🕉️
" મમતા "
ભાગ :19
💓💓💓💓💓💓💓💓
( મોક્ષાને જોયા વગર મંથનનું દિલ આજ ઓફિસ કે મિટિંગમાં લાગતું ન હતું. તેણે ઘણી કોશિષ કરી મોક્ષા સાથે વાત કરવાની પણ વાત થઈ નહી. તો મોક્ષા કયાં ગઈ છે? શા માટે મંથનનો કૉલ ઉપાડતી નથી? એ જાણવા વાંચો "મમતા" ભાગ:19 )
મોક્ષાનાં સેલફોનમાં વારંવાર મંથનનો કોલ આવતો હતો પણ પરિસ્થિતિ એવી હતી કે મોક્ષા કૉલ રિસિવ કરી શકતી ન હતી. વિનીત સાથે સંબંધ પુરો થયા પછી મોક્ષા ભારત આવી. વિનીત સાથે તો કયારેય તેં વાત કરતી નહી. પણ તેનાં માતા પિતા હજુ પણ મોક્ષાને દિકરીની જેમ રાખતાં. કયારેક ફોન પણ કરતાં. મોડી રાત્રે વિનીતનાં પિતાનું અવસાન થયું એ સમાચાર વિનીતની મા એ મોક્ષાને જણાવ્યા. વિનીત તો અમેરીકા હતો તો મોક્ષા રાતે જ કાર લઈને રવાના થઈ. ઉતાવળમાં મોક્ષાનો મોબાઈલ પણ ચાર્જ ન હતો તો તે મંથનને કૉલ કરી જણાવી શકી નહી. બધા જ સંબંધો પુરા થવા છતાં મોક્ષાની જવાબદારી ન હોવા છતાં મોક્ષા વિનીતનાં ઘરે મુંબઈ પહોંચી ગઈ.
પુરો દિવસ વિનીતનાં પિતાની અંતિમ વિધિમાં ગયો. રાત થતાં જ મોક્ષાએ મંથનને કૉલ કર્યો. અને બધી જ હકીકત જણાવી. મંથન પણ મોક્ષાનો કૉલ આવતાં જ રઘવાયો બની ગયો. મોક્ષા વગર રહેવું તેનાં માટે અશક્ય હતું.
અહીં અંતિમ વિધિમાં વિનીત પણ આવી ગયો સાથે આંખો મળતાં જ મોક્ષાની નજર નીચી ઢળી ગઈ. પણ વિનીત માટે આ બધું સહજ હતું. આજ ફેર છે આપણા દેશમાં. વિદેશમાં વસ્યા પછી માણસો કોણ જાણે પોતાની લાગણી, સંવેદના અને મમતાને ભૂલી જાય છે. વિનીત મોક્ષાને "Thank you" કહે છે. મોક્ષા એટલું જ બોલી "માનવતા મારો ધર્મ છે એમાં આભાર ન હોય" બે દિવસ મુંબઈ રહી વિનીતનાં મા ને હિંમત આપી મોક્ષા નીકળી.
અહીં મોક્ષાને જોયા વગર મંથનને કયાંય ચેન પડયું નહી. રાત્રે નિંદર પણ ન આવી. સવારે શારદાબાએ કાનાની આરતી કરી લીધી. ડ્રાયવર પરીને નર્સરીમાં પણ મુકી આવ્યો છતાં પણ મંથન જાગ્યો નહી. પછી શારદાબા મંથનનાં રૂમમાં ગયા. મંથનને જગાડયો અરે! કેટલા વાગ્યા? આટલું મોડું થયું? તારી તબિયત તો બરાબર છે ને? મંથન ફટાફટ રેડી થઈ ઓફિસ પહોંચી ને સૌ પહેલા મોક્ષાની કેબિનમાં ગયો. પણ મોક્ષા આવી ન હતી. ઉદાસ ચેહરે મંથન પોતાની કેબિનમાં આવ્યો તો ત્યાં પહેલેથી જ કાવ્યા હતી. " Hello Sir,Good Morning" અને મંથન કંઈ બોલ્યો નહીં પણ કાવ્યાએ મજાક કરતાં કહ્યું કે,"શું સર આપ આખી રાત સુતા નથી, મુરજાયેલા લાગો છો? " મંથન કશું બોલ્યો નહીં તેણે આજની બધી જ મિટિંગ કેન્સલ કરવાં કહ્યુ. કાવ્યા બહાર ગઈ. અને મંથન આજ કોઈપણ ભોગે મોક્ષાને મળીને દિલની વાત કેવી રીતે કહેવી એ વિચારતો હતો. તેણે મોક્ષાને કૉલ કર્યો પણ તેણે ઉપાડયો નહીં.
