15.
કાંતા તેનો કડક ઇસ્ત્રિબંધ સફેદ યુનિફોર્મ ચડાવી અન્ય ક્લીનર્સની ટ્રોલીઓ પર ધ્યાન રાખતી દરેક ફ્લોર પર ફરવા લાગી. અંદરથી તે નિરાશ હતી. ન ખાસ વ્યક્તિને મળાશે, ન ટીપ મળશે.
હોટલમાંથી ગઈકાલના ગેસ્ટ જવા લાગ્યા, નવાની બેગો ઊંચકી માણસો તેમને રૂમમાં લઈ જવા લાગ્યા. હોટેલમાં વ્યસ્તતાભરી ચહલપહલ શરૂ થઈ ગઈ. ગઈકાલનો બનાવ જાણે એક દુઃસ્વપ્ન હોય એમ બધું રોજની જેમ જ ચાલતું હતું. તે કિચન તરફ રાઉન્ડ લેતી હતી ત્યાં જીવણ સામો મળ્યો. તેણે ડ્રેસ પર એપ્રોન પહેરેલો. તે લોકોના બ્રેકફાસ્ટના અવશેષો એકઠા કરી એક ડ્રમમાં નાખતો જતો હતો. કોઈની આખી સારી ડીશ જોતાં તેણે આજુબાજુ જોઈ ખિસ્સામાંથી પોલીથીન બેગ કાઢી એમાં ભરી દીધી. ‘એનું આજનું ટિફિન!’ કાંતા મનમાં બોલી. કાંતાએ જે જોયું તે ન જોયું કર્યું. આમેય જીવણ હોટેલની દયા પર તો જીવે છે! ભલે એક ટંક કંઇક ખાતો. તેણે મનમાં કહ્યું.
ત્યાં જીવણનું ધ્યાન કાંતા પર પડ્યું. પોતાના હાથમાંથી વેક્યુમ પાઇપ ભીંતે ટેકવી તે કાંતા તરફ ઝૂક્યો અને એક સ્મિત આપ્યું.
"તને જોઈને ખૂબ ખુશ થયો. તારી મમ્મી ગુજરી ગઈ? બહુ ખોટું થયું. ઈશ્વરને ગમ્યું તે ખરું." તે દિલાસો આપવા લાગ્યો જેની કાંતાને જરૂર ન હતી. એ એમ તો સાવ સામાન્ય, કામચલાઉ વર્કર હતો. કાંતાને રાઘવ ને કારણે તેનો થોડો પરિચય થયેલી.
"અરે કાંતા, છેલ્લી તું 712 માંથી બહાર નીકળેલી. તને એ મરી ગયો છે એમ નહોતું લાગ્યું?"
"શું તું પણ? લાશ થોડી બોલે કે હું મરી ગયો છું, દૂર રહેજે! એ સૂતો હતો. એવું લાગ્યું હોત તો હું પોલીસ પહેલાં હોટેલમાં જ કહી ન દેત!"
"આવો કમાઉ ગેસ્ટ ગયો તો ગયો, હોટેલની આબરૂની … પરણાવી ગયો. હવે?"
"અરે, અરે, કંટ્રોલ. હવેની તને શેની ચિંતા છે? રાધાક્રિષ્નન સર બધે પહોંચી વળે એવા છે. અને હા, સાંભળ. મિસિસ અગ્રવાલ ક્યાંક સેકંડ ફ્લોર પર જ છે. તું એમ કર, લીફ્ટની બાજુમાં 202 ખાલી લાગ્યો. મે તને કલીનીંગ સોંપ્યું છે કહી રિસેપ્શન પરથી ચાવી લઇ આવ. આજે તારો એ રેનબસેરા. પોલીસથી ને સીસી ટીવી કેમેરાથી દૂર રહેજે." કહેતી કાંતા સર્વિસ લિફ્ટમાં ચોથા ફ્લોર પર ગઈ.
સુનિતા ટ્રોલી લઈ જતી હતી તેને છાપાંના ઢગલા ઉપાડી લઈ જવા કહ્યું અને પોતે મદદ પણ કરી. ફરી લિફ્ટનું બટન દબાવ્યું. લિફ્ટ ખુલી ત્યાં રાઘવ અંદર હતો! એ વળી અત્યારે ઉપર કયા ફ્લોર પરથી આવતો હશે! લીફ્ટ બંધ થતાં જ તેણે કાંતાને ખભે બે હાથ મુક્યા અને ખભા દબાવ્યા.
"તું આજથી જ આવી ગઈ! કેમ છો બધી રીતે?" તેણે કહ્યું અને ખભા પસવારવા માંડ્યા. કાંતાને ક્ષણિક રોમાંચ થઇ આવ્યો.
"ફીટ એન્ડ ફાઈન. થવું પડે." કહેતાં તેણે રાઘવ સામે જોયું. રાઘવની આંખો સૂઝી ગયેલી. નીચે લોહી થીજી ગયાનો જાંબલી ડાઘ હતો.
"આ શું વગાડી આવ્યો? કાલે તો બરાબર હતો!" કાંતાએ પૂછ્યું.
"અરે જવા દે. જીવણ કોઈ રૂમમાંથી એક હેવી બેગ ઉપાડી ટ્રોલીમાં મૂકતો હતો. એને મદદ કરવા ગયો ને બારણું વસાઈને અથડાયું."
લિફ્ટ ગ્રાઉન્ડફ્લોર પર ઊભી રહી.
"તારા કીચનમાંથી બરફ લઈને ઘસી લે." કહેતી તે બહાર નીકળી. રાઘવ તરત બહાર નીકળી તેનો હાથ પકડી કિચન તરફ લઈ જવા લાગ્યો. કોઈ ન હતું ત્યારે હળવેથી કમર પર પણ હાથ રાખી લીધો. અત્યારે કાંતા રોમાન્સના મૂડમાં નહોતી. તે હળવેથી દૂર થઈ ગઈ.
તેઓ કિચનમાં ગયાં. ફરવા જતા પહેલાં ગેસ્ટ લોકો બ્રેકફાસ્ટ કરતાં હતાં. કાંતાને એક ખૂણે બેસાડી તેણે ચા નો કપ ભરી આપ્યો. કાંતા ચુસ્કી ભરવા લાગી.
રાઘવ આજુબાજુ જોવા લાગ્યો. કોને ગોતતો હશે? કાંતાને થયું.
તે બાજુમાં ખુરશી ખેંચી ખૂબ નજીક આવી ધીમેથી પૂછી રહ્યો "તને પોલીસે શું શું પૂછ્યું? બધું જ કહે. કાઈં છુપાવ્યા વગર."
"એટલો ટાઇમ ક્યાં છે? ને તને કહીને શું કરું?"
"મને વિશ્વાસમાં લે. કામ આવશે. ઓકે. આજે ડ્યુટી પત્યા પછી સાંજે 5 વાગે મળીએ. કોઈકને તો જણાવ! મને. કાઈં છુપાવતી નહીં. ખરે વખતે હું બાજુમાં ઉભો રહીશ."
તે કાંતા શું કહે છે તે સાંભળવા હજી નજીક મોં લાવ્યો. કાંતા ચૂપ રહી. "ઠીક ત્યારે. તારી મરજી ન કહેવું હોય તો." કહેતો તે ઊભો થઈ કિચનમાં ગયો અને ઊંધો ફરી કોઈ ઓમલેટ બનાવવા લાગ્યો. કાંતાએ તેની સામે જોયું પણ તેનો આઈ કોન્ટેક્ટ બિલકુલ ન થયો.
તેને કેમ જાણવું છે? કહું? કાંતા વિચારતી ડ્યુટી પર આગળ વધી ગઈ.
ક્રમશ: