બરાબર વાંચજો, આ ચૂર્ણ નથી પરચૂરણ છે.
પરચુરણ શબ્દથી કયો ગુજરાતી અજાણ્યો છે. જો એ અજાણ્યો હોય તો તે ગુજરાતી નથી, નથી ને નથી. ખબર નહીં કેમ એક રૂપિયો આજે બહુ ખરીદી શકતો નથી. એટલે જાણે પરચૂરણનું અસ્તિત્વ ન હોય તેવું જણાય છે.
એક વાત યાદ રાખવી જરૂરી છે. “પૈસા’ એ પૈસા છે. પછી ભલે તે આઠ આના હોય કે પાંચસો રૂપિયાની નોટ હોય. તમને લાગે આ વાત વ્યાજબી નથી. જ્યારે બજારમાં કશું પણ ખરીદવા જઈએ ત્યારે પેલો દુકાનદાર બે રૂપિયા છૂટા ન હોવાને કારણે બે પાર્લે પિપરમિંટ આપે છે ત્યારે કેવું લાગે છે ? મનમાં જરૂર થશે ‘પરચૂરણ ‘ હોત તો કેટલું સારું ?
હા, જ્યારે ટેક્સીમાં બેઠા હોઈએ અને ટેક્સી ડ્રાઈવર પાસે છૂટા ન હોય તો તેને બક્ષિસ આપવી. તે સમયે પરચૂરણ પાછું લેવાનો મોહ ન રાખવો.
જ્યારે રસ્તા પર સામાન વેચતા ફેરિયા સાથે પૈસાની રકઝક કરી ત્યારે માનવું,’ આ પૈસામાંથી એ કયો મહેલ’ બનાવશે. બને તો પરચૂરણ યા બે રૂપિયા એમને એમ આપી દેવા યોગ્ય છે.
પરચુરણ એક મનપસંદ કહાની છે. તેને ખખડાવવાથી ભલ ભલા રડતું બાળક શાંત થઈ જાય છે. તેનો રણકાર મધુર કર્ણ પ્રિય હોય છે. વર્ષો પહેલાં જ્યારે નવા પૈસા ચલણમાં આવ્યા ત્યારની વાત છે.
સાંભળૉ, ૧ રુપુયાના ૧૬ આના હતા. ૧ આનાના ચાર પૈસા. આમ ૬૪ પૈસાનો રુપિયો હતો. જ્યારથી દશાંશ પધ્ધતિ ચલણમાં આવી ત્યારથી ૧ રુપિયાના ૧૦૦ પૈસા છે. ૨૫ પૈસા એટલે ૪ આના, ૫૦ પૈસા એટલે આઠ આના. તેને કારણે હિસાબ ખૂબ સરળ થઈ ગયો છે.
હજી ગઈ કાલની વાત છે. બહાર જવું હતું. જેવું પાકીટ હાથમાં લીધું તો વજન ખૂબ લાગ્યું. વજન ને અને મારે બારમો ચંદ્રમા છે. પાકીટમાં કશું નકામું ન હતું. તો પછી વજન કેમ વધારે છે ? બરાબર હાથ નાખીને તપાસ્યું તો પરચૂરણ એક નાના પાકીટમાં હતું. જેવું પરચૂરણ પાકીટમાંથી બહાર, મોઢા પર સંતોષની રેખા ઉપસી આવી.
બહાર કાઢીને ગણ્યું તો ૭ ડોલર અને ૪૯ સેંટ થયા. એમાં ક્વોટર હોય, ડાઈમ હોય ,નિકલ અને પેની પણ હોય. મોં પર સ્મિત રેલાવી ગયું. આટલું બધું પરચૂરણ હોય તો પછી પાકીટ નું વજન વધે તેમાં નવાઈ શી !
આજે ભલે પરચુરણ ની કિંમત આપણા દેશમાં નથી. કારણ વ્યાજબી છે. ૧ રુપિયાની કિમત સાવ ગગડી ગઈ છે. મોંઘવારીની ભીંસમાં પરચૂરણ પલાયન થઈ ગયું છે. એ પરચૂરણ હવે ઘરમાં નકામું હોય તેમ કબાટના ખૂણામાં સંતાઈ ગયું છે.
યાદ રહે, ‘ વખત આવે ધૂળની પણ કિંમત હોય છે”. ક્યારે પણ પરચૂરણ છે માની મ્હોં ન મચકોડે. તમે નહીં માનો ઘણીવાર પરચૂરણ જિંદગી બચાવી શકે છે.
હજુ ગઈ કાલની વાત છે. બસમાં કોલાબા જવું હતું. ટિકિટનો દર સાત રૂપિયા ૫૦ પૈસા. મારી પાસે સાત રૂપિયા છૂટા હતા. ન ૫૦ પૈસા. બસના કંડક્ટરને ૧૦૦ રૂપિયાની નોટ આપી. મારી સામે તાકી રહ્યો. ” ભૈયા છુટા નહી હૈ’!
‘આપ બસ મેં સે ઉતર જાઈએ’. કહી ઘંટી મારી. મારી બાજુમાં એક યુવક બેઠો હતો એણે બરાબર પૈસા છુટા આપીને મારી ટિકિટ કઢાવી. મેં એનો આભાર માન્યો. ૧૦૦ રૂપિયાથી ઓછા મારી પાસે હતા નહી. મને કહે ‘ આંટી વાંધો નહીં મને પૈસા પાછા નહી આપતા. કોઈવાર તમારી જેમ ફસાયેલાની ટિકિટ કઢાવી દેજો. હું સમજીશ મને પૈસા મળી ગયા”.
એક જમાનો હતો મને અને મારા પતિદેવને પરચૂરણ ભેગું કરવાની આદત પડી ગઈ હતી. જેવું પરચૂરણ આવે એટલે તેને ગોલક માં નાખવાનો. પછી ભલેને ૧ ડોલરમાંથી દસ સેંટની વસ્તુ લીધી હોય ૯૦ સેંટ ગોલકમાં જાય. અમારે ત્યાં ‘૨ ફૂટ ઊંચા સ્પાઈડર’ મેન હતાં જેમાં પૈસા નાખવાની આદત હતી નાતાલની રજામાં ચાલુ કર્યું હતું. બાળકોને પણ મજા આવતી. યાદ છે ને નાના બાળકોને નાની નાની બાબતોમાં ખૂબ મજા આવે. એ જમાનામાં સેલ ફોન કે વિડિયો ગેમ હજુ આવ્યા ન હતા.. તમારા માનવામાં નહીં આવે એક વર્ષ પછી તેમાંથી પૈસા કાઢીને ગણ્યા તો પરચૂરણ લાજ રાખી. બંને દીકરા ની નાતાલની ભેટ પ્રેમથી આવી ગઈ.
જેમ સાગરના એક બિંદુમાં સાગરના અફાટ પાણીના ગુણધર્મો છુપાયા છે તેમ પરચૂરણ ભેગું થાય તો તમને આનંદ જરૂર આપે !