હેપ્પી મિશાને લઈ રેનાને શોધવા જાય છે. ગર્લ્સને ફાળવેલા રૂમમાંથી એક રૂમ બંધ હોય છે. હેપ્પી રૂમના દરવાજા પર ટકોરા મારે છે.
"રેના, તું અંદર છે?"
"હા હેપ્પી, તું જા, હું દસ મિનિટમાં આવું છું."
"કઈ હેલ્પ જોતી હોય તો કે..હું કરી આપુ."
"નહિ હેપ્પી તું જા...હું બસ આવું જ છું."
"ઓકે."
આમ કહી હેપ્પી મિશાને લઈ ફરી પાછી હોલમાં આવી જાય છે. પરમ ઇશારાથી જ તેને પૂછે છે કે રેના ક્યાં?
"એ બસ થોડી વારમાં આવે છે. તૈયાર થાય છે."
પરમ બોલ્યો, "આ છોકરીઓને આટલી બધી તૈયાર થવામાં વાર કેમ લાગતી હશે?"
"ઘરે સરખું નહાતી નહિ હોય પછી મેકઅપ કરીને ચહેરો ઉજળો તો કરવો પડે ને." એમ કહી વિકી ખડખડાટ હસ્યો.
આ સાંભળી ફરી હેપ્પી બગડી બેઠી. "હા, તારા જેવા તો મહિનો નહિ નહાતા હોય એટલે જ અત્યારે પરફ્યુમથી નહાઈને આવવાની જરૂર પડી." આમ કહીને હેપ્પી પોતાની આંખો નચાવતા હીહીહી કરતાં હસવા લાગી. વિકી હજુ આગળ કઈ બોલે એ પહેલાં જ અચાનક લાઈટ જતી રહી. હોલમાં અંધારું થઈ ગયું. બધાએ એકસાથે હુરિયો બોલાવ્યો. અચાનક એક મધુર અવાજ માઇકમાં ગુંજ્યો,
"હેલ્લો શામળદાસ કોલેજ....ગુડ ઈવનિંગ."
આટલું બોલતાં જ એક સ્પોટ લાઈટ સ્ટેજના સેન્ટર પર થઈ. સ્ટેજ પર બરોબર વચ્ચે રેના માઇક લઈને ઉભી હતી. આ જોઈ ફરી બધાએ હુરિયો બોલાવ્યો.
"ઓહ, તો આ હતું રેનાનું સપ્રાઈઝ?" હેપ્પી બોલી.
મિશા અને પરમ પણ અચંબિત હતાં. વિકીનું હદય તો રેનાને જોઈને જ એક ધબકારો ચૂકી ગયું. રેનાએ આજે બ્લૂ કલરનું વ્હાઇટ રંગના શેડમાં લાંબુ ઘેરદાર ગાઉન પહેર્યું હતું. જે ફૂલ સ્લિવનું હતું. નેક પાસે જરદોશી વર્ક હતું અને એવું જ વર્ક ગાઉનમાં નીચે બોર્ડર પર અને સ્લિવ પર હતું. ગળામાં એક મોતીનો પેન્ડન્ટ સેટ, કાનમાં એવા જ લટકણ, હોઠો પર પિંક શેડની લિપસ્ટિક, અણિયાળી આંખોમાં કાજળ, ચહેરા પર આછો મેકઅપ અને કર્લ કરેલા ખુલ્લા વાળ તેના ચહેરાને વધુ જ આકર્ષક બનાવતા હતાં. જાણે કોઈ પરી હોય એટલી સુંદર રેના લાગી રહી હતી.
માઇકમાં ફરી અવાજ ગુંજ્યો, "માય ડિયર સ્ટુડન્ટ્સ, તમારું બધાનું હું રેના મહેતા, આજની આ વેલકમ પાર્ટીમાં સ્વાગત કરું છું. કોલેજ લાઈફ જિંદગીનો ગોલ્ડન પીરીયડ કહેવાય છે. મોજ મસ્તી, દોસ્તી અને પ્રેમ, સાથે સાથે કરિયર બનાવવા માટેના પણ મહત્વના વર્ષો. આ જ કોલેજમાંથી કોઈને જિંદગીભર સાથ નિભાવે એવું જીવનસાથી પણ મળી શકે છે અને સુદામા કૃષ્ણ જેવી દોસ્તી પણ મળી શકે છે. હું તો ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જીવવું તો એવી રીતે જીવવું કે આજનો દિવસ જીંદગીનો છેલ્લો દિવસ હોય અને કઈક શીખવું તો એવી રીતે શીખવું કે આખી જિંદગી હજુ બાકી હોય."
