Overthinking in Gujarati Motivational Stories by SHAMIM MERCHANT books and stories PDF | વધુ પડતું વિચારવું

Featured Books
Categories
Share

વધુ પડતું વિચારવું


આહાર અને વિચાર. પ્રાચીન કાળથી આપણે સાંભળતા આવ્યા છે, કે આ બે વસ્તુ મનુષ્યને બનાવે અથવા બરબાદ કરી શકે છે. આહાર તો આપણે પેટમાં નાખીએ, પરંતુ વિચાર? તેઓ આપણા સંજોગો અને અન્ય લોકો સાથેની ક્રિયાપ્રતિક્રિયા અનુસાર આપણા મગજમાં જન્મે છે. તદઉપરાંત, વિચારોનો સીધો સંબંધ આપણી ભાવનાઓ સાથે જોડી શકાય. વાસ્તવમાં કેટલીકવાર તેઓ વિનિમયક્ષમ લાગે છે.

ઘણી વખત, આપણું વર્તન, વલણ અને વ્યસ્ત જીવનશૈલી આપણને વિચારોના પ્રકાર અને તેનાં પરિમાણ પર પ્રતિબિંબિત કરવાની પરવાનગી નથી આપતા, જે આપણા મન પર પ્રભુત્વ ધરાવે છે, અને આ આખરે આપણને શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ તરફ દોરી જાય છે.

આ પ્રેરક લેખ આપણા વિચારોનું સંચાલન કરવા અને તેમને નિયંત્રણની બહાર ભટકવા ન દેવા વિશે છે.

ઉદાહરણ 1: મન-વાંચન
"મેડમ, આપણે બાળકોને પ્રખ્યાત વૈજ્ઞાનિકોના અવતરણો લખેલા બુકમાર્ક્સ બનાવવાનું કહી શકીએ છીએ."
"મિસ કુંજન, આપણે ઇચ્છીએ છીએ કે બાળકો સરળ પ્રયોગો કરે અને પોતે બનાવેલા પ્રોજેક્ટ પ્રદર્શિત કરે, એવું નથી જોઈતું જેમાં કોઈ પણ વસ્તુમાં માતાપિતા ઘરેથી તૈયાર કરીને મોકલે."
આચાર્યશ્રીએ કડક અવાજમાં ટિપ્પણી કરી અને બાકીના સ્ટાફમાં એક ધીમું હાસ્ય ફેલાઈ ગયું. તમામ શિક્ષકો આચાર્યની કેબિનમાં આગામી વિજ્ઞાનના પુનઃપ્રવૃત્તિ પર વિચાર મંથન કરવા માટે ભેગા થયા હતા. મીટિંગ પછી, કુંજન અતિશય બેચેન થઈ ગઈ, અને તેનો આખો દિવસ અન્ય લોકોની ચકાસણી કરવામાં પસાર થયો. "નક્કી બધા મારા વિશે જ ગપસપ કરતા હશે. જરૂર તેઓ મારા પર હસતા હશે." બાકી શિક્ષકોની દરેક વર્તણૂકને તેણે વ્યક્તિગત રૂપે લીધું અને આ જ ચિંતામાં ને ચિંતામાં સાંજ પડી ગઈ.

ઉદાહરણ 2: આપત્તિજનક
મિત્તલે તેના પુત્રના પ્રેમ લગ્ન માટે સંમતિ આપી હતી. તે ઉર્વશીને પણ મળી હતી, જે આધુનિક, આઉટગોઇંગ અને કારકિર્દીની વિચારસરણી ધરાવતી વ્યક્તિ હતી. તેમની પ્રથમ મુલાકાતમાં તેને ઉર્વશી નિખાલસ અને આદરણીય લાગી. તેમ છતાં, લગ્નની તૈયારીઓ સાથે મિત્તલનું મન આપત્તિજનક અને વિચલિત મોડ પર ચાલ્યું ગયું. તેના મગજમાં હજારો ચિંતાતુર વિચારો ફર્યા કરતા હતા. "શું લગ્ન પછી ઉર્વશી તેની અસલિયત બતાવશે? શું તેને ઘરકામ કરવાનું નહીં ગમતું હોય તો? શું તે અલગ રહેવાની માંગ કરશે? શું મારો પુત્ર ફક્ત તેની જ વાત સાંભળશે?"
અને....... આવા પ્રશ્નનો કોઈ અંત જ નહોતો. મિત્તલનું મન સદૈવ વ્યાકુળ રહેવા લાગ્યું અને એના જીવને જરાપણ શાંતિ નહોતી. તેથી દેખીતી વાત છે, તે લગ્નની પ્રક્રિયાનો આનંદ માણી ન શકી. જ્યાં કાઈ જ નહોતું, એમાંથી વગર મફતના ઉભા કરેલા પહાડના કારણે તેનું બીપી હાઈ થઈ ગયું.

ઉદાહરણ 3: ઊંડી વિચારણા
એક ગેરસમજને કારણે રોહનનો તેની બહેન રીટા સાથે ભારે ઝઘડો થયો. થોડીકવારમાં, દલીલનો મુખ્ય મુદ્દો ભુલાઈ ગયો, અને પછી આગળનો ઝઘડો ભૂતકાળના હાડપિંજર ખોદવા પર ચડી ગયો. તે બનાવનો દુઃખદ અસર લાંબા સમય સુધી રોહનના હૃદય પર રહ્યો. ન ફક્ત તેણે એના પર વ્યાપક આંતરિક વિચાર કર્યો, પરંતુ તે રીટાની સાથે લડાઈ જીતવા માટે બીજું શું કહી શકતો હતો, તેની પણ કલ્પના કરવા લાગ્યો. આ પ્રક્રિયામાં, તેણે તેની ભૂખ ગુમાવી દીધી અને મહિનાઓ સુધી અશાંતિપૂર્ણ રાત પસાર કરી. તદઉપરાંત, મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી ધ્યાન સાથે તેની શાંતિ સુદ્ધા ગાયબ થઈ ગઈ.

ઉપરોક્ત તમામ એપિસોડ એક સામાન્ય નકારાત્મક વર્તનને પ્રતિબિંબિત કરે છે; વધુ પડતું વિચારવું! આપણે બધા આખો સમય વિચારતા હોઈએ છીએ. હકીકતમાં જોવા જઈએ, તો આપણા મગજમાં ચોવીસ કલાક વિચારો ફરતા જ હોય છે. તો પછી ઓવરથિંકિંગ શું છે અને તે કેવી રીતે અલગ છે? શબ્દકોશ મુજબ, અતિશય વિચારવાનો અર્થ થાય છે કે કોઈ એક વસ્તુ વિશે વધુ પડતું અથવા ખૂબ લાંબા સમય સુધી વિચારતા રહેવું.

ઓવરથિંકિંગ આપણને થકવી નાખે. વિચિત્ર યોજનાઓ તમારા મગજમાં ઉબજી આવે, જે સાવ તથ્ય વગરના હોય, તદ્દન પાયા વગરની વાતો. સતત વધારે વિચારવાથી સમસ્યાનું નિરાકરણ લાવવાનું મુશ્કેલ થઈ પડે, કારણ કે તમે ચિંતાના વિષયનું તોલમોલ કરવામાં એટલા વ્યસ્ત થઈ જાવ, કે તેને જરૂરત કરતાં વધુ સમય આપવા લાગો.

પણ મિત્રો, ફિકર કરવા જેવું નથી. લોકો અને સંજોગો પ્રત્યેના આપણા અભિગમમાં એક નાનો ફેરફાર, આપણા જીવનમાં પ્રશંસનીય પરિવર્તન લાવી શકે છે, જે તેને વધુ શાંતિપૂર્ણ, સુખી અને સ્વસ્થ બનાવી દેશે.

વાસ્તવિક બનો. આપણને લોકો, પરિસ્થિતિઓ અને આપણી જાત પાસેથી અપેક્ષાઓ હોય છે. તેમાં કંઈ ખોટું નથી. પરંતુ વાસ્તવિકતાની ચકાસણી કરો. તમારી જાતને પ્રશ્ન પૂછો, શું તમારી ધારણાઓ વાસ્તવિક છે અથવા તે પહોંચની બહાર છે, અશક્ય છે કે લગભગ કલ્પનાનો ભાગ છે? જ્યારે અપેક્ષાઓ પૂરી થતી નથી, ત્યારે આપણે હતાશા અનુભવીએ છીએ અને વિચારમાં પડી જઈએ છીએ. સમજદારીપૂર્વક લક્ષ્ય નક્કી કરવા જેને પ્રાપ્ત કરી શકાય, તો ઊંડી વિચારસરણીમાં ઘટાડો શક્ય છે.

હેમંત હંમેશા માનીને ચાલ્યો કે તેનો દીકરો તેના પગલે ડૉક્ટર બનશે. પરંતુ જ્યારે હાર્દિકે જાહેર કર્યું કે તે ટ્રાવેલ ફોટોગ્રાફી કરવા માંગે છે, ત્યારે હેમંતને આઘાત લાગ્યો. એનું મગજ ફરી ગયું, અને વધુ પડતી વિચારણા અને આંતરિક લડાઈ ચાલુ રહી, જ્યાં સુધી હાર્દિકે પોતાને સફળ સાબિત ન કર્યો. હેમંતને એહસાસ થયો કે ટ્રાવેલ ફોટોગ્રાફીના વ્યવસાયમાં હાર્દિક કુશળ તો હતો જ, પરંતુ એમાં ફાયદો પણ ઘણો હતો. તદઉપરાંત, હરવું, ફરવું, આનંદ મેળવવો એ ઉમેરાયેલ બોનસ હતું.

ઘણી વખત વધુ પડતું વિચારવું સમસ્યાને તેના વાસ્તવિક પ્રમાણ કરતા વધુ વિશાળ બનાવી નાખે છે, જેના લીધે તમે હેબતાઈ જાવ. આમ ન કરવું. એના કરતાં, વાસ્તવિક મુદ્દાને ધ્યાનમાં રાખી, તેને નાના કાર્યોમાં વિભાજીત કરો. એક સમયે એકનો સામનો કરો અને ટૂંક સમયમાં તમને એહસાસ થશે કે સમસ્યા હવે સમસ્યા રહી જ નથી.

જ્યારે નવી પરણેલી નેહાને વીસ મહેમાનો માટે ભોજન બનાવવાનું હતું, ત્યારે તેના હાથ પગ ઢીલા થઈ ગયા. ચિંતિત થઈ, તેણે તેના પતિ સામે પોતાના મનની વ્યથા વ્યક્ત કરી.
"નિલેશ, હું એકલા હાથે કેવી રીતે મેનેજ કરીશ? મમ્મીને પણ નકારી નથી શકતી."
નિલેશે તેને આશ્વાસન આપ્યું, બંનેએ સાથે બેસીને કામનું લિસ્ટ બનાવ્યું, અને એકબીજામાં વહેંચી નાખ્યું. તેઓએ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી, અને પાર્ટીને ભવ્ય સફળતા મળી.

ભૂતકાળ જ્યાં છે તેને ત્યાં જ રહેવા દો; ભૂતકાળમાં!

જોકે, દુઃખની વાત એ છે કે, જે લોકો તેને પકડી રાખે છે અને તેનો બોજો ભવિષ્યમાં ખેંચે છે, તેઓ નીચે મુજબ દિલમાં મંત્રણા કર્યા કરે છે.
જો મારી પાસે ફલાણું હોત તો.....?
મારે આમ નહીં ને આમ કરવું જોઈતું હતું.....
કાશ કે એક વાર.....
આવી માનસીક દુવિધાને એક જ નામ આપી શકાય; અફસોસ. શા માટે તમારા મગજને એવી વસ્તુ પર મુંઝવણમાં નાખવું, જેના વિશે તમે કંઈપણ બદલી શકતા નથી અથવા કાંઈ કરી શકતા નથી? આ રીતે તમે તમારા વર્તમાનને બગાડી રહ્યા છો, જેનાથી પાછળથી પસ્તાવો કરવા માટે વધુ પસ્તાવાજનક પરિસ્થિતિઓનું નિર્માણ થશે. ફક્ત તેમાંથી સબક શીખો અને આગળ વધો! શા માટે પાછળ જોવું?

માઇન્ડફુલનેસનો અભ્યાસ કરો. માઇન્ડફુલનેસ એટલે જાગૃત રહેવું. તમારી વર્તમાન ક્ષણ અને આસપાસના વાતાવરણથી વાકેફ રહેવા માટે સભાન પ્રયાસ કરો. વસ્તુઓ અને લોકો જેમ છે તેમ જ સ્વીકારો. તેનો અર્થ એ પણ છે કે તમારા પોતાના વિચારો અને ભાવનાઓને સમજો. માઇન્ડફુલનેસ આપણને શાંત કરે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે. કારણ કે તે તમને ભૂતકાળની જાળમાં ફસાઈ જતા અટકાવે છે. તે તમને વાસ્તવિક ચિત્ર બતાવે છે અને જીવનના રચનાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ધ્યાન; એટલે કે મેડિટેશન, અને દૈનિક હકારાત્મક સમર્થન આ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સહાયક થઈ શકે છે.

વિક્ષેપ તકનીકોનો ઉપયોગ કરો. જ્યારે પણ તમને લાગે કે તમે વધુ પડતી વિચારસરણીના બંધક બની રહ્યા છો, ત્યારે તમારી જાતને હળવી અને આનંદપ્રદ વસ્તુ તરફ વિચલિત કરો. તે કંઈપણ હોઈ શકે છે જે તમને નકારાત્મક વિચારોથી દૂર રહેવામાં મદદ કરે, જેમ કે સંગીત સાંભળવું, સારું પુસ્તક વાંચવું, મિત્ર સાથે વાતો કરવી, રમતો રમવી, ફિલ્મ જોવી, પસંદગી તમારી છે, જે તમને ગમે, તે.

જીવન પ્રત્યે સક્રિય અભિગમ રાખો. ફરિયાદ કરવા અને અવરોધોમાંથી પહાડ બનાવવાને બદલે, ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. બડબડાટ અને ફરિયાદ
અત્યાર સુધી કોઈને ક્યાંય ઉપયોગી થયા નથી, તેથી તે તમારા પર પણ કોઈ ઉપકાર કરશે નહીં. એટલે વધુ સારું એ હશે કે એનો કોઈ નિવેડો લાવો.

કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. તમારા આશીર્વાદ ગણો. તમારા ઉપર ભગવાનના કેટલા આશીર્વાદ છે, જો તમે એનું લિસ્ટ બનાવવા બેસશો, તો તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે તે અસંખ્ય છે. કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરવાની આડ અસર એ છે કે તે તમને દયાળુ વ્યક્તિ બનાવશે.

તમારી જાત પર કઠોર ન બનો, જો તમે કોઈ ભૂલ કરી હોય, તો કાંઈ વાંધો નહીં, આપણે બધા કરીએ છીએ. તેના વિશે મંત્રણા કરવા અને પોતાને ઠપકો આપવાને બદલે, તમે તેને કેવી રીતે સુધારી શકો તેના પર કામ કરો. તમારી જાતને માફ કરવાનું શીખો અને આગળ વધો. નિષ્ફળતાનો ડર તમને ઉચ્ચ ઉદ્દેશ્યો સુધી પહોંચવામાં રોકે નહીં.

સ્કેટિંગ કરતી વખતે, ઉમંગ મેદાનમાં ખૂબ જ ખરાબ રીતે પડી ગયો હતો, પરંતુ તેણે સ્કેટિંગ કારકિર્દી ન છોડી. અલબત્ત જ્યારે હતાશાજનક દિવસોથી તે ત્રાસી ગયો, ત્યારે તેણે વિચાર્યું, "આમ નહીં ચાલે ઉમંગ, જિંદગીને ફરી ટ્રેક પર લાવી પડશે." બે વર્ષમાં, તે મેદાનમાં પાછો ફર્યો, અને સ્થાયી અભિવાદન સાથે તેનું સ્વાગત થયું.

કુદરતની રચેલી ભવ્ય પ્રકૃતિની મજા માણો. તમારી આસપાસની સુંદરતાની પ્રશંસા કરો. ચાલવા જાવ, ટ્રેકિંગ કરો, નેચર-વોકિંગ, પક્ષી નિરીક્ષણ કરો, વિશ્વાસ કરો, આ બધું તમારા દિલને સુકુન આપશે.

આખી યુક્તિ રિમોટ કંટ્રોલને તમારા હાથમાં રાખવાની છે. તમારે તમારા તણાવને નિયંત્રિત કરવો જોઈએ. તમારા પર તણાવનું વર્ચસ્વ ના હોવું જોઈએ. જ્યારે તમે વધુ પડતી વિચારવાની આદતને છોડશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે તમારા પોતાના કેટલા મોટા દુશ્મન હતા.

નીચેના બે અવતરણો મારા આ પ્રેરક લેખનો સારાંશ આપે છે.

1. વધુ પડતું વિચારવું : એવી સમસ્યાઓ ઊભી કરવાની કળા, જે હોતી જ નથી.

2. ઘણીવાર સૌથી ખરાબ સ્થાન જ્યાં આપણે હોઈ શકીએ, એ છે, આપણા પોતાના વિચારોમાં.

શમીમ મર્ચન્ટ, શમા, મુંબઈ.
________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=