૯ : યાતના અને પૂછપરછ
કમલ જોષી જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને બંધનગ્રસ્ત હાલતમાં જોઈ. એના દેહ પર વસ્ત્રોના નામે એક અંડરવીયર જ હતો.
અત્યારે તે એક વ્હીલ ચેર પર એવી રીતે જકડાયેલો હતો કે લાખ ઇચ્છા હોવા છતાંય એ માત્ર પોતાની ગરદન સિવાય શરીરના બીજા કોઈ પણ અંગને જરા પણ હલાવી શકે તેમ નહોતો.
નાયલોનની દોરી તેને પોતાના હાથ-પગ અને શરીરના અન્ય ભાગેની ચામડીમાં ખૂંચી ગયેલી ભાસતી હતી.
વ્હીલ ચેરના હેન્ડલ પર લંબાયેલા એના બંને હાથ લોહીનું ભ્રમણ અટકી જવાને કારણે સૂઝી ગયેલા દેખાતા હતા. નસો પણ ફુલી ગયેલી દેખાતી હતી. કોઈ પણ પળે પોતાની નસો ચામડી તથા માંસને ચીરીને ફાટી પડશે એવો તેને ભાસ થતો હતો. એના ચહેરા પરથી દાઢી-મૂછ અને ચશ્મા તથા પાઘડી ગુમ થઈ ગયાં હતાં. ચહેરા પર ચોટેલા ગુંદરને કારણે અત્યારે તેને ખૂબ જ ખંજવાળ આવતી હતી.
એના માથાના વાળ વીખેરાયેલા હતા. એની હાલત ખૂબ જ દયાજનક હતી.
એની આંખોમાં લાચારીનાં ચિન્હો સાથે આંસુ ચમકતાં હતાં. આંસુ ભરી આંખે એણે ગરદન ફેરવીને ચારે તરફ નજર કરી. તે એક કાચા કામનો કેદીઓને રાખવામાં આવે છે તેવી કોટડી હતી. ગોળાકાર છત પર પોલીસના ટોર્ચર રૂમમાં હોય છે, એવો લાઈટ જેવો પ્રકાશ ફેંકતો બલ્બ સળગતો હતો. બલ્બના તીવ્ર પ્રકાશ અને ગરમીને કારણે એનું શરીર પરસેવાથી મજેબ બની ગયું હતું. આંખો એકદમ અંજાઈ જતી હતી.
લખલખાટ તીવ્ર પ્રકાશ પૂંજમાં આંખો અંજાઈ ગઈ હોવાનો કારણે કોટડીનું બારણું કઈ તરફ છે, એ તેને નહોતું દેખાતું. રહી રહીને તેના કાનમાં મોહિનીના શબ્દો ગુજતા હતા.
'કમલ, જો તું સહી સલામત રીતે વિશાળગઢની બહાર નીકળી શકીશ તો એને હું દુનિયાની આઠમી અજાયબી માનીશ અને આ અજાયબી જોઈને મને આશ્ચર્યની સાથે સાથે આનંદ પણ થશે. અને મોહિનીનો ભય સાચો પડયો હતો.
કમલ જોશી નાગરાજનની સિન્ડીકેટના માણસની ચુંગાલમાં આબાદ સપડાઈ ગયો હતો. એ પોતાની જાતને મુકત અનુભવતો હતો, બરાબર ત્યારે જ તેને પકડી લેવામાં આવ્યો હતો.
કમલને પોતાની ચારે તરફ મોતના પગલાં ગુંજતાં સંભળાતા હતાં. નાગરાજનની તાકાતનો પરિચય તેને મળી ગયો હતો.
એના માણસો અસંખ્ય લોકો અને પોલીસ સુધ્ધાંને મૂરખ બનાવીને તેનું અપહરણ કરી લાવ્યા હતા. સહસા એની આંખો સામે ધૂંધળી દેખાતી દીવાલમાં એક બારણું ઉઘડ્યું. અને બારણું ઉઘડયું ત્યારે જ એના અસ્તિત્વનો કમલને ખ્યાલ આવ્યો હતો.
