Andhari Aalam - 17 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 17

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અંધારી આલમ - ભાગ 17

૧૭ : દોસ્તની દગાબાજી....!

નાગરાજનની સિન્ડિકેટના બે ભાગીદારો રતનલાલ અને રહેમાન અત્યારે રતનલાલના આલિશાન બંગલાના વિશાળ ડ્રોઈંગ રૂમમાં વાતો કરતા બેઠા હતા.

તેમની વચ્ચે કાચજડિત ગોળ સ્ટૂલ પર વ્હીસ્કીની બોટલ તથા બે ભરેલા ગ્લાસ પડ્યા હતા. વાતો દરમિયાન તેઓ ગ્લાસ ઊંચકીને તેમાંથી ઘૂંટડો ભરી લેતા હતા. ડ્રોઇંગરૂમની ભવ્યતા કોઈક રજવાડી મહેલના દિવાનખંડની યાદ અપાવતી હતી.

રૂમની દીવાલો પર વાન ધોધના ત્રણ પેઈન્ટીંગો લટકતાં હતાં, જેની કિંમત ઓછામાં ઓછી પચીસેક લાખ રૂપિયા તો જરૂર હતી જ ! ડ્રોઇંગરૂમની જમીન પર એડી સુધી પગ ખૂંચી જાય એવો નરમ ઈરાની ગાલીચો પાથરેલો હતો. ફર્નિચર એટલું મોંધું હતું કે જેટલું મોંઘું ભારતમાં નહોતું બનતું ! ગ્લાસ અને એશ-ટ્રે સુધ્ધાં વિદેશનાં હતાં.

આવા ભવ્ય અને શાનદાર રૂમ તથા બંગલાનો માલિક સિન્ડિકેટનો વરલી-મટકાનો બિઝનેસ સંભાળી રહેલો રતનલાલ હતો. સહસા એક વર્દીધારી નોકર રતનલાલની રજા લઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યો. રતનલાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

'સર...!' નોકરે એક કાર્ડ તેના હાથમાં મૂકતાં કહ્યું, 'આ સાહેબ આપને મળવા માટે આવ્યા છે.'

રતનલાલે કાર્ડનું નિરીક્ષણ કર્યુ.

કોરા કાર્ડ પર સુંદર, મરોડદાર અક્ષરે માત્ર નામ જ લખેલું હતું.

-દેવરાજ કચ્છી...!

‘દેવરાજ...!” જાણે યાદ કરવાનો પ્રયાસ કરતો હોય એમ રતનલાલ લમણા પર આંગળી ટપટપાવતાં બબડયો.

‘કોણ છે એ...?' તેની સામે સોફા પર બેઠેલા રહેમાને એનો બબડાટ સાંભળીને પૂછયું.

'હા...યાદ આવ્યું...' સહસા રતનલાલ ઉત્તેજીત અવાજે બોલ્યો. પછી એણે નોકરને ઉદ્દેશીને કહ્યું, “જા... એને તાબડતોબ પૂરા માન સાથે અહીં લઈ આવ!'

નોકર તરત જ બહાર ચાલ્યો ગયો.

'રતનલાલ... તેં અંદર બોલાવ્યો, એ માણસ કોણ છે! ' એના ગયા પછી રહેમાને પૂછયું.

“ ખૂબ જ કામનો માણસ છે !' રતનલાલે જવાબ આપ્યો.

'આપણી ખાનગી વાતો દરમિયાન તેં એને બોલાવ્યો, એના પરથી જ, એ ખાસ માણસ છે તે હું સમજી ગયો છું. શું એ કોઈ મિનિસ્ટર છે?'

'ના...'

'તો..?'

'એ કોઈ મિનિસ્ટર નથી રહેમાન...!' રતનલાલ બોલ્યો, 'એ આપણા જેવો જ સામાન્ય માણસ છે...! પરંતુ તે ચપટી વગાડતાં જ એવાં કામ કરી આપે છે કે જે આપણે નથી કરી શકતા કે મિનિસ્ટરો નથી કરી શકતા... !' 'એમ...!' રહેમાનના અવાજમાં આશ્ચર્યનો સૂર હતો.

'તો તો પછી એ જરૂર કોઈક મોટો જાદુગર હોવો જોઈએ.’

'દેવરાજ નામનો આ માનવી જાદુગરનોય બાપ છે રહેમાન...! બે વરસ પહેલાં એણે મારું એક એવું કામ કર્યું હતું, કે જે માટે સ્ટેટ મિનિસ્ટરે પણ મને ના પાડી દીધી હતી. આ કામ થોડી મિનિટોમાં જ કરી નાખ્યું હતું. દેવરાજનું એ કામ એમ જોઈને તો મેં એને સિન્ડિકેટનો સભ્ય બનાવવાનું પણ વિચાર્યું' હતું.'

'એવું તે કયું કામ કર્યું હતું એણે...?’

‘રહેમાન બે વર્ષ પહેલાં મારો નાનો ભાઈ ફાંસીના માંચડે ચડે એમ‌ હતો. છેવટની ઘડીએ નિર્દોષ છૂટી ગયો હતો, એ તને યાદ છે ? ન્યાયાધીશે છેવટની ઘડીએ પોતાનો નિર્ણય બદલીને તેને નિર્દોષ છોડી મૂક્યો હતો. યાદ છે એ બનાવ તને ?'

'હા..'

‘તો સાંભળ... ન્યાયાધીશને નિર્ણય બદલવાનું કામ દેવરાજે કર્યું હતું.

'શું...?” રહેમાને નર્યા-નિતર્યા અચરજથી રતનલાલ સામે તાકી રહેતાં પૂછ્યું.

'હા..હું કંઈ અમસ્તો જ દેવરાજનાં વખાણ નથી કરતો...”

'રતનલાલ...!' રહેમાન મક્કમ અવાજે બોલ્યો, ‘જો ખરેખર દેવરાજમાં ન્યાયાધીશનો નિર્ણય બદલવાની ક્ષમતા હોય તો પછી દુનિયામાં કોઈ કામ તેને માટે અશક્ય નથી એ વાત હું સ્ટેમ્પ પેપર લખી આપવા તૈયાર છું.'

'ખરેખર જ તેણે આ કઠિન કામ ખૂબ સહેલાઈથી કર્યું હતું.' રતનલાલે ગંભીર અવાજે કહ્યું, 'અને આ કારણસર જ હું તેને આપણી સિન્ડિકેટમાં ખેંચી લેવા માગતો હતો. તને ખબર નહીં હોય કે દેવરાજ હિંદી, સંસ્કૃત, મરાઠી, પંજાબી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, અંગ્રેજી અને એ સિવાય જાણે ભારતમાં જન્મ્યો જ ન હોય એ રીતે દુનિયાના અનેક દેશોની 89 ભાષા જરા પણ ખમચાયા વગર કડકડાટ બોલી શકે છે.”

'કમાલ કહેવાય...! વારૂ, આ દેવરાજ કરે છે શું.....'

'એનું મુખ્ય કામ મોટાં મોટાં સરકારી ઑફિસરોને પોતાની જાળમાં ફસાવીને પોતાનું ધાર્યું કરાવવાનું છે! એની જાળ એવી હોય છે કે ઑફિસરો તેમાં ફસાઈ જ જાય છે ! તે એકેય વાર પોતાના કામમાં નિષ્ફળ નથી ગયો. હું પોતે તેની સાથે ન્યાયાધીશના બંગલે ગયો હતો. મને ડ્રોઇંગરૂમમાં બેસાડીને એ તેની સાથે વાત કરવા માટે અંદરના ભાગમાં ગયો હતો. એણે ન્યાયાધીશના કાનમાં કોણ જાણે શી ફૂંક મારી કે બીજે જ દિવસે મારો ભાઈ નિર્દોષ છૂટી ગયો.’

'આ કામ માટે એણે કેટલા પૈસા લીધા હતા ?'

'એ તો મને બહુ યાદ નથી...પરંતુ, પાંચ-દસ હજાર જેટલી મામૂલી રકમ જ લીધી હતી. બીજે દિવસે એણે મારી સાથે એક પેગ લેવાનું વચન આપ્યું હતું. હું તો એને બે-પાંચ લાખ આપવા માટે તેની રાહ જોતો હતો. પરંતુ આજે બે વરસ પછી તે મળવા આવ્યો છે. વચ્ચે મારે તેનું આવું જ એક કામ પડ્યું ત્યારે મેં એને ફોન કર્યો હતો, પરંતુ તે વિદેશ ગયો હોવાને કારણે અમારી વાતચીત નહોતી થઈ શકી.'

એ જ વખતે નોકર એક આધેડ વયના માનવીને ડ્રોઈંગ રૂમમાં મૂકી ગયો.

સ્તનલાલે તેને ઓળખ્યો. એ દેવરાજ કચ્છી જ હતો.

'આવ દેવરાજ આવ...!' રતનલાલ ઊભો થઈને પ્રસન્ન અવાજે બોલ્યો.

દેવરાજ ડ્રોઇંગરૂમમાં નજર ફેરવીને તેની નજીક પહોંચ્યો. 'બેસ...’ રતનલાલે સામે પડેલી એક સોકાચેર તરફ સંકેતકરતા કહ્યું.

રહેમાન જાણે દેવરાજ કોઈક જાદુનો ખેલ બતાવવાને હોય તેમ તેની સામે તાકી રહ્યો હતો.

જો તે રતનલાલ પાસેથી દેવરાજની કામગીરી વિશે ન જાણી ગયો હોત, તો જાણે કોઈક ભિખારી આવીને બેઠો છે, એમ જ માનત.

દેવરાજનો દેખાવ એકદમ સાધારણ માણસ જેવો હતો. એના શર્ટમાં કરચલીઓ પડી ગઈ હતી. એણે પહેરેલા કોટ પર ચારેક જગ્યાએ બબ્બે, ત્રણ-ત્રણ ઇંચ જેવડાં કાણાં પડી ગયેલાં હતા. એના માથાના વાળ ધૂળથી ખરડાઈને વીખેરાયેલા હતા. એણે પહેરેલાં મોજા વગરના બૂટ એકદમ ઘસાઈને તૂટવાની અણી પર આવી ગયા હતા.

'અરે દેવરાજ...આટલા વખતથી તું ક્યાં હતો?' રતનલાલે પસન્ન અવાજે પૂછયું.

'હું વિદેશ ગયો હતો. બે મહિના પહેલા જ પાછો આવ્યો છું.' દેવરાજે જવાબ આપ્યો

'કમાલ કહેવાય...! તું બે મહિનાથી અહીં હોવા છતાં પણ મને મળવા ન આવ્યો?'

'ના.. જરૂર જ નથી પડી...!'

'અરે... હું તો તને કંઈક આપવા માટે તારી રાહ જોતો હતો.'

'મિસ્ટર રતનલાલ...!' દેવરાજ બેદરકારીભર્યા અવાજે બોલ્યો.

'મને બે ટાઈમ ભોજન મળે છે, એ જ મારે માટે પુરતું છે. મારું ગુજરાન બરાબર રીતે ચાલે છે...! લોકોનું ગમે ત્યાં, કોઈ પણ કામ પતાવીને મહેનતાણું લઉં છું.. બસ, વાત પૂરી !'

'મારે પણ તને મહેનતાણું આપવાનું બાકી હતું.'

'મિસ્ટર રતનલાલ, તમે મને દશ હજાર રૂપિયા આપ્યા છે, એ વાત ભૂલી ગયા લાગો છો.’

'એ તારું મહેનતાણું નહોતું. એ દસ હજાર તો મે ખર્ચ માટે આપ્યા હતા.’

'મિસ્ટર રતનલાલ ! મહેનતાણા માટે એટલી રકમ પૂરતી છે.'

'તો પછી અહીં શા માટે આવ્યો છે?' અચાનક રહેમાન જાણે કોઈક ભિખારીને કહેતો હોય એમ દેવરાજને ઉદ્દેશીને બોલ્યો.

'આ દોઢડાહ્યો કોણ છે મિસ્ટર રતનલાલ...?' દેવરાજે રહેમાન તરફ આંગળી ચીંધતાં પૂછ્યું.

'સાલ્લા...લબાડ...' રહેમાન ઊભો થઈને દેવરાજ તરફ ધસ્યો. દોઢડાહ્યાના વિશેષણથી એ પોતાના દિમાગ પરથી કંટ્રોલ ગુમાવી બેઠો હતો.

'અરે...આ તું શું કરે છે રહેમાન...!' રતનલાલે ઊભા થઈ ને તેને પુન: સોફા પર બેસાડતાં કહ્યું.

‘આ લબાડ મને ઓળખતો નથી લાગતો………! હું ફૂટપાથનો માણસ હોઉં, એ રીતે એણે મારી સામે આંગળી ચીંધી હતી.' રહેમાન કાળઝાળ અવાજે બોલ્યો.

