લેખન તારીખ :૧૧-૦૬-૨૦૨૪
આૅફિસમાં રમીલાની એક દિવસની ગેરહાજરી છતાં તેનું આખુંય તંત્ર એવું ગોઠવાયેલ હતું કે સઘળાં કામકાજ નિયમિતપણે થતાં રહેતાં. તેથી જ તે અભ્યાસમાં પણ ધ્યાન પરોવી શકતી. તેનો બ્યુટી પાર્લર અને સેલોનમાં ટેકનિકલ ભાગીદારીવાળો આઈડિયા સંપૂર્ણપણે સફળ હતો. કંપનીની પ્રોડક્ટસનું લોકલ લેવલ ઉપર વેચાણ પાંત્રીસ ટકા જેટલું વધ્યું હતું જે માન્યામાં ન આવે તેવો વિક્રમસર્જક આંક હતો.
આ તરફ મનન પણ પોતાની આવડતમાં કરાયેલ વિશ્વાસની મૂડીને વેપારનાં વિસ્તૃતિકરણના વ્યાજ સહિત યોગ્ય ન્યાય આપી રહ્યો હતો. તેનાં હાથ નીચે કંપનીનાં ઘરગથ્થુ ગ્રાહકો ઉત્તરોત્તર વધી રહ્યા હતાં. તે પોતાની ટીમ સાથે મળી તેમની જરુરિયાત સમયસર પૂરી કરવા પૂરતી મહેનત કરતો અને ગ્રાહકો પ્રોડક્ટના વપરાશથી સંતુષ્ટિ મેળવતાં, ડિસ્કાઉન્ટથી તેમનાં ગજવાં રાહત પામતાં અને નિયમિત સંપર્કથી તેમનો અહમ પણ પોષાતો કે કોઈ તો છે જે તેમનાં જેવાં નાનાં ગ્રાહકોની જરૂરિયાતનું આટલું ઝીણવટથી ધ્યાન રાખી રહ્યું છે.
મનનની જીંદગી પણ થાળે પડી રહી હતી. તે પોતાનાં ગ્રુપનાં કર્મચારીઓ સાથે સુમેળથી કામ કરતો. બધાં જ એક જ લેવલ ઉપર કામ કરી રહ્યાં હોય એ રીતે વાતચીત કરતો. તેને પણ ધગસ અને મહેનતનું પરિણામ મળ્યું હતું. છૂટાંછવાયાં ગ્રાહકોનાં સીધાં ઓર્ડર લગભગ ઓગણીસ ટકા જેટલાં વધ્યાં હતાં અને હવે તેનું એપ લોકોમાં ખૂબ જ પ્રિય થઈ પડ્યું હતું. લોકો ઘરમાં બેઠાંબેઠાં, ઓફિસથી છૂટીને પાર્કિંગમાં કે બસસ્ટેન્ડ ઉપર ઊભાં રહીને પણ પોતાનું મહિનાનું કોસ્મેટિક્સનું બાસ્કેટ ભરી ઓનલાઈન ઓર્ડર મૂકી દેતાં. એક થી બાર કલાકની અંદર તેમને જોઈતી પ્રોડક્ટસ તેમનાં અનુકૂળ સમયે તેમને મળી જતી હતી. બાઈકર્સ અને ડિલીવરી વેનનું એક આખું નેટવર્ક ઊભું થઈ ગયું હતું. લગભગ દસ મહિનાના અંતે મનને રમીલાને એક ઇ-મેઈલ કર્યો જેમાં તેણે પોતાની સાથે કામ કરવા બીજાં બે કર્મચારીઓ માંગ્યાં. રમીલાએ મૈથિલીને આ મેઈલ ફોરવર્ડ કરીનવી આવેલ અરજીઓમાંથી અગમચેતીરૂપે ત્રણ કર્મચારી મનનને ફોરવર્ડ કરવા જણાવ્યાં. મનન સાથેની એક ટૂંકી મિટીંગમાં રમીલાએ ભવિષ્યના છ મહિનાની પરિસ્થિતિનું આકલન કરીને જ નવો સ્ટાફ લેવો એમ સૂચવ્યું જેથી વારેઘડીએ નવા સ્ટાફને તાલીમ આપવામાં સમય ન ફાળવવો પડે. મનન તેની આ ભવિષ્યનું વિચારતી બુદ્ધિશક્તિથી ખૂબ આભારવશ થયો અને પોતાને ભવિષ્યમાં પણ માર્ગદર્શન કરતાં રહેવાની ભલામણ કરી.
જલ્દીથી મનનનો નવો સ્ટાફ પણ તાલીમબદ્ધતાથી કામ કરવા લાગ્યો. આ તરફ રમીલા અને મૈથિલીનો સંબંધ ઉપરી અને હાથ નીચેના કર્મચારીથી થોડો આગળ વધ્યો. રમીલા પોતાની અતિકાર્યદક્ષ સેક્રેટરીથી ખૂબ જ ખુશ હતી અને મૈથિલી પોતાની તેજ બુદ્ધિ અને ઝડપી નિર્ણયશક્તિવાળી બોસ સાથે કાર્ય કરી પોતાને ધન્ય સમજતી. હવે રમીલાનું ઘણું કામકાજ મૈથિલી સમજી લેતી. માત્ર તેની લીલી ઝંડીની રાહ જ જોવાતી. તેનું ભારણ રમીલાના અભ્યાસને કારણે ક્યારેક વધી પણ જતું પણ તે ક્યારેય કોઈ ફરિયાદ ન કરતી. અલબત્ત તેને વધુ કામથી વધુ આનંદ આવતો.
રમીલાનો બીજા વર્ષનો અભ્યાસ શરૂ થઈ ચૂક્યો હતો. હવે તેની ઈન્ટર્નશીપ પણ શરૂ થનાર હતી. આ વર્ષે તેની કૉલેજનો સમય સવારે સાડાસાતથી અગિયાર વાગ્યા સુધી હતો પછી બીજા વર્ષનાં બધાં જ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપ પણ લોટસ કોસ્મેટિક્સમાં જ રહેતી. તેમની આખાંય દેશમાં મળીને કુલ અઢાર ઓફિસ અને પાંચ લેબોરેટરી અને પ્રોડક્શન હાઉસ હતાં. આ દરેક સ્થળે કર્મચારીઓનાં ક્વાર્ટર્સ રહેતાં. જેની સામે લગભગ સો ઈન્ટર્ની રહી શકે એટલાં હોસ્ટેલનાં રૂમ બનાવાયેલ હતાં. ટોપર સાઠ જેટલા વિદ્યાર્થીઓને શહેર પસંદગી અપાતી - અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, કાનપુર અને પૂણેમાંથી.
રમીલાને પ્રથમ ક્રમ મેળવવા છતાંય આ પસંદગીનો વિકલ્પ અપાયો ન હતો. ડિરેક્ટર્સે અગાઉથી જ કૉલેજમાં તેની ઈન્ટર્નશીપ અંગે સૂચના આપી દીધી હતી જેથી તેની પોતાની જ બ્રાંચમાં તેણે નોકરીની સાથે સાથે ઈન્ટર્નશીપ પણ પૂરી કરવાની હતી. જે વિદ્યાર્થીઓને બીજાં શહેરોમાં ઈન્ટર્નશીપ મળી હતી તેમણે પહેલી ટર્મમાં પૂર્ણ સમયની કૉલેજ ભરવાની હતી અને બીજી આખી ટર્મ જે-તે શહેરમાં જઈ માત્ર ઇન્ટર્નશીપ ઉપર જ ધ્યાન આપવાનું હતું. દરેક ઇન્ટર્નીને યોગ્ય વિભાગ ફાળવવામાં આવ્યો હતો. પહેલાં જ દિવસે કૉલેજથી સીધી આૅફિસ આવી રહી હતી ત્યારે અચાનક વરસાદ શરૂ થઈ ગયો. હાલ આૅફિસ પહોંચવાનું હોઈ, તેને વરસાદમાં ભીંજાવું બહુ યોગ્ય ન લાગ્યું. તેણે મધ્યમ ગતિએ કાર ચલાવવા માંડી. વરસાદનું જોર અચાનક જ વધી ગયું પણ તેનો રસ્તો સીધો અને પાણી ભરાય એવો ન હોવાથી તેણે કારનેઆગળ ધપાવવા માંડી પણ આજુબાજુ રીક્ષાઓની સંખ્યા ઓછી થવા માંડી. ત્યાં બસસ્ટોપ ઉપર તેણે પોતાનાં ત્રણ સહાધ્યાયીઓને જોયાં. આ સમયે તેઓ બસસ્ટેન્ડ ઉપર હતાં એનો સ્પષ્ટ અર્થ એ જ હતો કે, તેઓ પણ ઇન્ટર્ની જ હતાં અને તેમને લોટસ કૉસ્મેટિક્સમાં જ જવાનું હતું. તેણે હળવેથી કાર બસસ્ટેન્ડ તરફ વાળી અને તેમની નજીક પહોંચીને પોતાની સીટ તરફનો કાચ નીચે ઊતાર્યો.
રમીલા, "માફ કરશો, જો હું ભૂલ ન કરતી હોઉં તો આપ ત્રણ લોટસ કૉસ્મેટિક્સમાં ઇન્ટર્ની તરીકે જઈ રહ્યાં છો"
બાકીનાં બે યુવકો ખુશ થઈ હકારમાં માથું ધૂણાવી રહ્યા જ્યારે ત્રીજી યુવતીએ જણાવ્યું, "હા, હા. તમે જ રમીલા ને? જે ગયા વર્ષે બંને ટર્મમાં ફર્સ્ટ આવ્યાં હતાં?"
