Anokhu Bandhan - 1 in Gujarati Love Stories by Hemali Ponda તની books and stories PDF | અનોખું બંધન - ભાગ 1

Featured Books
Categories
Share

અનોખું બંધન - ભાગ 1

સનસેટ પોઇન્ટ તો હજી દૂર છે! ગાડી અહીં કેમ રોકી દીધી! મારે સનસેટ જોવો છે, જલદી ચલો ને! મોડું થઇ જશે તો સૂર્યાસ્ત થઇ જશે! " સૌમ્યાની વાતને સાંભળવા છતાંય મયંક કાર ત્યાં જ પાર્ક કરીને બહાર નીકળ્યો. મહાબળેશ્વર ફરવા આવ્યા ત્યારથી સૌમ્યા રસ્તામાં સતત બોલતી હતી. મંયક ચુપચાપ સાંભળતો પણ જવાબ ના આપતો. પરંતુ, અત્યારે કશું જ બોલ્યા વિના બહાર નીકળી ગયો. મયંકની પાછળ સૌમ્યા પણ કારની બહાર આવી. હજી થોડા દિવસો પહેલા તેમના લગ્ન થયેલા. મયંક તેનાથી સતત દૂર રહેતો. ઘરના બધાના આગ્રહ ને લીધે બે દિવસ માટે મહાબળેશ્વર ફરવા આવ્યા હતા.
મયંક પહાડોને જોતો, સિગરેટ સળગાવીને ધુમાડા કાઢતો હતો. સૌમ્યા બોલી," કેમ સનસેટ પોઇન્ટ નથી જવું? આ શું ફરી સિગારેટ! તમે એક ડૉક્ટર થઈને આવી હાનિકારક આદતના ગુલામ છો! તમારે આવું ના કરવું જોઈએ. " " બસ સૌમ્યા! મયંક થોડા કડક અવાજમાં બોલ્યો," જો આ મારી લાઈફ છે. હું વર્ષોથી આજ રીતે જીવતો આવ્યો છું. તું કૃતિની મમ્મી છે, એટલે મારી પત્ની છે. મારા જીવન પર પત્ની તરીકે હક જમાવવાની કોશિશ ના કરતી. હું ડ્રાઈવ કરીને થાક્યો છું. રિસોર્ટ અહીંથી થોડે જ દૂર છે, મારે ત્યાં જઈને આરામ કરવો છે. તને ' સનસેટ પોઇન્ટ ' જવાની ઈચ્છા હોય તો ' કેબ ' લઈને જઈ શકે છે. " મયંકના સ્પષ્ટ શબ્દોથી સૌમ્યા ડઘાઈ જ ગઈ. આગળ કશું ના બોલી. ચુપચાપ ત્યાંના પહાડોને જોતી રહી. જોકે પહાડો હવે સાફ નહોતા દેખાતા. થોડા ધૂંધળા લાગી રહ્યા હતા. કદાચ પાંપણ પર જામેલા અશ્રુને લીધે!