મોક્ષાને ચાર દિવસથી મંથને જોઈ ન હતી કે તેની સાથે વાત કરી ન હતી બસ આજ હવે મંથનથી ઈંતજાર થતો ન હતો રોજ મોક્ષાનો ચહેરો જોઈને કામની શરૂઆત કરનાર મંથન ઉદાસ હતો. બસ કેબિનમાંથી બહાર નીકળ્યો ત્યાં જ સામે કાવ્યા આવી અને બોલી "સર, આપ કયાં જાવ છો? હું સાથે આવુ? "મંથને કીધુ હું ઘરે જાઉં છું. અચાનક મંથનને વહેલો ઘરે જતાં જોઈ કાવ્યા બોલી " સર, આપની તબિયત તો બરાબર છે ને? " પ્રોફેશનલ કરતાં પર્સનલ કાળજી રાખનારી કાવ્યા આજ મંથનને જરાપણ ગમતી ન હતી. તે કંઈ પણ બોલ્યા વગર કાર લઈને મોક્ષાનાં ઘર તરફ રવાના થયો.
આલિશાન બંગલા સામે મંથનની કાર આવીને ઉભી રહી. મંથનને તેના જૂના દિવસો યાદ આવ્યા કે એકવાર તે મોક્ષાનાં પિતાને સમજાવવાં અહીં આવ્યો હતો. પણ મોક્ષાનાં પિતા કોઈપણ રીતે સમજવા તૈયાર ન હતાં. તેને બસ તેના જેવા ધનવાન સાથે જ મોક્ષાનો સંબંધ કરવો હતો. કારમાંથી ઉતરી મંથન ડૉરબેલ વગાડે છે. દરવાજો ખુલતા જ સામે મોટી ઉંમરનાં શાંતાબેન ઉભા છે. મંથન તેને મોક્ષા વિષે પુછે છે તો શાંતાબેન કહે મૅડમની તબિયત બરાબર નથી. ઉપર બેડરૂમમાં છે. મંથન તો કંઈપણ વિચાર્યા વગર બેડરૂમમાં ગયો. તો મોક્ષા બેડ પર સુતી છે. અને મંથન તરત જ મોક્ષાનાં કપાળ પર હાથ મુકે છે. મોક્ષા જાગી જાય છે. મોક્ષાનાં શરીરનો સ્પર્શ થતાં જ જાણે મંથન ઝણઝણી જાય છે. આમ અચાનક આવેલા મંથનને જોઈ મોક્ષા ઉભી થઈ જાય છે. " અરે! મંથન તું અહી! " મંથન પણ જાણે સ્થળ અને સમયનું ભાન ભુલીને " શું થયુ! કેમ મારો કૉલ ઉપાડતી નથી? આટલો તાવ છે તને! તે દવા લીધી, હોસ્પિટલ ગઈ! જેવા કેટલાય સવાલો એક સાથે કર્યા. મોક્ષા તો મંથનને જોતી જ રહી ગઈ. તેણે મંથનનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યુ " મંથન, શાંત થા. "મેં દવા લીધી. વિનીતનાં પિતાનું અવસાન થયું તો હું મુંબઈ ગઈ હતી. અને મુસાફરી, થાક અને ઉજાગરાને કારણે મારી તબિયત બગડી ગઇ. હવે સારૂં છે. સૉરી, હું તારી સાથે વાત ન કરી શકી."
બસ, આજ બધા જ બંધનો તુટવાને આરે હતાં. સાંજ થવા આવી હતી. પંખીઓ પોતાનાં માળા તરફ જતાં હતાં. અને વરસોથી વિખુટો પડેલો મંથન પણ તેની મોક્ષા પાસે હતો. બંને કંઈપણ વિચાર્યા વગર એકમેકને આલિંગનમાં લઈ ભેટી પડયા. જાણે મરુંભૂમીમાં અચાનક કોઈ મીઠી વીરડી ઉદભવી હોય. સૂના પડેલા મોક્ષાનાં દિલમાં મંથનનો પ્રેમ સળવળવાં લાગ્યો. મંથન પણ તેના દિલમાં રહેલી સુષુપ્ત લાગણીઓને આજ રોકી શકયો નહી. તેણે હળવેથી મોક્ષાનાં કપાળ પર ચુંબન કર્યુ. ત્યાં જ હવાની લહેરખી આવીને બારીનો ખડખડાટ થયો અને ભાન ભુલેલા બંને પ્રેમી હૈયાઓ એકબીજાથી દૂર થયાં. મંથનની આંખો શરમથી નીચી ઢળી ગઈ. પણ મોક્ષાનાં ચહેરા પર આજે ચમક દેખાતી હતી. (ક્રમશ :)
વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર