Ek Hati Kanan.. - 30 in Gujarati Fiction Stories by RAHUL VORA books and stories PDF | એક હતી કાનન... - 30

Featured Books
Categories
Share

એક હતી કાનન... - 30

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 30)
કાનને પણ લાગણીનો સ્વીકાર કરી સાસરે પુનરાગમન કર્યું.
આજકાલ કરતાં પાંત્રીસ વર્ષનો ગાળો પસાર થઈ ગયો હતો.
મનન નિવૃત્ત થઈ ગયો હતો.કાનન અને મનન જીવનનો ઉત્તરાર્ધ માણી રહ્યાં હતાં.
મુક્તિ નાં લગ્ન થઇ ગયાં હતાં.બન્ને પતિ-પત્ની પોતાની કેરિયરમાં સેટલ હતાં.
કાનન અને મનન નાં પ્લાન પ્રમાણે માનવ ને લગ્ન બાદ તરત જ પોતાની સ્વતંત્ર જિંદગી જીવવા છૂટો મૂકી દીધો હતો.
તપન અને તાપસીની પોતાની એક દીકરી હતી અને એક દીકરો દત્તક લીધો હતો.
કાનન નાં જેઠાણી એ દીકરી હોવા છતાં પણ દીકરી જ દત્તક લીધી હતી. તાપસી નાં શબ્દોમાં “દીકરી લઈને સાસુ પ્રત્યે દાઝ કાઢી હતી.”
માનસી અવારનવાર ગોંડલ આવી જતી અને માંડવીનાં સંસ્મરણો વાગોળી જતી.
ધૈર્યકાન્ત,સરૂબેન અને મનન નાં સાસુ-સસરા પણ નિવૃત્તિ અને પ્રવૃત્તિ સાથેની જિંદગી માણી રહ્યાં હતાં.
કુદરતે કાનનની ફાઈલ ખોલી.કાનનને પૃથ્વી પર જે ઈરાદા સાથે મોકલી હતી તે બધા જ પાર પાડ્યા હતા.હવે કાનનની અંતિમ ઈચ્છા પૂરી કરવી જોઈએ એવું કુદરતને લાગ્યું.
આવી જ એક “ટીમ કાનન”ની મીટીંગ વખતે કાનન બોલી.
“હમણાં હમણાં થી વહેલી સવારે મને કોઈ સાદ પાડીને બોલાવતું હોય એમ લાગે છે.એક-બે વાર તો ઘરની બહાર જોઈ પણ આવી.મારા પ્રિય હીંચકા ઉપર બેસીને એ સાદ નાં નાદ ને પકડવા પ્રયત્ન કરું છું.દરીયાનાં મોજાં આપણી ડેલીને અથડાઈ અથડાઈને વિખરાઈ જતાં હોય એમ લાગે છે. જાણે કોઈ મને કહી રહ્યું છે કે તારા જીવનનો મકસદ પૂરો થઈ ગયો છે તો આવી જા.તારું મિશન પૂરું થયું છે.તારું મૂળ સ્થાન તો અહીં જ છે.શું દરિયાદેવ તો મને નહીં બોલાવતા હોય ને?” કાનનનો અવાજ ઊંડો ને ઊંડો ઉતરતો જતો હતો.બધાં ગંભીર થઈ ગયાં.
“હા,યાદ આવ્યું.એ દરિયાદેવ જ હતા.મને કહી રહ્યા હતા કે તું દરિયાનું સંતાન છો તો દરિયામાં જ સમાઈ જા.મારે દરિયામાં સમાઈ જવું છે.મને મંજૂરી આપો.મારો અવતાર પૂર્ણ થયો છે.મારો જીવવાનો મકસદ પણ પૂર્ણ થયો છે.તમે બધાં સેટલ છો.આમ પણ એક ને એક દિવસ બધાએ જવાનું જ છે તો અત્યારે જ કેમ નહીં.મારે મારાં કુટુંબીજનોની હાજરીમાં જ દરિયામાં સમાઈ જવું છે.પ્લીઝ મને રજા આપો.મને રજા આપો.”કાનન આટલું બોલી કોઈ અલગ દુનિયામાં ખોવાઈ ગઈ.જે રીતે કાનન બોલતી હતી એના ઉપરથી લાગ્યું કે કાનને નિર્ણય લઇ જ લીધો છે અને હવે એમાંથી એને પાછી વાળવી મુશ્કેલ છે.
આખરે બધાં એ ભારી હૃદયે મંજૂરી આપી અને યોજનાને આખરી રૂપ અપાઈ ગયું.
પાછળ કોઈને તકલીફ ન પડે એ માટે કાનને ડાઈંગ ડેકલેરેશન પણ તૈયાર કરી દીધું હતું.
સૂર્યોદય ની તૈયારી હતી.કાનન પોતાનો quality time પસાર કરવા એકલી એકલી માંડવી બીચ પર પહોંચી આવી હતી.પ્રૌઢ વયે પણ તે જાજરમાન લાગતી હતી.સંઘર્ષમાં ટીપાઈ ટીપાઇ ને થયેલું તેનું ઘડતર નીખરી રહ્યું હતું.
આજે ઉગતા સૂર્યની સાક્ષીએ મનની બધી જ ગાંઠો દરિયા દેવને અર્પણ કરવા આવી હતી.
સમજુ થયા પછી ભાઈની ઓચિંતી વિદાય.
ભાઈના મૃત્યુ સમયની પપ્પાની પહેલી થપ્પડ.
પપ્પાનું રહસ્યમય રીતે બદલાયેલું વર્તન.
દાદીબા અને દાદાજી સાથે રહીને ભણવું અને મમ્મી પપ્પા માટે હિજરાવું.
નિયંત્રણો થી પપ્પા પ્રત્યેની કડવાશ.
વધારે પડતાં નિયંત્રણો થી બંડખોર સ્વભાવ.
એકમાત્ર અભ્યાસમાં સ્વતંત્રતા.
શંકાને કારણે કોલેજ કરવા માંડવી આવવું પડ્યું.
પુરીના દરિયાકિનારે મનન સાથે નાટકીય મુલાકાત.
નિયંત્રણને કારણે અંતર્મુખી બની.
વાંચન થી સ્વતંત્રતા નું મહત્વ સમજી.
લાગણી માટેની પ્યાસ પહેલીવાર મનને બુઝાવી.
પાંચ વર્ષની મૈત્રી બાદ મનન સાથે લગ્ન અને તે પણ પપ્પાની ઉપરવટ જઈને.
લગ્ન બાદ નોકરી અર્થે માંડવી આવવું પડ્યું,એકલાં રહેવું પડ્યું.
માંડવી એ આપ્યો માનસી નો સાથ.
માંડવી એ આપ્યો તપન જેવો મિત્ર.
માંડવી એ કરાવ્યું જીવનદર્શન.
માંડવી એ બતાવ્યો જીવન જીવવાનો સાચો માર્ગ.
ફરી પહોંચી ગોંડલ.ગોંડલે જોડી બાલઘર સાથે.
બાલઘરે બાળકી દત્તક લેવા પ્રેરી.
દત્તક બાળકી મુક્તિ માટે ઘર છોડ્યું.
તાપસી જેવી બહેનપણી કમ નાની બહેન મળી.
માનવના આગમન ની એંધાણી એ મનન પાછો મળ્યો.
એક બાળક દત્તક નો વિચાર તરતો મૂક્યો.
તાપસી અને તપન ના સાથથી "દીપક્રાન્તિ” વિચાર ને દૂર દૂર સુધી ફેલાવ્યો.
"દીપક્રાન્તિ” ના પ્રોજેક્ટ હેઠળ જ એક “રચિત કુટુંબ” નો સફળ પ્રયોગ અમલમાં મૂક્યો.જેમાં એક વૃદ્ધ દંપતિ,એક ત્યક્તા કે વિધવા અને એક બાળક સાથે રહે,એક બીજાનો સહારો બને.
કાનન અટકી.બે હાથ જોડી મસ્તક નમાવી ઊભી રહી ગઈ.
“હે દરિયાદેવ,આજે મારી અંતિમ પળોમાં હું મારા મનની બધી જ ગાંઠો આપ સમક્ષ છોડી રહી છું.તેને આપના વિશાળ પેટાળમાં સમાવી લેજો.કોઇપણ નિર્ણય સાચો નથી હોતો.ખોટો પણ નથી હોતો.એ માત્ર નિર્ણય હોય છે.સંજોગોને આધીન.સમયને આધીન.આજે મારા સ્વજનોના બધા જ નિર્ણયો ને સમયનો તકાજો ગણી સ્વીકારી લઉં છું.મને એ લોકો પ્રત્યે કોઈ ફરિયાદ પણ નથી.”
કાનન પાછી ફરી,ફરી રાત્રે આવવાના વચન સાથે.અને સ્વજનો સાથે આવી પણ ખરી.
પોતાની મસ્તીમાં કાવ્ય પંક્તિઓ ગણગણી રહેલી કાનનની સાથે ચાલતો મનન શબ્દો પકડવા પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક કાનન અટકી.અવળી ફરી.
“હવે આપણી યાત્રા અહીં પૂરી થાય છે.મારી શરૂ થાય છે.”
શાંત વાતાવરણમાં ઘૂઘવતા દરીયા નાં મોજાં વચ્ચે ઋષિકા સમાન ભાસતી કાનન આટલું બોલીને અટકી ગઈ. તપન, મુક્તિ, માનસી, માનવ અને તાપસી કે જેઓએ અત્યાર સુધી સાગરનું ઊગતા સૂર્ય અને આથમતા સૂર્યનું સ્વરૂપ જ જોયું હતું. તેઓ માટે ઓટ ની શરૂઆતનું આ રૂપ નવું જ હતું. મધ્યરાત્રિ નો ઘૂઘવતો સાગર ભગવાન શિવના તાંડવ નૃત્યની યાદ અપાવતો હતો.
આવા આ તાંડવ નૃત્ય નાં સાક્ષી બનેલા પોતાના પરિવારને જ્યારે કાનને રોકાઇ જાવાનું કહ્યું ત્યારે સાથે ચાલનારાં બધાં જ આવનારા સમયને સ્વીકારવા સ્થિર થઈ ગયાં.
માંડવીના દરિયા કિનારે બીચ પર ગોઠણભેર પાણીમાં બધાં ઊભાં હતાં. એક બાજુ હતો અફાટ સાગર અને બીજી બાજુ દૂર દૂર દેખાતી શહેરની ઝાંખી લાઈટો.
“કાનન પ્લીઝ, મારો તો વિચાર કર.” મનન માંડ માંડ વાક્ય પૂરું કરી શક્યો.
“કાનન,હજુ તો ઘણું બધું,અરે,ઘણું બધું કરવાનું બાકી છે. એ વસ્તુ તો જગજાહેર છે કે અમે તારાથી જ પૂર્ણ હતાં.” તપન માંડ માંડ રડવું ખાળીને આટલું બોલી શક્યો.
“મમ્મી,તું તું, અમારા માટે...” આગળ નું વાક્ય મુક્તિ ના ડૂસકાં માં અટવાઈ ગયું.
માનસી, માનવ અને તાપસી સ્તબ્ધતાથી એક અશક્ય ને શક્ય બનતું જોઈ રહ્યાં હતાં.મૂક સાક્ષી બનવા સિવાય કશું જ કરી શકવા અસમર્થ હતાં એ લોકો.
“એ જિંદગી, મેં તને માણી છે, ભરપૂર માણી છે. કોઈ ફરિયાદ નથી, કોઈ રંજ નથી.” કાનન સ્વગત બોલી.
કાનન અવળી ફરી.તે ચાલતી હતી પણ પાછલા પગે.
બસ, ચાલતી હતી. હાથો લહેરાવતી, બંને હાથો લહેરાવતી. ચહેરા પર એ જ હાસ્ય,એ જ સંતોષ.
એક વિશાળ મોજું આવ્યું, કાનન ને બધાંથી થોડી નજીક પણ લાવ્યું પરંતુ અંતે એ મોજું કાનનને પોતાની ગોદમાં હળવેથી લઇને ચાલ્યું ગયું.
ન કોઈ ચીસ,ન કોઈ કકળાટ.શાંતિ અને સ્વસ્થતાની મૂર્તિ કાનન,દરિયાનું સંતાન દરિયામાં સમાઈ ગયું,
કાનન ની છેલ્લે સાંભળેલી પંક્તિઓ મનન દબાયેલા અવાજે ગણગણતો હતો.
ન ટોળું,ન ભીડ,
ન કોલાહલ સૂત્રોનો,
જઈ રહી છે ડાઘુઓના સહારા વિના,
અરે,અહીં તો શબ પણ છે નિ:શબ.
આ છે મારી સ્મશાનયાત્રા.
માત્ર મારી સ્મશાનયાત્રા.
અચાનક વાતાવરણ માં પલટો અનુભવાયો. દરિયાદેવે ઉત્સવની ઉજવણી શરૂ કરી. સાગરની વિશાળ લહેરોએ નૃત્ય આરંભ્યું. એક વિદુષીના સ્વર્ગ પ્રવેશના ઘંટનાદ,ઝાલર અને મૃદંગના નાદ ઊંડે ઊંડે સંભળાતા તપને અનુભવ્યા.
એક જીવનયાત્રા પૂરી થઇ.
અને એક શરૂ થઇ કલમને સથવારે.
તપને લેપટોપ ઓન કર્યું. કી બોર્ડ પર એની આંગળીઓ ઝડપથી ફરવા લાગી.
એક હતી કાનન...
બીજા દિવસની સવાર પડી.બધાં ઉઠ્યાં.ભારી પોપચાં કહેતાં હતાં કે કોઈ સૂઈ નહોતું શક્યું અને ખૂલીને રોઈ પણ. બધાને એકબીજાની ચિંતા હતી.તપને લેપટોપની બેટરીના છેલ્લા શ્વાસ સુધી લખ્યું હતું.પેકઅપ કરીને નીકળવાની તૈયારીમાં જ હતા ત્યાં એક કાર આવીને ઊભી રહી.કારમાંથી ધીમે ધીમે ધૈર્યકાન્ત અને સરૂબેન ઉતર્યાં.વાતાવરણ વધુ બોઝિલ બન્યું.
બધાં જ એમની આસપાસ વીંટળાઈ વળ્યાં.અચાનક બન્ને દરિયા તરફ ચાલવા લાગ્યાં.બધાં તેઓને અનુસરી રહ્યાં હતા.
ધૈર્યકાન્ત અને સરૂબેન એક ખખડધજ ઝાડ પાસે રોકાયાં.ધૈર્યકાન્ત ધીરે રહીને નીચે બેઠા.સરૂબેન પણ બાજુમાં બેઠાં.સાથે આવેલાં બધાં એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોતાં આસપાસ ગોઠવાયાં.ધૈર્યકાન્તે પોતાના સદરા માંથી ગંગાજળ ની નાની બોટલ કાઢી.ઝાડ નીચે રેડ્યું.
હવે તાપસી થી રહેવાયું નહીં.”આ ગંગાજળ....
ધૈર્યકાન્તે હાથના ઇશારાથી જ એને અટકાવી અને બોલવાનું શરૂ કર્યું.
“યાદ છે મનન, કાનનના જન્મદિવસના સાંજે જ અમે આવતાં.ઘણી વાર તમે અમને પૂછ્યું હતું કે દર વખતે સવારે અમે બન્ને ક્યાં નીકળી જઈએ છીએ? અમે બન્ને અહીં આવતાં.અહીં એકાદ કલાક બેસતાં.
દરિયો ક્યાંય દૂર દૂર હતો.શાંત હતો.વાતાવરણ માં ધૈર્યકાન્ત અને સરૂબેન ના ઊંડાણમાંથી ઓમકાર ના જાપ નીકળી રહ્યા હતા.બધાએ એમાં સૂર પુરાવ્યો.
ધૈર્યકાન્ત ઊભા થયા.સરૂબેન સહીત બધાં ઊભાં થયાં.દરિયાદેવ સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરી.
“હે દરિયાદેવ,તારો ખૂબ ખૂબ આભાર.અમને કાનન જેવી અમૂલ્ય ભેટ આપવા બદલ.ખૂબ ખૂબ આભાર.”
“કાનુડાને તો કદાચ બીજાં નંદ-જશોદા મળે પણ અમારી “રાધા” માટે તો તમને સ્વર્ગ લોકમાંથી જ ખાસ મોકલ્યાં હતાં.” એક વૃધ્ધ દંપતિ બધાં સાથે ભીની આંખે હાથ જોડીને ઉભું હતું.
“આજે વર્ષો પહેલાં જે હિંમત અમે નહોતાં બતાવી શક્યાં તે તમે બતાવી અને અમારી દીકરી “રાધા” તો આ બાબતમાં સવાઈ સાબિત થઈ.”દંપતિ માંના વૃધ્ધ પુરુષે કહ્યું.
“એક વહેલી સવારે અમે સમાજની બીકે “રાધા” ને દરિયાદેવ ના વિશ્વાસે મૂકી દીધી હતી.અમારી સગાઈ અને લગ્ન વચ્ચેની ભૂલનું પરિણામ એટલે આ “રાધા’.અમે અહીં મૂકી તો દીધી પણ અમારા પગ નહોતા ઉપડતા.અમે દૂર એક ઝાડની નીચે સંતાઈને ઊભાં રહ્યાં.અડધો એક કલાક વીત્યો.મારી ધીરજ ખૂટી.અમે અમારી દીકરી રાધાને મૂકીને જવાનો વિચાર જ કરતાં હતાં ત્યાં તમને બન્ને ને જોયાં.તમે અમારી દીકરી ને જે રીતે ઊંચકી લીધી તેના ઉપરથી અમને વિશ્વાસ બેસી ગયો કે અમારી દીકરી સલામત છે.”તો પણ અમારું મન ત્યાંથી ખસવાની ના પાડતું હતું.અમે તમારું પગેરું દબાવતાં હતાં.એ વૃદ્ધ પુરુષ અટક્યા.
હવે વાતનો દોર તેની પત્નીએ સંભાળ્યો.
“તમે તો ટુરીસ્ટ હતાં.એટલે ત્રણ દિવસમાં જ બધી કાયદાકીય વિધિ પતાવી ગોંડલ નીકળી ગયાં.અમે હોટેલમાં થી ગમે તેમ તમારું સરનામું મેળવી લીધું.અમે લગ્ન તો કર્યાં પણ અમારી ભૂલની સજારૂપ બીજું સંતાન ન થવા દેવું એવું પણ નક્કી કરી લીધું.આ નિર્ણય ને કારણે અમને ઘણું સહન કરવું પડ્યું.ઘણું સાંભળવું પણ પડ્યું.પણ અમે અમારી દીકરીને તજી દેવાની સજા અમારી જાતને આપતાં રહ્યાં.અમે સતત તમારો પડછાયો બની ને જ રહ્યાં.તમે જેટલી જગ્યાઓ બદલી,ગામ બદલ્યાં એટલી જગ્યાઓ અમે પણ બદલતાં રહ્યાં અને અમારી રાધાને ઊછરતી જોતાં રહ્યાં.અમે સતત અમારી રાધા અને તમારા લોકો માટે પ્રાર્થના કરતાં જ રહ્યાં.ગઈકાલે અમે પણ અહીં દૂર દૂર ઊભીને અમારી રાધાને જતી જોતાં રહ્યાં અને મનોમન વંદન પણ કરતાં રહ્યાં અને અફસોસ પણ કરતાં રહ્યાં.કાનન નાં દાદાજી એ જાસૂસ તરીકે અમારી ખૂબ સેવા કરી.તમારી દરેક ગતિવિધિઓ ની અને કાનનની દરેક પ્રગતિની વાતો અમને કરતા રહ્યા.”
“આભાર તમારો બધાનો અને
સોરી રાધા,સોરી કાનન...”
તપને ફરી લેપટોપ ખોલ્યું અને ઉમેર્યું
એક હતી કાનન... ને એક હતી રાધા...
(સમાપ્ત)