'રહેમાન...!' દેવરાજનો અવાજ એકદમ શાંત હતો, 'તુ આ શાનદાર રૂમમાં રતનલાલ સાહેબ જેવા માણસ પાસે બેઠો છે એના પ્રભાવમાં હું નહીં આવું...! સાંભળ…તને એક સરસ ટીપ આપું છું...! તું ભલે કરોડો રૂપિયાનો આસામી હો, પરંતુ જ્યાં સુધી મારે તારી પાસેથી એક રૂપિયો પણ ન જોઈતો હોય, તારું કંઈ કામ ન હોય, ત્યાં સુધી મારામાં ને તારામાં કશો કરક નથી. તારા એ કરોડ રૂપિયાનું મારે મન કશું જ મહત્વ નથી. તું પણ રતનલાલ સાહેબ જેટલી જ હેસિયત ધરાવતો હોઈશ એની મને ખબર છે. પરંતુ એનાથી મને ફોઈ ફરક નથી પડતો. હું રતનલાલ સાહેબ સાથે વાત કરતો હતો એમાં તારે વચ્ચે પંચાત કરવાની કંઈ જ જરૂર નહોતી.'

રહેમાન જાણે કાચો ને કાચો ફાડી ખાવો હોય એવી નજરે દેવરાજ સામે જોયું.

'શાંત થા રહેમાન…!' રતનલાલ રહેમાનને ટાઢો પાડતાં બોલ્યો, પછી એણે દેવરાજ સામે જોતાં કહ્યું, ‘દેવરાજ, આ મારો સાથીદાર છે... એનો મિજાજ સહેજ ગરમ છે...તું એની વાતથી ખોટું લગાડીશ નહીં !’

'તમારી વાત હું કબૂલ કરું છું મિસ્ટર રતનલાલ ! પરંતુ ગરમ મિજાજ કાં તો એની પત્ની પર અથવા તો તેના અન્ય કુટુંબીજનો પાસે ચાલે ! ક્યારેક બહારનાં માણસ પાસે આવો મિજાજ રાખીએ તો ઊલટું આપણે જ એ મિજાજની ગરમીમાં દાઝવું પડે !

'તું તો એક જ વાત લઈને બેસી ગયો.બોલ, હું તારે ખાતર શું કરી શકું તેમ છું?'

'હું મારે ખાતર કંઈ કરાવવા માટે નથી આવ્યો. મારે તારા કોઈ ઉપકારની જરૂર નથી.”

હવે રતનલાલે પણ મિજાજ ગુમાવ્યો.

'દેવરાજ.. !' એ વીફરેલા અવાજે બોલ્યો, “મારા સલુકાઈ ભર્યા વર્તનનો તું આવો બદલો આપે છે ? '

'ના...'

'તો પછી...?'

'તમારા સલુકાઈભર્યા વર્તનના બદલામાં હું તમને એક એવી વસ્તુ આપવા માગું છું કે જેમાં તમારી જિંદગીની સબ સલામતી છે! હું તમને બરબાદીની ખીણમાં ધકેલાતા બચાવી લેવા માટે આવ્યો છું.”

'એમ...?'

'હા..'

‘એવી તે કઈ વસ્તુ છે એ...?' કહીને રતનલાલે સ્મિત ફરકાવ્યું.

'આ માણસ જબરો નાટકબાજ લાગે છે રતનલાલ... રહેમાન વચ્ચેથી બોલી ઊઠ્યો, 'હું...”

'મિસ્ટર રતનલાલ...!' દેવરાજે આગ્નેય નજરે રહેમાન સામે જોયા પછી કહ્યું, “જો આ માણસ તમારો મિત્ર ન હોત તો હું એક મિનિટ પણ અહીં ઊભો ન રહેત! મારે તો માત્ર તમારી સાથે જ નિસ્બત છે એટલે તમારો આ મિત્ર જો મને ગાળ આપશે. તો તે પણ હું સહન કરી લઈશ !'

'રહેમાન...તારા મગજ પર કંટ્રોલ રાખવાનું શીખ.....' રતનલાલે રહેમાનને ધમકાવ્યો, 'ભાઈ દેવરાજ, રહેમાન વતી હું તારી માફી માગું છું...બોલ...તું શું કહેતો હતો..?'

જવાબમાં બોલવાને બદલે દેવરાજે કોટના અંદરના ખિસ્સામાંથી એક લાંબું, મોટું, વજનદાર ખાખી કવર કાઢીને રતનલાલની સામે ટેબલ પર મૂકી દીધું.

'આ શું છે?' રતનલાલે ટેબલ પર પડેલા કવર તરફ સંકેત કરી પૂછ્યું.

'મિસ્ટર રતનલાલ, આ કવરમાં જ તમારી જિંદગીના શ્વાસો જપેલા છે ! ’ દેવરાજે ગંભીર અવાજે કહ્યું.

'આ તું શું બકે છે એનું તને ભાન છે દેવરાજ ?' રતનલાલ ચીસ જેવા અવાજે બોલ્યો.

દેવરાજે કંઈ જવાબ આપ્યા વગર ચૂપચાપ કવર ઊઘાડીને ટેબલ પર ઊંધું વાળ્યું.

પછી કવરમાંથી જે વસ્તુ નીકળી, તે જોઈને રતનલાલ તથા રહેમાન જાણે પગે સાપ વીંટળાયો હોય એમ પોત-પોતાના સ્થાનેથી ઊભા થઈ ગયા.

એ વસ્તુ બીજી કંઈ નહીં, પણ સિન્ડિકેટના વરલી-મટકાના બિઝનેસની સિક્રેટ ડાયરીના ઓગણત્રીસ ફોટા જ હતા...! બંને ફાટી આંખે ફોટા સામે તાકી રહ્યા.

ડ્રોઇંગરૂમમાં થોડી પળો માટે ભેંકાર ચુપકીદી છવાઈ ગઈ. રતનલાલ તથા રહેમાન કેટલીયે વાર સુધી એ જ હાલતમાં ઊભા રહ્યા.

જ્યારે દેવરાજના ચહેરા પર રમતિયાળ સ્મિત ફરકતું હતું. અચાનક રહેમાને આગળ વધીને દેવરાજના પગ પકડી લીધા. 'મારી ભૂલ થઈ ગઈ મિસ્ટર દેવરાજ..!' એ કરગરતા અવાજે બોલ્યો, “ મને માફ કરી દો…રતનલાલે તમારા સાચા જ વખાણ કર્યા હતા... તમે ખરેખર જ જાદુગર છો..'

'દેવરાજ...દેવરાજ...!' રતનલાલનો અવાજ આનંદના અતિરેકથી કંપતો હતો, 'તારી વાત સાચી છે... આ ફોટા ખરેખર મારી જિંદગી છે..! મને માફ કરી દેજે દોસ્ત..! મેં નાહક તારા પર મિજાજ ગુમાવ્યો !'

'તમારા વખાણ કરવા માટે મને કોઈ શબ્દો નથી  મળતા મિસ્ટર દેવરાજ ! ' રહેમાન બોલ્યો.

'તમે બંને નાહક જ મારી પ્રશંસા કરો છે... હું આ પ્રશંસાને લાયક નથી.’

'દેવરાજ..પહેલા હું તને રહેમાનનો પરિચય આપી દઉં. એ પણ મારી જેમ સિન્ડિકેટનો ભાગીદાર છે !'

“મિસ્ટર દેવરાજ...!' રહેમાને વ્યાકુળ અવાજે પૂછયું, 'આ ફોટાઓ તમને ક્યાંથી મળ્યા...?”

“આવું પૂછતા પહેલાં હું શું ઈચ્છું છું એ તો તેં પૂછ્યું જ નહીં રહેમાન ? '

“બોલો...તમારે શું જોઈએ છે...? તમે જે માગશો, એ તમને મળશે !'

'મિસ્ટર રતનલાલ...!' દેવરાજનો અવાજ બેહદ ગંભીર હતો, ' ખરેખર જ હું જે માગીશ તે મને મળશે ?'

'હા.. બોલ...'

‘તો સાંભળો...હું દોડાદોડીથી હવે ખૂબ જ થાકી ગયો છું.. હું તમારી સિન્ડિકેટમાં સામેલ થઈને સ્થિર જીવન પસાર કરવા માગું છું. મેં લોકોનાં આટઆટલાં કામ કર્યાં છે, છતાંય આજ સુધી મને રહેવા માટે ફલેટ નથી મળ્યો.. મારે કોફી પીને કામ ચલાવવું પડે છે !'

'તું વિદેશી શરાબ પીશ. તને બંગલો કાર... નોકર-ચાકર વિગેરે મળશે દેવરાજ !'

'બરાબર છે...પરંતુ આ બધું મારે મફતમાં જ નથી જોઈતું. કામ કરીને જોઈએ છે!'

‘તારા જેવા બુદ્ધિશાળી માણસોની સિન્ડિકેટને ખૂબ જ જરૂ છે દેવરાજ !' રતનલાલ બોલ્યો.

'તો તો પછી હું તમારો સલાહકાર બની જઈશ મિસ્ટર રતનલાલ.'

'વાહ...હું પણ તને આ જ હોદ્દો આપવાને હતો...!' રતનલાલ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, “તું આજથી, બલકે આ મિનિટથી જ મારો સલાહકાર બની ગયો છે બસ ને ? '

'આ ફોટાઓ તમને ક્યાંથી મળ્યા મિસ્ટર દેવરાજ...? ' રહેમાને પૂછ્યું.

'કહું છું...પણ મિસ્ટર રતનલાલ, વાત કરતાં પહેલા હું મારું વચન પૂરું કરવા માગું છું.”

'વચન...?'

'હા...મેં તમારી સાથે એક પેગ પીવાનું વચન આપ્યું હતું એ તમે ભૂલી ગયા લાગો છો !'

ત્યારબાદ રતનલાલના સંકેતથી રહેમાન ઊભો થઈને એક ખાલી ગ્લાસ લઈ આવ્યો.

રતનલાલે પોતે એ ગ્લાસ ભરીને દેવરાજના હાથમાં મૂક્યો. 'જુઓ...' દેવરાજ ગ્લાસમાંથી એક ઘૂંટડો ભરીને ગંભીર અવાજે બોલ્યો. આપણી પાસે સમય બહુ ઓછો છે. રાત થોડી ને વેશ ઝાઝા છે ! આ ફોટાઓની જેમ એ લોકો પાસે હજુ એક રીલ અને પચાસ લાખ રૂપિયાનું સોનું મોજૂદ છે. આ એ જ લોકો છે, કે જેમણે તમારી સિન્ડિકેટને નાકે દમ લાવી દીધો છે. એ લોકો કુલ ત્રણ જણ છે. આ ત્રણમાંથી એક જણ મારો મિત્ર છે... મારા એ મિત્ર પાસેથી જ મને સાચી હકીકત જાણવા મળી છે. સાચી વાત તો એ છે કે સિન્ડિકેટ પાસેથી તેમણે જે પચાસ જરૂર લાખ રૂપિયાનું સોનું મેળવ્યું, એમાં હું પણ ભાગીદાર છું...! પરંતુ જ્યારે મેં ફોટાઓમાં તમારા નામનો ઉલ્લેખ વાંચ્યો, ત્યારે તમારી સાથે વિશ્વાસઘાત કરવાનું મને યોગ્ય ન‌ લાગ્યું. પરિણામે હું તેમનાથી અલગ થઈને ચાર દિવસ માટે બહારગામ ચાલ્યો ગયો.

'અને આ ચાર દિવસ દરમિયાન શું બન્યુ, એની તને ખબર છે દેવરાજ?' રતનલાલે પૂછ્યું.

'હા...આ વાત ગઈ કાલે જ મને જાણવા મળી છે. મારી ગેરહાજરીમાં એ લોકોએ તમારી ક્લબને બોંબથી ઉડાવી મૂકી છે. મેં એ લોકોને સિન્ડિકેટ સાથે સમાધાન કરી લેવા માટે ખૂબ જ સમજાવ્યા, પરંતુ તેઓ એકના બે ન થયા ! એટલે ન છૂટકે મારે તમારી પાસે આવવું પડયું છે.”

‘તમારો એ મિત્ર કોણ છે મિસ્ટર દેવરાજ ?” રહેમાને પૂછ્યું.

'અજીત...?'

'એનું નામ અજીત છે...!'

'હા...અને બાકીના બેમાં એક યુવતી છે... એનું નામ મોહિની છે...! બીજા સાથીદારનું નામ કમલ જોશી છે ! મોહિની કમલને ખૂબ જ ચાહે છે ! અજીતે જ એ બંને સાથે મારો પરિચય કરાવ્યો હતો!'

'દેવરાજ... તેં ખરેખર સિન્ડિકેટના જહાજને ડૂબતું બચાવી લીધું છે. વારૂ, આપણને ઉપાધિમાં મૂકી દે એવી કોઈ વ્યવસ્થા તો તેમની પાસે નથી ને?’

'એટલે?'

'એટલે એમ કે તેમની પાસે જે રીલ છે, એને તેઓ સરકારના હાથમાં તો નહીં પહોંચાડી દે ને?

‘ના...' દેવરાજનો અવાજ મક્કમ હતો.

'આ વાત તું આટલી ખાતરીથી કેવી રીતે કહી શકે છે ?'

'એટલા માટે કે એ લોકો પાસે રીલને સરકાર સુધી પહોંચાડવાની જો કોઈ વ્યવસ્થા હોય તો, તે હું છું ! મારા પર તેમને જબરો વિશ્વાસ છે ! અને એ વિશ્વાસના ફળ રૂપે આ ફોટાઓ અત્યારે તમારી સામે મોજૂદ છે. અજીત તો પાગલ છે જ...! સાથે સાથે મોહિની અને કમલ પણ પાગલ થઈ ગયા છે ! '

'પાગલ કૂતરાઓને હંમેશા ગોળી ઝીંકી દેવામાં આવે છે. દેવરાજ...!' કહેતાં કહેતાં અચાનક જ રતનલાલનો અવાજ એકદમ ક્રૂર અને હિંસક બની ગયો, 'હું એ કમજાતોને રીબાવી રીબાવીને મારીશ. ક્યાં છે તેઓ...?'

અને પછી દેવરાજ વિશ્વાસઘાતની પરિભાષા પૂરી કરતા હોય એમ તેમને અજીત, કમલ જોશી અને મોહિની વિશે જણાવવા લાગ્યો.

દેવરાજના કહેવાતા નિવાસસ્થાને અત્યારે મોહિની, કમલ જોશી.. તથા અજીત વાતો કરતાં બેઠાં હતાં.

‘મોહિની…” અચાનક અજીત બોલ્યો, 'તારો બદલો હજુ પૂરો નથી થયો..?'

"ના... પણ તું આવું શા માટે પૂછે છે ? શું તને મોતનો ભય લાગે છે ? ’

'ના.. એવું નથી મોહિની.'

'જરૂર એમ જ છે અજીત...!' કમલ જોશી બોલી ઊઠયો. '

'જિદગીની લાલચે તને મોતથી ગભરાવી મૂક્યો છે...! તું તારા વચનમાંથી ફરી જાય છે!'

'હા...' અજીતે ઉત્તેજીત અવાજે કહ્યું, ‘મેં તમને વચન આપ્યુ હતું પરંતુ હવે હું એનું પાલન કરી શકું તેમ નથી. એટલા માટે કે સિન્ડિકેટની તાકાત સામે આપણી હેસિયત કંઈ જ નથી. સિન્ડિકેટની પકડથી દૂર ચાલ્યા જવામાં જ આપણું શ્રેય છે કમલ...!'

'અજીત...!' મોહિની દાંત કચકચાવીને રોષ ભર્યા અવાજે બોલી, 'તું એ જ અજીત છે કે જે પોતાના જીવ કરતાંય પોતે આપેલા વચનને વધુ મહત્ત્વનું ગણતો હતો, એ વાત પર હજુ પણ મને ભરોસો નથી બેસતો !!'

'તારે જેમ સમજવું હોય તેમ સમજ મોહિની...! પરંતુ હું હવે તમને લોકોને સાથ આપીને સિન્ડિકેટનો શિકાર બનવા નથી માગતો.'

'આપણે સિન્ડિકેટના શિકાર નહીં થઈએ, પણ સિન્ડિકેટ આપણી શિકાર થશે બેવકૂફ...! સિન્ડિકેટ પાસે પૈસા તથા માણસોની તાકાત છે, તો આપણી પાસે બુદ્ધિની તાકાત છે...! દેવરાજ જેવો બુદ્ધિશાળી માણસ આપણી બાજુમાં છે! '

“ભાઈ રિપોર્ટર...પેલા ઓગણત્રીસ ફોટા સરકારને હવાલે કરીને તું સિન્ડિકેટને નેસ્તનાબૂદ કરી શકીશ એમ માનતો હો તો તારી આ માન્યતા ભૂલભરેલી છે. એ ફોટાને કારણે માત્ર સિન્ડિકેટનો વરલી-મટકાનો બિઝનેસ બંધ થશે. સમગ્ર સિન્ડિકેટનો નાશ નહીં થાય ! અને ત્યારબાદ સિન્ડિકેટ આપણી સાથે સાથે આપણાં કુટુંબીજનોને પણ નહીં છોડે !’

“તું વારંવાર આ જ વાતનો ઉલ્લેખ કરીને શું કહેવા માગે છે અજીત ?'

“એ જ કે તમે લોકો સિન્ડિકેટ સાથે અથડામણમાં ઊતરવાનો વિચાર માંડી વાળો! જોશમાં ને જોશમાં આપણે સિન્ડિકેટને જે નુકશાન પહોંચાડયું છે, તે પણ ઘણું છે !'

'ભવિષ્યમાં ક્યારેય આ વાતનું પુનરાવર્તન કરીશ નહીં અજીત ! ' કમલ કઠોર અવાજે બોલ્યો.

'કમલ... તું એક રિપોર્ટર છો... તારું ભાવિ ઘણું ઉજળું છે ! સિન્ડિકેટ સાથે અથડામણમાં ઉતરીને, તું માત્ર તારી જાતને જ નહીં; સાથે સાથે એક રિપોર્ટરને પણ બરબાદ કરી નાખીશ !

'હા... કારણ કે એ રિપોર્ટરે પોતાની નજર સામે છેલ્લો શ્વાસ લઈ રહેલા સી. આઈ. ડી.ના એક જાસૂસને વચન આપ્યું હતું. અને હું વચનનો ભંગ કરી શકું તેમ નથી. એ વચનનું પાલન કરવા માટે કદાચ મારે મારો જીવ ગુમાવવો પડે, તો પણ હું તૈયાર છું. અને હવે તો એવું થઈ ગયું છે કે જેને ભૂલી શકાય તેમ નથી.. સિન્ડિકેટના શયતાનોએ મોહનકાકાને મારી નાખ્યા છે!'

'અજીત... હું મોહનકાકાની દિકરી છું ! ' મોહિની બોલી, 'એક કોલગર્લને દિકરીની જેમ રાખીને તેમણે મારા પર જે ઉપકાર કર્યો છે. એ હું ભૂલી શકું તેમ નથી. હું મારા બાપ સમાન મોહનકાકાના ખૂનીઓને નહીં જ છોડું!’

'તું ખૂબ જ જીદ્દી છે મોહિની !'

'દેવરાજને આવતા હજુ કેટલી વાર લાગશે અજીત ?' કમલે વ્યાકુળ અવાજે પૂછ્યું.

'એ આવતો જ હશે..એણે પેલા ઓગણત્રીસ ફોટા જી. ટી. રોડ પર ક્યાંક છૂપાવી રાખ્યા છે!'

'ચાર વાગી ગયા છે... અત્યાર સુધીમાં તો તેને આવી...’ કમલનું વાક્ય અધૂરું રહી ગયું. સહસા બારણા પર ટકોરા પડ્યા.

' દેવરાજ આવી ગયો લાગે છે! ' અજીત ઊભો થઈને બારણા તરફ આગળ વધતાં બોલ્યો.

એણે બારણું ઊઘાડ્યું.

પછી બહાર ઊભેલા રતનલાલ, રહેમાન, જોસેફ અને ત્રણ સશસ્ત્ર બદમાશોને જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. રતનલાલ વિગેરે તરત જ અંદર પ્રવેશ્યા.

તેમને જોઈને મોહિની તથા કમલ એકદમ ચમકી ગયા પરંતુ તેઓ કશું સમજે કે વિચારે એ પહેલા જ રતનલાલે ગજવામાંથી રિવોલ્વર કાઢીને તેમની સામે તાકી.

'તમે બંને હાથ ઊંચા કરો...’ એ જોરથી બરાડયો. લાચારીભરી ધ્રુજારી સાથે બંનેએ હાથ ઊંચા કર્યાં. આ દરમિયાન રિવોલ્વરના જોરે એક બદમાશ અજીતને ધકેલીને કમલ તથા મોહિની પાસે લઈ આવ્યો.

'તો તારું નામ જ અજીત છે એમ ને ?' રતનલાલે અજીતનુ પગથી માથા સુધી નિરીક્ષણ કરતાં કહ્યું, “તું જ અમારી સિન્ડિકેટને બ્લેકમેઈલ કરતો હતો ખરું ને ?’

અછત ચૂપચાપ નીચું જોઈ ગયો.

‘અને તું જ મોહિની નામની કોલગર્લ છે બરાબર ને...! સરસ...!’ જોસેફે મોહિનીના ખૂબસૂરત ચહેરા સામે તાકી રહેતાં કહ્યું, 'પરંતુ લોકોનું મનોરંજન કરવાનું કામ છોડીને...'

'એ લબાડ...!' મોહિની જરા પણ ગભરાયા વગર વચ્ચેથી જ જોસેફની વાતને કાપીને જોરથી ગર્જી ઊઠી, ‘આ કોલગર્લમાં મનોરંજન કરવા સિવાય બદલાની આગ પણ ભભૂકે છે... ! મારા મોહનકાકાને મારનાર એ આગમાં સળગીને રાખ થઈ જશે એટલું યાદ રાખજે !'

'વાહ...શું ફિલ્મી હિરોઈનની જેમ ડાયલોગ બોલે છે...!' રતનલાલ હસ્યો, “લાગે છે પણ હિરોઈન જેવી જ ! મેં તારા મોહનકાકાને માર્યા છે...!”

મોહિનીની નજર રતનલાલના ચહેરા પર સ્થિર થઈ ગઈ. વળતી જ પળે એની આંખોમાં લોહી ઊતરી આવ્યું. જડબાં એકદમ ભીંસાયા. ક્રોધના અતિરેકથી ચહેરો લાલઘુમ થઈ ગયો. બંને હાથની મુઠ્ઠીઓ વળી ગઈ અને શરીર કંપવા લાગ્યું. એનું આ રૂપ જોઈને ઘડીભર તો રતનલાલ પણ ધાક ખાઈ ગયો. ભયનું એક ઠંડું લખલખું વિજળીના કરંટની માફક એના પગથી માથાં સુધી ફરી વળ્યું.

'નીચ... કમજાત...!' મોહિની કાળઝાળ રોષથી બરાડી, 'તારે જીવતા રહેવું હોય તો અત્યારે જ મને ગોળી ઝીંકી દે! જો હું જીવતી રહીશ તો તને નહીં છોડું!'

'વેરી ગુડ...વેરી ગુડ...!' રતનલાલને બદલે રહેમાને ઠાવકા અવાજે કહ્યું, 'વાહ...હું તને રાતી-પીળી જ જોવા માગું છું... માત્ર ચહેરો જ નહીં. તારું આ સુંદર યૌવન પણ જોઈશ!’

‘એ તો હું તને અત્યારે પણ બતાવી શકું તેમ છું નીચ માણસ!’ મોહિની પૂર્વવત્ અવાજે બોલી, “હું કંઈ દ્રૌપદી નથી. કે મારે વસ્ત્રાહરણથી ગભરાવું પડે ! બોલ, ઊતારું વસ્ત્રો...?' રહેમાન એકદમ હેબતાઈ ગયો.

'તું તો ખૂબ જ સ્વતંત્ર સ્વભાવની લાગે છે...! અને હોય જ ને...! ગમેતેમ તો ય તું એક કોલગર્લ છો! તારા જેવી છોકરી માટે આ બધું સામાન્ય છે !' રતનલાલે કહ્યું, 'સિન્ડિકેટ તારા જેવી સુંદરીઓનો બિઝનેસ કરે છે ! તારી જીભ બહુ લાંબી છે. સિન્ડિકેટ તને આકરી સજા કરશે ! અને આ સજા મોત નહીં હોય છોકરી... ! એ સજા હશે જીવન! નર્કભર્યું જીવન...! તને તો હું અબુધાબીથી આવનાર મારા મહેમાન સિકંદર સાથે મોકલીશ ! આ સિકંદર કોણ છે એની તને ખબર છે ? સાંભળ...એ અબુધાબીની અંધારી આલમનો બીજો નાગરાજન છે! દુનિયા આખીની

પોલીસ તેને શોધે છે, પરંતુ તેમ છતાંય તે અબુધાબીમાં રાજા-મહારાજાની જેમ જીવે છે. તારા જેવી કેટલીયે છોકરીઓ તેના મહેલમાં છે.'

'મિસ્ટર...' મોહિની પોતાની છાતી પર અંગૂઠો મૂકતાં ભાવહિન અવાજે બોલી, 'આ કોલગર્લ ઘણા બધા સિકંદરો જોઈ ચૂકી છે... ! તમારા અબુધાબીના એ સિકંદરને પણ જોઈ લઈશ.. પરંતુ દુબઈ પહોંચતા પહેલાં હું તને જરૂર ઈશ્વરના દરબારમાં તારા પાપની સજા ભોગવવા માટે પહોંચાડતી જઈશ !'

'સાલ્લી કમજાત...!' અચાનક રહેમાને રિવોલ્વર મોહિનીની છાતી સામે સ્થિર કરી.

'રહેમાન...!” રતનલાલે રહેમાનનો રિવોલ્વર વાળો હાથ પકડી લીધો, ' ખબરદાર... આને મારવાની નથી...!'

'હા...હા...હા...' મોહિનીના ગળામાંથી પ્રચંડ અટ્ટહાસ્થ નીકળ્યું.

'મોહિની...!’કમલે તેને ટોકી. મોહિનીનું અટ્ટહાસ્ય બંધ થઈ ગયું.

રતનલાલ, રહેમાન અને જોસેફ થોડી પળો સુધી મોહિની સામે તાકી રહ્યા.

‘છોકરી...!' છેવટે રતનલાલ બોલ્યો, 'તારી ઝીંદાદિલી મને ખૂબ જ ગમી છે ! સિંકદર તને ભેટ તરીકે મેળવીને અમારા પર ખુશ થઈ જશે એની મને પૂરી ખાતરી છે !'

‘સોનું ક્યાં છે... ? ' અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ રહેમાને અજીતને ઉદ્દેશીને પૂછ્યું.

અજીતે કબાટમાંથી સોનું ભરેલી બેગ કાઢીને તેને સોંપી દીધી. એ જ કબાટમાંથી રહેમાનને કેમેરાની ડુપ્લીકેટ રીલ પણ મળી આવી.

પાંચ મિનિટ પછી સિન્ડિકેટની બે કાર બંધનગ્રસ્ત અજીત, મોહિની અને કમલ જોશીને લઈને મેઘદૂત બિલ્ડીગ તરફ દોડતી હતી. રતનલાલ વિગેરેના ચહેરા પર સફળતાભરી ચમક પથરાયેલી હતી.

*********

મેઘદૂત બિલ્ડીંગના છેલ્લા માળ પર સ્થિત નાગરાજનની વિશાળ આલિશાન ઓફિસમાં સિન્ડિકેટમાં સભ્યો રતનલાલ, રહેમાન, જોસેફ, ગુપ્તા અને રીટા ઉપરાંત દેવરાજ પણ બેઠો હતો.

રતનલાલ પાસેથી દેવરાજની હકીકત જાણ્યા પછી નાગરાજન જ પ્રભાવિત થઈ ગયો હતો.

એણે સહર્ષ દેવરાજને પોતાની સિન્ડિકેટમાં સ્થાન આપી દીધું.

દેવરાજે પણ સિન્ડિકેટને વફાદાર રહેવાનું વચન આપ્યું હતું. નાગરાજન પોતાના હાથેથી વિદેશી સ્કોચના પેગ બનાવતો હતો. તેણે સાત પેગ બનાવીને એક પેગ પોતે ઊંચક્યો અને બાકીના છ એ છ એ છ જણને આપ્યા.

'રતનલાલ...' નાગરાજન આનંદભર્યા અવાજે બોલ્યો, 'તું સિન્ડિકેટનો બાહોશ ભાગીદાર છો, એ વાત તેં પુરવાર કરી દીધી. તે સિન્ડિકેટને તમામ મુશ્કેલીઓમાંથી છૂટકારો અપાવી દીધો કે... અને એ માટે હું માત્ર સિન્ડિકેટ તરફથી જ નહીં, મારા તરફથી પણ તને શાબાશી આપું છું.'

'થેંકયૂ સર...પરંતુ આ શાબાશીનો સાચો હકદાર દેવરાજ છે! એના કારણે જ આપણને છૂટકારો મળ્યો છે.”

'બરાબર છે...પરંતુ દેવરાજની પહેલાં શાબાશીનો હકદાર તું જ છો કારણ કે દેવરાજની શોધ તારી છે ! અલબત્ત, સિન્ડિકેટ દેવરાજની પણ આભારી છે. એના જેવો કાબેલ માણસ ખરેખર જ આપણી સિન્ડિકેટને ખૂબ જ મદદરૂપ થશે. ચાલો.. સૌ પોત- પોતાના પેગ ઊઠાવો...”

સૌએ આગળ વધીને પોતપોતાના પેગ ઊંચક્યા અને ધીમે ધીમે તેમાંથી ઘૂંટડા ભરવા લાગ્યા.

'રતનલાલ... આ જિંદગીમાં અભ્યાસનું ખૂબ જ મહત્વ છે, એ વાત આજે જ મને સમજાય છે!' નાગરાજને પોતાના પેગમાંથી એક ઘૂંટડો ભરતાં કહ્યું, 'તું સિન્ડિકેટનો એક માત્ર એવો ભાગીદાર છો કે જેણે વકીલાતનો અભ્યાસ કર્યો છે. જો તું સિન્ડિકેટની વિરુદ્ધ વકીલાત કરત તો પણ આજે પ્રખ્યાત વકીલ બની ગયો હોત ! સિન્ડિકેટના માદક પદાર્થોના બિઝનેસમાં પણ મદદ કરે એમ હું ઇચ્છું છું. સિન્ડિકેટને આજ સુધી આ બિઝનેસ માટે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને નેપાળ પર આધાર રાખવો પડે છે. આ દેશોમાંથી માદક પદાર્થો ખરીદીને દુનિયાના અન્ય દેશોમાં સપ્લાય કરે છે. પરંતુ આમ કરવાથી આપણને જેટલો નફો મળવો જોઈએ. તેટલો નથી મળતો. જે કંઈ નફો મળે છે, એ માલ પકડાવાને કારણે હણાય જાય છે. એટલે સિન્ડિકેટ આપણી દેવગઢની જમીન પર માદક પદાર્થો તૈયાર કરવાનો પ્લાન્ટ નાખે એવો નિર્ણય મેં કર્યો છે.”

'આપને નિર્ણય ઉત્તમ છે સર!' રતનલાલ બોલ્યો, 'જો સિન્ડિકેટ માદક પદાર્થોના પ્લાન્ટમાં સફળ થઈ જાય તો આપણે માટે નફાનો ગાળો વધવાની સાથે સાથે આપણી તમામ મુશ્કેલીઓનો પણ અંત આવી જશે. અત્યારે પાકિસ્તાનથી કચ્છની સરહદ મારફત આપણો જે માલ આવે છે, તે અવારનવાર પકડાઈ જાય છે. આપણાં કેટલાંય માણસોને પણ જીવ ગુમાવવા પડયા છે, ઉપરાંત ત્રાસવાદીઓની ઘુસણખોરી અટકાવવાના પગલાં રૂપે આ સરહદ પર ચાંપતી નજર રાખવામાં આવે છે, પરિણામે અત્યારે આપણી ખેપ આવતી પણ બંધ થઈ ગઈ છે. અત્યારે આપણી પાસે માદક પદાર્થોની જે માંગ છે, તેને પહોંચી વળવાનો એક માત્ર ઉપાય આ છે અને પ્લાન્ટ શરૂ થઈ ગયા પછી આપણે બહારથી માલ મંગાવવાની જરૂર નહીં રહે !'

'પરંતુ સર...' અચાનક રીટા બોલી, નાગરાજને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. 'માદક પદાર્થોના પ્લાન્ટ નાંખતા પહેલાં આપણને એ પદાર્થો તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની જરૂર પડશે. ફોર્મ્યુલા વગર આપણે તે પદાર્થો તૈયાર નહી કરી શકીએ.’

'તારી વાત સાચી છે રીટા...! ' નાગરાજન બોલ્યો, 'પરંતુ આનો ઉપાય પણ મેં વિચારી રાખ્યો છે.'

'આપણે માદક પદાર્થોની ફોર્મ્યુલા તૈયાર કરાવીશું'

'કેવી રીતે..?'

'એના માટે આપણે કેમિકલ એન્જિનયરો અને ડૉક્ટરની મદદ લેવી પડશે. દરેક જાતના માદક પદાર્થો અફીણમાંથી તૈયાર થાય એ તો તમે જાણતા જ હશો ?'

'આપણે પ્લાન્ટ નાખતા પહેલાં આ ડોકટરોનું અપહરણ કરાવીને તેમની પાસે માદક પદાર્થોની ફોર્મ્યુલા બનાવડાવી લેશું.'

'આપનો આ વિચાર ખૂબ જ સારો છે સર...!

સિન્ડિકેટ પોતાની જ ફેક્ટરીમાં હેરોઈન, એલ. એસ. ડી. મોર્ફિન, કોકેન અને બ્રાઉન શુગર તૈયાર કરશે, તે ખરેખર આપણે માટે ગર્વ લેવા જેવી વાત છે. આવા સુંદર વિચાર માટે આ રતનલાલ આપને અભિનંદન આપે છે ! આટલા વર્ષોમાં આજે સિન્ડિકેટના હિતમાં પહેલી જ વાર આપે જે વિચાર રજૂ કર્યો છે, એ માટે હું આપનો ખૂબ જ આભારી છું.' કહેતાં કહેતાં અચાનક જ રતનલાલનો દેખાવ અને દિદાર એકદમ બદલાઈ ગયા. એની છેલ્લી વાતમાંથી ભારોભાર કટાક્ષ નીતરતો હતો.

'રતનલાલ...' નાગરાજન જોરથી બરાડ્યો.

'તારા હાથ ઊંચા કર કમજાત...' રતનલાલ પોતાના ગજવામાંથી રિવોલ્વર કાઢીને નાગરાજન સામે તાકતા હિંસક અવાજે બોલ્યો, 'જલદી કર...!'

'હરામખોર...બેઈમાન...!'

રતનલાલનો અણધાર્યો વિશ્વાસધાત તેને હચમચાવી ગયો હતો. 'શટ અપ...' રતનલાલ જોરથી તાડૂક્યો, 'હાથ ઊંચા કર તારા...'

‘દગાબાજ...!' નાગરાજને હાથ ઊંચા કરતા સિન્ડિકેટના બાકીના સભ્યો સામે જોયું.

રહેમાને પોતાની રિવોલ્વરથી જોસેફ, ગુપ્તા અને રીટાને કવર કરી રાખ્યા હતા. જ્યારે દેવરાજ ઊભો થઈને નાગરાજનની પાછળ પહોંચી ગયો હતો. એના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી નાગરાજનની ગરદન પર હતી.

'નાગરાજન...!' રતનલાલ કાળઝાળ અવાજે બોલ્યો, જે ખુરશી પર તું બેસે છે, એ તારા જેવા બેવકૂફ માટે નથી. એના પર રતનલાલનો... મારો હક્ક છે. તારા જેવો અક્કલનો આંધળો પાડો અંધારી આલમનો બાદશાહ કેવી રીતે બની ગયો તેની મને ખૂબ જ નવાઈ લાગતી હતી. મને બેઈમાન અને દગાબાજ કહેનાર નાગરાજન, પહેલાં તું તારી જાતનો વિચાર કર! દગો આપીને આગળ વધવાનો પાઠ તેં જ મને શીખડાવ્યો છે. છેલ્લા ચાર મહિનાથી હું અને રહેમાન તને ઊથલાવવાનું ષડયંત્ર રચતા હતા અને આજે એ સફળ થશે... સિન્ડિકેટ પર કોઈ એક માણસનો અધિકાર ન હોવો જોઈએ. તું સિન્ડિકેટને તારા બાપની મિલકત માનતો હતો. આપણી સિન્ડિકેટના મૂળ આજે ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ ગયા છે. સિન્ડિકેટ સાથે સંકળાયેલો દરેક માણસ કાયદાનો દુશ્મન છે. જ્યારે તું તો વરલી મટકાના બિઝનેસ સાથે સંકળાયેલા હજારો માણસોને જેલમાં પહોંચાડવાનો નિર્ણય લઈ ચૂક્યો હતો. આ નિર્ણય એ લોકો સાથે વિશ્વાસઘાતની નિશાની રૂપ હતો. ચાલ મરવા માટે તૈયાર થઈ જા...! તારા જેવા અક્કલના ઊંટનું દુનિયામાં કંઈ જ કામ નથી.' વાત પૂરી કરીને રતનલાલે ટ્રેગર પર આંગળી મૂકી.

નાગરાજનની ભયથી ત્રસ્ત બની ગયેલી આંખો રતનલાલના હાથમાં જકડાયેલી રિવોલ્વર સામે જ જડાયેલી હતી.

—અને પછી શાંત વાતાવરણમાં ઉપરાઉપરી બે ગોળીઓનો અવાજ ગુંજી ઊઠયો.

-એ સાથે જ બે ચીસો પણ ગુંજી...!

-એ ચીસો હતી રતનલાલ તથા રહેમાનની...!

સૌની નજર નાગરાજનની પાછળ ઊભેલા દેવરાજ પર સ્થિર થઈ.

દેવરાજના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળીમાંથી નીકળતો ધુમાડો પુરવાર કરતો હતો કે રતનલાલ તથા રહેમાન પર એણે જ ગોળી છોડી હતી.

ગોળી સીધી જ એ બંનેની ખોપરીમાં પ્રવેશી ગઈ હતી. નાગરાજનની ખુરશી પર બેસવાનું રતનલાલનું સપનું અધૂરું રહી ગયું હતું.

નાગરાજન સહિત સિન્ડિકેટના બાકીના ભાગીદારો પણ પ્રશંસા ભરી નજરે દેવરાજ સામે તાકી રહ્યા હતા.

_ અને દેવરાજ...?

એની તિરસ્કારભરી નજર જમીન પર પડેલા રતનલાલ અને રહેમાનના મૃતદેહ પર સ્થિર થયેલી હતી.