"સોરી હની, મને મોડું થયું કારણ કે ....."
"કારણ કે તમે તમારા મિત્રો સાથે ફરવામાં વ્યસ્ત હતા."
માયા એ સાંભળ્યા વગર, કટાક્ષ કરતી વખતે સાગરના હાથમાં તેના મનપસંદ ફૂલોનો ગુલદસ્તો જોયો પણ નહીં. અને હવે એ ફૂલોનો સાર જતો રહ્યો.
"મમ્મી આ વખતે મને ગણિતમાં ઓછા માર્ક્સ મળ્યા કારણ કે જે પેપર મને અપાયું એ......"
"કારણ કે પેપર મુશ્કેલ હતું, કેમ કે તું પૂરતો અભ્યાસ કરીને નહોતો ગયો."
રીટા બેગ પેક કરવામાં વ્યસ્ત હતી અને તેને નીકળવાની ઉતાવળ હતી. એણે મોહનને વાત પૂરી કરવા ન આપી. તે કહેવા માંગતો હતો કે તેને ખોટો સેટ આપવામાં આવ્યો હતો, પણ રીટા એ એની વાત ક્યાં સાંભળી?
"આજે મારી સાથે એક વિચિત્ર વાત બની. એક માણસે મારા પાકીટને લેવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે ....."
સિરાજ પોતાની ઘટના પુરી કરી શકે તે પહેલાં વિરાટ બોલ્યો, "ગયા અઠવાડિયે મારી સાથે કંઈક આવું જ બન્યું."
નમસ્તે મિત્રો! શું તમને આ માઇક્રો ટેલ્સમાં કોઈ સમાનતા મળી છે? તે બધામાં કંઈક એક જેવું છે. હા, વિવિધ કારણોસર વક્તાને જે કહેવું હતું, તે એને પૂરું બોલવા ન મળ્યું. ક્યાં તો શ્રોતા નિષ્કર્ષ પર કૂદકો લગાવ્યો, અથવા ધૈર્ય ન રાખ્યું અથવા ફક્ત તેની પોતાની વાતોમાં રુચિ હતી.
એમ કહેવાય કે જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તેને તમારા કાન આપો. સાંભળવાની એક સરળ ક્રિયા, આપણને ખ્યાલ નથી હોતો કે તે કેટલું મહત્વપૂર્ણ છે. અને જ્યારે આપણે તેની પ્રેક્ટિસ નથી કરતા, ત્યારે એના પ્રત્યાઘાત ખતરનાક હોઈ શકે, અને એની અસર આપણા નિજી સંબંધો પર થઈ શકે છે.
ફક્ત કાનમાં અવાજ આવવો અને સાંભળવામાં મોટો તફાવત છે. જો તમારું મન બીજે ક્યાંક હોય અને તમે ફક્ત માથું હલાવતા હો, તો એને સાંભળ્યું ન કહેવાય. પરંતુ જ્યારે તમે દિલથી સાંભળો છો, ત્યારે તમારું હૃદય અને આંખો વક્તાની સાથે હોય છે.
હું માનું છું કે સાંભળવું એ બે-તરફનો સંવાદ છે, જ્યાં શ્રોતા, વક્તા જેટલું જ શામેલ હોય છે. જ્યારે તમે બીજી વ્યક્તિ શું કહે છે તેના પર ધ્યાન આપશો, તો જ તમે જવાબ આપવાના કબીલ હશો. જો તમે સારા શ્રોતા છો, તો તમે આંખનો સંપર્ક જાળવી શકશો, સારી સમજ માટે વચ્ચે પ્રશ્નો પૂછશો, યોગ્ય હાવભાવો આપશો અને તમે એના અનુભવો સમજી શકશો. આ માટે જરૂરી છે કે તમારું ધ્યાન બીજે ન ભટકાય.
જો તમે વિચારશો તો તે ખૂબ હાસ્યજનક હકીકત છે. જ્યારે કોઈ વ્યક્તિ વાત કરે છે, ત્યારે શા માટે સાંભળનાર પોતાનું બોલવાની ઉતાવળમાં હોય છે? તમે ચર્ચાનો વિષય નથી. અત્યારે તમારું કામ સાંભળવાનું છે. તમારા વારાની રાહ જુઓ, બીજી વ્યક્તિને પોતાની વાત પૂરી કરવાનો સમય આપો. તમને લાગે છે કે જો તેના વિચારો અધૂરા રહી જશે, તો એ તમને સાંભળવાની ધીરજ રાખશે?
દુર્ભાગ્યે, પરંતુ સ્ટીફન કોવે ખરું ધ્યાન દોર્યું. એમણે કહ્યું હતું:
"મોટા ભાગના લોકો સમજવાના ઉદ્દેશથી સાંભળતા નથી. તેઓ જવાબ આપવાના ઉદ્દેશથી સાંભળે છે."
શું તમને ખ્યાલ છે કે ઘણી વખત વક્તા કટાક્ષવાદી તાણો, સલાહ અથવા સૂચનો નથી શોધી રહ્યા હોતા. તેને ફક્ત એક એવી વ્યક્તિ જોતી હોય છે, જે એને સહાનુભૂતિની સાથે સાંભળે. જ્યાં તેઓ પોતાનું મન હળવું કરી શકે. ફક્ત તમારી શાંત ઉપસ્થિતિ કોઈને વિશ્વાસ આપી શકે છે. કેટલું સારું કહેવાય કે કોઈ તમારી પાસે એ વિચારીને આવે કે, "હા, હું તેના પર વિશ્વાસ કરી શકું છું. તે મારી વાત સાંભળશે."
આપણે કેટલા સારા કે ખરાબ સાંભળનારાઓ છીએ, એ આપણી બોડી લેંગ્વેજથી ખબર પડે. ઊંડા શ્વાસ લેવા, વારંવાર ઘડિયાળને જોતા રહેવું, આંખો ફેરવી, આ બધું નહીં સાંભળવાના લક્ષણો છે. બહેતર રહેશે કે તમે એ વ્યક્તિને સ્પષ્ટ કહો કે તમે એને પછી સમય આપશો.
કેવી રીતે સાંભળવું, મારે તમને એ ઉપદેશ આપવાની જરૂર નથી, આપણે બધા જાણીએ છીએ. તે સ્પષ્ટ છે કે આપણે ઘણી વાર તેનો અભ્યાસ કરતા નથી. અંતે, હું માત્ર એક વાત કહેવા માંગુ છું. સારા શ્રોતા બનવા માટે, તમારે સહાનુભૂતિ રાખવાની જરૂર છે. જ્યારે તમેને બીજાની ભવનાઓનો એહસાસ હશે તો જ તમે એક સારા શ્રોતા બની શકશો.
શમીમ મર્ચન્ટ, શમા, મુંબઈ.
________________________
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on instagram
https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=