Himachal No Pravas - 8 in Gujarati Travel stories by Dhaval Patel books and stories PDF | હિમાચલનો પ્રવાસ - 8

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

હિમાચલનો પ્રવાસ - 8

હિમાચલનો પ્રવાસ - 8 (મનાલીની વાદીઓમાં)
તારીખ : 10, ડિસેમ્બર 2022

અગાઉના એપિસોડમાં જોયું કે અમે કુલ્લુ પાસે ઢાબામાં ચા ની ચૂસકીઓ માણી....

અમે કુલુ ઢાબા પર વધુ ના રોકાતા, અમારી સફર મનાલી તરફ શરૂ કરી. હવે અમારું હિમાલયમાં હંગામી મંજિલ અને ઠેકાણું મનાલી જ હતું. લગભગ દોઢેક કલાકની સફર બાદ અમે 7.30 વાગ્યા આજુ બાજુ અમારી હોટેલ પર પહોંચી ગયા. અમારી હોટેલ મનાલી થી બહાર નાગર રોડ પર આવેલી હતી. હોટેલ પર પહોંચ્યા બાદ ત્યાંની ચેક ઇનની પ્રક્રિયા પતાવી અને રૂમ પર ગયા. અમે લગભગ 48 કલાકની સફર બાદ મનાલી પહોંચ્યા હતા. છતાંય ચહેરા પર થાક કરતા હિમાલયમાં પહોંચવાનો આંનદ વધુ છલકાઈ રહ્યો હતો. ફ્રેશ થઈને રાત્રીનું ભોજન કરી અમે હોટેલથી બહારની બાજુ ટહેલવા નીકળ્યા.

રોડ સાવ ખાલી હતો. ચારેતરફ નિશબ્દ શાંતિ વ્યાપેલી હતી. ગુલાબી ઠંડી ધીમે ધીમે પોતાની ચાદર પાથરી રહી હતી. તાપમાનનો પારો લગભગ 4℃ બતાવી રહ્યો હતો. મનાલીની વાદીઓ હોય અને ડિસેમ્બરની રાત્રી હોય એટલે ઠંડી વિશે તો શું પૂછવું, પરંતુ આ સમયે આવી ઠંડીમાં પણ મિત્રો સાથે અલક મલકની વાતો કરતા કરતા હૂંફનો અનુભવ થઇ રહ્યો હતો. અમારી હોટેલથી 500 મિટર દૂર સુધી ચાલતા ચાલતા આવ્યા છીએ. ત્યાં એક RCC નું બનેલ ફ્લોર છે જ્યાં ઉભા ઉભા સામેના પર્વતો અને નીચેની વાદીઓમાં નિશાનું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું હતું.

ઉપરના ભાગે ડાબી બાજુથી પર્વતો દેખાય છે. જે વનરાજીને કારણે થોડા ડાર્ક લાગે છે. વચ્ચેના એક પર્વતના મધ્ય ભાગે રોશની ચમકતી દેખાઈ રહી છે કદાચ ત્યાં કોઈનું ઘર હશે. છેડે આવેલા પર્વતની ટોચ બરફાચ્છદિત હોવાથી ચંદ્રમા ના પ્રકાશને કારણે એવી ચમકી રહી હતી કે જાણે પર્વતોએ ચાંદીનો મુગુટ પહેર્યો હોય. ચાંદા મામાં ઠંડીને લીધે થોડા વાદળમાં છુપાઈ ને બેઠા બેઠા ગરમાવો લઈ રહ્યા છે નહિતર ચમક હજુ થોડી વધારે હોત એવું લાગી રહ્યું હતુઁ. નીચેની તરફ બિયાસ નદી બેફિકરાઈ થી ખળખળ વહેતી હતી અને એનો કર્ણપ્રિય નાદ અમને ઉપર સુધી સંભળાઈ રહ્યો હતો. કેવો અનોખો સંયોગ સાંપડ્યો હતો, એક તરફ રજનીના ઘેરા અંધકારમાં ચંદ્રમા ના પ્રકાશમાં ચમકતા પહાડ, વહેતી બિયાસ નદી અને અંધકારમાં ડૂબેલી આ હિમાલયની સુંદર વાદીઓ.

પર્વતની નીચેની વાદીઓમાં મનાલી, કન્યાલ અને સીમસા વગેરે વિસ્તારની હોટેલ અને મકાનોની રોશની ચમકી રહી હતી. એમાંય અમુક વિવિધ રંગની હોવાથી ઉડીને આંખે વળગે રહી હતી. જાણે તારલા ઓનો સમૂહ વાદીઓમાં ઉતરી આવ્યો હોય એવો અનુભવ સાંપડી રહ્યો હતો. લગભગ અડધો કલાક નિશારાણીના આ સુંદર સ્વરૂપનું પાન કર્યા બાદ ધીમે ધીમે હોટેલ તરફ વળ્યા અને આરામ ફરમાવ્યો કારણકે આવતી કાલે મનાલીની નાની નાની કેડીઓમાં ટ્રેકિંગ પણ કરવાનું હતું.

મનાલીમાં ફરતા પહેલા મનાલી વિશે થોડી પ્રાથમિક માહિતી આપણી સમક્ષ રાખું છું. મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલ એક નાનકડું નગર છે. મનાલી લેસર કે ઇનર હિમાલય રેન્જમાં આવેલ કુલ્લુ ઘાટીના ઉત્તરના ભાગે બિયાસ નદીને કિનારે વસેલ છે. જેની દરિયાકિનારાથી ઊંચાઈ 1950 મીટર જેટલી છે. જે 1800 થી 2000 મીટરની ઊંચાઈ વચ્ચે ફેલાયેલ છે. મનાલીનું પૌરાણિક મહત્વ ઘણું છે. મનાલી નામ મનું ઋષિ કે મનું ભગવાનના ઉપરથી પડેલ છે. પૌરાણિક કથાઓ અનુસાર અહીં સૌ પ્રથમ વસવાટ મનું ઋષિ એ કરેલો હતો. અહીં મનુ ભગવાનનું પ્રાચીન મંદિર પણ છે જેની વિસ્તૃત મનાલી ભ્રમણ સાથે આગળના ખંડમાં જોઈશું. મનાલીમાં સફરજનના ઘણા બગીચાઓ જોવા મળે છે. અહીંના લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસનક્ષેત્ર સિવાય સફરજનના આ બગીચાઓ પણ છે.

ઇસ. 2000 ના વર્ષ પછી કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધવાથી મનાલી કાશ્મીરના ટુરિઝમનો એક વિકલ્પ બનીને ઉભરી આવ્યું અને ત્યાર બાદ આ નાનકડું ગામ વિવિધ હોટેલ, ગેસ્ટહાઉસ અને હોમસ્ટે થી ઉભરાઈને એક નગર બની ગયું છે. છેલ્લા બે વર્ષથી કાશ્મીરમાં 370ની કલમ કાઢ્યા બાદ ત્યાં પણ પ્રવાસીઓ નો ઉછાળો આવ્યો છે પરંતુ મનાલીની લોકપ્રિયતા પ્રવાસીઓમાં યથાવત રહી છે. અટલ ટનલ બન્યા બાદ અહીંના પ્રવાસી બારેમાસ સ્પીતી વેલીના શિશુલેક કે કોકસર ઉચ્ચ હિમાલય ક્ષેત્રોમાં લટાર મારીને સાંજે મનાલી પરત આવી જાય છે.

મનાલી ભૌગોલિક રીતે વિવિધતાઓનો સંગમ ધરાવે છે. અહીં તમને બર્ફીલા પહાડો, વાદીઓમાં આવેલ હરિયાળા મેદાનો, ઘેઘૂર જંગલો અને ખળખળ વહેતી બિયાસ નદીની પ્રવાહ જોવા મળે છે. મનાલીની આવી આગવી વિશેષતાઓ થકી દેશના ખુબજ પ્રસિદ્ધ હિલ સ્ટેશનમાં સ્થાન ધરાવે છે. અહીં બારેય માસ અહીં સહેલાણીઓ ઊમટતા રહે છે. ખાસ કરીને નવપરણેલા યુગલો માટે હનીમૂન માટેનું આ મનપસંદ સ્થળ છે. હિમાચલમાં આવતો દરેક સહેલાણી મનાલીની મુલાકાત અવશ્ય લે છે.
અહીં તમને ઠંડીની અને ગરમીની બન્ને ઋતુમાં બરફ જરૂરથી જોવા મળે છે. ઠંડીની ઋતુમાં જો નસીબ સારા હોય અને પ્રકૃતિ મહેરબાન હોય તો બરફવર્ષા પણ માણવા મળી જાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમને અહીંની વાદીઓમાં આહલાદક ઠંડીનો અનુભવ થાય છે. મનાલી જમીનમાર્ગથી લાહોલ - સ્પીતીવેલી અને લેહને જોડી આપે છે, અને ત્યાં જવા માટેનું પ્રવેશદ્વાર છે. આ માર્ગ મેં-જૂન મહિનાથી ઓક્ટોબર મહિના સુધીજ ખુલ્લો હોવાથી આ સમયે મનાલી પ્રવાસીઓ થી ધમધમતું રહે છે.

અહીં પહોંચવું સાવ સહેલું છે. વર્તમાન રોડ અને હાઇવે મુજબ મનાલી દિલ્હી થી આશરે 500 KM અને ચંદીગઢ થી 270 KMની દુરી પર આવેલું છે. તમે હવાઈ માર્ગે અથવા રેલયાત્રા કરીને દિલ્હી કે ચંદીગઢ આવી શકો છો અહીંથી તમને સરકારી અને પ્રાઇવેટ બસ, વોલ્વો, શેરિંગ ટેક્સી કે પ્રાઇવેટ ટેક્સી જેવા ઘણાં વિકલ્પો મળી જાય છે. નવો ફોર-લેન હાઇવેનો અમુક હિસ્સો અત્યારે કાર્યરત થઈ ગયો છે જેથી યાત્રા સહેલી થઈ છે, હાઇવે સંપૂર્ણપણે કાર્યરત થયા પછી પ્રવાસીઓ વધુ સુખરૂપે ત્યાં પહોચી શકશે.

તો રાહ શેની જુઓ છો ? અહીં ગરમીનો ફૂલ પ્રકોપ વર્તાઈ રહ્યો છે તો ઉપડી જાવ બિસ્તરા પોટલાં બાંધીને...

હવે પછીની મુસાફરી આગળના ખંડમાં...
ક્રમશ:

©-ધવલ પટેલ
11-06-2023

ટુર પેકેજ અને માહિતી માટે વોટ્સઅપ : 09726516505

#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#ધવલપટેલ_હિંદુસ્તાની
#himachal
#tripwithdhaval
#manalitrip
#Kulluvalley
#himalayas