રેનાના આ એક વાક્ય પર હોલમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. સૌ પોતાની સીટ લઈને બેસી ગયાં હતાં. બધાની નજર રેના પર જ સ્થિર હતી. છોકરાઓ મનમાં આશા કરતાં હતાં કે રેના પોતાની લાઈફમાં આવી જાય અને છોકરીઓ એવું વિચારતી હતી કે રેના જેવી સુંદર પોતે પણ બની જાય.
"મારી સ્પીચ લાંબી ન કરતાં સ્ટાર્ટ કરીએ આજનો પ્રોગ્રામ."
આમ કહી રેના ફરી બેક સ્ટેજ જતી રહી. સૌથી પહેલા થર્ડ યરનું એક ગ્રુપ આવ્યું જેમણે ડાન્સ કર્યો. ત્યારબાદ બીજા વર્ષના સ્ટુડન્ટએ એક મસ્ત સોંગ ગાયું. વચ્ચે વચ્ચે રેના સ્ટેજ પર આવીને બધાનો ઉત્સાહ વધારી જતી. એક પછી એક પરફોર્મન્સ થઈ રહ્યાં હતાં છેલ્લે રેનાનું પરફોર્મન્સ હતું. તે ફરી તૈયાર થવા ગઈ.
સ્ટેજ પર ફરી લાઈટ ડીમ થઈ અને રેના પોઝ આપીને ઊભી રહી. મ્યુઝિક ચાલું થયું. રેના ગુજરાતી ચણિયાચોળી પહેરી ઊભી હતી. ઘેરદાર સફેદ અને લાલ કલરની ડિઝાઇનનો ઘાઘરો ઉપર લીલા કલરનું અંદર સફેદ અને લાલ ડિઝાઇનનું બ્લાઉઝ અને સાથે લાલ બાંધણીની ડિઝાઇનની ગુજરાતી ભાતથી પહેરેલી ચૂંદડી. કમર પર બાંધેલી કોડીનો કંદોરો, ગળામાં નવરાત્રિમાં પહેરે એવા કોડીમાંથી બનાવેલ હાર , કાંડા પર એવા જ કડા, વાળ ચોટલામાં ગૂંથેલા અને માથા પર શોભતો માંગ ટિકો. કપાળ પર ચમકતી બિંદીમાં રેના નખશિખ ગુજરાતણ લાગી રહી હતી. આ સાથે જ ગીત વાગ્યું.
હે વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
રેના એટલાં સરસ સ્ટેપ લઈ રહી હતી કે ગ્રુપમાં થઈ શકતો આ ડાન્સ સોલોમાં પણ એટલો જ મસ્ત લાગી રહ્યો હતો. એના એક એક ઠુમકા પર કોલેજ ઝૂમી રહી હતી. ઘડીભર એવું લાગ્યું કે જાણે નવરાત્રી સ્ટેજ પર ઉતરી આવી. એ ગોળ ફરતી ત્યારે એનો ઘેરદાર ઘાઘરો જે ફેલાઈ ને ફરતો અને એ વખતે રેના એટલી સુંદર લાગતી કે છોકરાઓનું હદય તો એક ધબકારો ચૂકી જતું. અચાનક મ્યુઝિક સિસ્ટમમાં કઈક ખરાબી આવી અને સિસ્ટમ વચ્ચેથી જ બંધ પડી ગઈ. રંગમાં ભંગ પડતાં બધાએ જોરથી હુરિયો બોલાવ્યો. રેના માટે પણ આ પરિસ્થિતિ અકલ્પનીય હતી. એનો ડાન્સ પણ અધૂરો રહ્યો એનું દુઃખ એના ચહેરા પર દેખાઈ આવ્યું.
સિસ્ટમમાં શું ખરાબી છે એ ચેક થઈ રહ્યું હતું કે અચાનક માઇકમાંથી ગીત શરૂ થયું.
હાંફી રે ગઈ હું તો હાંફી ગઈ
અમથા હરખમાં જ હાંફી ગઈ
હાંફી રે ગઈ હું તો હાંફી ગઈ
હાંફી રે ગઈ સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
રેનાએ અવાજ ક્યાંથી આવે છે એ જોવા પાછળ ફર્યું તો વિકી હાથમાં માઇક લઈ ગાઈ રહ્યો હતો. રેના નવાઈથી તેને જોઈ રહી. વિકીએ ઓર્કેસ્ટ્રા પાર્ટીને મ્યુઝિક વગાડવા કહ્યું અને રેનાને ઇશારાથી જ ફરી ડાન્સ કંટીન્યું કરવાં કહ્યું.
રેનાએ ફરી નાચવાનું શરૂ કર્યું. વિકી ગાતો ગાતો સ્ટેજ પર વચ્ચે આવી ગયો અને રેના તેની આજુબાજુ ફરતી નાચવા લાગી. વિકીનો અવાજ ખરેખર ખૂબ સરસ હતો. તો સામે રેનાનો ડાન્સ અદભુત હતો. એની લચક, એની આંખો અને ચહેરાના હાવભાવ અને ગીતની તાલે થીરકતાં એના કદમ. આ જુગલબંધી ખરેખર જોરદાર રંગ જમાવી રહી હતી. વિકીનું તો સંપૂર્ણ ધ્યાન ફક્ત અને ફક્ત રેનામાં જ હતું. આજુબાજુની તો જાણે તેને દુનિયા જ ભુલાઈ ગઈ હતી. જો કે રેના ફક્ત પોતાના ડાન્સમાં જ મશગુલ હતી. એ હમેશાથી ડાન્સ કરતી વખતે એમાં જ ઓતપ્રોત થઈ જતી.
આખી કોલેજ આ જુગલબંધીને માણી રહી હતી. ડાન્સ લગભગ પૂરા થવાના આરે જ હતો કે વિકીએ ઓડિયન્સમાંથી જેને ગરબા રમવા હોય એને સ્ટેજ પર આવી જવા કહ્યું. આટલું કહેતા લગભગ ગરબાના શોખીન બધા જ સ્ટેજ પર પહોંચી ગયાં. હેપ્પી પરમ અને મિશા પણ!!! બધાના આવતાં જ વિકીએ ગીત બદલાવ્યું.
" કુમકુમ કેરાં પગલે માડી ગરબે રમવા હાલ..."
સૌ એ મોજથી ગરબા ચાલુ કર્યા. વિકી એક પછી એક ગરબાના ગીત ગાઇ રહ્યો હતો. લગભગ અડધી કલાક ગરબા ચાલ્યા. છેલ્લે તેણે કાર્યક્રમ પૂરો કરવા છેલ્લું ગીત ગાયું જે હમેશા ગરબામાં રંગ લાવી દે.
" ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા મા ના...." બધા એટલા રંગમાં આવી ગયાં કે ડાકલાં રમીને સ્ટેજ ધ્રુજાવી દીધું. હેપ્પી તો એવી રીતે ડાકલા રમવા લાગી કે આજુબાજુ સફાયો થઈ ગયો. આખરે વિકીએ ગાવાનું બંધ કર્યું અને બધાએ ચિચિયારીથી એને વધાવી લીધો. અમુક છોકરાઓએ તો તેને ખભા પર જ તેડી લીધો. ધાર્યા કરતાં આજની પાર્ટી જોરદાર રહી. રેના ફરી માઇક પકડી ઊભી રહી.
"જોરદાર પરફોર્મન્સ બાય વિક્રાંત મહેરા...." આ સાથે જ જોરદાર તાળીઓનો ગડગડાટ થયો.
"મિત્રો, આ સાથે જ આજની શાનદાર પાર્ટી અહી પૂર્ણ થાય છે. પાછળના ગાર્ડનમાં જમવાની વ્યવસ્થા છે તો સૌ મિત્રો જલ્દી થી ત્યાં પહોંચી જાય. ગરબા રમીને ભૂખ લાગી હશે ને." આટલું કહેતાં ફરી ચિચિયારી થઈ અને સૌ જવા લાગ્યાં. મોકો જોતાં જ વિકી રેના પાસે પહોંચી ગયો.
( ક્રમશઃ)
શું હવે હેપ્પીનો અણગમો દૂર થશે વિકી પ્રત્યે?
શું રેનાને પણ કોઈ ફિલિંગ થશે વિકી માટે?
જાણવા માટે વાંચતા રહેજો.