Be Ghunt Prem na in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 7

Featured Books
Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 7


પાર્ટી સાથે મારો કોઈ ખાસ લગાવ નહતો. આજના અભદ્ર સોંગ સાથે મને તાલમેલ મિલાવવું બિલકુલ ગમતું નહી. એટલે હું પાર્ટીના એક ખૂણે બેસીને લોકોને નાચતા ગાતા જોઈ રહ્યો. મારા સિવાય બાકી બધા મોજમસ્તી કરતા ખિલખિલાટ હસી રહ્યા હતા. ત્યાં જ થોડીવારમાં મારી કોલેજનું એક ગર્લ્સ ગ્રુપ મારી બાજુમાં આવીને ઊભું રહી ગયું. મેં થોડીક દૂરી બનાવીને પોતાનું ધ્યાન બીજે કેન્દ્રિત કર્યું પણ મારા કાનને હું ક્યાં રોકી શકવાનો હતો..

" રિયા કેમ ન આવી? તને ખબર છે?"
" કોને ખબર શ્રુતિ....મને તો લાગે છે આ સંજયે જ નહિ બોલાવી હોય એને...બાકી રિયા પાર્ટીમાં આવવાની ના પાડે એવું બને ખરી?"
" મને તો લાગે છે સંજયે કરનના લીધે જ રિયાને પાર્ટીમાં નથી બોલાવી..."
" હા એવું જ હશે...આ કરનના લીધે જ આપણી ગર્લ્સ ગેંગની એક મેમ્બર ઘટી ગઈ..."
" તો શું યાર..."

મારો પગ ભારી થઈ ગયો. આટલા બધા લોકોની ભીડમાં પણ હું એકલતા અનુભવવા લાગ્યો. " સંજયે મારા માટે રિયાને પાર્ટીમાં ન બોલાવી?" મારું મન આ માનવા બિલકુલ રાજી ન હતું. સંજયને હું સારી રીતે ઓળખું છું એ આવું કરી જ ન શકે...પણ હું ગર્લ્સની વાતોને ઇગ્નોર ન કરી શક્યો. મન તો થયું કે હમણાં સંજય પાસે જઈને એમને પૂછી લવ...પણ એ પાર્ટીને ફૂલ એન્જોય કરી રહ્યો હતો અને હું એના બર્થ ડે પાર્ટીને બગાડવા નહતો માંગતો. એટલે હું તુરંત એ પાર્ટીને છોડીને ઘરે જવા નીકળી ગયો.

" પાર્ટી જલ્દી પૂરી થઈ ગઈ?" મારા પપ્પા બોલી ઉઠ્યા.

" હા પપ્પા..." ફ્રીઝમાંથી ઠંડુ પાણી પીતા હું બોલ્યો.

મારા મમ્મી એ તુરંત મારી ચિંતા કરતા પૂછ્યું.." જમવાનું બાકી છે કે જમીને આવ્યો?"

" હા હું જમીને જ આવ્યો છું... મમ્મી....હું રૂમમાં જાવ છું ગુડ નાઈટ..."

મારા પગ તુરંત મારી રૂમ સુધી ઝડપથી દોડીને પહોંચી ગયા.
પાર્ટીમાં ન ગયો હોત તો સારું હતું? બસ આ એક વાક્યે મને રાતભર ન સુવા દીધો. અર્પિતા સાથેની વાતચીત યાદ કરતા હસવું આવી જતું તો રિયાની યાદ આવતા આંખોમાં ભીનાશ ફરી વળતી.

***********************************

હું મારા ટેડીને ટાઈટલી ગળે લગાવીને બસ કરન વિશે જ વિચાર કરી રહી હતી. વિચારોમાં ને વિચારોમાં ક્યારે સવાર થઈ ગઈ ખબર જ ન રહી. મારી જોબ નવ વાગ્યાથી છ વાગ્યા સુધીની હતી. દિનચર્યા અનુસાર મેં દિવસ પસાર કર્યો અને છ વાગ્યે હું ઓફીસેથી ઘરે જવા રવાના થઈ. રસ્તે ચાલતાં ચાલતાં મારી નજર એ રંગીલા કેફે પર પડી અને અચાનક મારાથી હસાઈ ગયું. ત્યાં જ બે કદમ આગળ વધી કે મને આઈડીયા આવ્યો. " કદાચ કેફેના માલિક કરનને જાણતા હોય ને કોન્ટેક્ટ મળી જાય તો?" હું તુરંત એ કેફેમાં પ્રવેશી અને કેફેના માલિક પાસે જઈને પૂછ્યું. " ઇસક્યુઝમી અંકલ...."

" જી..."

" હું અર્પિતા વર્મા, યાદ છે તમને કાલે હું પેલા ટેબલ પર બેઠી હતી...અને મારી સાથે એક છોકરો બેસ્યો હતો...."

" તમે પેલા કરનની વાત કરો છો?"

" હા એ જ...એનો કોઈ કોન્ટેક્ટ નંબર મળી શકે છે?"

" સોરી....બેટા... કરનનો કોઈ નંબર તો નથી મારી પાસે...."

મારું મોં પડી ગયું અને હું ત્યાંથી નીકળવા જતી જ હતી કે અંકલે મને રોકી અને કહ્યું. " એક મિનિટ બેટા.... કરનનો નંબર તો નથી મારી પાસે પણ, એ અહીંયા દરરોજ છ વાગ્યે ચા પીવા જરૂર આવે છે.... છ પણ વાગી જ ગયા છે એ આવતો હશે....તું ચાહે તો રાહ જોઈ શકે છે..."

અચાનક મનગમતું રમકડું મળી જાય ને જેવી ખુશી બાળકને થાય એવી જ ખુશી મને એ સમયે થઈ. થેંક્યું અંકલ કહતી હું તુરંત ખાલી પડેલા એક ટેબલ પાસે જઈને બેસી ગઈ.

પર્સમાં રહેલા નાના અરીસાને બહાર કાઢીને મેં વિખરાયેલા વાળને સરખા કર્યા અને ગેટ તરફ નજર કરતી રાહ જોવા લાગી. માત્ર એક જ મુલાકાતમાં કરનને ફરી મળવાની તડપ ક્યાંક મને દર્દ ન આપી જાય એવો પણ મેં વિચાર ન કર્યો. ફરી પ્રેમ ન કરવાનો નિર્ણય તો હું પહેલા જ લઈ ચૂકી હતી એટલે ન પ્રેમનો મને ડર હતો કે ન દિલ તૂટવાનો કોઈ ભય હતો.

અર્પિતાનો ઇન્તજાર શું સફળ થશે? જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના. પ્રતિભાવ આપીને પ્રોત્સાહન આપતા રહેશો.

ક્રમશઃ