Be Ghunt Prem na - 4 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 4

Featured Books
Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 4


" આહહ..." ચાના માત્ર એક ઘૂંટે મારી બધી ગભરાટ દૂર કરી દીધી. અર્પિતાને પણ કોફીનો સ્વાદ ઘણો પસંદ આવ્યો હતો એવું મેં દૂરથી જ નોટીસ કરી લીધું હતું.

મારાથી ન રહેવાયું એટલે મેં પૂછ્યું.." એક સવાલ પૂછી શકુ તમને?"

" જી પૂછો.."

" તમને ચા જરા પણ પસંદ નથી..." મારા આ બેતુકા સવાલ સામે એ ખડખડાટ હસી પડી.

" તમે આવો સવાલ પૂછશો મેં એક્સપેક્ટ નહોતું કર્યું...પણ તમે પૂછ્યું છે તો કહી દવ ચા મને પસંદ નથી સાવ એવું પણ નથી..પરંતુ ચા પીવાના નુકશાન ઘણા છે....સો આઈ ડોન્ટ લાઈક ટી..."

" નુકસાન?? ચા પીવાથી વળી કેવા નુકસાન?" મારો અવાજ ચાની જેમ થોડોક કડક થઇ ગયો.

" નુકસાનના ભંડાર ભંડાર છે...જોવો પહેલા તો ચા પીવાથી એસિડિટી થાય, બ્લડપ્રેશર વધે, ઊંઘ ઉડી જાય...ભૂખ ઓછી લાગે... કેટકેટલાય નુકસાન છે..."

" આવી અફવા કોણ ફેલાવે છે?? ચા પીવાથી તો ફ્રેશ ફીલ થાય...દિમાગ એકદમ ઘોડાની માફક દોડવા લાગે, રોગપ્રતિકારક શક્તિ વધે....અરે ચા પીવાથી તો ઘરડા થવાની રફતાર પણ ઘટી જાય છે...!"

" હશે ચા પીવાના આવા ફાયદા પણ કોફીની બરાબરી ન કરી શકે...તમને ખબર છે કોફીમાં કેટલા પ્રકારના વિટામિન મળે છે...વિટામિન B2, વિટામિન B5, B1 , B3... અને કૉફી પીવાથી તો ડાયાબિટીસનું જોખમ પણ ઘટી જાય છે...અને મેન વાત કોફી પીવાથી બ્લડપ્રેશરની સમસ્યા પણ નથી રહેતી..."

જે ટેબલ પણ હમણાં બે મિનિટ પહેલા નીરવ શાંતિ છવાયેલી હતી એ જગ્યા હવે રણમેદાન બની ગયું હતું. કોફીની સામે ચાની લડાઈ....હું ચાના ફાયદો ગણાવતો ગયો અને અર્પિતા કોફીના ફાયદા જણાવતી રહી..અમારી બન્ને વચ્ચેની આ પહેલી નોકજોકમાં એક ફાયદો અમને બન્નેનો થયો કે અમને ચા કોફી બન્નેના ફાયદા અને નુક્સાનની જાણ થઈ ગઈ.

પાંચ મિનિટના યુદ્ધ બાદ મેં છેવટે યુદ્ધવિરામ ઘોષિત કરતા કહ્યું. " ઓકે ઓકે....અર્પિતા જી તમે કોફી તમારી પાસે રાખો હું ચાને મારી પાસે રાખું છું...ઠીક છે...."

" મને પણ એવું જ લાગે છે...ચા પીવી કે કોફી પીવી એ તો દરેક વ્યક્તિની ખુદની પસંદ છે...સોરી કરન મારાથી વધારે બોલાઈ ગયું હોય તો..."

" અરે ના ના...ચા વિશેની ડીબેટ હું પહેલા પણ ઘણા વ્યક્તિઓ સાથે કરી ચૂક્યો છું..."

" તો ક્યારેય ડીબેટ જીત્યા છો?"

" કોફીને ચાહનાર ક્યાં મને જીતવા દેવાના હતા..? પણ હું હાર્યો પણ નહતો હો...બસ વાતને પૂર્ણવિરામ મૂકી દેતો... ચા સાથેની મહોબ્બત માત્ર નિભાવવાની હોય, એમાં જતાવવાની શું જરૂર છે? બરોબર ને?"

" તમે તો કોફીની જેમ જલ્દી ઠંડા પડી ગયા..."

ચા કોફીના ટોપિકથી શરૂ થયેલી વાતચીત બાર વાગ્યા સુધી ચાલી. એકબીજાનો પરિચય જાણવાને બદલે અમે ચા અને કોફીની વાતોમાં મશગુલ થઈ ગયા. હું ચાના ઘૂંટ મારતો કોફીની બુરાઈ કરતો રહ્યો અને એ કોફીના ઘૂંટ લગાવતી મારી ચાના સૈનિકોને ધ્વસ્ત કરતી રહી.

સમયનું ભાન અમને બંને ન હતું પરંતુ મારા પપ્પાની નજર ઘડિયાળના કાંટા પર અટકી ગઈ હતી. જેમ ત્રણેય કાંટા એક સાથે બાર પર આવીને અટકી ગયા મારા પપ્પા એ સીધો મને કોલ કર્યો.

ટેબલ પર પડેલા ફોન પર જ્યારે પપ્પાનું નામ પ્રદર્શિત થયું.
ઇસ્ક્યુઝમી કહેતો હું કેફેથી બહાર નીકળી ગયો.

" હેલો...કરન...શું થયું? છોકરી ગમી?"

" શું પપ્પા તમે પણ માત્ર આ પૂછવા માટે તમે મને કોલ કર્યો? અહીંયા કેટલી ઈમ્પોર્ટન્ટ વાત ચાલુ છે ને તમને ખબર છે?'

" ઓકે દીકરા સોરી હા....તું વાત ચાલુ રાખ....ઘરે આવીને વાત કરીશું...કોઈ જલ્દી નથી..." મારા પપ્પા એકીશ્વાસે બોલી ગયા.

મેં ફોન કટ કર્યો અને કેફેની અંદર જઈને પાછો બેસી ગયો.

" શું કહ્યું કરને છોકરી પસંદ આવી?" મારા મમ્મી એ તુરંત પપ્પાને પૂછ્યું.

" કહેતો હતો કે કંઇક ઈમ્પોર્ટન્ટ વાત ચાલુ છે...લાગે છે બંને આગળના ભવિષ્ય વિશે જ ચર્ચા કરતા હશે..." મારા મમ્મી પપ્પાની નજરે હું પરિપક્વ થઈ ચૂક્યો હતો. પરંતુ એમને ક્યાં ખબર હતી કે મારી ઈમ્પોર્ટન્ટ વાત ચા કોફી પર જ અટકી ગઈ હતી.

***********************************

કરન જ્યારે એના પપ્પા સાથે વાત કરવા કેફેની બહાર ગયો ત્યારે મારા ફોન પર પણ પપ્પાનો કોલ આવી ગયો.

" પપ્પાનો કોલ?" મેં તુરંત કોલ ઉપાડીને વાત કરી.

" શું થયું દીકરી? છોકરો ગમ્યો કે નહિ?"

" શું કરો છો પપ્પા...આવા સમયે કોઈ કોલ કરતું હશે..?"

" બાર વાગી ગયા..અર્પિતા...તને યાદ નથી! આપણે તારા માસીના ઘરે જમવા જવાનું છે..."

" અરે હા એ તો હું ભૂલી જ ગઈ!!..."

" તો પછી? આવ જલ્દી ચલ...અને બધી વાત એક જ દિવસમાં ન કરી લેવાની હોય લગ્ન પછી શાંતિથી એકબીજા સાથે વાતચીત કર્યા કરજો..." પપ્પાની આ વાત સાંભળીને મારું મૂડ જ ખરાબ થઈ ગયું.

" ઓકે હું નીકળું જ છું...બાય..." મેં કોલ કટ કરીને ફોન ટેબલ પર જોરથી મૂક્યો. ત્યાં જ કરન પણ મારી સામે આવીને બેસી ગયો.

શું થશે આગળ? ચા અને કોફીની મીઠાશમાં શું વધુ મીઠાશ ઉમેરાશે? જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના

ક્રમશઃ