Tari Pidano Hu Anubhavi - 10 in Gujarati Moral Stories by Dada Bhagwan books and stories PDF | તારી પીડાનો હું અનુભવી - ભાગ 10

Featured Books
Categories
Share

તારી પીડાનો હું અનુભવી - ભાગ 10

એટલામાં મારા ફોનની રિંગ વાગી. મિરાજ બોલતા અટકી ગયો.
‘એક્સક્યુઝ મી.’ કહીને મેં મિરાજની પરમિશન માંગી.
‘નો પ્રોબ્લેમ.’ એણે મને ફોન પર વાત કરી લેવા માટે મંજૂરી આપી. મારે એની લિંક અધવચ્ચેથી તોડવી નહોતી, પણ આ ફોન ઉપાડવો પણ મારા માટે જરૂરી હતો. આખરે મિરાજ માટે જ તો આ ફોન હતો.
સામે છેડેથી વાત કરનાર વ્યક્તિ પાસેથી મારે મિરાજ માટે થોડું માર્ગદર્શન લેવાનું હતું. એ વિરલ વિભૂતિના માર્ગદર્શન વિના મિરાજને મદદરૂપ થવાનું મારું શું ગજું! હું મિરાજથી થોડી દૂર ગઈ. વાત પૂરી થતા મેં મિરાજ સામે જોયું. એની હાલતમાં મારી હાલતનો પડઘો પડતો હતો. બંનેના જીવનમાં કારણો જુદા હતા પણ પરિણામમાં ઘણા અંશે એકસરખી હાલત હતી.
મિરાજ ગહેરાઈથી દરિયાને એ રીતે જોઈ રહ્યો હતો જાણે પોતાના જીવનની ગહેરાઈમાં એ ઊતરી ગયો હોય એમ લાગતું હતું. મારી તરફ પીઠ કરીને બેઠેલા મિરાજ પાસે જઈને હું બેઠી.
‘સોરી. પણ હજી અંધારું નથી થયું. તો જો તારી પાસે ટાઈમ હોય તો આપણે હજી થોડીવાર અહીંયા બેસી શકીશું.’
‘હા, દીદી. મારે પણ બેસવું છે. મને આજે થોડી શાંતિ લાગે છે. ખબર નહીં કેટલાય દિવસોનો અંદર દટાયેલો ભાર ઓછો થયો તો સારું લાગ્યું. પણ હજી તો મારી વાત અડધે રસ્તે પણ નથી પહોંચી. તમે સાંભળીને થાકી તો નહીં જાઓ ને?’ બોલતા બોલતા એણે એક નજરે મીત તરફ પણ જોઈ લીધું.
મીતના ચહેરા પર આછું સ્મિત અને આંખોમાં નરમાશ ઊપસી આવી. મિરાજની સાથે સાથે એ પણ હળવો થઈ રહ્યો હતો.
‘ના રે. મને તો સાંભળવાનું ગમે.’ મિરાજ તરફથી મને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો હતો, એનો મને આનંદ હતો.
હું એની સામે જોઈ રહી. એની નજર દરિયામાં દૂર દેખાતી એક બોટ પર હતી.
એણે મારી સામે જોયું અને વાતની શરૂઆત કરી.
‘મારા મનમાં નવો મોબાઈલ કે નવું લેપટોપ મેળવવાનો ઝંઝાવાત શાંત પડ્યો નહોતો. મારે પણ પરમ સામે મારું સ્ટેટ્સ ટકાવી રાખવું હતું. પોતાની જીદ મનાવવા માટે આ વખતે મેં વધારે મહેનત કરીને સારા માર્ક્સ લાવવા પરીક્ષાના છેલ્લા પંદર-વીસ દિવસ ખૂબ મહેનત કરી. નવા ટ્યૂશન ક્લાસીસમાં સારા માર્ક્સના આધારે પોતાનું સ્ટેટ્સ ટકાવી રાખવાની છૂપી ઈચ્છા પણ એમાં સમાયેલી હતી.’
