🕉️
" મમતા "
ભાગ :29
💓💓💓💓💓💓💓💓
(આખરે મંથન અને મોક્ષાનાં લગ્ન નક્કી થયા. તો માણો આપ સૌ મંથન અને મોક્ષાનાં લગ્ન. હવે આગળ......)
મંથન અને મોક્ષાનાં લગ્ન એક મહિના પછી નક્કી થયા. મંથનનો મિત્ર મૌલીકનાં પણ લગ્ન છે તો મંથન અને મોક્ષા તેના લગ્નમાં વડોદરા જાય છે.
સંસ્કાર નગરી વડોદરામાં મૌલીકનું ઘર દુલ્હનની જેમ શણગારેલું હતું. લગ્નની તૈયારીઓ ધામધુમથી ચાલુ હતી. મૌલીકની સાથે સાથે મંથન મરૂન શેરવાનીમાં ખુબ જ સુંદર લાગતો હતો. તો લાલ ચટાક શરારામાં મોક્ષા પણ ગજબ લાગતી હતી. લાંબો ચોટલો, ટગરીની વેણી અને પૂરા સાજ શણગાર સજેલી મોક્ષાને જોઈ મંથન આતુર આંખોથી તેના રૂપનું રસપાન કરવા લાગ્યો. ત્યાં જ મૌલીક વરરાજાનાં પરિવેશમાં આવ્યો. અને ટકોર કરતાં બોલ્યો " જનાબ, ઘોડી પર ચઢવાને હજુ વાર છે. ધીરજ ધરો." અને મંથન મનમાં જ હસીને નજર નીચી ઢાળી દે છે.
ઓફવાઈટ શેરવાની, માથે સાફો ગળામાં મેચિંગ મોતીઓની માળામાં સજ્જ મૌલીક લગ્નમંડપમાં આવ્યો. સાથે મંથનનો પણ વટ પડતો હતો. ત્યાં જ દુલ્હનની આવી. મેઘા પણ રૂપસુંદરી જેવી લાગતી હતી. તે પણ મેચિંગ ચોલીમાં સરસ લાગતી હતી. મંત્રોચ્ચાર શરૂ થયા. વરમાળા પહેરાવતી વખતે મંથન અને તેના મિત્રોએ મૌલીકને ઉંચો કર્યો અને હસી મજાક શરૂ થયા. સામે મેઘાની સહેલીઓ પણ કંઈ કમ ન હતી. તેણે પણ મેઘાને ઉંચી કરી થોડી રસાકસી અને હસીમજાક પછી આખરે બંનેએ વરમાળાની વિધી પુરી કરી. લગ્ન પુરા થયા. પણ મંથન અને મોક્ષા તો સપનાઓમાં જ રાચતા હતા. હવે થોડા જ સમયમાં તે બંને પણ આમ જ લગ્ન બંધનમાં બંધાય જશે.
મંથન અને મોક્ષા વડોદરાથી આવ્યા. થાક ઉતારીને બંને પોતપોતાના કામમાં લાગી ગયા. લગ્નને હવે થોડા જ દિવસો બાકી રહ્યા. હવે ખરીદી પણ કરવાની હતી.
મંથન અને મોક્ષાનાં લગ્ન આમ તો સાદાઇથી મંદિરમાં કરવાનાં હતા તો પણ શારદાબાની ખુશીનો પાર ન હતો. ઘરમાં એક અલગ જ માહોલ હતો. શારદાબા પરીને કહેતા કે હવે તને રોજ મમ્મી જ સાચવશે. તો પરી તેની કાલીઘેલી ભાષામાં પુછતી "કોણ મમ્મી?" તો બા સમજાવતા કહે કે "મોક્ષા આંટી હવે તારા મમ્મી બનશે.' અને માસુમ પરી ખુશ થઈ જતી.
શારદાબા, મંથન અને મોક્ષા પરીને સાથે લઇને લગ્નની શોપિંંગ માટે મોક્ષાની મનપસંદ સાડીઓ લેવા ગયા. પરી માટે પણ મોક્ષાએ ઘણાં કપડા લીધા. મંથન માટે પણ મોક્ષાએ જ કપડાની પસંદગી કરી.
આજે ખરીદી કરીને મોક્ષા પણ "કૃષ્ણ વિલા" માં આવી. બધાએ સાથે મળીને કઢી, ખીચડી અને ભાખરીનું મનપસંદ ભોજન કર્યુ. અને મંથન હવે મોક્ષાને ઘરે મુકવા જાય છે.
મંથન મોક્ષાને ઘરે મુકવા જાય છે. અને મોક્ષા મંથનને પુછે છે, "હેલ્લો, જનાબ હવે તો ખુશને?" અને કહે સાચે જ મંથન, મારા જેવી નસીબદાર કોક જ હોય કે જેને પોતાનો પ્રેમ મળે. આજે હું બહુ ખુશ છું" ખુશીમાં જ મોક્ષા કારમાં જ મંથનને બાહોમાં લે છે. કારમાં સરસ મજાનું ગીત વાગે છે.
