અને બોલ્યો, "શું વિચારે છે માય ડિયર?"
"બસ, કંઈ નહીં હવે ઈન્ટર્નશીપ કરવાની છે તો ક્યાં કરું તેમ વિચારી રહી છું."
"ઑહ, ઓકે હું કંઈ હેલ્પ કરી શકું છું?"
"ના ના, આઈ વીલ મેનેજ ઈટ માય સેલ્ફ."
"ઓકે."
સમીરના મોબાઈલમાં તેના સીનીયર ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો.
"હા હા, આવ્યો સર. હાફ એન અવર લાગશે."
"તારે મોડું થતું હતું તો પછી અહીંયા ચા પીવા માટે.."
પરીની વાત સમીરે અડધેથી જ કાપી અને તે બોલ્યો, "ડિયર, તારા કરતાં વધારે બીજું કશું જ નથી મારા માટે અને આ તોફાની વરસાદમાં આ દિલ પણ જરા તોફાની બનીને તરવરાટ કરી રહ્યું છે અને આ મનને ગરમાગરમ આદુવાળી ચા પીવાનું મન થઈ ગયું હતું અને તે પણ તારી સાથે.. તારી ભોળી ભોળી આંખોમાં આંખો પરોવીને.."
કદાચ તે આગળ બીજું પણ કંઈક બોલત પણ ત્યાં તો ગરમાગરમ આદુવાળી ચા આવી ગઈ એટલે બંને એકબીજાની સાથે મીઠી મીઠી વાતો કરતાં કરતાં ગરમાગરમ ચાની ચૂસકી લગાવવામાં મશગુલ થઈ ગયા.
ચા પીવાઈ ગઈ એટલે સમીરે બિલ ચૂકવ્યું અને બંને જણાં કારમાં પાછા ગોઠવાઈ ગયા.
સમીરે પોતાની અધુરી વાત અને અધુરી ચાહ બંને પૂરી થાય એટલે પોતાની વાત આગળ વધારી.."તો મેડમ, બોલો હવે આગળ બીજું શું કરવાનું વિચારો છો? ઈન્ટર્નશીપ તો છ મહિનામાં પૂરી થઈ જશે. સમય તો પાણીના રેલાની જેમ વહી જાય છે. તમે તમારા પ્રેમનો એકરાર તો કરો.."
"માય ડિયર ઇન્સ્પેક્ટર, એમ એકરાર કરી ન દેવાય ને? મારી પણ કેટલીક શરતો છે, કેટલીક ઈચ્છાઓ છે, મારા પાર્ટનર તરફથી કેટલીક અપેક્ષાઓ છે એ બધું જે કબૂલ મંજૂર કરે તેને જ આ દિલ સોંપવામાં આવશે."
"અચ્છા તો એવું છે? મિસ ડોક તમે તો ઓવર સ્માર્ટ નીકળ્યા. દેખાવ છો એટલા ભોળા પણ નથી."
"ભોળા દેખાવામાં મજા છે પણ ભોળા રહેવામાં મજા નથી. નહીં તો આ દુનિયા તમને છેતરીને તમારો ઉપયોગ કરીને આગળ ચાલી જાય."
"શાબાશ માય ડિયર, તું જે વિચારે છે તે બિલકુલ સાચું છે."
બંનેની રસપ્રદ વાતો ચાલી રહી હતી અને પરીનું ઘર આવી ગયું એટલે સમીરે ગાડી રોકી.
પરી નીચે ઉતરી.
વરસતાં વરસાદની આ મુલાકાત જીવનભર યાદ રહેશે. કમ સે કમ તમે પ્રેમ કરવાની ઈચ્છા તો બતાવી..
પરી હસી પડી અને સમીરની સામે જોઈને બોલી, "ઓકે બાય."
"બાય, માય લવ" અને પરીને તેના ઘરે ડ્રોપ કરીને ખુશી, પ્રેમ અને આંખોમાં કેદ પરીનો ચહેરો સાથે લઈને સમીર પોતાની મંઝીલ તરફ આગળ નીકળી ગયો.
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
1/7/24