પોતાના હિત માટે સારું ભણવું જોઈએ કે પોતાનું સ્ટેટ્સ ટકાવી રાખવા? એક જ પરિણામ લાવનાર બંને પરિસ્થિતિના આશયોમાં આસમાન-જમીન જેવું અંતર હોય છે. આશયોના આધારે જીવનના લક્ષ્ય બદલાઈ જતા હોય છે.
નવા મોબાઈલ મેળવવાના દ્રઢ સંકલ્પ પાછળ થયેલી મહેનતથી હું ચુમોતેર ટકા સુધી પહોંચી જ ગયો. ઘરમાં બધા મારા પર ખુશ હતા. મમ્મી-પપ્પાને લાગ્યું કે મોંઘા ટ્યૂશન ક્લાસીસમાં મૂકવાનો એમનો નિર્ણય યોગ્ય જ રહ્યો.
‘મારું રિઝલ્ટ જોયા પછી મારું ભૂતકાળનું વર્તન અને એ વર્તન પાછળના મારા વિચારોની ગંભીરતાને એ લોકો સમજી ના શક્યા. ભૂતકાળની બધી છાપ એમના મનમાંથી ભૂંસાઈ ગઈ. અંતે મા-બાપનું દરિયા જેવું દિલ બાળકની ભૂલોને કંઈ તાજી થોડી રાખે છે!’
લેપટોપનું પ્રાઈઝ લિસ્ટવાળું સાચવી રાખેલું પેમ્ફલેટ પપ્પાએ ફરીથી એમના હાથમાં લીધું અને વિચારે ચઢી ગયા.
હવે ઘરમાં કોઈ કચકચ હતી નહીં, કારણ કે મારું રિઝલ્ટ સુધર્યું હતું. અને એમ પણ સમર વેકેશન હતું એટલે મારે જ કરવું હોય, એ બધું જ કરવાની છૂટ હતી. ફ્રેન્ડ્સ, ફન, મસ્તી, પાર્ટી, ક્રિકેટ મેચ... બધું જ.
એમાં મને મારું બીજું એક મનગમતું મળી ગયું. નવું લેપટોપ. મારી બર્થ ડેના દિવસે મમ્મી-પપ્પાએ મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી. મારા આનંદનો પાર ના રહ્યો. મમ્મી-પપ્પા માટે મારો સ્નેહ અનેકગણો વધી ગયો, જે કેટલાય વખતથી જાણે સુકાઈ ગયો હતો! મારો મોટા ભાગનો સમય લેપટોપ પર જ વીતવા લાગ્યો. હમણાં નવા મોબાઈલની વાતને મેં બાજુમાં રાખી દીધી.
‘જો બેટા, તારા પપ્પાએ તને નવું લેપટોપ અપાવ્યું છે, તો હવે એનો સદુપયોગ કરજે.’
‘હા મમ્મી, ડોન્ટ વરી. પણ અત્યારે તો વેકેશન છે એટલે હમણાં તો હું એન્જોય કરી શકું ને?’
‘હા, પણ એક લિમિટ રાખજે, બે કલાકથી વધારે નહીં.’ મમ્મીએ ગંભીરતાથી કહ્યું.
‘ઓ.કે. મમ્મી. થેન્ક યૂ.' કહીને મેં મમ્મીને મોટી સ્માઈલ આપી. આ વર્તન પ્રેમવાળું ઓછું અને મસ્કાવાળું વધારે હતું. એ સમજતા એક માને ક્યાં વાર લાગવાની હતી? મમ્મી આછી સ્માઈલ આપીને જતી રહી.
આમ તો મીતને પણ નવો મોબાઈલ અપાવ્યો છે, તો પછી મને લેપટોપ અપાવે જ ને. મા-બાપ છે તો આટલું તો કરે જ ને પોતાના છોકરાંઓ માટે. એવી દલીલ મારા મનમાં ઊભી થઈ અને આથમી ગઈ.
હું નવા લેપટોપને જોતો રહ્યો. પરમના ઘરે જ્યારે એને ચેટ ફ્રેન્ડ્સ સાથે વાતો કરતા જોયેલો એ પ્રસંગ મારી નજર સમક્ષ તાજો થઈ ગયો. આખરે મેં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરે પર મારા એકાઉન્ટ બનાવી દીધા. ચેટ મેસેન્જર ડાઉનલોડ કરી લીધા. એક ચેટ ફ્રેન્ડ બનાવવાની ઈચ્છા પૂરી કરવાનો દિવસ આજે આવી જ ગયો.
પહેલા જ દિવસે ફ્રેન્ડ લિસ્ટમાં છ નવા નામ ઉમેરાઈ ગયા. બધા સાથે દસ-પંદર મિનિટ હેલ્લો, હાય, બાયથી આગળ જે સૂઝે એ વાતચીત કરવામાં થોડી શંકાઓ થઈ, તો થોડો આનંદ પણ થયો. હજી વધારે નવા વ્યક્તિઓ શોધવા માટે ફાંફાં મારવાની પ્રક્રિયા ચાલુ જ રહી. નશામાં બેભાન માણસની જેમ ભાન ભૂલીને ત્રણ કલાક સુધી અલગ અલગ સોશિયલ મીડિયા પ્રોફાઈલ અને ચેટ મેસેન્જરને સમજવામાં અને લોકોની સાથે જનરલ વાતચીત કરવામાં હું મશગૂલ થઈ ગયો હતો.
ખરેખર તો ડૂબી રહ્યો હતો…
મને મજા આવવા લાગી. મારો ઈન્ફિરિયારિટીવાળો સ્વભાવ ચેટિંગની દુનિયામાં મને જરાય આડે ન આવ્યો, કારણ કે અહીંયા તો કોઈ પ્રત્યક્ષ હતું જ નહીં. કોઈકે મને ઓનલાઈન ગેમ્સ રમવા માટે ઈન્વિટેશન આપ્યું. એ લિંક ખોલવા જ જતો હતો, ત્યાં મને પપ્પાની વાત યાદ આવી.
‘મિરાજ, ઈન્ટરનેટમાં વાઈરસનો પ્રોબ્લેમ ખૂબ વધી ગયો છે. કોઈ પણ અજાણી વેબસાઈટ ખોલીશ નહીં. આજકાલ ઘણી બધી વેબસાઈટ ખોટા રસ્તે લઈ જાય એવી હોય છે. આપણા સંસ્કાર ખરાબ કરે, એવી કોઈ વસ્તુમાં પડીશ નહીં.’
પપ્પાની કહેલી વાત મને જરાક ગંભીરતાથી ચેતવી ગઈ.
એટલામાં મોબાઈલની રિંગ વાગી. પરમનો ફોન હતો.
‘હેલ્લો.’
‘હેલ્લો. શું બોસ! તો તને સોશિયલ મીડિયા નામની ચિડિયા ગમી ગઈ ને?’
મને જવાબ સૂઝ્યો નહીં.
‘ઓ.કે. સાંભળ, મેં તને અમુક લિંક મોકલી છે, એ જોજે!’
‘સારું.’
‘ચલ બાય, મારી ફ્રેન્ડ વેઈટ કરે છે. નહીં તો રિસાઈ જશે પાછી.’ આટલું બોલીને પરમ લુચ્ચું હસ્યો અને ફોન કટ કર્યો.
ફોન મૂકીને લેપટોપ સામે જોયું તો એ જેની સાથે ચેટ કરતો હતો, એ બધા ઈન્વિઝિબલ કે બીજે ક્યાંક બિઝી થઈ ગયા હતા. મેં લોગ આઉટ કરી દીધું. એટલામાં રવિનો ફોન આવ્યો.
‘હાય મિરાજ, શું કરે છે?’
‘કંઈ ખાસ નહીં. બસ આમ જ ટાઈમ પાસ કરતો હતો.’
‘મને તારી ફ્રેન્ડ રિકવેસ્ટ મળી એટલે નવાઈ લાગી.’
‘એમાં નવાઈ લગાડવા જેવું શું છે?’
‘એમ જ કે તું પણ ફેસબુકમાં આવી ગયો?’
‘હા, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર બધે જ છું ભાઈ.’ આટલું બોલતા મારો અવાજ ગર્વથી મોટો થઈ ગયો.
‘જોરદાર.’
‘હવે તું મોર્ડન થયો એવું લાગે છે.’
ટોણા જેવા એના શબ્દોથી મને થોડો ગુસ્સો આવ્યો પણ હું ચૂપ રહ્યો.
‘સાંભળ, મારી પાસે ઘણી બધી સરસ મૂવીઝનું કલેક્શન છે. તારે જોઈએ છે?’
‘મૂવીઝ?’
‘હા, વેકેશનમાં બીજું શું કરવાનું? મમ્મી-પપ્પા બધી મૂવી જોવા તો જવા ના દે, એટલે હું ઘરે જ જોઈ લઉ છું.’
‘ગુડ આઈડિયા.’
‘તારી પેન ડ્રાઈવ લઈને કાલે ઘરે આવી જજે.’
‘ઓ.કે.’
આમ રોજના કલાકો સુધી લેપટોપ સામે બેસી રહેવાનો સિલસિલો ચાલુ થઈ ગયો. રવિ પાસેથી મળેલી પંદરેક મૂવીઝ મેં એક અઠવાડિયામાં જ જોઈ લીધી. રોજના એક કે બે પિક્ચર જોવાની મને હેબિટ પડી ગઈ. ધીમે ધીમે હું પોતાના રૂમમાં જ ભરાઈને રહેવા લાગ્યો. મમ્મી-પપ્પા સાથે વાતચીત કરવામાં મને બહુ રસ પડતો નહોતો. હવે તો મીતની સાથે પણ વાતચીત ઓછી થઈ હતી. એ એનામાં અને હું મારામાં બિઝી. ગેમ્સ હોય, મૂવી હોય કે પછી ચેટિંગ હોય, જેની પાછળ પડું એમાંથી બહાર નીકળી ન શકું.
બોલતા બોલતા મિરાજે એકવાર મીત સામે નજર કરી. એ નીચું જોઈને બેઠો હતો. બહારથી એ શાંત છતાં ગંભીર દેખાતો હતો. મીતનું આવું રૂપ મેં પહેલીવાર જોયું. એવું લાગ્યું કે એની અંદર પણ કંઈક સુનામી જેવું તોફાન ચાલી રહ્યું છે. મારા કાન મિરાજની આપવીતી સાંભળવામાં વ્યસ્ત હતા, પણ મારી આંખો મીત પર સ્થિર થઈ ગઈ હતી. એને મેં ફરીથી મિરાજ પર કેન્દ્રિત કરી. એ આટલી હિંમત કરીને બોલી રહ્યો છે, એટલે મારું ફોકસ પણ એના તરફ જ હોવું જોઈએ એ વાતે હું પાછી મિરાજની વીતેલી સફરમાં ખોવાઈ. એના ફક્ત હોઠ જ નહોતા બોલી રહ્યા. ચહેરો અને આંખો પણ બોલી રહ્યા હતા.
‘મને રોકનારેય કોઈ નહોતું. દાદીની તબિયત થોડી ઢીલી થતા મમ્મી એમની દેખરેખમાં, પપ્પા એમનો બિઝનેસ વિકસાવવામાં અને મીત એના ન ગમતા કરિઅરને ગમતું કરવામાં વ્યસ્ત હતા. સોશિયલ મીડિયાના રંગમાં હું એવો રંગાયો કે રાત્રે મોડે સુધી જાગતો. પહેલા તો રજાના દિવસોમાં ક્રિકેટ રમવામાં પણ મને મજા આવતી. પણ પછી તો મને બહાર જઈને ફ્રેન્ડ્સ કે બીજા લોકો સાથે હસવા-બોલવા કરતા મારા રૂમની ચાર દિવાલોમાં રહીને સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમ્સની રંગીન અને આકર્ષક દુનિયામાં રહેવાનું વધારે અનુકૂળ લાગવા લાગ્યું. મેચમાં કોઈની સાથે કંઈ બોલાચાલી થાય તો પણ મારાથી સહન નહોતું થતું. કોઈની સાથે મગજમારી કરવી પડે એના કરતા એકલા બેસીને ઓનલાઈન ટાઈમ પાસ કરવો સારું. અહીંયા કોઈ સાથે કંઈ માથાકૂટ જ ના થાય ને!’
આટલું સાંભળતા જ મીતની નજર ઊઠી. એનું મૌન તૂટ્યું.
‘ભઈલું, તું આટલો બધો એકલો પડી ગયો હતો અને મને ખબર પણ ન પડી. તું એકલો પડી ગયો હતો અને હું એકલા રહેવા માટે મથી રહ્યો હતો.’
મીતની વાતો રહસ્યને જન્માવી રહી હતી. પણ મારે અત્યારે મીતને નહીં મિરાજને સાંભળવાનો છે. એ લક્ષ ના ચૂકાય, એ માટે મેં પોતાને અને મિરાજને ડાયવર્ટ થતા અટકાવ્યા.
‘તારી વાત એકદમ સાચી છે, મિરાજ. આ એક એવી બનાવટી દુનિયા છે જે આપણને વાસ્તવિક દુનિયાથી દૂર ખેંચી જાય છે. જેના કારણે જ્યારે અસલ દુનિયામાં આપણા ધાર્યા કરતા કંઈક જુદું થાય કે કોઈ કડવી વાસ્તવિકતાનો સામનો કરવાનો આવે ત્યારે એમાં પોતાની જાતને ટકાવી રાખવાની શક્તિ આપણી પાસે હોય જ નહીં. ટી.વી., મૂવી, ગેમ્સ, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટની વળગણ આપણી બધી શક્તિઓ ખલાસ કરી નાખે છે. મનને નબળું અને પાંગળું બનાવી દે છે.’
‘મને હતું કે વિશ્રુતના ગયા પછી તું પરમ સાથે બહુ અટેચ થયેલો છે. પણ એની તારા પર આટલી ઊંડી અસર પડી છે એનો તો અંદાજો પણ નહોતો.’ મીતના અવાજમાં જરાક નારાજગી વર્તાતી હતી.
‘પરમ એક જ નહોતો મારા જીવનમાં...’ મિરાજ અટકી ગયો. ચહેરા પર થોડી અકળામણ ઊપસી આવી. આ અકળામણ પોતાની ભૂલો માટે હતી કે મીત માટે એ મારાથી કળી ના શકાયું.
‘મિરાજ, આજે તે જે સ્વસ્થતાથી તારા ભૂતકાળમાં ડોકિયું કરવાની હિંમત કરી છે, એને અપ્રીશિએટ કરવા મારી પાસે શબ્દો નથી. પણ આજે આ ચેપ્ટરના જેટલા પાત્રોને અહીં જાહેર કરી દઈશ એટલો હળવો જરૂર થઈશ, એની મને ખાતરી છે.’ મેં મિરાજને હિંમત બંધાવતા કહ્યું.
મીત તરફ આડકતરી નજર કરી મારી આંખોએ એને જરા શાંત રહેવા અરજ કરી.
મિરાજે સહમતિ આપતા માથું હલાવ્યું અને વાત આગળ વધારી.
‘એક દિવસ પરમે મને કોલ કરીને સોસાયટીની બહાર એક પાર્ક પાસે મળવા આવવાનું કહ્યું. જ્યારે હું ત્યાં પહોંચ્યો, ત્યારે એની સાથે ઉંમરમાં લગભગ વીસેક વર્ષનો એક છોકરો પણ બેઠો હતો.’
‘આ નિખિલ છે. માય ન્યૂ ફ્રેન્ડ.’
‘હાય.’ નિખિલે મારી તરફ પોતાનો હાથ લંબાવ્યો.
‘હાય.’ મેં એની સાથે હાથ મિલાવતા કહ્યું.
‘તું કહેતો હતો ને કે બહુ દિવસથી હું દેખાતો નથી, એનું કારણ આ જ છે.’ પરમે મને ખુલાસો આપતા કહ્યું.
‘મીન્સ?’ મિરાજે આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘આ મારા પપ્પાના ફ્રેન્ડનો સન છે. થોડા દિવસ પહેલા અમારા બંનેનું ફેમિલી મનાલી ફરવા ગયા હતા, એની તો તને ખબર છે ને?’
‘હા.’
‘આ લોકો પહેલા બરોડા રહેતા હતા. પણ હવે એના પપ્પા અને મારા પપ્પા બિઝનેસ પાર્ટનર બની ગયા છે અને હવે એ લોકો અહીં શિફ્ટ થઈ ગયા છે.’ પરમે ખુશીથી હાથ લંબાવતા કહ્યું. એના ચહેરા પરનો આનંદ કંઈક ઓર જ હતો.
‘ઓહ, ધેટ્સ નાઈસ.’
‘એ અહીંયા એકદમ નવો છે, એટલે હું રોજ એની સાથે બહાર જાઉ છું. એની પાસે કારનું લાઈસન્સ છે અને મારી પાસે આપણા શહેરનું નોલેજ. એટલે અમે બંને આખો દિવસ બસ રખડ્યા જ કરીએ છીએ.’ પરમ, નિખિલથી ખૂબ પ્રભાવિત થયો હોય એવું એને જોતા જ લાગ્યું.
નિખિલ મને ઓવર સ્માર્ટ લાગ્યો. મને એને મળીને બહુ આનંદ ન થયો.
વેકેશનના દિવસો મોજમજામાં પસાર થઈ રહ્યા હતા. પરમ અને નિખિલ સાથે સમય ગાળવાના અવસરો પણ વધતા જતા હતા. એક દિવસ એ લોકોએ મૂવી જોવા જવાનો પ્લાન કર્યો.
‘તું નિખિલને મળ્યો છે ક્યારેય?’ મેં મીતને પૂછ્યું.
‘ના.’
‘દીદી, એની પાસે સમય જ નહોતો. એ ઘરમાં ઓછું અને બહાર વધારે રહેતો હતો. અને જે ઘરમાં હતા એ બધા મારી નજીક હોવા છતાં પણ નજીક નહોતા.’ મિરાજની આંખોમાં મીત માટે ફરિયાદ અને મમ્મી-પપ્પા માટે અસંતોષ ઝળકતા હતા.
‘મિરાજ, જે વીતી ગયું એને યાદ કરીને દુઃખી થવાનો અર્થ નથી, કારણ કે તું જેમનાથી દુઃખી થયો છે, એ બધા અત્યારે તારા માટે દુઃખી થઈ રહ્યા છે. તને સુખી જોઈને જ એમના વ્યથિત મનને ચેન મળશે.’
મિરાજનું મૌન મારી વાત એના સુધી પહોંચતી હોય એની નિશાની હતી. મારા તરફ સ્થિર થયેલી એ આંખો જૂના ચેપ્ટરના એક નવા પેજને રિવાઈન્ડ કરીને જોવાની તૈયારીમાં હતી.