" મેરે દિલ મે આજ કયાં હૈ, તું કહે તો મે બતા દુ"
જાણે નવા નવા પ્રેમમાં પડેલા પ્રેમીઓની જેમ, નવી નવી તાજી જ સગાઈ થઈ હોય એવી જોડીની જેમ બન્ને એકબીજાનો સહવાસ માણતાં માણતાં આનંદ અનુભવે છે..અને કયારે મોક્ષાનું ઘર આવી ગયું ખબર જ ન પડી..... ( ક્રમશ :)
( લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલે છે. તો આપ સૌએ લગ્નમાં જરૂરથી આવવાનું છે. તો પહોંચી જજો પછી કહેતા નહી અમે રહી ગયા હો.....)
🕉️
" મમતા" ભાગ :30
(સમય જતા કયાં વાર લાગે છે?.. આખરે મંથન અને મોક્ષાનાં લગ્નની ઘડી આવી ગઈ. તો ચાલો માણીએ લગ્ન સાથે મળીને...)
આખરે એ સમય આવી જ ગયો જેની બધા આતુરતાથી રાહ જોતાં હતાં. આજે સવારથી જ "કૃષ્ણ વિલા" બંગલામાં ચહલ પહલ હતી. બસ ઘરનાં જ લોકો અને મંથનનો મિત્ર મૌલીક અને મેઘા આટલા લોકોની વચ્ચે સાદાઈથી વિધી કરવાની હતી.
શહેરથી દૂર રાધાકૃષ્ણ મંદિરમાં લગ્નની વિધી હતી. શારદાબા અને મૌલિકક તૈયારી કરવા વહેલા જ પહોંચી ગયા હતા. મંથન અને મોક્ષા પાર્લરમાં તૈયાર થવા ગયા હતા. થોડીવાર થઈને ઓફવાઈટ શેરવાની, સાફો અને હાથમાં શ્રીફળ સાથે મંથન કારમાંથી ઉતર્યો. મંથનનાં ચહેરા પર આજે અલગ જ ખુશી હતી. ત્યાં જ બીજી કાર આવી ને તેમાંથી મોક્ષા અને મેઘા ઉતર્યા. મોક્ષાએ પીચ કલરની ચોલી પહેરી હતી. દુલ્હનનાં પરિવેશમાં મોક્ષાને જોઈ મંથન તો ઘડીભર ભાન ભૂલી ગયો. જડાઉ ઘરેણામાં મોક્ષાની સુંદરતા ચાર ચાંદ લગાવતી હતી. મોક્ષા પણ આજ ખુશ હતી, કેમ ન હોય? આખરે તેને આજે તેનો પ્રેમ મળવાનો હતો. મંદિરનાં પવિત્ર વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મંથન અને મોક્ષા એકબીજાને જીવનભરનાં સાથે રહેવાનાં કૉલ આપ્યા. મોક્ષાની સુની માંગમાં મંથને પ્રેમનું સિંદુર પુરી જ દીધું. અને મૈત્રીનાં જવાથી સૂના પડેલા મંથનનાં જીવનમાં ફરીથી ફૂલોની ખુશ્બુ મહેંકી અને મંથન અને મોક્ષાએ શારદાબાનાં આશિર્વાદ લીધા.
લગ્ન પુરા થયા. નાની પણ પતિંગીયાની જેમ આમ તેમ ફરતી હતી તો મોક્ષા પરીને લઈને વહાલ કરે છે. તે જોઈને શારદાબા મોક્ષાને કહે "હવે આજથી આ પરીની જવાબદારી તારી, હવે હું સુખેથી જાત્રા કરવા જઈશ." મૌલિકક અને મેઘાએ પણ બંનેને સારા લગ્ન જીવન માટે શુભકામના આપી. બધા સાથે હોટલમાં જમવા ગયા.
આજે ખરી રીતે "કૃષ્ણ વિલા" માં મોક્ષાનું સ્વાગત થવાનું હતુ. શારદાબા વહેલા ઘરે પહોંચીને સ્વાગતની તૈયારી કરવા લાગ્યા. ઘરનાં ઉંબરા પર અક્ષત ભરેલો કુંભ રાખ્યો. અને કંકુ પગલા પાડી શારદાબાએ મોક્ષાની આરતી ઉતારી. મોક્ષાનું દિલથી સ્વાગત કર્યુ. મૌલિક અને મેઘાએ મંથનનાં રૂમનું ડેકોરેશન કર્યુ. અને જવા માટે રજા માંગી. આખા દિવસનાં થાકનાં કારણે પરી પણ સુઈ ગઈ હતી. મોક્ષા પરીને લઈ ને તેના રૂમમાં સુવાડવા જાય છે. આ જોઈ શારદાબાનાં આંખોમાં આંસુ આવી ગયા. અને વિચારવા લાગ્યા. ખરેખર! મોક્ષા પરીની મા બનીને રહેશે. શારદાબા પણ સુવા માટે ગયા.
મંથન તેના રૂમમાં મોક્ષાની રાહ જોતો હતો. મોક્ષા આવી બંનેની આંખો મળી અને એકબીજાનાં સહવાસમાં હાથોમાં હાથ લઇને કયાંય સુધી બંને પોતાના સુખદ ક્ષણોને વાગોળતા વાગોળતા સરસ મજાનું ગીત સાંભળતા હતા......
" કભી કભી મેરે દિલમે
ખ્યાલ આતા હૈ, કે જૈસે
તુજકો બનાયા ગયા હૈ
મેરે લીએ...... "
(ક્રમશ :)
( આખરે મંથન અને મોક્ષાનું સુખદ મિલન થયું. હવે આગળ....)
વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર