Aansu ane hasynu Mishran - 2 in Gujarati Love Stories by Parth Kapadiya books and stories PDF | આંસુ અને હાસ્યનું મિશ્રણ - 2

Featured Books
Categories
Share

આંસુ અને હાસ્યનું મિશ્રણ - 2

આંસુ અને હાસ્યનું મિશ્રણ (ભાગ-૨)


મહત્વપૂર્ણ સૂચના - આ વાર્તાનો બીજો ભાગ છે એટલે સૌપ્રથમ તમે પ્રથમ ભાગ વાંચી લેજો મિત્રો જે એપમાં જ છે.


પહેલા ભાગમાં તમે જોયું કે હું મારી પત્ની સાથે બગીચામાં બેઠો હતો ત્યારબાદ બિરજુનું આગમન થયું જેમાં બિરજુએ પોતાના દિલની વાત જણાવી અને મારી પાસે સલાહ પણ માંગી. અંતે આંસુ અને હાસ્યનું મિશ્રણ થાય છે. હવે આપણે જોઈશું બીજા ભાગમાં શું બીના બનશે.


ગતાંકથી ચાલુ....

               મારી ડોશીને હું ગળે મળ્યો અને એ વખતે હ્રદયમાં શું ચાલી રહ્યું હતું એ જણાવવા માટે મારી પાસે શબ્દો નથી. અને અચાનક જ ખાંસીનો અવાજ સંભળાયો પછી મેં જોયું તો બાજુમાં ઉભેલી રેખા હસતી હસતી નકલી ખાંસી ખાઈને જાણે અમને જણાવતી હોય કે "દાદુ બસ હવે". જાણે અમને ભાન આવ્યું હોય એમ અમે તરત અલગ પડ્યા. ત્યારબાદ મેં રેખાને કહ્યું બેટા ! આજે મારી બર્થડે પાર્ટી છે ખબર છે ને તારે આવવાનું છે, બરાબર. રેખાએ કહ્યું હા દાદુ પાક્કું આવીશ ને, પેલા બિરજુડાએ પાર્ટીનું આયોજન કર્યું છે તમને ખબર એના કરતા તો હું સારું આયોજન કરું છું. આટલું સાંભળતા હું હસવા લાગ્યો અને કહ્યું કેટલો લડશો તમે બંને જણા. એવામાં જ ડોશી બોલી ચાલો હવે ઘરે જઈએ, આપણે બધાએ તૈયાર થઈને પાર્ટીમાં પણ જવાનું છે.

               અમે ઘરે પહોંચ્યા અને પાર્ટી માટે તૈયાર થઈ ગયા. હું ટાઈ પહેરતો હતો અને ડોશીએ અચાનક મને પ્રશ્ન કર્યો કે સાંભળો છો ? મેં કહ્યું લગ્ન કર્યા ત્યારનો સાંભળું તો છું અને હસવા લાગ્યો. અને ડોશી બોલી કે શું બધી વાતમાં મસ્તી કરો છો હું એમ કહેતી હતી કે બિરજુને કંઈ તકલીફ તો ન હતી ને ? મેં કહ્યું અરે ના ડોશી એવું કંઈ જ ન હતું એને સલાહ જોઈતી હતી મેં આપી દીધી, હવે પૂછતી નહીં કે શું વાત હતી, તને જણાવવામાં પાર્ટીમાં આપણે મોડા પડીશું. અને ડોશીએ કહ્યું હા હવે ! મારે નથી જાણવું પરંતુ ચાલો હવે આપણે જઈએ. અમે ઘરની બહાર નીકળ્યા ત્યાં જ અમે બિરજુની કાર ઉભેલી જોઈ અને બિરજુ એમાંથી બહાર નીકળ્યો પછી કહ્યું કે દાદુ અને દાદી ચાલો ફટાફટ ગાડીમાં બેસી જાઓ કેક અને આપણા બંનેના મિત્રો તમારા બંનેની રાહ જોઈ રહ્યા છે. મેં કહ્યું અરે ગાડી લઈને આવ્યો અમે આવવાના જ હતા ને તો બિરજુએ કહ્યું કે દાદુ આજે પપ્પા ઘરે વહેલા આવી ગયા એટલે ગાડી કામમાં આવી ગઈ, ચાલો હવે બેસો અને અમે ગાડીમાં બેસ્યા. દસ મિનિટમાં તો અમે હોલમાં પહોંચી ગયા.

               અમે હોલની અંદર પહોંચ્યા અને જોયું તો મારા અને બિરજુના મિત્રો અમારી રાહ જોઈ રહ્યા હતા. અમને બંનેને બધાએ તાળીયોથી વધાવી લીધાં ત્યાં જ રેખા બોલી ચલો દાદુ કેક તમારી રાહ જોઈ રહી છે. આ સાંભળી હું અને ડોશી બંને કેકની પાસે ગયા પછી હું મીણબત્તી ઓલવવા જતો હતો અને મને શું વિચાર આવ્યો કે મેં તરત જ બિરજુ તરફ નજર કરી અને બિરજુ જાણે મારા દિલની વાત સમજી ગયો હોય એમ એણે દરવાજા તરફ એની આંખોથી જ ઈશારો કર્યો અને દરવાજો સામે જ હતો. મેં નજર ઊંચી કરી ત્યાં મેં બિરજુની દાદીને આવતા જોઈ અને એક સરસ સ્માઈલ સાથે મીણબત્તી ઓલવી. એ બાબત સારી હતી કે આ ઈશારાનો કોઈને પણ અંદાજો ન આવ્યો અને હા ! હું તો બહુ જ ખુશ થઈ ગયો. પછી મેં પહેલો ટુકડો મારી ડોશીને ખવડાવ્યો પછી બીજા બધા મિત્રો સાથે પણ કેકનો સ્વાદ માણ્યો.

               બધાં કેકના સ્વાદને માણી રહ્યા હતા અને એવામાં જ અચાનક બિરજુ માઈકમાં બોલ્યો કે હું દાદુને અનુરોધ કરું છું કે તેઓ તેમના અમૂલ્ય શબ્દોને અમારી સમક્ષ રજુ કરે ! આ સાંભળીને હું બિરજુ પાસે ગયો અને માઈક લીધું.

               નમસ્કાર ! વ્હાલા મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે બધાં જ લોકોએ મારા જન્મદિવસને એક યાદગાર દિવસ બનાવી દીધો. સાચે ! આજે બહુ જ સારું લાગી રહ્યું છે, જીવનના રંગમંચમાં આપણે જોડાયેલા છીએ અને આપણો એકબીજા વચ્ચેનો સાથ જ જીવનમાં એક સરસ સ્માઈલને ઉજાગર કરે છે. હવે વાત એમ છે કે વાતો તો કોઈ દિવસ ખૂટશે નહીં અને સમય પણ રોકાશે નહીં તો એક છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપું છું કે "ક્યાંક ખોવાઈને મેં પોતાને મેળવ્યો હતો પણ હંમેશા ખોવાઈ જવું જરૂરી નથી મિત્રો, તો પોતાને મેળવવા સૌથી પહેલા પોતાના બનો અને તમે જોશો કે ધીમે ધીમે બધા જ તમારા બની જશે". અને આ વાક્ય પૂરું કરતાની સાથે જ બધાએ મને તાળીઓથી વધાવી દીધો અને મેં બિરજુને માઈક આપ્યું.

               બિરજુએ માઈકમાં સૂચના આપી કે બધા જ લોકો હવે ભોજન માટે તૈયાર થઈ જાઓ અને ત્યાં બધાં જમવા માટે લાઈનમાં લાગી ગયા. સૂચના બાદ બિરજુ મારી પાસે આવ્યો અને મને પૂછ્યું બરાબર ને બધું ? મેં કહ્યું હા બેટા. અને હું મારી નીલમ (મારી ડોશી) જોડે વાતો કરવા લાગ્યો અને બિરજુને ઈશારો કર્યો જ્યાં એની દાદી ઉભી હતી. બિરજુ મારા ઈશારાને સમજી ગયો અને એની દાદીને લઈને અમારી પાસે આવ્યો. હું અને નીલમ ઉભા હતા ત્યાં જ બિરજુની દાદી આવી. અને બિરજુએ અમને બંનેને સંબોધીને કહ્યું કે આ મારા દાદી છે જેમનું નામ અને એ બોલવા જાય એ પહેલાં જ હું બોલી ઉઠ્યો કે તુલસી ! બિરજુ અને તુલસી પણ મારી સામે જોવા લાગ્યા અને હું કંઈ કહેવા જાઉં એ પહેલાં જ તુલસીએ નીલમ સામે જોઈને કહ્યું કે "અમે બંને એક જ કોલેજમાં સાથે હતા એટલે એકબીજાને જાણીએ છીએ" નીલમે કહ્યું બરાબર. પછી મેં પણ સુર પુરાવતા કહ્યું કે હા નીલમ. મારી ડોશી નીલમે કહ્યું કે જૂના મિત્રો મળ્યા એમ ! મેં ફક્ત નીલમની સામે જોઈને મંદ હાસ્યનો રેલો મોકલ્યો અને તુલસી મને અને નીલમને જોઈ રહી હતી. ત્યાં જ તુલસી બોલી "હેપ્પી બર્થડે અનુપમ" તુલસીના મોઢે મારુ નામ સાંભળીને જાણે મારુ હૃદય નાચવા લાગ્યું એવું લાગ્યું જાણે દુનિયાની સૌથી મોટી ખુશી મને મળી ગઈ. મેં મારી લાગણીઓને દબાવીને એક નાનકડી સ્માઈલ સાથે "થેન્ક યુ" કહ્યું. મારી અને તુલસીની નજર એકબીજા સામે હતી એની આંખો એટલી સુંદર હતી અને એમાં મને જુના દિવસો યાદ આવી ગયા.

               "મારી તુલસી" હા મારી તુલસી ! કોલેજના સમયમાં એનાથી દોસ્તી થયેલી અને દોસ્તી દોસ્તીમાં મને એનાથી પ્રેમ થઈ ગયેલો. એ દિવસો કંઈક અલગ જ હતા. એની સુંદર આંખો એના લાંબા વાળ, થોડું જાડું અને ચપટું એનું નાક. રૂપસુંદરી જેવી એને કાયા અને અને અને આ બધું જ બાજુમાં રાખો ત્યારે આવે મારો પ્રેમ અને મારા પ્રેમની નજરમાં એ બહુ જ વધારે આત્મીય લાગતી મને.

               હું જૂની યાદોમાં ખોવાઈ ગયેલો હતો ત્યાં જ નીલમે કહ્યું કે જમવા જઈશું અને મેં ઝબકીને કહ્યું હા ડોશી. અને અમે ચારે જણા જમવા માટે ટેબલ પર બેઠ્યાં ત્યાં જ બિરજુ મારી નજીક આવ્યો અને કહ્યું કે દાદુ ! યાર આ રીતે મારી દાદીને જોવાય ? અને મેં હસતાંની સાથે કહ્યું બેટા ! સમજ ને તું હવે. બિરજુએ કહ્યું હા હવે, બહુ વધારે નહિ ઓકે નહિ તો તમારી ડોશી એટલે મારી દાદીને કહી દઈશ અને એ થોડીક નારાજગી સાથે હસવા લાગ્યો. પણ એની નારાજગીમાં વધારે મારી માટે પ્રેમ છલકતો હતો નહિ તો એની દાદીની સામે આ રીતે કોઈ જુએ અથવા વાત કરે તો કોને ગમે ?

               અમે ચારે જણાએ સ્વાદિષ્ટ ભોજન કર્યું અને ત્યાં રેખા અમારી પાસે આવી અને અમને ત્રણેને મુખવાસ આપ્યો અને બિરજુને આપ્યા વગર જતી રહી પછી પાછળ જોઈને બિરજુને ચીડવવા લાગી. અને અમે ત્રણે હસવા લાગ્યા. અમને હસતા જોઈને બિરજુ બોલ્યો "એ રેખલી તેરે કો તો મેં દેખ લૂંગા" અને પછી અમને હસતા જોઈને એનો પણ હસવાનો ફુગ્ગો ફૂટી ગયો અને એ હસવા લાગ્યો. અમે હસતા હતા અને મેં તુલસી સામે જોયું અને નીલમે મારી સામે જોયું અને બોલી નીકળીશું હવે ? અને હું સ્વસ્થ થતા બોલ્યો હા કેમ નહીં ? મેં ઉમેરતા કહ્યું કે ડોશી તમે પાંચ મિનિટ આપો મારે બિરજુનું કામ છે પછી જઈએ. ત્યાં જ નીલમે કહ્યું કે ત્યાં સુધી હું અને તુલસીબેન બેસીએ. મનમાં તો વિચાર આવ્યો કે આને કેમ બેસવું છે હમણાં કંઈ પૂછી ના લે, તોપણ એ વિચારને બાજુમાં રાખીને મેં બિરજુને કહ્યું કે ચાલ બહાર.

               હું અને બિરજુ હોલની બહાર ગયા અને બિરજુએ કહ્યું શું થયું દાદુ ? મેં કહ્યું તું જેને પ્રેમ કરે છે ને એને કેવી રીતે પ્રપોઝ કરીશ ? બિરજુએ પ્રત્યુત્તર આપ્યો કે મેં હજી કંઈ વિચાર્યું નથી. મેં એની સામે જોઈને કહ્યું કે હવે વધારે મોડું ના કર બેટા ! અચાનક આ રીતે મારી ઉતાવળ જોઈને એ કંઈ સમજી ના શક્યો પછી મેં એને કહ્યું કે ચાલ મને એ જણાવજે એનો જન્મદિવસ ક્યારે આવે છે અને શું નામ છે એ છોકરીનું ? તો એણે કહ્યું કે એનું નામ ધાની છે અને એનો જન્મદિવસ ૮ તારીખે આવે છે પછી અચાનક બિરજુ ચૂપ થઈ ગયો પછી કંઈક યાદ આવ્યું હોય એમ ખુશ થતા બોલ્યો કે ૨ દિવસ પછી જ છે જન્મદિવસ.મેં કહ્યું વાહ સરસ ! બિરજુ બોલ્યો કે દાદુ તો જન્મદિવસે એને પ્રપોઝ કરું ? મેં કહ્યું, અરે ના ગાંડા હા પાડે કે ના જન્મદિવસના દિવસે પ્રપોઝ ના કરાય. તને ખબર છે છોકરીઓ માટે જન્મદિવસ બહુ જ ખાસ હોય છે.બિરજુએ કહ્યું ત્યારે હું શું કરું દાદુ ? તમે ચોખવટ કરો હવે ! બિરજુ જાણે હવે પૂછતો હોય કે મને જણાવી જ દો કે કેવી રીતે આ બાબતે આગળ વધવાનું છે. મેં એના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે જો બેટા ! જન્મદિવસે પ્રયત્ન કર કે એનો જન્મદિવસ બહુ જ ખાસ જાય બરાબર. છોકરીને ઈજ્જત, પ્રેમ અને સમય આપો પછી બીજું કંઈ જ ના જોઈએ એને. જન્મદિવસના બીજા દિવસે તું એને પ્રપોઝ કર. બિરજુ મારી સામે જ જોઈ રહ્યો અને મેં કહ્યું હા તે બરાબર સાંભળ્યું ! પછી મેં વાત ઉમેરતા કહ્યું કે તમે કયા સમયે સાથે હોવ છો જ્યાં તમે બંને એકબીજા સાથે થોડો સમય પણ આપી શકો ? તો બિરજુ તરત બોલ્યો કે દાદુ અમે સાથે ડાન્સ ક્લાસમાં જઈએ છીએ અને એ વખતે છેલ્લે એની સાથે વાત કરી શકું છું. મેં કહ્યું ગ્રેટ ! હવે સાંભળ ડાન્સ ક્લાસ પૂર્ણ થઈ જાય પછી ગમે તે બહાને એને રોકજે બરાબર એ હવે તારે કરવાનું છે. તમે બંને એકલા હશો પછી તારે જન્મદિવસના અનુભવ વિશેની વાત કરીને તારા પ્રપોઝલ પર આવવાનું છે.

               દાદુ ! પ્રપોઝ કેવી રીતે કરું અને શું કહું ? બિરજુએ પૂછ્યું. મેં કહ્યું જો બેટા આ પ્રશ્ન તો બહુ જ અઘરો છે પણ હવે મારા માટે અઘરો નથી અને હું હસવા લાગ્યો. બિરજુ વચ્ચે બોલ્યો કે યાર દાદુ તમે હસો નહીં ને ! અહીંયા હું ટેન્શનમાં છું. મેં કહ્યું જો બેટા પહેલાં તો અલગ વાત કરવાની પછી ધીમે ધીમે મુદ્દા પર આવવાનું બરાબર. બિરજુ મારી વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. પછી મેં ઉમેર્યું કે તારે એમ કહેવાનું કે ધાની તું મારી ખાસ દોસ્ત છે અને તારોં આભાર કે તે હંમેશા મારો સાથ આપ્યો પણ હા આજે મારે એક જરૂરી વાત કરવી છે. અને પછી તારે પ્રપોઝ કરવાનો. બિરજુ મારી સામે જોવા લાગ્યો યાર દાદુ શું તમે પણ પ્રપોઝલમાં શું કહેવાનું એ કહોને ? મેં કહ્યું થોડી મસ્તી કરતો તો, તો સાંભળ હવે આગળ શું કરવાનું પછી મેં કહ્યું બેટા ! તારે કહેવાનું કે જરૂરી વાત એ છે કે .............! અને મેં આખી વાત બિરજુને સમજાવી દીધી. અને બિરજુ ખુશ ખુશ થઈ ગયો અને મને ગળે મળીને આભાર વ્યક્ત કરવા લાગ્યો. મેં કહ્યું બિરજુ એ સમજજે કે છોકરીનો જે પણ જવાબ આવે એને સમ્માનપૂર્વક વધાવજે. બિરજુએ કહ્યું હા દાદુ હું સમજી ગયો અને ત્યાં જ એક છોકરાએ બિરજુને બૂમ પાડી અને બિરજુએ મને કહ્યું કે દાદુ ફક્ત ૫ મિનિટમાં આવ્યો અને એ દોડીને હોલમાં ગયો. હું આકાશ તરફ જોઈ રહ્યો હતો, આજે કંઈક અલગ જ અનુભવ થઈ રહ્યો હતો. હું મારી નીલમને બહુ જ પ્રેમ કરું છું પરંતુ તુલસી મારો પ્રથમ પ્રેમ હતો પછી ભલે ને એ એકતરફી હતો. હૃદય ખુશ હતું પરંતુ ઉથલપાથલ પણ એટલી જ હતી અંદર.

               હું ઉભો જ હતો ને ત્યાં મારા ખભા પર કોઈએ હાથ મૂક્યો અને મેં પાછળ વળીને જોયું તો રેખા હતી. રેખાએ મને કહ્યું શું વાત કરતા હતા દાદુ પેલા બિરજુડા જોડે. મેં કહ્યું બેટા ! એ તો એનો એક પ્રશ્ન હતો અને મેં એને જવાબ આપ્યો. ત્યાં જ રેખા બોલી દાદુ ! એને આમેય કંઈ જ નથી આવડતું અને હસવા લાગી. અને એ બોલી કે દાદુ તમે એના પ્રશ્નનો જવાબ બની શકશો પરંતુ એ તમારા પ્રશ્નનો જવાબ કોઈ દિવસ નહીં બની શકે. આ સાંભળી ખબર નહીં મારા મગજમાં શું ચમકારો થયો કે મેં રેખાને કહ્યું બેટા ! પછી હું ચૂપ થઈ ગયો અને વિચારમાં પડી ગયો અને ત્યાં રેખાએ પૂછ્યું કે દાદુ શું કહેતા હતા બોલો ? મારા મોં પર અચાનક સ્માઈલ આવી અને મેં રેખાના માથા પર હાથ મૂકીને કહ્યું થેન્ક યુ બેટા ! તો રેખાએ અસમંજસમાં જ મને પ્રશ્ન કર્યો કે દાદુ શું પણ ? પાછો હું ચૂપ થઈ ગયો અને રેખાએ મારુ નાક ખેંચ્યું અને બોલી કે દાદુ બોલોને શું થયું ? તમે થેન્ક યુ બોલ્યા પણ વાત શું છે ?

               મેં એકદમ આંખો ખોલી અને સ્વસ્થ થતા જ કહ્યું કે બેટા ! એક કામ કરીશ મારુ ? રેખાએ કહ્યું દાદુ તમે હુકુમ કરો તમારી દીકરી તૈયાર જ છે. પછી મેં એને બિરજુની પ્રપોઝલવાળી વાત કરી અને એ આશ્ચર્યચકિત થઈ ગઈ પછી એને એમાં શું કરવાનું એ મેં એને સમજાવી દીધું. મેં આખી વાત કરી પછી રેખાનો ચહેરો થોડો બદલાઈ ગયો હતો. મેં એને પૂછ્યું કે બેટા શું થયું ? એને કહ્યું અરે કંઈ નહીં દાદુ મને નવાઈ લાગી કે બિરજુને પ્રેમ થયો એમ અને એ હસવા લાગી પરંતુ મને એમ લાગ્યું કે એ પરાણે હસતી હોય. મેં ફરી પૂછ્યું કંઈ વાત છે બેટા તો જણાવ તો રેખાએ કહ્યું કે દાદુ મને એ વાતની દયા આવે છે બિચારી છોકરી હા પાડશે તો એનું શું થશે અને એટલું કહીને એ બોલી કે દાદુ ચાલો તમે કહ્યું એ હું કરી દઈશ હવે હાલ નીકળવું પડશે બરાબર નહીં તો પપ્પા બોલશે. મેં કહ્યું વાંધો નહીં રેખા તું ઘરે જા.

               રેખા જતી હતી અને ત્યાં જ બિરજુ એની સામે જ આવતો હતો અને એને રેખાના માથા પર ટપલી મારી અને દોડતો મારી પાસે આવી ગયો. ગુસ્સાથી રેખાએ બિરજુ સામે જોયું અને એને મારવા પણ દોડી પણ ત્યાં સુધી તો બિરજુ મારી પાસે આવી ગયેલો અને એ બિરજુ સામે જીભ કાઢીને જતી રહી અને બિરજુ જોર જોરથી હસવા લાગ્યો.ચાલો દાદુ તમને અને દાદીને ઘરે મુકતો આવું પછી મારે પણ ઘરે જવું છે. પછી બિરજુ મને અને નીલમને ઘરે મુકવા આવ્યો. ગાડીમાંથી ઉતરીને નીલમ ઘર તરફ આગળ વધી ત્યાં જ બિરજુએ મને કહ્યું કે દાદુ મારી દાદી (તુલસી) તરફ ઓછું જોવો યાર. મેં કહ્યું અરે ! અને હસવા લાગ્યો પછી બિરજુ એના ઘરે ગયો.

               એ ડોશી મજા આવીને ? મારી તો ખબર નહીં પરંતુ તમને બહુ જ મજા આવી એમ લાગે છે. મને એવું લાગ્યું કે નીલમ મને ટોન્ટ મારે છે અને હું એની સામે જોવા લાગ્યો તો એ જાણે મને સમજી ગઈ હોય એમ બોલી હા હું તો ટોન્ટ જ મારુ છું, તુલસીબેન સામે બહુ જ જોવાતું તું નહીં ? અરે મેં કહ્યું એ મારી કોલેજની મિત્ર હતી ડોશી. નીલમે કહ્યું કે હા બધું દેખાય છે મને. અને મેં તરત જ મારી ડોશીના ગાલ ખેંચ્યા અને કહ્યું કે ઓ ડોશીમા ઓછું વિચારો હવે ઉંમર થઈ તમારા સિવાય થોડી હું બીજે ક્યાં જઈશ. અને ત્યાં જ નીલમે કહ્યું કે જાઓને હવે. અને એ રાત મારે એને મનાવવામાં જ જતી રહી બોલો. સ્ત્રીની ગમે તેટલી ઉંમર થાય પણ રિસાય તો નાના બાળકની જેમ જ. પણ સાચી વાત કહું રોનક તો એના ઘરમાં હોય જ્યાં સ્ત્રી હોય.

               બે દિવસ પછી ધાનીનો જન્મદિવસ આવ્યો અને બિરજુએ સવારે મને ફોન કર્યો અને કહ્યું કે આજે એના જીવનનો સૌથી ઉત્તમ દિવસ જશે જોજો કારણ કે બિરજુ ઈઝ ધેર ! મેં કહ્યું તથાસ્તુ ! પછી આખો દિવસ વીતી ગયો ત્યારબાદ બિરજુએ રાતે મને જણાવ્યું કે આજે એને કેવી રીતે ધાનીનો જન્મદિવસ ઉજવ્યો અને એ તો ગાંડાની જેમ ખુશ હતો અને એની ખુશી જોઈને હું પણ ખુશ. પછી મેં કહ્યું યાદ છે ને બેટા કાલે...? તો એણે કહ્યું હા દાદુ આઈ એમ રેડી ! મેં કહ્યું સરસ બેટા સરસ. મેં જે સમજાવ્યું એ ધ્યાનથી કરજે અને જોજે ધાનીને કોઈ વાતનું ખોટું ના લાગે હો. બિરજુએ કહ્યું કે હા દાદુ.પછી એણે ઉમેરતા પૂછ્યું કે દાદુ તમે કેટલું બધું સમજો છો જીવન વિશે, તો મેં કહ્યું બેટા તમે કંઈ શીખવા ન પણ માંગો ને તો કુદરત તમને એના દ્વારા ગમે તે રીતે બધું શીખવાડે છે. અને હસતા હસતા બિરજુ બોલ્યો કે તમે અને તમારી વાતો. પછી પગે લાગીને મારા પ્રેમાળ આશીર્વાદ સાથે બિરજુ એના ઘરે ગયો.

પ્રપોઝલ ડે
               રાત્રિના સમયે બિરજુ ધાનીને પોતાના દિલની વાત કહેવાનો હતો અને વાત એમ છે કે મેં બિરજુએ મને કહેલું કે હું ફોન ચાલુ રાખીશ જેથી મારાથી કંઈ ભૂલ થાય તો તમે કોલ કટ કરીને ફરી મને કરજો જેથી હું બાજુમાં જઈને તમારી સલાહ લઈ લઈશ. મેં એને કહ્યું કે બેટા પણ એમાં...? તો એ બોલ્યો કે દાદુ દિલની વાત દિલ સુધી પહોંચાડવી છે જેથી ફોન ચાલુ જ રાખજો અને તમે પણ તમારા દીકરાના જીવનના સાક્ષી બનો. છેલ્લે હું એ વાતથી સંમત થયો.

               રેખાને મેં ત્યાં ડાન્સ ક્લાસે મોકલી. રેખાને જે મેં વાત કરી હતી એ આમ અટપટી હતી અને બિરજુને એના વિશે કંઈપણ જાણ નહોતી. સાંભળો! આગળ જતા ખબર પડી જ જશે કે મેં રેખાને શું કહ્યું હતું. રાતના નવ વાગ્યા અને બિરજુએ મને કોલ કર્યો અને કહ્યું કે દાદુ હવે થોડીક જ વારમાં હું મારા દિલની વાત ધાનીને જણાવીશ તમે ફોન ચાલુ રાખજો અને કીધું એ પ્રમાણે જેવી કંઈ ભૂલ લાગે કે કોલ કટ કરીને ફરી મને ફોન કરજો, મેં કહ્યું ઓકે બેટા ! તું ચિંતા ના કર બધું જ સારું થશે. અને એણે એનો ફોન એના ખિસ્સામાં મૂક્યો પછી એના પગના ચંપલનો અવાજ સંભળાતો હતો (ધાનીને એણે બહારની તરફના રૂમમાં વાત કરવા માટે બોલાવી હતી).

               હાય ધાની ! આજે તો બહુ જ મજા આવીને ડાન્સ કરવાની ? ધાનીએ કહ્યું હાસ્તો ! અને મંદ મંદ હસવા લાગી પછી વાત ઉમેરતા કહ્યું કે બિરજુ તું કંઈક કહેવાનો હતો ને ? બિરજુએ ધીમેથી કહ્યું હા ! તો ધાનીએ ફરી પૂછ્યું શું કહ્યું ? તો બિરજુએ કહ્યું હા મારે એક મહત્વપૂર્ણ વાત કરવાની છે. પછી વાત ઉમેરતા કહ્યું કે ધાની ! જન્મદિવસનો અનુભવ કેવો રહ્યો. ધાનીએ ખુશ થતાની સાથે જ કહ્યું કે થેન્ક યુ યાર તારા કારણે મારા જીવનનો સૌથી બેસ્ટ જન્મદિવસ ગયો બહુ જ મજા આવી અને તે આપેલી ગિફ્ટ્સ મને બહુ જ ગમી. અને ગિફ્ટ કાર્ડ પણ મને બહુ જ ગમ્યું. બિરજુએ કહ્યું કે તને ગમ્યું એટલે બસ બીજું શું જોઈએ. હું આ બંનેની વાત ફોન પર સાંભળી રહ્યો હતો અને મને ગમ્યું કે બિરજુ બરાબર રીતે પ્રપોઝલના રસ્તા પર ચાલી રહ્યો હતો.

               સાંભળને ધાનું ! બિરજુએ કહ્યું.ધાનીએ મંદ હાસ્ય સાથે કહ્યું નોટ બેડ હો બિરજુ ધાનીથી ડાયરેક્ટ ધાનું ! અરે !કહેતાંની સાથે બિરજુ નીચે જોવા લાગ્યો. ધાનીએ કહ્યું કે ચાલ જલ્દી બોલ શું કહેવાનો હતો પછી મારે મોડું થાય છે. અને બિરજુએ કહ્યું કે ધાનું ! વાત એમ છે કે અને બિરજુ ચૂપ. ધાનીએ કહ્યું બોલને ? ચૂપ કેમ થઈ ગયો યાર. બિરજુએ કહ્યું બે મિનિટ ધાનું હું કહું છું ને. મેં વિચાર્યું આ બાફે નહીં તો સારું, અને બિરજુ ફરી બોલ્યો કે ધાનું મારે એ કહેવાનું હતું કે અને પછી એણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો કે ધાનું ! અને ધાની પણ જાણે એની વાતની રાહ જોઈ રહી હોય. અચાનક જ ઝડપથી બિરજુએ ધાનીને કહ્યું કે ધાનું ! તું મને બહુ જ ગમે છે યાર અને હું તને બહુ જ પ્રેમ કરું છું. આ દોસ્તીમાંથી પ્રેમ ક્યારે થઈ ગયો એની મને જાણ નથી પરંતુ હું તને બહુ જ પ્રેમ કરું છું. આટલું બધું બિરજુ એક જ સાથે બોલી ગયો અને ધાનું એની સામે જ જોઈ રહી હશે એવું મને લાગ્યું.

               ધાની કંઈ પ્રત્યુત્તર આપવા જાય એ પહેલાં જ બિરજુ બોલ્યો કે ધાનું એક મિનિટ વાત પુરી કરવા દે, મને લાગ્યું કે હવે બિરજુના અવાજમાં વિશ્વાસ છલકી રહ્યો છે. બિરજુએ કહ્યું કે ધાનું ! તું કંઈપણ જવાબ આપે એ પહેલાં કહેવા માંગુ છું કે જો તારી હા હોય ને તો કંઈ જ બોલ્યા વગર ગળે મળજે અને ના હોય તો મારી તરફ હાથ મિલાવવા માટે હાથ લંબાવજે અને એવું કંઈ જ વિચારતી નહીં કે મને શું લાગશે કે નહીં લાગે ? તારું જીવન છે બરાબર હું તારા નિર્ણયનો પુરેપુરો સમ્માન કરીશ. અને ત્યાં હું ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે ધાની હા પાડી દે તો સારું. અને ત્યાં જ મારી પાસે જે મારી ડોશીનો ફોન હતો એના પર રેખાનો ફોન આવ્યો અર્થ કે મેં રેખાને જણાવેલું કે એણે દૂરથી એ બંને જોઈ શકે એમ ઉભું રહેવાનું છે અને જે છેલ્લી વાત થઈ એ કે હા માટે ગળે મળવું અને ના માટે હાથ મિલાવવું. ત્યારે રેખાએ મને ફોન કરવો.

               મારા જન્મદિવસે બિરજુના ગયા પછી રેખાને બિરજુવાળા પ્લાનની સાથે આ મારો પોતાનો પ્લાન પણ જોડ્યો હતો જેમાં રેખા મને ફોન કરશે અને આ વાત બિરજુને ખબર નથી કે રેખા ત્યાં જ છે. હવે પ્રશ્ન એ છે કે મેં કેમ રેખાને ત્યાં મોકલી ? એના ૨ કારણો છે એમાં પ્રથમ કારણ એ છે કે એ ગળે મળશે છે કે હાથ મિલાવશે એ મને બિરજુ તો ફોન પર કહીં નહીં શકે એટલે રેખા તો ત્યાં હોય એટલે એ જોઈ શકે અને મને બીજા ફોનમાં જણાવશે કે એ લોકો ગળે મળ્યા કે હાથ મિલાવ્યો. આ જાણવું મારા માટે બહુ જ જરૂરી છે અને બીજા કારણ માટે થોડીક રાહ જુઓ.

               રેખાનો મારી પર ફોન આવ્યો એવો મેં તરત ફોન ઉપાડ્યો અને એણે જે કહ્યું એ હતું કે "દાદુ બંને વચ્ચે વાત ચાલી રહી હતી અને બિરજુ હાથ લંબાવીને કંઈક કહી રહ્યો હતો (એટલે હું સમજી ગયો કે ગળે મળવું અને હાથ મિલાવવાની જે વાત હતી એ બિરજુ કરે છે). ત્યાં તરત જ ધાની બિરજુને ગળે મળી અને બંને જણા હાલ આલિંગનમાં જ છે.

               મારો ફોન મેં કાને લગાવ્યો અને ત્યાં મને ધાનીનો અવાજ સંભળાયો, એ કહેતી હતી કે બિરજુ આ ક્ષણની તો હું ક્યારનીય રાહ જોતી હતી અને હા હું પણ તને બહુ જ પ્રેમ કરું છું પરંતુ મારી લાગણી તારી સામે રજુ કરવામાં ડર લાગતો હતો. અને આજે મારુ નસીબ તો જો તે સામેથી...અને બોલતા બોલતા એ રડવા લાગી ત્યાં બિરજુએ કહ્યું કંઈ જ ના બોલીશ ધાનું હું સમજી ગયો. હવે હગમાંથી અલગ થઈશું ત્યારે ? ત્યારે ધાનીએ રડમસ અંદાજમાં જ કહ્યું ના ! હજી થોડોક સમય. અને ત્યાં તો હું ખુશખુશાલ.

               હું મનથી બંને બાળકોને આશીર્વાદ આપતો હતો અને મેં ફોન સ્પીકર પર રાખ્યો અને ધાબાની પાળી પર મુક્યો. અને બીજો ફોન લઈને રેખાને કહ્યું હેલ્લો બેટા! હજી બંને ગળે મળેલા છે ને ? તો એણે કહ્યું હા. મેં બીજો ફોન પણ પાળી પર મુક્યો ત્યારબાદ આકાશ સામે જોયું અને આકાશ સામે જોયા બાદ ચહેરો નીચે કર્યો ત્યાં તો મારી આંખોમાં આંસુ હતા અને મેં મારી આંખો બંધ કરી. આંખો બંધ કરતાની સાથે જ બંને હાથ ફેલાવ્યા જાણે કોઈને ગળે મળતો હોય એમ. તમે સમજ્યા ? બીજું કારણ એ હતું કે જયારે એ બંને ગળે મળશે તો હું એ જ સમયે તુલસીને ગળે મળ્યો છું એમ સમજીશ અને એ જ કલ્પનામાં મેં બંને હાથ ખુલ્લા કર્યા. અને મને સાચા અર્થમાં એ વખતે અનુભવ થયો જાણે તુલસી મને ગળે લાગી હોય. મારા હૃદયના ધબકારા વધી ગયેલા ! સાચે એવું લાગતું હતું જાણે તુલસી જ આલિંગનમાં છે.પછી મેં આંખ ખોલી અને.................................!

               મારી જોડે કંઈ શબ્દો જ નથી મેં આંખો ખોલી ત્યારે સાચેમાં હું આલિંગનમાં હતો (હું પાગલ સમજી જ ના શક્યો કે સાચેમાં કોઈ આલિંગનમાં છે, શાયદ હું પોતે જ આલિંગનમાં ખોવાઈ ગયો હતો) અને મેં ચેહરો જોયો તો એ બીજું કોઈ નહીં પણ તુલસી હતી. હું એકદમ ડરી ગયો અને હું તુલસીને દૂર કરવા ગયો ત્યાં સામે મારી ડોશી નીલમ ઉભેલી હતી અને એણે ઈશારામાં કહ્યું તમે બંને આલિંગનમાં રહો. મારી સમજમાં કંઈ જ નહોતું આવી રહ્યું અને તુલસી પણ મને છોડી નહોતી રહી પછી મેં પણ તુલસીને સાથ આપ્યો અને મેં જેને જિંદગીમાં સૌપ્રથમ પ્રેમ કરેલો એને હું આજે ગળે મળ્યો. હું આલિંગનમાં રડતો હતો ૬૧ વરસનો ડોસો આજે રડતો હતો અને એ પણ નાના બાળકની જેમ.

               પછી મેં તુલસીને મારાથી અલગ કરી અને મેં એની સામે જોયું અને કંઈ કહેવા જાઉં એ પહેલા જ નીલમે પૂછ્યું કે તમારી બહુ જ ઈચ્છા હતી ને તુલસીને ગળે મળવાની ? અને પોતે જ જવાબ આપીને કહ્યું કે મારા પતિની આ ઈચ્છા ના પુરી કરી શકું તો હું પત્ની શું કામની ?

               અને ત્યારે બસ હું નીલમની સામે જોઈ રહ્યો હતો. મારા હૃદયમાં લાગણીઓનું પૂર હતું, હું ઘડીકવારમાં તુલસી તો ઘડીકવારમાં નીલમ સામે જોઈ રહ્યો હતો. આ અચાનક બંને મારી સામે હતા અને કહું તો મારુ મગજ જ કામ નહોતું આપી રહ્યું. ત્યાં જ નીલમે કહ્યું કે મને ખબર છે બહુ જ પ્રશ્નો છે તમારા મગજમાં, ચિંતા ના કરો તમને જવાબ આપીશ હું. અને પાળી પર બિરાજમાન એનો ફોન એને લીધો અને રેખાને કહ્યું બેટા ! અને ત્યાં જ દાદીનો અવાજ સાંભળી રેખા ચમકી ! અને એણે કહ્યું દાદી ! તો નીલમે કહ્યું હા બેટા તારી દાદી, ચાલ ઘરે આવી જા અને એ પણ અમારા ધાબા પર. રેખાએ કહ્યું, શું થયું ? તો દાદીએ કહ્યું કંઈ નહીં તું આવને બેટા. પછી રેખાએ કહ્યું હું આવી ૧૦ મિનિટમાં. અને પછી બીજો ફોન જે હતો એ મને આપીને કહ્યું કે તમે બિરજુ અને ધાનીને અહીંયા બોલાવો. હું તો કંઈ પ્રશ્ન કરું એમ હતો જ નહીં, મેં ફોન લીધો અને પહેલા તો કટ કર્યો ત્યારબાદ ફરીથી ફોન કર્યો બિરજુને અને હું થોડો સાઈડમાં ગયો પછીબિરજુને કહ્યું કે બેટમજી ! કેટલું ગળે મળશો ? બિરજુ બોલ્યો દાદુ ! તમને કેવી રીતે ખબર કે ગળે જ મળ્યા હોઈશું. મેં કહ્યું અરે ગાંડા ! ગળે ના મળ્યો હોત ને તો હાથ મિલાવ્યા પછી તારો પાંચ મિનિટમાં ફોન આવી જાત પરંતુ પ્રેમના આલિંગનમાં માણસ બધું જ ભૂલી જાય. બિરજુ આ સાંભળીને હસવા લાગ્યો. મેં કીધું હસવાનું બંધ કર અને ચાલ ઘરે આવ ધાબા પર ! તારી દાદી તમને બંનેને બોલાવે છે. બિરજુએ કહ્યું શું થયું દાદુ ? તો મેં કહ્યું બેટા મને પણ ખબર નથી તું આવ ને ! આપણે સાથે જાણીએ.

દસ મિનિટ બાદ.......

               બહુ જ અતરંગી દ્રશ્ય હતું ! મારી સામે નીલમ અને તુલસી ઉભા હતા અને તુલસીથી થોડેક દૂર રેખા ઉભેલી હતી અને મારી બાજુમાં બિરજુ અને ધાની ઉભેલા હતા. મેં કહ્યું ઓ ડોશીમા હવે બોલો શું કહેવાના હતા (અંદરથી તો એ ડર હતો કે મારા વિશે નીલમ શું વિચારી રહી હશે).

               ત્રીસ-ચાલીસ સેકન્ડની શાંતિ બાદ તુલસી થોડીક આગળ આવી અને કહ્યું કે મારે એક વાત કરવી છે. અને મેં હકારમાં માથું હલાવ્યું. અનુપમ તમારો બિરજુ અને રેખાવાળો આ બંને પ્લાન અમને ખબર હતી. બધા જ અચરજમાં પડી ગયા સૌથી વધારે તો હું જ. ત્યાં જ મેં બિરજુ સામે નજર કરી તો એ ત્યાં જ બોલ્યો કે દાદુ મેં કંઈ નથી કહ્યું કોઈને પણ. ત્યારબાદ મારી નજર તરત રેખા પર પડી તો એણે પણ માસુમિયતથી જવાબ આપ્યો કે એને પણ કંઈ જ ખબર નથી.

               ત્યાં જ તુલસી બોલી કે અનુપમ તમે તમારા જન્મદિવસે હોલની બહાર બિરજુને જે કહી રહ્યા હતા એ નીલમબેને સાંભળી લીધું હતું. તમે બહાર ગયા અને ત્યાં જ એક બાળકી દાળની વાડકી લઈને દોડતી હતી અને એની ભૂલથી એ દાળની વાડકી નીલમબેનની સાડી પર પડી ગઈ એટલે તરત તેઓ પાણીનો પ્યાલો લઈને હોલની બહાર ગયા કારણ કે વોશરૂમમાં ભીડ હતી. અને ત્યાં સાડી સાફ કરતા કરતા એમની નજર તમારા બંને પર પડી અને તમારી વાત સાંભળી. ત્યાં જ નીલમ વચ્ચે બોલી કે પછી તમે રેખાને તમારો બીજો પ્લાન કહ્યો ત્યાં સુધી પણ વાંધો નહોતો, રેખા ગઈ પછી હું હોલની અંદર જતી હતી કારણ કે તમે મને જોઈ ન જાઓ. અને હું જેવું વળી ત્યાં જ તમે બોલ્યા કે "જેવી રેખા મને એમ કહેશે કે એ બંને લોકો ગળે મળ્યા ત્યાં હું પણ એમ સમજીશ કે હું તુલસીને ગળે મળ્યો" એટલે હું આખી વાત સમજી ગઈ.

               ત્યારે મેં કહ્યું કે એનો અર્થ એ કે સાચેમાં તુલસી મને ગળે મળે એટલે તું એને લઈને આવી ? નીલમે કહ્યું કે હા ! અને એ સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા. નીલમ મારી પાસે આવી અને કહ્યું કે ૩૫ વરસ થયા આપણા લગ્નને. હંમેશા તમે મને ખુશી આપી મને બહુ જ સાચવી અને રાણીની જેમ રાખી. પરંતુ મને હંમેશા લાગતું કે કંઈ છે જે તમને દિલમાં ખૂંચે છે અને એ હતું એ કે તમારો પ્રથમ પ્રેમ. તમારી ફક્ત એ ઈચ્છા હતી કે તમે એને ગળે મળો જો હું આટલી ઈચ્છા પુરી ના કરી શકું તો પછી મારી જિંદગી શું કામની ? એટલે મેં તુલસીબેનને આ બાબતે આગ્રહ કર્યો અને એમણે સદ્નસીબે હા પાડી.

               તુલસીએ કહ્યું, તમે મને આટલો પ્રેમ કરો છો એ ખબર જ નહોતી. આટલા વરસો પછી મને એમ કે હવે તો સમય બદલાઈ ગયો. પરંતુ તમારો પ્રેમ અકબંધ છે. મેં તમને મારા જીવનમાં એ નજરે જોયા જ નહોતા. તમે મને તમારા દિલની વાત જણાવી ત્યારે મને તમારા માટે હમદર્દી હતી પરંતુ પ્રેમ નહોતો એ માટે મને માફ કરજો. પરંતુ હા મને તમારા માટે કંઈ નફરત પણ નહોતી. ત્યાં મેં કહ્યું વાંધો નહીં તુલસી હું સમજુ છું. પછી નીલમે કહ્યું કે આ બધું તમારા પ્રેમ માટે કર્યું મેં.

               હું બંનેની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો, બંને મને આછા દેખાઈ રહ્યા હતા કારણ કે મારી આંખોમાં આંસુ હતા. અને હું દોડીને તરત જ નીલમને ભેટી પડ્યો. અને એને કહ્યું કે ડોશી! શું કહું તને હવે ? મારી જોડે શબ્દો નથી નીલમ.નીલમે કહ્યું કંઈ જ ના કહો હું સમજી શકું છું તમારી લાગણીઓને, જેમ તમે હંમેશાથી મારી લાગણી સમજતા આવ્યા છો અને ડગલે ને પગલે પડછાયાની જેમ મારો સાથ આપ્યો છે. અને એમ ના વિચારતા કે તુલસી માટે હજી પ્રેમ છે તો હું નારાજ છું, એ ડોસા ! હું નારાજ નથી હું તો ખુશ છું કે આટલો ખુદ્દાર પતિ મળ્યો છે મને.

               તમારા મનપસંદ પાત્રને તમે ના મેળવી શક્યા પરંતુ જે તમને મળી એટલે હું એને તમે કેટલો પ્રેમ આપ્યો છે. તો હું તમારા માટે આટલું ના કરી શકું ? ત્યારે સાચા અર્થમાં મારી આંખોમાં આંસુ સાથે એક ખુશી હતી અને એ ખુશી નાનકડા હાસ્ય સ્વરૂપે બહાર નીકળી. મને ગર્વ છે મારી પત્ની પર ! ત્યારે આંસુ અને હાસ્યનું મિશ્રણ થયું.

               ત્યાં જ બિરજુએ કહ્યું કે તમારી પ્રેમકથા પૂર્ણ થઈ ? અને બધા જ હસવા લાગ્યા. હું ધાની પાસે ગયો અને કહ્યું કે આ ગાંડો તને ગમે છે ? તો ધાનીએ ગંભીર થઈને કહ્યું કે ના ! તો બધા જ શાંત અને અવાક. બિરજુએ ધાની સામે જોયું અને કહ્યું ધાનું શું બોલી રહી છે ? હમણાં તો તે હા પાડી. ધાની હસવા લાગી અને કહ્યું અરે પુરી વાત તો સાંભળ પાગલ ! આ ગાંડો મને બહુ જ ગમે છે. ત્યાં જ બિરજુ સિવાય બધા જ લોકો હસવા લાગ્યા.

               બિરજુએ ધાનીને કહ્યું કે શું આવી મસ્તી કરે છે, ત્યારે રેખા બોલી કે બિરજુડા ! હવે અસલી મસ્તી થશે મને તો મજા આવશે જયારે ધાની તને હેરાન કરશે. ત્યાં બિરજુએ કહ્યું હા હવે ચાંપલી ! અને એ રેખા પાસે ગયો અને આભાર માન્યો કારણ કે એને તો આશા જ નહોતી કે એની વાતમાં રેખા મદદ કરશે કારણ કે નાનપણથી બંને લડતા જ આવ્યા છે. પછી બિરજુએ બધાનો આભાર માન્યો.

               બધા બહુ જ ખુશ હતા અને ત્યાં બિરજુ બોલ્યો મારી દાદીને જબરું હગ કર્યું હો તમે ! અને હું તો શરમથી નીચે જોવા લાગ્યો, ત્યાં તો બધા જ હસવા લાગ્યા. ધાનીએ મને કહ્યું કે દાદુ! નીલમ ગમે કે તુલસી ? ત્યારે તુલસી અને નીલમ બંને મારી સામે જોવા લાગ્યા. મેં કહ્યું તુલસી મારો પ્રથમ પ્રેમ છે એટલે એને ભૂલી ના શકું અને નીલમ મારો છેલ્લો પ્રેમ છે એટલે એના વગર જીવી ના શકું. પ્રેમ બંને માટે છે પરંતુ જો મારે એક જ પસંદગી કરવાની હોય તો એ નીલમ છે. ત્યાં જ તુલસીએ કહ્યું કે સાચી વાત છે, આ સાંભળીને નીલમ પણ ખુશખુશાલ.

               પણ દાદુ એક પ્રશ્ન પૂછું ? ધાનીએ પૂછ્યું. મેં કહ્યું , હા બોલને બેટા ! ધાનીએ કહ્યું કે, તમે તરત જ નીલમ નામ લીધું મને એમ કે તમે તુલસી કહેશો. અને આ વાત પર રેખાએ પણ સંમતિ દર્શાવી. હવે જવાબ આપવાનો વારો મારો હતો.

               મેં કહ્યું, ધાની,બિરજુ અને રેખા ધ્યાનથી મારી વાત સાંભળજો. હવે હું જે જવાબ આપીશ એ મારા અનુભવ પ્રમાણે છે બરાબર, તો એ કોઈના માટે સાચો અને ખોટો પણ હોઈ શકે. તુલસીને પ્રેમ કર્યો પરંતુ મારો પ્રેમ એકતરફી હતો જેમાં તુલસીનો કંઈ જ ભાગ નથી અર્થ કે મારો જ પ્રેમ,દુઃખ કે સુખ ! બધું જ મારા પર આધાર રાખે છે હું એમાં એમ ના કહી શકું કે તુલસી કેમ તે મને દુઃખી કર્યો ? એકતરફી પ્રેમમાં વ્યક્તિ રોજ હસે અને રડે છે પરંતુ એનો જવાબદાર એ પોતે હોય છે. ત્યાં કંઈ વચન કે લાગણી તૂટવાનો ભય એ ફક્ત એક વ્યક્તિ પર આધાર રાખે છે. તમે સમજો કે તુલસી તરફથી એની વાત ચોખવટ ભરેલી છે કે એ પ્રેમમાં છે જ નહીં.એકતરફી પ્રેમમાં હાલ ફક્ત ને ફક્ત અનુપમ જ જવાબદાર છે. પછી જયારે માં બાપના કહેવા પર અનુપમ બીજે લગ્ન કરે તો હવે નીલમ જેવું પાત્ર સાથીદાર બને જેમાં પરિસ્થિતિ બદલાય એવી કે "બેતરફી પ્રેમનું સમન્વય" થાય એટલે જે વ્યક્તિ પોતાનું જીવન તમારી જેમ જ સમર્પિત કરે એટલે પછી જવાબમાં નીલમ જ હોય, સમજ્યા ?

               ત્યાં રેખાએ કહ્યું કે જો બેતરફી પ્રેમ હોત તો ? પ્રત્યુત્તરમાં મેં કહ્યું કે તો મેં શાયદ લગ્ન ના કર્યા હોત અને જો કરી પણ લીધા હોય ને તો લગભગ મજબૂરી જ હોત, કારણ કે માતા-પિતાની ખુશી માટે લગ્ન કર્યા હોત. બધા મારી સામે અચરજભરી નજરે જોવા લાગ્યા. મેં કહ્યું હા ! કારણ કે "બેતરફી પ્રેમમાં તમે બે માંથી એક બનો છો". ત્યાં લાગણીઓ,સપનાઓ,વચનો અને એકબીજા પરના હકની આલમેલ થાય છે બેટા. અને સમય જતા જયારે કોઈપણ કારણોસર બંને વ્યક્તિ અલગ પડે તો બંને તૂટી જાય છે. અને તમે વિચારી પણ ના શકો એટલું મોટું દુઃખ હોય છે, બિરજુ અને ધાની તમે ખાસ સાંભળજો - તો બેતરફી પ્રેમમાં એકબીજાનો સાથ ન છોડો તો બધું જ થઈ શકે છે કારણ કે હજારો કારણ મળશે અલગ થવાના પરંતુ એ બધાની ઉપર એક જ કારણ કાફી છે અને એ છે તમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ. હા જો પછી પ્રેમમાં દગો કરો અથવા દગો મળે ત્યારે અલગ થાય તો વાત જ અલગ છે પરંતુ મુદ્દો એ છે કે જો બેતરફી પ્રેમી પંખીડા અલગ પડે તો પછીની જિંદગી મોટેભાગે (સો એ સો ટકા લોકો માટે નહીં) મજબૂરીમાં વીતે છે પછી નવા પાત્રને કદાચ તમે પ્રેમ કરો પરંતુ જે પ્રેમ તમને બેતરફી પ્રેમમાં થઈ ગયેલો હોય પછી પહેલા જેવું કંઈ જ રહેતું નથી. તો મારો પ્રેમ બેતરફી હોત તો શાયદ આજે મેં તુલસી નામ લીધું હોત.

               ધાનીએ કહ્યું, દાદુ સમજી ગઈ ! અને અમને બંનેને શું સલાહ આપશો ? મેં કહ્યું, ગમે તે થાય પરંતુ તમે બંને એકબીજાનો સાથ ના છોડતા બેટા. વફાદારી તમારા પ્રેમમાં છલકવી જોઈએ, ધાની એક વાત ધ્યાન રાખજે કે -

"જો છોકરો પ્રેમ કરે તો મહાન પ્રેમગાથા રચાય, પરંતુ જો છોકરી પ્રેમ કરે ને તો જ એ પ્રેમગાથા લગ્ન સુધી જાય"

               બેટા! હાથ પકડી લીધા પછી ના છોડતા. બિરજુ સ્ત્રીને સમજવી થોડી મુશ્કેલ છે પરંતુ સાવ એવું પણ નથી, તો સાંભળ એના જીવનનો સૌથી ઉત્તમ શ્રોતા બનજે , એની નાની નાની વાતોમાં ધ્યાન આપજે. સ્ત્રીના બહુ મોટા કંઈ જ સપના નથી હોતા તમે તમારો સમય અને પ્રેમ આપો. એ તમારી જ છે ! અને ધાની તું સાંભળ, છોકરો હાથ પકડે ને પછી નથી છોડતો બરાબર, અને છોકરીનું જીવન જ એવું હોય છે કે મજબૂરી અને બીજા બધા ઘણા કારણોના કારણે એવો સમય આવશે કે તને હાથ છોડવાનું મન થશે પરંતુ ના છોડતી. પ્રેમમાં પુરુષ બાળક બની જાય છે અને સ્ત્રી બેખોફ. બસ હાથ નથી છોડવાનો ! મેં કહ્યું મળી ગયો ને જવાબ. અને ત્રણે જણાએ હા પાડી.

               રેખાએ કહ્યું કે દાદુ હવે મારે જવું પડશે મોડું થાય છે. મેં કહ્યું બિરજુ રેખાને મૂકી આવને. તો બિરજુએ કહ્યું એનું સામે જ ઘર છે દાદુ, મારે બંને દાદી અને ધાનું જોડે બેસવું છે. ત્યાં તો રેખાએ કહ્યું કે જાને ગંધાતા ! તારી સાથે હું આવું પણ નહીં ! પછી હું રેખાની સાથે ગયો.

               રેખા જલ્દી સીડીયો ઉતરતી હતી મેં કહ્યું બેટા ધીમેથી, પછી અમે નીચે આવ્યા અને મેં એના માથા પર હાથ મૂક્યો અને કહ્યું બેટા ! તારો આભાર. તો રેખાએ કહ્યું શું તમે પણ દાદુ. અને એ ફટાફટ ઘરે જતી હતી અને મેં એને રોકીને કહ્યું એક મિનિટ બેટા પાછી ફર તો ! અને એ મારી સામે નહોતી જોઈ રહી તો મેં એની દાઢી નીચે મારી આંગળીથી ચહેરો ઊંચો કર્યો અને જોયું તો એની આંખો આંસુથી ભરેલી હતી જાને હમણાં જ બંધ તૂટે અને પાણી વહેવા માંડે. મેં ઉમેર્યું કે બેટા ! શું થયું ? એને રડમસ ચહેરા સાથે કહ્યું કંઈ નહીં દાદુ. આ તો આજે બધા ખુશ હતા એટલે ખુશીના આંસુ છે. મેં કહ્યું બેટા ! હું તારો દાદુ છું, આ આંસુ ખુશીના નથી અને ખબર નહીં પણ મેં એની સામે ધારીને જોયું અને મારુ હૃદય ધબકારો ચૂકી ગયું અને હું ૨ ડગલાં પાછો પડી ગયો. રેખા, બિરજુ ! રેખા હું તને પૂછી રહ્યો છું બિરજુ ! અને રેખા મને ગળે મળીને રડવા લાગી. હું સમજી ગયો હતો એના આંસુઓની ધારાનું કારણ, મેં કહ્યું કે તને બિરજુ પસંદ છે ? અને એ રડતા રડતા કહેવા લાગી કે દાદુ હું બિરજુને બહુ જ પ્રેમ કરું છું પરંતુ આજે મેં એને ખોઈ દીધો. હું કદી એને કહી જ ના શકી દાદુ.

               ફરી એકવાર હું નિશબ્દ હતો, બિરજુ માટે ખુશ થવું કે રેખા માટે દુઃખી ? મારુ મન જ ક્યાંક બેસી ગયું. રેખાને મેં રડવા દીધી. મેં કહ્યું બેટા ! રડી લે. એકતરફી પ્રેમમાં આવું જ થાય છે. આજે હું તારી કોઈ મદદ પણ કરી શકું તેમ નથી માફ કરી દેજે બેટા. રેખાએ કહ્યું દાદુ તમે ચિંતા ના કરો હું ઠીક થઈ જઈશ પણ બિરજુ ખુશ છે એટલે શું જોઈએ મને તમે કહેજો. તમે જેમ તુલસી વગર રહ્યા અને તમારા જીવનમાં નીલમ આવી એ રીતે મારા જીવનમાં.......... અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. મેં કહ્યું કે, એટલે જયારે મેં તને બિરજુવાળી વાત કરી એટલે તારો ચેહરો બદલાઈ ગયો હતો,એ મારા ધ્યાનમાં આવ્યું હતું અને મને અજુગતું લાગ્યું એટલે તને પૂછ્યું પણ હતું. તારે કહેવું જોઈએ ને બેટા. હવે તો હું શું કહું તને પરંતુ માફ કરજે બેટા. રેખાએ કહ્યું કે, દાદુ ! તો પછી બિરજુ એના પ્રેમને ના મેળવી શકે એને મારા પ્રેમની જ ખબર નથી તો વાંધો નહીં ને અને રડતા રડતા પરાણે હસવા લાગી. અને હું બસ એને જોઈ જ રહ્યો બે સંવાદ મારા મગજમાં આવ્યા જેને પણ લખ્યા હોય.

૧. મર્દને હંમેશા અપની મનપસંદ ઔરત કો ખોયા હૈ (આ મેં સાંભળેલું)
૨. ઔરત ને ભી કભી કભાર અપને મનપસંદ મર્દ કો ખોયા હૈ (આજે મેં લખ્યું શાયદ કોઈકે લખેલું હોય તો એમને પ્રણામ)

કભી કભાર એટલા માટે કહ્યું કે સ્ત્રી ચાહે તો એને મળી જ જાય છે, શાયદ તમે મારી વાતને સમજી ગયા હશો.

આ કુદરતનો ખેલ પણ અજીબ છે, કોઈ એક કોઈને મેળવીને ખુશ છે તો બીજું એને ખોઈને દુઃખી છે. એક જ સાથે બધા જ ખુશ ના રહી શકે શાયદ એનું જ નામ જીવન. દરેકને મનગમતું પાત્ર જોઈએ છે પરંતુ મળતું નથી અને એનું દુઃખ મૃત્યુ પછી જ છૂટે છે. આ દુનિયામાં ઘણા અનુપમ અને રેખા જેવા વ્યક્તિઓ છે પરંતુ નીલમ જેવા સાથીદાર આવે એટલે જીવનમાં રંગો પુરી દે છે પરંતુ મનપસંદ પાત્ર ના મળે એટલે એ અફસોસ તો આખી જિંદગી રહી જ જાય છે. પાછું દરેકના જીવનમાં નીલમ જેવું પાત્ર થોડી હોય છે.

લડો, ઝગડો કે સંઘર્ષ કરો જેનાથી મનપસંદ પાત્ર મળી જાય. સંઘર્ષ પાત્ર જોડે નહીં પરંતુ પરિસ્થિતિઓ જોડે ! અને છેલ્લે ના મળે તો મને ખબર છે એ અસહનીય છે પરંતુ બીજું તો હું શું કહું.

 

સ્માઈલ પ્લીઝ 
(જીવનની ધારામાં સ્માઈલ જરૂરી છે નહીં તો જીવન આમ પણ ગુજરી જ જવાનું છે)