૨) જાને સે ઉસકે આયે બહાર: કબજિયાતનો ક..
તંદુરસ્તી વિષે લખવાનું શરુ કર્યું, પણ શરૂઆત કયા વિષયથી કરવી તે નક્કી કરવામાં થોડી મૂંઝવણ થઇ. એટલે એમ વિચાર્યું કે ચાલો કક્કાના સૌ પ્રથમ અક્ષર 'ક' થી જ શરુઆત કરીએ અને ક પરથી વિષય મળ્યો કબજિયાત.
પ્રિય સ્વજનના આગમનથી જીવનમાં બહાર એટલે કે પ્રેમ અને આનંદની ઋતુ, વસંત ઋતુ આવે છે અને તેના જવાથી આ વસંત જતી રહે છે. પરંતુ કેટલીક તકલીફ એવી હોય છે કે જેના જવાથી જીવનમાં વસંત આવે છે અને આ વાત કબજિયાતના દર્દી જેવુ બીજું કોઈ જાણતું હોતું નથી!
ઘણા બધા લોકોને જેની તકલીફ હોય, વળી પાછી દરરોજની તકલીફ હોય, કદાચ તેને રોગ પણ ના કહેવાય એવી સામાન્ય તકલીફ હોવા છતાં તેને અવગણીએ તો તેમાંથી બીજા અનેક મોટા રોગ થવાની શક્યતા હોય, એવી જનસાધારણ શારીરિક તકલીફ જો કોઈ હોય તો તે કબજિયાતની તકલીફ છે.
કબજિયાત એટલે નિયમિત પેટ સાફ ન આવવું તે. ખોરાકના પાચન અને શોષણ બાદ વધેલા બિનજરૂરી પદાર્થનો નિકાલ નિયમિતપણે સરળતાથી શારીરિક જોર લગાવ્યા વગર ન થતો હોય તો તેને કબજિયાત કહેવાય.
કબજિયાત એક એવી સર્વસાધારણ તકલીફ છે કે મોટાભાગના લોકોને કોઈ ને કોઈ સમયે તો આ તકલીફ થયેલી જ હોય છે. પરંતુ કબજિયાત લાંબા ગાળાની હોય અને તેનો ઈલાજ સમયસર કરવામાં ન આવે તો તેમાંથી બીજી મોટી શારીરિક તકલીફો થઇ શકે છે. એટલે કબજિયાતનો ઈલાજ વહેલી તકે કરવો જરૂરી છે.
કબજિયાત મટાડવા લોકો જાતજાતની દવાઓનો ઉપયોગ કરતા હોય છે. પણ મારે તો દવાના ઉપયોગ સિવાયના કુદરતી ઉપાયો જ બતાવવાના છે, જે નીચે મુજબ છે:
૧) હૂંફાળું પાણી:
અત્યારની દોડધામ અને ભાગંભાગવાળી તણાવગ્રસ્ત જીવનશૈલીમાં જો સવારના પહોરમાં પેટ સાફ આવી જાય, તો આખો દહાડો સુધરી જાય. એટલે કબજિયાતની તકલીફવાળા મિત્રોને પહેલું સૂચન છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં એકથી બે ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાનું.
સવારે બ્રશ કર્યા પહેલાં, એટલે કે વાસી મોંઢું હોય ત્યારે પાણી પીવાથી મોંઢામાં રહેલી વાસી લાળ પેટમાં જાય છે. મોઢાની લાળ ક્ષારિય/આલ્કલાઈન હોય છે અને વાસી લાળ વધારે ક્ષારિય હોવાથી પેટમાં રહેલા એસિડને શાંત કરી વધુ ફાયદો કરે છે. આમ છતાં બ્રશ કર્યા પહેલાં પાણી પીવાનું યોગ્ય લાગતું ના હોય તો બ્રશ કર્યા પછી પાણી પી શકાય.
યાદ રાખો કે પાણી હૂંફાળું ગરમ હોવું જોઈએ એ પાયાની જરૂરિયાત છે. શરૂઆત એક ગ્લાસ પાણી પીવાથી કરવી અને ધીરે ધીરે તેનું પ્રમાણ વધારીને બે ગ્લાસ પાણી પીવા સુધી પહોંચવું. જો તમે ઈચ્છો તો આ પાણીમાં અડધું લીંબુ નિચોવી શકો છો, પરંતુ મીઠું કે ખાંડ ઉમેરવી નહિ. આનાથી સવારમાં ખાલી પેટે લીંબુ પાણી પીવાના વધારાના અનેક ફાયદા પણ તમને મળશે. પરંતુ લીંબુ તમારી પ્રકૃતિને અનુકૂળ આવતું ન હોય તો સાદું હુંફાળું પાણી જ પીવું.
યાદ રાખો કે આ પાણી એકસાથે પી જવાનું છે, એટલે કે ઘૂંટડે ઘૂંટડે ધીમેથી પીવાનું નથી. કારણ કે ધીમેથી પાણી પીવાથી તેમાં લાળ ભળે છે. એટલે જઠર તેના પર પાચનની પ્રક્રિયા કરે છે. તે પછી પાણી ધીમે ધીમે આંતરડાં તરફ આગળ વધે છે. આ રીતે પાણી પીવું પાચન માટે લાભદાયી છે. પરંતુ કબજિયાતના ઈલાજ તરીકે પાણી ઝડપથી એકસાથે પીવાથી આ બધું પાણી જલ્દીથી સીધું આંતરડાં તરફ ધકેલાય છે. આ પાણીના દબાણ અને ગરમીથી આંતરડાં સક્રિય બને છે અને આંતરડાંમાં રહેલો મળ આગળ વધે છે. આનાથી હાજત માટેની સંવેદના થાય છે, એટલે કે શરીર તમને સિગ્નલ આપે છે.
૨) સિગ્નલની ઓળખ:
બીજી સલાહ છે હાજત માટેની આ સંવેદના એટલે કે સિગ્નલને ઓળખવાની અને તેને મહત્વ આપી, બીજું બધું કામ છોડી સીધા ટોઇલેટમાં જવાની. કબજિયાતની તકલીફવાળા લોકોએ યાદ રાખવું કે જયારે આપણાં આંતરડાં હાજત માટે તૈયાર થાય, ત્યારે તરત જ હાજત માટે જઈએ, તો પેટ સારી રીતે સાફ થાય છે.
મને યાદ છે કે નાના હતા ત્યારે સવારે રમવામાં મશગુલ થઇ જઈએ અને ન્હાવાનું કે જમવાનું યાદ પણ ના કરીએ, ત્યારે મારાં બા અમને એક કહેવત કહેતાં કે ‘સો કામ મૂકીને ન્હાવું અને હજાર કામ મૂકીને ખાવું’. હવે આ કહેવતને થોડી લંબાવીને કહું તો ‘લાખ કામ મૂકીને કુદરતી હાજતે જવું’.
કુદરતે આપણું શરીર એટલું પરફેક્ટ બનાવ્યું છે કે જો આપણે તેને પૂરેપૂરું ઓળખી લઈએ, સમજી લઈએ અને સાચવી લઈએ, તો આપણને શારીરિક તકલીફો ભાગ્યેજ થાય. જરૂરિયાત છે ફક્ત શરીરનાં સિગ્નલ ઓળખવાની.
આપણું શરીર તેની દરેક જરૂરિયાત માટે આપણને સિગ્નલ મોકલે છે. જેમ કે પેટ ખાલી થાય એટલે આપણને ભૂખ લાગે, શરીરને પાણીની જરૂર પડે એટલે આપણને તરસ લાગે, તે જ રીતે શરીરમાં પ્રવાહી કચરો ભેગો થઇ જાય એટલે આપણને પેશાબ કરવા જવાની જરૂરિયાતનું સિગ્નલ મળે છે અને ઘન કચરો ભેગો થઇ જાય અને આંતરડાં આ કચરો બહાર ફેંકવા તૈયાર થાય ત્યારે આપણને હાજત માટે જવાની જરૂરિયાતનું સિગ્નલ મળે છે.
એટલે કુદરતી હાજત માટે તમારું શરીર જેવું તમને સિગ્નલ આપે કે તરત જ ટોઇલેટમાં જાઓ. મોટે ભાગે લોકો સવારે છાપું વાંચવામાં, ટીવી કે મોબાઈલ જોવામાં અથવા વાતો કરવામાં એવા મશગુલ થઇ જાય છે કે શરીરનાં આ સિગ્નલો ઉપર ધ્યાન આપતા નથી અને પોતાની નવરાશે ટોઇલેટમાં જાય છે, તેથી યોગ્ય પરિણામ મળતું નથી. તો શરીરના આ સિગ્નલને ઓળખો અને તેને તરત જ અનુસરો.
3) એક્યુપ્રેશર:
ત્રીજી ટીપ છે એક્યુપ્રેશરના ઉપયોગની. આપણા ચહેરામાં હડપચી એટલે કે દાઢીનો જે ભાગ છે તેની બિલકુલ વચ્ચે આંતરડાંનું એક્યુપ્રેશર પોઈન્ટ છે. આ પોઇન્ટ દબાવવાથી આંતરડાં સક્રિય થાય છે, જેનાથી તેમાં રહેલો મળ આગળ ધકેલાય છે. એટલે જયારે તમે ટોઇલેટમાં બેઠા હો, ત્યારે હાથના અંગુઠાથી દાઢીની બિલકુલ વચ્ચેના ભાગ પર પર સહન થઇ શકે એટલું દબાણ ૧૦-૨૦ સેકન્ડ સુધી આપો. બેત્રણ વખત આવું કરવાથી થોડીવારમાં જ તમને તેનું રિઝલ્ટ મળશે.
૪) દેશી કમોડ:
ચોથી ટીપ છે ટોઇલેટના કમોડ પર કઈ રીતે બેસવું તેને લગતી. આ બાબતમાં જે રીસર્ચ થયું છે તે મુજબ દેશી કમોડનો ઉપયોગ શ્રેષ્ઠ છે, કારણ કે તેના પરની બેઠકની સ્થિતિમાં આંતરડાંનો અંતભાગ પૂરેપૂરો ખુલે છે, જેથી મળ આસાનીથી બહાર નીકળી શકે છે. પરંતુ જયારે ઉભું કમોડ એટલે કે વેસ્ટર્ન કમોડનો ઉપયોગ કરીએ, ત્યારે તેના પરની બેઠકની સ્થિતિમાં આંતરડાંનો અંતભાગ દબાયેલો રહે છે. તેને લીધે મળ આસાનીથી બહાર નીકળી શકતો નથી. એટલા માટે કબજિયાતની તકલીફવાળા માટે દેશી કમોડનો ઉપયોગ સલાહભર્યો છે.
પરંતુ ઉંમરલાયક લોકો, વધુ વજનવાળી વ્યક્તિઓ અને પગ તથા ઘૂંટણની તક્લીફોવાળા લોકો દેશી કમોડનો ઉપયોગ કરી શકતા નથી. વળી આધુનિક ફેશન મુજબ અને દેખાવ તથા સ્વચ્છતાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને હવે દરેક ઘરમાં ફક્ત વેસ્ટર્ન કમોડ જ લગાડવામાં આવે છે. પરંતુ આ પ્રશ્ન માટેનો સરળ અને અનુભવસિદ્ધ ઉકેલ પણ છે.
વેસ્ટર્ન કમોડના ઉપયોગ વખતે બંને પગ ૧૦-૧૨ ઈંચના સ્ટૂલ કે ઉંચા પાટલા પર મૂકવાથી દેશી કમોડ પરની બેઠક જેવી જ પોઝીશન બનશે અને આંતરડાં માટે હાજતને અનુકૂળ સ્થિતિ સર્જાવાથી પેટ સાફ આવશે. સ્ટુલ અવેલેબલ ના હોય, ત્યારે એક પગ કમોડ પર રાખીને બેસશો, તો પણ આંતરડાંનું દ્વાર વધારે ખૂલવાથી હાજતને અનુકૂળ આસન બનશે.
***
જે લોકોને કબજિયાતની તકલીફ લાંબા વખતથી હોય અથવા દરરોજ કબજિયાત માટેની દવા લેતા હોય અથવા જેમનાં આંતરડાં નબળાં પડી ગયાં હોય અથવા બીજા રોગો કે દવાની અસરથી કબજિયાત રહેતી હોય, તેમણે ઉપર મુજબના પ્રયોગો ઉપરાંત ખોરાક અને જીવનશૈલીમાં નીચે મુજબનું પરિવર્તન લાવીને ધીરજ રાખીને થોડા દિવસ સુધી આ પ્રયોગો ચાલુ રાખવા, તો જરૂર ફાયદો થશે.
Ø પૂરતા પ્રમાણમાં પાણી પીઓ.
Ø ખોરાકમાં પ્રવાહીનું પ્રમાણ વધારો. રોજના ખોરાકમાં દાળ, કઢી, સૂપ, છાશ વિગેરેનો સમાવેશ કરો. તાજી અને મોળી છાશ કબજિયાતમાં બહુ ફાયદાકારક છે. ઠંડી છાશ પાચન માટે નુકસાનકારક હોવાથી રૂમ ટેમ્પરેચરવાળી છાશ જ પીવી. ચા, કોફી અને દૂધ કબજિયાત કરે છે, એટલે તેનું પ્રમાણ ઓછું લેવું.
Ø રેસા/ફાઈબર હોય તેવો ખોરાક વધુ લો, જેવાં કે ફણગાવેલાં કઠોળ, ફળ, સલાડ, ઘઉંના ફાડા, છડેલાં અનાજ અને આખા અનાજની ખીચડી જેવી વાનગીઓ.
Ø વાસી અને ઠંડો ખોરાક કબજિયાત કરે છે, એટલે હંમેશા તાજો અને ગરમ ખોરાક લો.
Ø ખોરાકમાં બને તેટલાં વધુ લીલાંપાનવાળી ભાજી, દરેક જાતનું સલાડ, પપૈયું, ચીકુ તથા કેળાંનો સમાવેશ કરો.
Ø મેંદો કબજિયાતનું મોટું કારણ છે, એટલે મેંદાની વાનગીઓ અને બેકરીની આઈટમો લેશો નહીં.
Ø પેટને કસરત મળે તેવાં યોગાસન કરો.
પંચામૃત
ઉનાળામાં આકરા તાપથી અને લૂથી બચવા માટે બહાર નીકળતાં પહેલાં જમણા કાનમાં રૂનું પૂમડું નાખી દો. થોડીવારમાં ડાબું નસકોરું વધુ કાર્યરત થઈ જવાથી ચંદ્રનાડી ચાલુ થશે, જે શરીરને અંદરથી ઠંડક આપશે અને તાપથી થતી તકલીફોથી બચાવશે.
***
માથાના દુ:ખાવા વખતે જમણું નસકોરું બંધ કરી ડાબા નસકોરાથી શ્વાસ લો. પાંચ મિનિટમાં માથાના દુ:ખાવામાં રાહત મળશે.
***
બહુ થાક લાગ્યો હોય ત્યારે ડાબું નસકોરું બંધ કરી જમણા નસકોરાથી શ્વાસ લો. પાંચ મિનિટમાં તમે ફ્રેશ થઈ જશો.