Be Ghunt Prem na - 2 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 2

Featured Books
Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 2


" મુલાકાત શું કરવી પપ્પા...તમે છોકરી જોઈ લીધી ને પછી મારે જોવી શું જરૂરી છે?"

" આખી જિંદગી તારે એની સાથે વિતાવવાની છે, એક્બીજા ને ઓળખ્યા વિના જાણ્યા વિના તમે બન્ને ભવિષ્ય કેવી રીતે નિર્મિત કરશો? એક વખત મળી લઈશ પછી બધી મારી વાત સમજાઈ જશે..."

હું પપ્પા સાથે ડીબેટ કરવા નહોતો ઈચ્છતો એટલે મેં કહ્યું. " ઓકે બાબા હું મળી લઈશ...પણ મળવા કેટલા વાગ્યે જવાનું છે?"

" સાંજના છ વાગ્યે..."

" છ વાગ્યે!..."

" કેમ શું થયું?"

" કાલ સાંજે તો હું મારા ફ્રેન્ડના બર્થ ડે પાર્ટીમાં જવાનો છું.."

" હા તો છ વાગે મળીને ત્યાંથી તું ફ્રેન્ડના ઘરે નીકળી જજે..."

" એ શક્ય નથી પપ્પા...અર્પિતાને મળવામાં રહીશ તો મારા ફ્રેન્ડના ઘરે હું છેક આઠ વાગ્યે પહોંચીશ....."

" તો તો મારે રમેશને વાત કરવી પડશે...."

પપ્પા જમતા જમતા ખુરશી પરથી ઉભા થયા અને ફોન કરવા જતાં રહ્યાં. મેં ફરી નજર નીચી કરીને કઢી ખીચડીના સ્વાદનો આનંદ માણવા લાગ્યો.

જમીને હું ઊભો જ થયો હતો કે ત્યાં પપ્પા બોલી ઉઠ્યા. " કાલ સવારના અગિયાર વાગ્યાએ કેફેમાં મળવાનું કહ્યું છે રમેશભાઈ એ...હવે તો કંઈ વાંધો નથી ને?"

" કેફેમાં??"

" અરે દીકરા અમે તો બધી વાત કરી જ લીધી છે હવે બસ તારે ને અર્પિતાને મળવાનું છે એટલે અમે તમારી મુલાકાત કેફેમાં ગોઠવી દીધી...ત્યાં તમને બન્નેને વધારે કમ્ફર્ટેબલ લાગશે..."

" ક્યાં કેફેમાં મળવાનું છે?"

" રંગીલા કેફે કહ્યું છે...કદાચ તે જોયું હશે?"

" હા હા....જોયું છે, હું કાલે અગિયાર વાગ્યે અર્પિતાને મળી લઈશ...."

ત્યાં જ પપ્પા મારી પાસે આવ્યા અને અર્પિતાનો ફોટો મારા હાથમાં થમાવ્યો.

ફોટાને જોયા વિના જ મેં અણગમા સાથે કહ્યું. " ફોટોને જોવાની શું જરૂર છે? મેં જોઈ છે એને..."

" એ તો તે પાંચ વર્ષ પહેલાં જોઈ હતી...અત્યારે તો જો કેવી સુંદર થઈ ગઈ છે....તમારી જોડી એકદમ ફીટ બેસશે.."


" ઠીક છે પપ્પા હું પછી જોઈ લઈશ...હું સુવા જાઉં છું ગુડ નાઈટ..."

" ગુડ નાઈટ બેટા..."

રૂમમાં જઈને એ ફોટાને ટેબલ પર ઊંધો મૂકીને હું પથારીએ સીધો સૂઈ ગયો.

***********************************

અર્પિતા વર્મા....નામ તો મને મારું નાનપણથી નથી ગમતું પણ શું કરું? મારી નાનીને આ જ નામ પસંદ આવ્યું અને જે દિવસે મારું નામ અર્પિતા રાખવામાં આવ્યું એના આગળના દિવસે જ મારા નાની સ્વર્ગવાસ થઈ ગયા.

" અર્પિતા....અગિયાર વાગવા આવ્યા જા જલ્દી કરન તારી રાહ જોતો હશે...."

મારા મમ્મીને પણ શાંતિ નથી. " હા હું નીકળું જ છું.."

અરીસામાં જોઈને મેં કાજલ લગાવી અને બનાવટી સ્માઈલ સાથે હું કેફેમાં જવા નીકળી પડી. ત્યાં જ રસ્તે કાળી બિલાડી રસ્તો કાપી જાઈ અને અપશુકન થઈ જાય બસ એવી જ કાળી બિલાડી મારી સામે આવીને ઊભી રહી ગઈ.

" હાય અર્પિતા....કેટલા દિવસો બાદ મળી!!...અને આજે આમ સજીધજીને ક્યાં ચાલી સવારી?"

" અરે કંઈ નહિ એ તો બસ હું..."

" હમમ.... હું સમજી ગઈ...."

શીતલ પોતાના પીળાશ પડતાં દાંત દેખાડતી હસી રહી હતી.

" ખીખી કરવાની કોઈ જરૂર નથી...હું એક મિટિંગ અટેન્ડ કરવા જઉં છું...ચલ જવા દે હું પછી મળીને વાત કરીશ ઠીક છે...બાય..." તુરંત એ કાળી બિલાડીને સાઈડમાં કરી હું રસ્તે આગળ વધી.

ઘરથી કેફે સુધીનો રસ્તો બસ પાંચ મિનિટના અંતરે જ હતો. એટલે મેં ચાલીને જવાનું જ નક્કી કર્યું.

આ પાંચ મિનિટની એક એક પળ મને કેફે તરફ ઓછી અને મારા ઘર તરફ વધારે ખેંચી રહી હતી. ન જાણે કેમ પણ મારા શરીરમાં એક અલગ પ્રકારની તરંગ દોડી રહી હતી. દિલ કેફે તરફ અને દિમાગ ઘર તરફ. દિલ દિમાગની આ દોડમાં મેં દિલની વાતનો સ્વીકાર કર્યો. કારણ કે આજ નહિ કાલે લગ્ન તો મારે એક દિવસ કરવા જ પડશે..બસ આ જ વિચારને માન આપતા હું કેફેમાં આખરે પહોંચી ગઈ.

કેફેની અંદર જઈને જોયું તો કરન હજુ નહતો પહોંચ્યો. મેં આસપાસ નજર કરી અને છેલ્લે ખાલી પડેલા એક ટેબલ પર જઈને બેસી ગઈ. રાહ જોવાનો કંટાળો તો ઘણો આવતો હતો. પરંતુ ફોન મચેડવાનું મન પણ થતું ન હતું. કારણ કે ફોન સાથેની દોસ્તી તો મેં વર્ષો પહેલા જ તોડી નાખી હતી!


કરન અને અર્પિતાની મુલાકાત કેવી રહેશે? લગ્નના રીતિરિવાજોમાં વિશ્વાસ ન રાખતા બન્ને શું એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાશે? જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના

ક્રમશઃ