ભૃગુ આગળ બોલ્યા, “ઇન્દ્રિયોથી ગ્રહણ થતી સર્વ વસ્તુઓ વ્યક્ત છે. વ્યક્તની આ જ પરિભાષા છે. અનુમાન દ્વારા જેનો સહેજ-સાજ અવબોધ થાય તે ઇન્દ્રિયાતીત વસ્તુને અવ્યક્ત જાણવી. જ્યાં સુધી પૂર્ણ વિશ્વાસશ્રદ્ધા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞેયસ્વરૂપ પરમાત્માનું મનન કરતા રહેવું જોઈએ અને પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી મનને તેમાં જોડવું અર્થાત તેનું ધ્યાન કરવું જોઈએ. પ્રાણાયામ દ્વાર મનને વશમાં કરવું અને સંસારની કોઈ પણ વસ્તુનું ચિંતન ન કરવું.
હે બ્રહ્મન, સત્ય એ જ વ્રત, તપ તથા પવિત્રતા છે, સત્ય જ પ્રજાનું સૃજન કરે છે, સત્યથી જ આ લોક ધારણ કરાય છે અને સત્યથી જ મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. અસત્ય તમોગુણનું સ્વરૂપ છે. તમોગુણ મનુષ્યને નરકમાં લઇ જાય છે. તમોગુણથી ગ્રસ્ત મનુષ્યો અજ્ઞાનરૂપ અંધકારથી વીંટળાયેલા હોઈ તેને જોવા પામતા નથી. નરકને તમ અને દૃષ્ટપ્રકાશ કહેવામાં આવે છે. આ લોકની સૃષ્ટિ શારીરિક અને માનસિક દુઃખોથી પરિપૂર્ણ છે.
અહીંયા જે સુખો છે તેઓ પણ ભવિષ્યમાં દુઃખને જ લાવનારા હોય છે.પ્રાણીઓને આ લોક અને પરલોકમાં પ્રાપ્ત થનારું સુખ અનિત્ય છે. મોક્ષરૂપી ફળ કરતાં શ્રેષ્ઠ સુખ કાંઈ જ નથી. તેમને માટે મેળવવામાં આવતા શમ-દમાદિ સદગુણોનો ઉદ્દેશ પણ એ જ હોય છે કે સુખની પ્રાપ્તિ થાય.
સર્વ કર્મોનો આરંભ સુખરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે કરવામાં આવે છે; પરંતુ અનૃત-અસત્યથી તમોગુણો પ્રાદુર્ભાવ થાય છે. પછી તે તમોગુંથી ગ્રસાયેલા મનુષ્યો ધર્મને માર્ગે ન ચાલતાં અધર્મની પાછળ જ ચાલે છે. તેઓ ક્રોધ, લોભ, હિંસા અને અસત્ય આદિથી ઘેરીને આ લોક તેમ જ પરલોકમાં પણ સુખ પામતા નથી. અનેક પ્રકારના રોગ, વ્યાધિ અને ઉગ્ર તાપથી તેઓ પીડાય છે. શારીરિક દુઃખોથી દુઃખી તે જ સગાંવહાલાં અને ધન આદિનો નાશ અથવા વિયોગથી થનારાં માનસિક કલેશોથી વ્યાકુળ રહે છે અને જરા તથા મૃત્યુજનિત કષ્ટથી કે અન્ય પ્રકારના કલેશોથી પીડાયેલા રહે છે. સ્વર્ગલોકમાં જીવ રહે છે ત્યાં સુધી તેને સુખ મળ્યા જ કરે છે. આ લોકમાં સુખ અને દુઃખ બંને છે. નરકમાં કેવળ દુઃખ જ પ્રાપ્ત થાય છે. સાચું સુખ મોક્ષપદની પ્રાપ્તિમાં છે.
ભરદ્વાજ બોલ્યા, “બ્રહ્મર્ષિઓએ પૂર્વકાળમાં જે ચાર આશ્રમોનું વિધાન કર્યું છે, તે આશ્રમોના પોતપોતાના આચાર શા છે? એ કૃપા કરીને મને કહો.”
ભૃગુએ કહ્યું, “હે મુને, જગતનું હિત સાધવા માટે અને ધર્મની રક્ષા માટે બ્રહ્માએ પ્રથમથી જ ચાર આશ્રમોનો ઉપદેશ કર્યો છે. તેમાં ગુરુકુલના નિવાસને પહેલો આશ્રમ કહ્યો છે. આ આશ્રમમાં શૌચ-સંસ્કાર-નિયમ તથા વ્રતના પાલનમાં ચિત્ત જોડીને બંને સંધ્યા સમયે ઉપાસના કરવી જોઉએ. સૂર્ય તથા અગ્નિનું ઉપસ્થાન કરવું. આળસ ત્યજીને ગુરુને પ્રણામ કરવા. ગુરુના મુખથી વેદનું શ્રવણ કરવું અને વેદનો અભ્યાસ કરીને પોતાના અંત:કરણને પવિત્ર કરવું. ત્રણ સમય સ્નાન કરીને બ્રહ્મચર્યનું પાલન અને અગ્નિહોત્ર કરવું અને ગુરુની સેવા કરવી. પ્રતિદિન ભિક્ષા માગવી અને તેમાં જે મળે તે બધું ગુરુને આપી દેવું. ગુરુનાં વચન અને આજ્ઞાનું પાલન કરવામાં ક્યારેય અગવડ હોવાનું કહેવું નહિ. ગુરુની કૃપાથી પ્રાપ્ત થયેલા વેદશાસ્ત્રોના સ્વાધ્યાયમાં લાગ્યા રહેવું.
બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ છે. તેના સદાચારનું સ્વરૂપ જણાવું છું. ગુરુકુળમાંથી ભણી આવીને ધર્માનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત કરવા ઈચ્છતા સ્નાતકો માટે ગૃહસ્થાશ્રમનું વિધાન છે. એમાં ધર્મ, અર્થ અને કામ આ ત્રણેની પ્રાપ્તિ થાય છે. અહીં ત્રિવર્ગ-સાધનની અપેક્ષા રાખીને નિંદિત કર્મના પરિત્યાગપૂર્વક ઉત્તમ ન્યાયયુક્ત કર્મથી ધનોપાર્જન કરવું. વેદોના સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત થયેલી પ્રતિષ્ઠાથી અથવા બ્રહ્મર્ષિઓએ નિર્માણ કરેલા માર્ગથી મળેલા ધન વડે અથવા સમુદ્રજળમાંથી મળેલા દ્રવ્ય દ્વારા અથવા તો નિયમપાલન તથા દેવતાઓની કૃપાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ દ્વારા ગૃહસ્થ પુરુષે પોતાનો જીવનનિર્વાહ કરવો. ગૃહસ્થાશ્રમ સર્વ આશ્રમોનું મૂળ હોવાનું કહેવામાં આવે છે. બ્રહ્મચારી, સંન્યાસી તથા અન્ય મનુષ્યો જેવો સંકલિત વ્રત, નિયમ તેમ જ ધર્મનું અનુષ્ઠાન કરનારા છે, તે સર્વનો આધાર ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થાશ્રમમાં ભિક્ષા અને બલિવૈશ્વ આદિ પણ અપાતાં રહે છે.
વાનપ્રસ્થો માટે પણ જરૂરી સામગ્રી ગૃહસ્થાશ્રમીઓ પાસેથી જ મળે છે. સામાન્ય રીતે આ શ્રેષ્ઠ પુરુષો ઉત્તમ પથ્ય અન્નનું સેવન કરતારહી સ્વાધ્યાયના પ્રસંગથી અથવા તીર્થયાત્રા માટે આ ધરતી પર ફરતા રહે છે. ગૃહસ્થે ઊભા થઇ તેમનું સ્વાગત કરવું, તેમના ચરણમાં માથું નમાવવું. તેમનો સત્કાર કરવો અને તેમને આવશ્યક વસ્તુઓનું દાન કરવું. તેમના ભોજન અને આરામની સગવડ કરવી. જેમના ઘરેથી અતિથિ આશાભંગ થઇ પાછો જાય છે તે પોતાનાં પાપ આપીને તેનું પુણ્ય લઈને ચાલ્યો જાય છે.
એ સિવાય આ આશ્રમમાં યજ્ઞકર્મો દ્વારા દેવતાઓ તૃપ્ત થાય છે. શ્રાદ્ધ તેમ જ તર્પણથી પિતૃઓની તૃપ્તિ થાય છે. વિદ્યાના વારંવાર શ્રવણ અને ધારણથી ઋષીઓ સંતુષ્ટ થાય છે અને સંતાનોત્પાદનથી પ્રજાપતિ પ્રસન્ન થાય છે. આ આશ્રમમાં બીજાઓને સતાવવું, કષ્ટ આપવું, કઠોરતા દર્શાવવી નિંદિત છે. એવી જ રીતે બીજાઓની અવહેલના તથા પોતામાં અહંકાર અને દંભ હોવો પણ નિંદિત જ માનવામાં આવેલ છે. અહિંસા, સત્ય અને અક્રોધ-આ બધાં જ આશ્રમ માટે તપ છે. જેના ગૃહસ્થાશ્રમમાં પ્રતિદિન ધર્મ, અર્થ, કામરૂપ ત્રિવર્ગનું સંપાદન થાય છે, તે આ લોકમાં સુખનો અનુભવ કરીને શ્રેષ્ઠ પુરુષોની ગતિને પ્રાપ્ત થાય છે.
વાનપ્રસ્થીઓ પણ ધર્માચરણ કરતા રહીને તીર્થસ્થળ, નદીઓ અને ઝરણાંઓની આસપાસ રહે છે. વનમાં રહી તપશ્ચર્યા કરે છે. સામાન્ય મનુષ્યો વડે ધારણ કરાતાં વસ્ત્રો, સેવન કરાતું અન્ન અને અન્ય ઉપભોગનો ત્યાગ કરે છે. વગડાઉ અન્ન, ફળ, મૂળ અને પાંદડાંઓનું પરિમિત તેમ જ નિયમિત ભોજન કરે છે. પોતાના સ્થાન પર જ બેસે છે અને ભૂમિ, પથ્થર, રેતી અને કાંકરા પર સુઈ જાય છે. કાસડો (એક પ્રકારનું ઘાસ), દર્ભ, મૃગચર્મ તથા વલ્કલથી જ પોતાના શરીરને ઢાંકે છે. કેશ, દાઢી, મૂછ, નખ અને લોમ ધારણ કરીને રહે છે. નિયત સમયે સ્નાન કરે છે અને શુષ્ક, બલિવૈશ્વ તેમ જ હોમાદિ ક્રિયાઓનું નિશ્ચિત સમયે અનુષ્ઠાન કરે છે. પુષ્પસંચય તથા સંમાર્જન આદિ કાર્યોમાં જ તેઓ વિશ્રામ પામે છે, આરામ અનુભવતા હોય છે. ટાઢ, તડકો તેમ જ વાયુના આઘાતથી તેમના શરીર પરની ચામડી ફાટી ગયેલી હોય છે. અનેક પ્રકારના નિયમ તથા યોગક્રિયાના આચરણથી તેમના શરીરનું માંસ અને લોહી સુકાઈ જઈને કેવળ હાડ-ચામના માળારૂપે રહી ધૈર્યપૂર્વક સત્વગુણના યોગથી શરીર ધારણ કરે છે. જેઓ આ વ્રતાચારનું નિયમપૂર્વક પાલન કરે છે, તે અગ્નિની જેમ સર્વ દોષોને બાળી નાખે છે અને દુર્જય લોકો પણ અધિકાર પ્રાપ્ત કરે છે.
હવે સંન્યાસીઓના આચાર જણાવું છું. ધન, સ્ત્રી તથા રાજોચિત સામગ્રીઓમાં રહેલા સ્નેહના બંધનને કાપી નાખી તથા અગ્નિહોત્ર આદિ કર્મોનો વિધિપૂર્વક ત્યાગ કરીને વિરક્ત તેમ જ જિજ્ઞાસુ પુરુષો સંન્યાસી થાય છે. તેઓ પથ્થર અને સુવર્ણને સમાન માને છે. ધર્મ, અર્થ અને કામમય પ્રવૃત્તિઓમાં તેમની બુદ્ધિ આસક્ત થતી નથી. શત્રુ, મિત્ર અને ઉદાસીનો પ્રતિ તેમની દ્રષ્ટિ સમાન રહે છે. તેઓ સ્થાવર, જરાયુજ, અંડજ અને સ્વેદજ પ્રાણીઓ પ્રત્યે મન, વાણી અને ક્રિયા દ્વારા દ્રોહ કરતા નથી. તેમનું કોઈ ચોક્કસ નિવાસસ્થાન હોતું નથી. તેઓ પર્વત, નદીનો તટ, વૃક્ષનું મૂળ તથા દેવમંદિર આદિ સ્થાનોમાં ઊતરે છે ને ફરતા રહે છે. ક્યારેક સમૂહની પાસે જઈને વસે છે અથવા તો નગર કે ગામમાં આરામ કરે છે. ક્રોધ, દર્પ (અહંકાર), લોભ, મોહ, કૃપણતા, દંભ, નિંદા તથા અભિમાનના અભાવને લીધે તેમનાથી ક્યારેય હિંસા થતી નથી.
પોતાના સંકલ્પ અનુસાર બુદ્ધિને સંયમમાં રાખનારો જે પ્રવિત્ર બ્રાહ્મણ શાસ્ત્રોક્તવિધિથી સંન્યાસાશ્રમમાં વિચરે છે તે બંધનરહિત અગ્નિની પેઠે પરમ શાંતિમય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે.”
ક્રમશ: