Himachal No Pravas - 9 in Gujarati Travel stories by Dhaval Patel books and stories PDF | હિમાચલનો પ્રવાસ - 9

Featured Books
Categories
Share

હિમાચલનો પ્રવાસ - 9

હિમાચલનો પ્રવાસ - 9 (મનાલીમાં ભ્રમણ)
તારીખ : 11, ડિસેમ્બર 2022

અગાઉના એપિસોડમાં જોયું કે અમે મનાલી પહોંચ્યા બાદ, રજનીનો વૈભવ માણ્યો અને મનાલી વિશે પ્રાથમિક માહિતી જોઈ. હવે ગતાંક થી આગળ...

તારીખ : 11 ડિસેમ્બર, 2022

અહીંનું વાતવરણ શુદ્ધ અને સ્ફૂર્તિ વાળું હોવાથી સવારમાં વહેલાંજ નીંદર ઉડી ગઈ. પરંતુ આવી ગુલાબી ઠંડી હોય તો રજાઈ માંથી બહાર નીકળવાની આળસ પણ થાય, છતાં સમયસર ફ્રેશ થઈ ગયા. નીચે પગથિયાં ઉતરીને સવારના નાસ્તા માટે જતી વખતે સામેની તરફ કાચની બારી માંથી પ્રકૃતિ નો ખુબજ સુંદર નજારો જોયો. જેને વધુ સારી રીતે જોવા માટે હવે પગથિયાં ઉતરવાને બદલે ચડીને ઉપર છત તરફ જવા પ્રયાણ કર્યું.

છત ઉપર જઈને સામેની તરફ નજર કરતા જ કુદરતનો કેનવાસ નજરે ચડી રહ્યો હતો. જેનું શાબ્દિક વર્ણન કરું છું છતાં એનું સુંદરતા જોઈ પૂરતો ન્યાય નહિ આપી શકાય એવી ખાતરી છે. સામેની તરફ બિયાસ નદીના વહેણ દ્વારા બે ભાગમાં વહેંચાયેલા પર્વતોની દૂર દૂર સુધુ સુંદર વાદીઓ દેખાઈ રહી છે. જેનું ગઈકાલે રાતનું સૌંદર્ય આકર્ષણ પમાડે એવું હતું પછી ઉજાશના વૈભવનું તો પુછવું જ શુ ? સૂર્ય મહારાજનું આગમન હજુ થયું નથી જે અમારી પાછળના પર્વતની પાછળ છુપાયેલા છે. જેથી સામેની તરફના પર્વતો પર હજુ સૂર્યનો પ્રકાશ પહોચ્યો ના હોવાથી દેવદારના વૃક્ષ ઘેરા લીલા રંગના દેખાઈ રહ્યા છે. નીચેની તરફ નદીનો વહેણનું સુમધુર સંગીત સંભળાઈ રહ્યું હતું. નદીના કિનારાની આજુ બાજુના વિસ્તારમાં કોહરાનું નાનકડુ વાદળ બની ગયું છે. નીચે દેખાતી હોટેલો, ઘરો અને હાઇવે ઉપર હજુ ઝાઝો ચલપહલ દેખાતો નથી. જમણી બાજુ પહાડની ઉપર ચાંદા મામા હજુ આથમ્યા નથી, એ પણ હજુ કદાચ વધુ સૂર્ય પ્રકાશની આવવાની રાહ જોઈ રહ્યા છે. જમણી બાજુ તરફના પહાડોના ઉપરના ભાગે સૂર્યના પ્રકાશનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે અને નીચેનો ભાગ હજુ ઘેરા લીલા રંગનો દેખાઈ રહ્યો હતો. જે અમારી પાછળના ઊંચા પર્વતની પાછળ સૂર્યોદય થવાને કારણે એનો પડછાયો પડી રહ્યો હોવાને કારણે છે. જમણી બાજુ સાવ છેવાડે શ્રેણી બંધ ઉભેલા પર્વતના પાછળના ભાગની પર્વતોની શૃંખલાના હિમાચ્છાદિત શિખરો અનેરું આકર્ષણ જમાવી રહ્યા છે. ચોટીના ભાગે સૂર્યનો ઉજાસ ફેલાવાને કારણે પર્વતો એ ધવલ-સુવર્ણ મિશ્રિત મુગુટ ધારણ કર્યો હોય એવું લાગી રહ્યું છે. પ્રભાતની આ સુંદરતાનું પાન કર્યા બાદ અમે નીચે ઉતર્યા અને સવારનો નાસ્તો કરવા ઉપડ્યા.

સવારનો નાસ્તો કરીને બહાર નીકળ્યા તો અહીંના કુતરાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. એમાં સૌ એક નાનકડા ગ્લુડિયા ઉપર હુમલો કરતા હતા જેથી મોટા કુતરાઓને હાંકી કાઢી ને ઓલા નાનકડા ગ્લુડિયાને પાર્કિંગમાં ગાડીઓના પછવાડે બેસાડી ખાવા માટે ઘરેથી લાવેલા થેપલા આપ્યા. ત્યાર બાદ અમે મનાલી ભ્રમણ માટે નીકળી પડ્યા.

અમે હોટેલથી સીધા વશિષ્ઠ મંદિર તરફ જવા માટે નીકળ્યા. રોડ ઉપર ધીમે ધીમે ચહલ-પહલ વધી રહી હતી. દુકાનદારો પોતાની દુકાનો ઉપર ગોઠવાઈ ગયા હતા. અમારા જેવા પ્રવાસીઓ પણ ભ્રમણ કરવા માટે નીકળી પડ્યા હતા. અમારો સફરનો શરૂઆતી રસ્તો મનાલી-લેહ હાઇવે નદીના કિનારે કિનારે ચાલી રહ્યો હતો. ડાબી બાજુ નદીનો વહેતો પ્રવાહ નજરે પડતો હતો, તો એને પેલે પાર દેવાદારના વૃક્ષનું ઝુંડ પણ પોતાની હાજરી પુરાવી રહ્યું હતું. સામેની તરફ અમુક વનરાજી વાળા અને એની પાછળના બર્ફીલા પહાડો અમને એની તરફ આવવા માટે આકર્ષી રહ્યા હતા. પરંતુ આજે અમારે સીધા જવાને બદલે વશિષ્ઠ મંદિર અને વશિષ્ઠ ગામ તરફ જવાનું છે. જેનો એક રસ્તો મુખ્ય સડકથી જમણી તરફ ઉપરની બાજુ એ જાય છે. લગભગ 30 મિનિટની સફર બાદ અમે વશિષ્ઠ મંદિર પહોંચી ગયા. પહોંચીને ભગવાનના દર્શન કર્યા અને ત્યાર બાદ મંદિર વિશે માહિતી એકત્ર કરી અને જરૂર મુજબ ફોટો ક્લિક કર્યા.

અહીં કુલ ત્રણ મંદિરનો સમૂહ છે. પહોંચતા પ્રથમ જમણી તરફ મહાદેવજીનું મંદિર દ્રશ્યમાન થાય છે. જ્યાં મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ, ત્રિશુલ અને ગણપતિજીની મૂર્તિ સ્થપિત કરેલ છે. શિવમંદિરની પાછળના ભાગે થોડા પગથિયાં ચડીને શ્રીરામ ભગવાનના મંદિરે જઇ શકાય છે. આ મંદિર લાકડામાંથી લાકડાના સ્તંભ ઉપર ઉભું કરેલું છે. અને લાકડામાં સુંદર કોતરણી પણ કરવામાં આવેલ છે. મંદિરની પાછળના ભાગે પર્વત અને વનરાજી બેકગ્રાઉન્ડમાં સુંદરતાનો વધારો કરે છે. અહીં મંદિરમાં શ્રીરામ, લક્ષમણજી, માં જાનકી અને હનુમાનજી વિરાજે છે. દર વર્ષે અહીં દશેરાનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે.

આ બન્ને મંદિરની સામેના ભાગે રસ્તો ઓળંગતા શ્રીવશિષ્ઠ મંદિર આવેલું છે. જ્યાં મુખ્ય દ્વારથી અંદર દાખલ થતા મોટું એવું ફળિયું છે. જેની મધ્ય ભાગમાં એક મોટો પથ્થર છે જેને પૂજાસ્થળ કહેવામાં આવે છે. મુખ્ય દરવાજાથી દાખલ થતા ડાબી તરફ પડાળ જેવું છે જ્યાં યાત્રીઓ માટે બેસવાની વ્યવસ્થા છે. મુખ્ય દ્વારથી જમણી તરફ મુખ્ય મંદિર આવેલ છે. અન્ય મંદિરની જેમ આ મંદિર પણ લાકડાનું બનાવેલ છે. જેની દીવાલો પર ઝીણવટથી કરેલ કોતરકામ મંદિરની સુંદરતાને બેનમૂન બનાવે છે. મંદિરના ગર્ભગૃહમાં શ્રી વશિષ્ઠ ઋષિ કાળા રંગની સુંદર પ્રતિમાં સ્વરૂપે અહીં વિરાજમાન છે. મંદિરની પાછળના ભાગે ગરમ પાણીના કુંડ આવેલા છે. અહીં પુરુષો અને સ્ત્રીઓ બન્ને માટે અલગ કુંડ છે. પુરુષો માટેનો કુંડ આશરે 5 મીટર X 5 મીટરની જગ્યામાં આવેલો છે. આ ગરમકુંડમાં સ્નાન કરવાથી થાક દૂર થાય છે અને ચામડીના રોગોમાં લાભ થાય છે. અહીં સ્ત્રીઓ અને પુરૂષો બન્ને માટે અલગ અલગ કુંડની વ્યવસ્થા છે.

આ મંદિર અને ગામ હિંદુ ધર્મના સાત મહાન ઋષિ માનાં એક ઋષિ અને શ્રીરામ ભગવાનના કુલગુરુ શ્રીવશિષ્ઠ ઋષિને સમર્પિત છે. આ મંદિર, ગામ અને કુંડ સાથે રામાયણ વખતની બે પૌરાણિક કથા જોડાયેલી છે જે હવે પછીના ખંડમાં જોઈશું.
હવે પછીની મુસાફરી આગળના ખંડમાં...
ક્રમશ:

©-ધવલ પટેલ
01-07-2023


પેકેજ અને માહિતી માટે.
વોટ્સએપ : 09727516505

#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#ધવલપટેલ_હિંદુસ્તાની
#himachal
#tripwithdhaval
#manalitrip
#Kulluvalley
#vashistemple
#manali
#મનાલી