રમીલા બોલી," હા, હા. હવે કારની અંદર બેસી જાઓ. પહેલાં જ દિવસે તમને મોડું થશે અને વધુ પલળ્યાં તો બિમારી પણ જકડી લેશે."
યુવતી બારણું ઊઘાડીને બેસવા જ જતી હતી કે એક યુવક બોલ્યો, "અરે પણ, અમારાં કપડાં ઘણાં જ ભીનાં થઈ ગયાં છે. તમારી કાર પણ બગડશે."
રમીલા બોલી, "એની ચિંતા ન કરશો. જલ્દીથી બેસી જાવ."
યુવતી રમીલાની બાજુની સીટ ઉપર બેઠી અને બંને યુવકો કાંઈક સંકોચવશ પાછળની સીટ ઉપર બેઠાં.
રમીલા તેઓનો સંકોચ જોતાં બોલી, "જુઓ, પાછળ નેપકિન્સ છે. તમે ત્રણેય એક-એક લઈને વાળ લૂછી લો. હું હીટર ચલાવી દઉં છું. થોડો ગરમાવો રહેશે. અને હા, કારની જરાય ચિંતા ન કરશો. મને ગિફ્ટ આપનાર મારાં પાપાએ મને શીખવાડ્યું છે કે જો તમે વ્યક્તિને સાચવો તો વસ્તુઓને સાચવવાની જરૂર જ નથી. કારને કોરી રાખવા તમને બધાંયને બિમાર તો ન જ પડવા દેવાયને? અને હું રોજ જ આ રસ્તે જાઉં છું. આમ પણ આૅફિસ તરફ રીક્ષાઓ ઘણી ઓછી જતી હોય છે. મોટાભાગે બધાં પ્રાઈવેટ વાહનોમાં કે ટેક્સીમાં જ આવતાં હોય છે. ઔદ્યોગિક વસાહત છે ને!"
એક યુવકે પાછળથી ત્રણ નેપકિન્સ ઉપાડ્યાં અને બેયને એક-એક આપી એક નેપકિનથી પોતાનું માથું લૂછવા લાગ્યો.
લૂછતાં લૂછતાં તે બોલ્યો, "તમને કેવી રીતે ખબર કે ત્યાં રીક્ષા મળતી નથી?"
રમીલા બોલી, "પહેલાં તો તમે બધાં મને તું જ કહીને બોલાવો. હું તમારાં જેટલી જ છું અને ઇન્ટર્ની પણ છું. અને હા, બી.બી.એ. પછી મને તરત જ નોકરી મળી ગઈ, કૉલેજમાં ફર્સ્ટ આવવા બદલ એટલે લોટસ કૉસ્મેટિક્સ મારી નોકરીનું સ્થળ પણ છે. હું રોજ ઈવનીંગ ક્લાસીસમાં જ ભણું છું. સવારે તો નોકરી હોય ને!"
ત્રણેયને પોતાની જ ઉંમરની આ તેજસ્વી યુવતીને મળી ખૂબ જ આનંદ થયો. હવે કારમાં હીટરના કારણે થોડો ગરમાવો આવી ચૂક્યો હતો. રમીલાએ બાજુમાં બેઠેલ યુવતીને ડેશબોર્ડની અંદર રાખેલ ડબ્બો કાઢીને ખોલવા કહ્યું.
યુવતી ડબ્બો ખોલતાં જ, "અરે વાહ, આમાં તો ગરમાગરમ થેપલાં છે!"
રમીલા બોલી, "તમે બધાં ખાઓ અને હા, એક થેપલું રોલ કરીને મને પણ આપ. બહુ ભૂખ લાગી છે."
બધાંયને ભૂખ તો લાગી જ હતી પણ થોડો સંકોચ થયો.
એક યુવક બોલ્યો, "તમને... સાૅરી, તને પણ જોઈશેને આખો દિવસ? પૂરાં થઈ જશે તો તું શું ખાઈશ બપોરે?"
રમીલા બોલી," ચિંતા ન કરો. ત્યાં કેન્ટીન છે. બધું જ મળે છે. અને આજે તો તમે ત્રણેય મને ટ્રીટ નહીં આપો? તમારો ઇન્ટર્નશીપનો પહેલો જ દિવસ છે."
રમીલાની કારની અંદર આછેરી હળવાશ અને ગરમાટો છવાઈ રહ્યો. બહાર રસ્તા વરસાદનાં પાણીથી ઠંડક અનુભવતાં રહ્યા.
ક્રમશઃ