સૌમ્યા અને મયંકના લગ્નનું બંધન કઈક અનોખું હતું. મયંક એક સફળ બિઝનેસમેન આનંદ મહેતાનો એકનો એક દીકરો! એને પિતાના વ્યવસાયમાં રસ નહોતો. ભણી ગણીને ડોક્ટર બન્યો અને મુંબઈની ખ્યાતનામ હોસ્પિટલમાં ફરજ બજાવતો. તેની પહેલી પત્ની સીમા રૂપનો અંબાર હતી. મયંક એને ખુબ ચાહતો હતો. એમના પ્રેમની નિશાની કૃતિને જન્મ આપીને સીમા સ્વર્ગે સિધાવી ગઈ હતી. નાનકડી કૃતિના ભવિષ્યને ખાતર મયંકના પિતા આનંદભાઈએ પોતાની ઓફીસમાં કામ કરતી સૌમ્યાને મયંક સાથે લગ્ન કરી લેવા વિનંતી કરી. સૌમ્યા એક સાધારણ પરિવારની દીકરી! નામ એવા ગુણ! સ્વભાવે શાંત અને સૌમ્ય! પોતાની માતાને નાની ઉંમરમાં ખોઈ બેઠેલી. દેખાવમાં સૌમ્યા એટલી સુંદર નહોતી પણ ભણવામાં ખુબ હોશિયાર હતી. ' MBA ' ની ડિગ્રી લીધા પછી લગ્ન માટે ઘણા છોકરા જોયા પણ ક્યાંક મેળ ના પડ્યો કોઈને રૂપમાં નહોતી ગમતી. તો કોઈને બહુ ભણેલી છોકરી નહોતી ગમતી. તેને પણ ઓછું ભણેલા છોકરા પસંદ નહોતા પડતાં. આમ બત્રીસ વર્ષની થઈ ગઈ હતી. ઓફીસમાં ખંતપૂર્વક કામ કરતી. આનંદભાઈને પિતા સ્વરૂપ માનતી. જયારે આનંદભાઈ મયંક માટે વાત કરવા તેમના ઘરે ગયા ત્યારે સૌમ્યાના પિતા રશેષભાઈ થોડા ખચકાયા હતા. પરંતુ, સૌમ્યાએ તૈયારી બતાવી. કહ્યું," પપ્પા, હું એ લોકો સારા છે! વળી હું મયંકને પણ ઓળખું છું. એ ડૉક્ટર છે. હું મા ના પ્રેમ વિના મોટી થઇ છું પરંતુ, એક મા વિહોણી દીકરીને મા નો પ્રેમ આપવામાં મને આનંદ થશે. પોતાના બાળકને બધા જ પ્રેમ કરે પરંતુ, બીજાના બાળકની મા બનવાનું સૌભાગ્ય કોઈક ને મળે. હું તૈયાર છું."
મયંક સીમાને ભૂલી નહોતો શક્યો પરંતુ કૃતિના ભવિષ્યને લીધે લગ્ન માટે તૈયાર થયો. લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા. સૌમ્યાને ઘરના સહુએ પ્રેમથી આવકારી. સાસુ સસરાએ તેના પર વહાલની વર્ષા કરી. કૃતિ સૌમ્યાના ખોળાને મા નો ખોળો સમજી ખેલવા લાગી હતી. પરંતુ, મયંકના દિલમાં હજી સીમાની યાદો ભરી હતી જ્યાં સૌમ્યા પોતાની જગ્યા બનાવી નહોતી શકી. અહીં ફરવા આવીને મયંક સાથે થોડી એકાત્મતા સાધી શકાશે એવું લાગ્યું હતું. પરંતુ,આ બનાવથી એક્દમ સહેમી ગઈ. ચૂપચાપ ગાડીમાં જઈને બેસી ગઈ.

સિગારેટના ધુમાડા ઉડાડતો મયંક સીમા સાથે અહીં વિતાવેલા મીઠા સ્મરણોની યાદમાં ખોવાઈ ગયો હતો. મંયકને જયારે રજા મળતી ત્યારે, સીમાને લઇને બે ત્રણ દિવસ મહાબળેશ્વર આવી જતો. આમ જ રસ્તા વચ્ચે કાર પાર્ક કરીને ઉભા રહી જતાં સીમાને પહાડોની સુંદરતા માણવી ગમતી. એ કહેતી, " આ પહાડો કેટલા સ્થિતપ્રજ્ઞ ઉભા છે છતાંય, તેમનામાં સુંદરતા છે! એટલે જ પાસેથી પસાર થતા વાદળ પણ તેમને ચૂમીને જાય છે. મયંક કહેતો, " હું વાદળ ને તું મારો સુંદર પહાડ! " કહીને તેને પ્રેમથી ચૂમી લેતો. સીમા ખીજાવાનો ડોળ કરતી, " કોઈ જોઈ જશે તો...તું પણ સાવ ગાંડો છે! "
મયંક કેહતો, " કોઈને જોવું હોય તો જુવે! હું મારી પત્નીને હું પ્રેમ કરું છું એમાં બીજાને શું! "...અચાનક એના વિચારોની તંદ્રા તૂટી. ખિસ્સામાં રહેલો મોબાઈલ રણક્યો. ઘરેથી મમ્મીનો ફોન હતો. પપ્પાને છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો.
મંયક બોલ્યો, " હોસ્પિટલમાં જવું પડશે. હું હમણાં મદદ મોકલી આપું છું. " તરત હોસ્પિટલમાં ફોન કરી એક ડોક્ટર મિત્રને ' એમ્બ્યુલન્સ ' સાથે ઘરે રવાના કર્યો. ફોન મૂકી તરત મયંક ગાડીમાં બેઠો અને ગાડી મુંબઈ તરફ મારી મૂકી.