ઉઘાડા બારણામાંથી ભારે ભરખમ દેહ ધરાવતો એક પોતાના થાંભલા જેવા પગ વડે ધરતીની છાતીને રગદોળતો કમલ જોશીની નજીક આવીને ઊભો રહ્યો. આગંતુક બીજું કોઈ નહીં પણ નાગરાજનની સિન્ડીકેટનો હિંસક, ખુંખાર અને કુર ગણતો રહેમાન જ હતો ! એ રહેમાન જેને કમલે હોટલમાંથી નાસતી વખતે મારી મારીને અધમૂઓ કરી નાખ્યો હતો અત્યારે એ જ રહેમાન કમલની સામે ઊભો હતો.
તેની પાછળ બીજા ત્રણ બદમાશો હતા. પરંતુ આંખો બંધ હોવાને કારણે કમલ તેમને નહોતો ઓળખી શક્યો.
બકરાને હલાલ કરતાં પહેલાં કસાઈ જે રીતે તેમાંથી કેટલું લોહી નીકળશે એનું નજર વડે માપ કાઢતો હોય, બરાબર એ જ રીતે રહેમાન કમલના ચહેરા સામે તાકી રહ્યો હતો. કમલે અડધી બીડાયેલી આંખે તેની સામે જોયું. પરંતુ પછી તરત જ એ નીચું જોઈ ગયો. એનામાં રહેમાન સામે નજર મેળવવાનું સાહસ નહોતું.
રહેમાનનો ભારે ભરખમ પંજો કમલ જોશીના વાળને જકડીને સખત થતો ગયો. કમલને પોતાના વાળની સાથે સાથે માથાની ચામડી ઉખડતી લાગી.
એના મોંમાંથી વેદનાભર્યો ચિત્કાર સરી પડ્યો. એની પીડાને ગણકાર્યા વગર રહેવાને કમલે જોશીની ગરદનને પાછળના ભાગ તરફ વાળીને એના ચહેરાને બલ્બ સામે કર્યો. છત પર સળગતા બલબનો તીવ્ર પ્રકાશ ભઠ્ઠીમાં ગરમ કરેલી રેતીની માફક જાણે કે કમલ જોશીની આંખમાં પ્રવેશી ગયો. રહેમાનની પક્કડ એટલી બધી મજબૂત હતી કે તેનું શરીર બંધનગ્રસ્ત હોવા છતાં પણ તરફડવા લાગ્યુ. તે પોતાની આંખોને બંધ નહોતો કરી શકતો. તેના મોમાંથી પીડાભરી તીણી ચીસો નીકળવા લાગી. "સાલા કમજાત...” રહેમાન કાળઝાળ અવાજે બોલ્યો, "અંગૂઠા જેવડો છોકરો અમને નાક વડે પાણી પીવડાવવા માટે નીકળી પડયો હતો એમ ને ! ચહેરા પરથી તું ભોળા પારેવા જેવો લાગે છે, પરંતુ તારુ કામ તો હિંસક દિપડા જેવું છે. હોટલમાં મેં તારી વાંદરા જેવી ઉછળકુદ જોઈ છે. તે સરકસમાં કામ કર્યું હોય એવું તો નથી લાગતું.' કહીને એણે તેના વાળ છોડી દીધા. કમલ હાંફવા લાગ્યો.
‘સાલ્લા ગેંડા...” રહેમાને પૂર્વવત અવાજે કહ્યું, “ અહીં તારે કારણે મારે મારા બોસની ગાળો ખાવી પડી. આજ સુધી મેં જે લોકો પર હાથ અજમાવ્યો છે, એમાંથી કોઈએ મને તારા જેટલો નથી હંફાવ્યો. તું નાગરાજનની સિન્ડીકેટ સાથે અથડામણમાં ઊતર્યો છે એની તને ખબર નથી લાગતી... ! તું મોત સાથે બાથ ભીડે છે, એ વાત તારા મગજમાં નહોતી આવી ? નહીં જ આવી હોય ! જો આવી હોત તો તું મારા પડછાયાથી પણ સો ફૂટ દૂર રહેવામાં જ તારું કલ્યાણ માનત!' કહી, પીઠ ફેરવીને રહેમાન પોતાની સાથે આવેલા ત્રણમાંથી એક બદમાશને ઉદ્દેશીને આદેશાત્મક અવાજે બોલ્યો, ‘પીટર, બલ્બ બૂઝાવીને ટયુબલાઈટ ચાલુ કર !'
પીટર નામધારી બદમાશે આગળ વધીને રહેમાનના આદેશનું પાલન કર્યો. બલ્બનું સ્થાન હવે ટ્યુબલાઈટે લઈ લીધું.
દાઝયા પછી બરનાલ ટ્યુબ લગાવવાથી જે ઠંડક વળે, બરાબર એવી જ ઠંડક કમલે ટયુબલાઈટના પ્રકાશથી અનુભવી હતી.
એણે રહેમાનની સાથે આવેલા ત્રણેય બદમાશોને ઓળખવા પીટર નામધારી બદમાશ એ જ હતો કે જેણે રેલવે સ્ટેશન પર પોતાની જાતને સી.આઈ.ડી. ઇન્સ્પેકટર ગણેશ વાડેકર તરીકે ઓળખાવી હતી. બાકીના બંને બદમાશોને પણ એણે રેલવેસ્ટેશન પર વાડેકર ઉર્ફે પીટરની સાથે જોયા હતા.
કમલે આંખો પટપટાવીને પોતાની સામે જલ્લાદની માફક ઊભેલા રહેમાન સામે જોયું.
‘તો તું રિપોર્ટર છો એમ ને ?' રહેમાને જાણે બાળકને રમાડતો હોય એમ કમલ જોશીના ગાલ થપથપાવતાં પૂછ્યું. 'હા...' કમલે એક ઊંડો શ્વાસ લેતો જવાબ આપ્યો.
'વેરી ગુડ... વેરી ગુડ... તું રિપોર્ટર છે અને અહીં રિપોર્ટરગિરી કરવા માટે આવ્યો હતો તો પછી તારે માત્ર રિપોર્ટ તૈયાર કરીને તારા અખબારના તંત્રીને મોકલી આપવો જોઈતો હતો. અમે તારા અખબારના તંત્રી સાથે ફોડી લેત! એ બાપડો દોડતો દોડતો અહીં આવીને તે તૈયાર કરેલો રિપોર્ટ અમારા ચરણોમાં મૂકી જાય એવી વ્યવસ્થા અમે કરત! પરંતુ તારે આમ ફિલ્મોના હીરાની જેમ બદમાશોના જંગમાં વચ્ચે કૂદી પડીને હીરોગીરી કરવાની જરૂર નહોતી. એક વાત તો તું પોતે પણ કબૂલ કરીશ કે અમે તારા સગા નથી તેમ દુશ્મન પણ નથી.”
કમલે મુંઝવણભરી નજરે રહેમાન સામે જોયું. કારણ કે રહેમાન હવે તેની સાથે મૈત્રીભર્યા અવાજે વાતો કરતો હતો.
'જો, ભાઈ... હું તને કોઈ જાતનું નુકસાન પહોંચાડવા નથી માગતો. અમે લોકો જે ગેરકાયદેસર કામ કરીએ છીએ, તેમાં સરકારને નુકસાન છે. અમારા કામથી તારા ગજવામાંથી એક રૂપિયો પણ નથી જતો. અમારે તારી સાથે કોઈ જાતની દુશ્મનાવટ નથી... ! તું અમારો દુશ્મન નથી બરાબર ને ? '
કમલે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.
'પેલો સાલ્યો કમજાત..., બળદેવ... કમજાત જે થાળીમાં જમ્યો, એમાં જ એણે છેદ કર્યો. અમે તેને અમારી દુનિયામાં આશરો આપ્યો. પરંતુ એ લબાડે અમારો જ વિશ્વાસઘાત કર્યો. એણે અમારી સિન્ડિકેટની એક મહત્ત્વની ડાયરીના પાનાઓને કેમેરાની રીલમાં કેદ કરીને સરકારનો બાતમીદાર બનવાનું નક્કી કરી ચૂકયો હતો. જોગાનુજોગ બોસને આ વાતની ખબર પડી ગઈ. પરંતુ એ કમજાત અમારા પંજામાંથી છટકી ગયો. ન છૂટકે અમારે તેના પર ગોળી છોડવી પડી...' કહીને પોતાના કથનની અસર જાણવા માટે રહેમાને કમલ જોશી સામે જોયું. કમલ ભાવહીન ચહેરે ચૂપચાપ એની વાત સાંભળતો હતો.
'એ કમજાત હોટલના કંપાઉન્ડમાં જ મૃત્યુ પામ્યો હોત તો તારે આ બખેડામાં ફસાવાની જરૂર જ ન પડત! મારે તારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. મને તારી સામે કોઈ ફરિયાદ નથી. તમે મુંબઈગરાઓ બહુ દિલાવર હો છો ને કોઈનેય મુશ્કેલીમાં નથી જોઈ શકતાં એ હું જાણુ છું. અને એમાંય તું તો રિપોર્ટર છે... કલમજીવી છો... તારા જેવો માણસ તો કોઈની યે પીડા કે દુ:ખ નથી જોઈ શકતો. હું તારા હૃદયની લાગણીને બરાબર સમજું છું. તું માત્ર માણસાઈ ને ખાતર જ આ હવનનું લાકડું બની ગયો છો એની મને ખબર છે. હું તારી લાગણીની કદર કરું છું ભાઈ! એક ઘાયલ માણસને આશરો આપી, રૂમમાં લઈ જઈ ને તે તારી ફરજ બરાબર રીતે બજાવી છે...! વાહ માણસ હોય તો તારા જેવો...! તારી માણસાઈને હું વંદન કરું છું.'
'એ બધી મારી માણસાઈ હતી તો એની સજા તમે મને આવી રીતે શા માટે આપો છો?' કમલે પૂછ્યું.
'હવે હું તને શું કહું મારા ભાઈ !' રહેમાનને જોઈને અત્યારે કોઈ જ એમ શકે તેમ નહોતું કે આ એ જ રહેમાન છે કે જેની ગણના નાગરાજનની સિન્ડિકેટમાં જલ્લાદ તરીકે થતી હતી. અત્યારે એ બોલતો હતો ત્યારે એના અવાજમાંથી ગામડીયા જેવું ભોળપણ નીતરતુ હતું, "આ બધુ તો મારે લાચારીવશ, ન છૂટકે જ કરવું પડયું છે. પણ તું ગભરાઈશ નહીં. હું તને અહીંથી દિલ્હી સુધી પ્લેનની ટિકિટ કપાવી આપીશ...! તું રાજધાની એક્સપ્રેસ કરતાં પણ વહેલો દિલ્હી પહોંચી જઈશ...! લાવ, કેમેરો મને આપી દે!' વાત પૂરી કરીને એણે સ્નેહાળ નજરે કમલ સામે જોયું.
'મારી પાસે કેમેરો નથી !'
'અરે...તું ગભરાય છે શા માટે ? ” જાણે કોઈક નાના બાળકને ફોસલાવતો હોય એવા અવાજે રહેમાને કહ્યું, ‘હું તને કંઈ નહીં કહું ! મારા નસીબમાં તારી પાછળ દોડાદોડી કરવાનું લખ્યું હતું, એ મેં કરી લીધી છે. હું તને પ્લેનમાં દિલ્હી મોકલીશ. ઉપરથી રોકડા પૈસા પણ આપીશ. બળદેવે તને જે કેમેરો સોંપ્યો હતો, એ કેમેરો હું તારી પાસે માગું છું.'
‘મેં કહ્યું તો ખરું કે મારી પાસે કોઈ કેમેરા નથી.' કમલ મક્કમ અવાજે બોલ્યો.
'પ્લીઝ...! હું તને પ્લીઝ કહું છું. રહેમાન તને પ્લીઝ કહે છે "
'મેં કહ્યું ને...' કમલ ચીસ જેવા અવાજે બોલ્યો, 'તમે કહો છો એવો કોઈ કેમેરો મારી પાસે નથી.’
'એ ભાઈ...' સહસા રહેમાનનો દેખાવ અને દિદાર એકદમ બદકાઈ ગયા. એનો ચહેરો ભઠ્ઠીમાં તપાવેલા તાંબાની માફક લાલઘુમ થઈ ગયો. એના અવાજમાંથી કારમો રોષ નીતરતો હતો, “આ.. તું મારી સામે જો. મેં રહેમાને તને પ્લીઝ કહ્યું, મારી જિંદગીમાં મેં આ શબ્દ નથી બોલ્યો ! માત્ર હુકમ જ ચલાવ્યો છે...! હવે ડાચામાંથી ભસી મર કે એ કેમેરા કર્યા છે ? ” "મારી પાસે કોઈ કેમેરો નથી !"
'નથી...?' રહેમાનનો અવાજ વધુ કઠોર થયો. કમલે નકારાત્મક ઢબે માથું હલાવ્યું.
'તો તારે નથી જ કહેવું એમ ને?' રહેમાને નિર્ણયાત્મક અવાજે પૂછયું .. કમલે કંઈ જવાબ ન આપ્યો.
અને ત્યારબાદ જાણે કે રહેમાન પાગલ થઈ ગયો. એ પોતાના રાઠોડી હાથના મુક્કાઓ હથોડાની માફક કમલના ચહેરા પર ઝીંકવા લાગ્યો. કમલની આંખો સમક્ષ કોટડીની દીવાલો ધ્રુજવા લાગી. એના ચહેરા પર ઠેકઠેકાણે ઉઝરડા પડતા ગયા અને તેમાંથી લોહીની ધાર વહેવા લાગી.
જ્યારે રહેમાન પોતાની જાત પર ઊતરી આવીને બૂમો પાડતો એના ચહેરા પર મુક્કા ઝીંકતો જતો હતો.
'બોલ કમજાત...કેમેરો ક્યાં છે..? જલદી બોલ...નહીં તો મારી મારીને તારાં હાડકાં-પાંસળાં એક કરી નાખીશ.'
એના દરેક મુક્કે કમલના ગળામાંથી નીકળતી ચીસ કાળજું કંપાવતી કોટડીની દીવાલો વચ્ચે ગુંજતી હતી.
અને ત્યારબાદ એક જબરદસ્ત મુકકાની સાથે વ્હીલ ચેર પાછળના ભાગમાં ઊથલી પડી. રહેમાનનો દેહ કાળઝાળ રોષથી કંપતો હતો.
' પીટર...' એણે પીટર સામે જોઈને કહ્યું, 'આ કમજાતને છત પર ઊંધે માથે લટકાવી દે ! એ માઈનો લાલ મોં નહીં ઉઘાડે એવું મને લાગે છે.’
પીટર હકારમાં માથું હલાવીને વ્હીલ ચેર તરફ આગળ વધી ગયો.
રહેમાન પોતાના ભયંકર ચહેરા પર વળેલો પરસેવો લૂછવા લાગ્યો.
—વીસ મિનિટ પછી...
કોટડીનો દેખાવ પહેલાં કરતાં પણ વધુ ભયંકર અને કાળજું કંપાવી મૂકનારો બની ગયો હતો.
કમલ જોશી કોટડીની છત પર અવળો લટકતો હતો. તેનો ચહેરો સૂઝી ગયો હતો. હોઠ ફૂલીને મોટા થઈ ગયા હતા. તેના પર લોહી જામી ગયું હતું. બંને આંખોની નીચે ઢીમા ઊપસી આવ્યાં હતાં.
રહેમાનના મુકકાએ એના સમગ્ર ચહેરાનો દેખાવ બદલી નાખ્યો હતો. અત્યારે રહેમાનની હિંસક પશુ જેવી ચમકતી આંખો કમલના દેહ પર ફરતી હતી.
એણે ચામડાના પટ્ટાને પોતાના કાંડા પર વીંટાળ્યો. કમલના વાળને પકડીને પોતાની તરફ ખેંચતા ક્રૂર અવાજે કહ્યું “હું તને છેલ્લી વાર પૂછું છું. બોલ, ક્યાં છે એ કેમેરો ?'
“હુ કોઈ કેમેરા વિશે નથી જાણતો ' કમલ વેદનાભર્યા અવાજે બોલ્યો.
'નથી જાણતો...?'
'ના...'
કમલનો નકારાત્મક જવાબ સાંભળીને ફરીથી એક વાર રહેમાનના મગજ પર શયતાન સવાર થઈ ગયો.
એના હાથમાં જકડાયેલા ચામડાના પટ્ટાના ફટકા સ્પાક.. સ્પાક...ના અવાજ સાથે કોરડાના રૂપમાં કમલ જોશીના દેહ પર ઝીંકાવા લાગ્યા.
દરેક ફટકાની સાથે કમલના મોંમાંથી ચીસ નીકળી પડતી. દરેક પ્રહારની સાથે એના શરીરની ચામડી ઉખડતી જતી હતી. લોહીની ધાર ઉખડેલી ચામડી સાથે જમીન પર ટપકવા લાગી. છેવટે કમલની ચીસો શાંત પડતી ગઈ.
રહેમાનના ફટકાથી હવે એના મોંમાંથી ચિત્કાર સુધ્ધાં નહોતો નીકળતો. રહેમાનનો હાથ અટકવાનું નામ નહોતો લેતો.
'બોસ...બોસ...!' સહસા પીટરે આગળ વધીને રહેમાનનો ખંભો હચમચાવ્યો.
રહેમાનનો હાથ અટકી ગયો. એણે આગ્ને ય નજરે પીટર સામે જોયું.
'આ...આ બેભાન થઈ ગયો છે...!' પીટરે કમલ તરફ સંકેત કરતાં ખમચાતા અવાજે કહ્યું.
'ઓહ...' અચાનક જ જાણે પરિસ્થિતિનું ભાન થયું હોય એમ રહેમાન બોલી ઊઠ્યો, “આ કમજાતને જલદીથી નીચે ઉતાર... એ મરી ન જાય એનું ધ્યાન રાખજે...'
પીટર એના હુકમનું પાલન કરવા માટે પોતાના બંને સાથીદારો સાથે અવળે મોંએ લટકતા કમલના બેભાન દેહ તરફ આગળ વધી ગયો.
રહેમાને પોતાના હાથમાં જકડાયેલા ચામડાના, લોહીથી ખરડાયેલા પટ્ટાને એક તરફ ફેંકી દીધો. ત્યારબાદ કમલના બેભાન દેહ પર એક ઉડતી નજર ફેંકીને એ બહાર નીકળી ગયો.
********
નાગરાજનની પીળી કોડી જેવી આંખો અત્યારે લોહીયાળ બનીને આવેલા રહેમાનના ચહેરા પર ફરતી હતી.
અત્યારે સૌ આકાશ મહેલના છેલ્લા માળ પર નાગરાજનની વિશાળ હોલ જેવી ઓફિસમાં મોજુદ હતા. જોસેફ, રતનલાલ, રીટા અને ગુપ્તા : આ ચારેય પથ્થરના પૂતળાની જેમ ખુરશીઓ પર બેઠા હતા.
જ્યારે રહેમાન પોતાના ખુરશી પાસે કોઈક ગુનેગારની જેમ માથું નીચું રાખીને ઊભો હતો.
ઓફિસની સમુદ્ર તરફની બારી અત્યારે ઉઘાડી હતી. એરકન્ડીશન બંધ હતું.
સમુદ્ર તરફથી આવતી હવાની ઠંડક ઑફિસમાં છવાયેલી હતી. 'રહેમાન...' ગોફણમાંથી પથ્થર છૂટે એમ નાગરાજનના મોંમાંથી ક્રોધરૂપી જવાળાની વચ્ચે લપેટાયેલો આ એક શબ્દ બહાર ફેંકાયો. રહેમાન ચૂપચાપ માથું નીચું રાખીને ઊભો રહ્યો.
'રહેમાન...' નાગરાજન પૂર્વવત અવાજે બોલ્યો, “મારા બાપ બનવાનું સપનું તો તું નથી જવા લાગ્યો ને..? આ...' એણે પોતાની સિંહાસન જેવી ખુરશી તરફ આંગળી ચીંધી, “આ ખુરશી પર બેસવાનું સપનું તો તે નથી જોયું ને? બોલ.. જવાબ આપ તારી બોબડી બંધ શા માટે છે ? '
'હું'...” રહેમાનનો અવાજ ભય અને ગભરાટથી કંપતો હતો. મને...મને સપનામાંય આવો વિચાર ન આવે સર!'
'મને તો તું આમ જ વિચારતો હોય એવું લાગે છે. તારા કરતૂત તો એ જ પુરવાર કરે છે કે, તું મારા અસ્તિત્વને સાવ ભૂલી જ ગયો હતો.'
'મને... મને માફ કરી દો સર !' રહેમાન કરગરતા અવાજે બોલ્યો. 'શયતાનની ઉપમા મેળવી સાલ્લા લબાડ માફી માગે છે ? એક તો મારા બાપ બનવાનો પ્રયાસ કરે છે અને ઉપરથી માફી માગે છે ? મેં તને કામ સોંપ્યું હતું એ જ તારે કરવાનું હતું. તે તારા કામની સાથે સાથે મારું કામ પણ કર્યું..! બોલ, આવું તે શા માટે કર્યું ?”
'સ...સ..સર..'
'બકરીની જેમ બે...બે કરવાને બદલે માથું ઊંચું કરીને બોલ...!'
'સર...!” રહેમાને પોતાનું ગેંડા જેવું માથું ઊંચું કરતાં “હું કોઈક નક્કર પરિણામ મેળવીને પછી જ આપની પાસે કહેવા માગતો હતો. પરિણામ મેળવવવા માટે જ મેં એ રિપોર્ટરને કારમી યાતનાઓ આપી હતી. બાકી મારે તેની સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી. મેં એને કેમેરા વિશે પૂછપરછ કરી હતી.'
'હું...' નાગરાજન કઠોર અવાજે બોલ્યો, “શું જવાબ આપ્યો એણે ?
'મે... મેં... સર.'
"રહેમાન...” નાગરાજન કઠોર અવાજે બોલ્યો, ' બકરીની જેમ ..બે બે... કરતાં માણસો પ્રત્યે મને સખત ચીડ છે.'
“સર...એના કહેવા મુજબ તે એ કેમેરા વિશે કશું જ નથી જાણતો.
'આવું એણે ક્યારે કહ્યું ! '
'મેં એને પૂછ્યું ત્યારે ...'
'સરસ...' નાગરાજનના અવાજમાં ભરપુર કટાક્ષ હતો,
'જે સવાલનો જવાબ એણે તને પહેલાથી જ આપી દીધો હતો, એ જ સવાલ તે એને યાતનાઓ આપી આપીને પૂછ્યો ખરું ને? રહેમાને હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
'સાલા કમજાત...' સહસા નાગરાજન વીફરેલા અવાજે બોલ્યો. 'તારી યાતનાઓ દરમિયાન જો એ રિપોર્ટરનો દિકરો મરી ગયો હોત તો તું ક્યા ઝાડ પરથી કેમેરો તોડી લાવત એ સવાલનો કોઈ જવાબ છે તારી પાસે ? '
'સર...હું કેમેરા વિશે જ...’
'હું એમ પૂછું છું કે.. નાગરાજન વચ્ચેથી જ એને કાપીને જોરથી બરાડયો, “ જો એ મૃત્યુ પામ્યો હોત તો કયાંથી કેમેરો લાવત ?'
'ક્યાંયથી નહીં...' રહેમાને થોથવાતા અવાજે જવાબ આપ્યો.
'તો પછી તું શા માટે એના પર તૂટી પડયો...?તને ખંજવાળ આવતી હતી તો, ખંજવાળ મટાડવા માટે દીવાલ ઉપયોગ કરવો હતો ને...?’ દીવાલની જગ્યાએ તે એના બરડાનો ઉપયોગ શા માટે કર્યો ? મારી મંજુરી વગર તે શા માટે કોઈ યાતનાઓ આપી?'
'સ.. સોરી.. સર...!'
‘આજે તે જાતે જ નિર્ણય લઈ ને જે પગલું ભર્યું છે, એની સજા તને મળવી જ જોઈએ. પરંતુ તારા માથામાં માણસનું નહીં પણ શયતાનનું દિમાગ છે એ હું જાણું છું...તું માત્ર તારા પાડા જેવા શરીરનો જ ઉપયોગ કરી જાણે છે ! અક્કલથી કામ કરતાં તને નથી આવડતું! શા માટે...? એટલા માટે કે તારા માથામાં શયતાનનું દિમાગ છે ! આ શયતાનના દિમાગને તિલાંજલી આપી કેમેય બુદ્ધિનો ઉપયોગ કરવાનું શીખ નહીં તો...આમ જો...’ નાગરાજને બારીની બહાર દૂર સમુદ્ર તરફ જોયું.
રહેમાને કંપતી નજરે સમુદ્ર તરફ જોયું.
'આમ જો...’ નાગરાજને કહ્યું, 'બુદ્ધિનો ઉપયોગ કરવાનું નહીં શીખે તો આ સમુદ્રની માછલી તારા પહેલવાન જેવા શરીરનું કરી જશે.'
'હું દિલગીર છું સર...!'
'ઠીક છે, બેસી જા..'
નાગરાજનની વાત સાંભળીને જાણે નવું જીવન મળ્યું હોય એવા હાવભાવ રહેમાનના ચહેરા પર છવાઈ ગયા. એ સ્ફૂર્તિથી પોતાની ખુરશી પર બેસી ગયો.
'રીટા...' નાગરાજન બોલ્યો.
'સ.. સર...' રીટા પોતાની ખુરશી પરથી ઊભી થઈ ગઈ. આ ગેંડાએ એ રિપોર્ટરને જે રીતે યાતનાઓ આપી છે, તે જોતાં એ કેમેરા વિશે કશું જ નથી જાણતો લાગતો ! જો જાણતો હોત તો આટલી યાતનાઓ સહન કર્યા પછી એ જરૂર કેમેરા વિશે ભસી નાખત એવું મને લાગે છે.’
'સર...આ બાબતમાં અત્યારે કશું જ કહી શકાય તેમ નથી.”
'શું?'
‘એ જ કે એ કેમેરા વિશે કંઈ જાણે છે કે નહીં !'
'તો ક્યારે કહી શકાય તેમ છે?'
'એ રિપોર્ટરને મળ્યા પછી...! રહેમાને તેને યાતનાઓ આપતાં આપતાં માત્ર એક જ સવાલ પૂછ્યો હશે કે એ કેમેરો ક્યાં છે ?'
'હા...અને આ સવાલ જ મુદ્દાનો છે!'
'બરાબર છે... પરંતુ હું એને બીજા જ સવાલો પૂછીશ. જો મારા સવાલોના જવાબ આપે તો માની લેજો કે એ નિર્દોષ છે. કેમેરા વિશે તે કશું જ નથી જાણતો. પરંતુ મારા સવાલોના યોગ્ય જવાબ તે નહીં આપી શકે એવું મને લાગે છે.'
'એમ...?'
'હા..'
'તો પછી એનું મોં ઉઘડાવવાની જવાબદારી હું તને સોંપું છું રીટા!' નાગરાજને કહ્યું.
'ભલે.. પરંતુ તે કેમેરા વિશે મને જણાવી દેશે એવી ખાતરી હું નથી આપતી.”
'ઓહ...' નાગરાજનનો ઉત્સાહ સોડાવોટરના ઉભારાની જેમ શમી ગયો, ‘તો પછી શું લાભ?'
'લાભ તો ઘણો થશે સર! કેમેરો તેની પાસે છે કે નહીં? તે હું ચોક્કસ પૂરવાર કરી બતાવીશ.”
'જો કેમેરો તેની પાસે હોત તો મને ન મળત?' રહેમાન ખુરશી પરથી ઊભો થઈને બોલ્યો, ‘મેં એના બરાબર તલાશી લીધી છે...! એની બ્રીફકેસના ટૂકડેટૂકડા કરી નાખ્યા પરંતુ ક્યાંયથી મને કેમેરો નથી મળ્યો.’
'તું તારી બોબડી બંધ રાખીને ચૂપચાપ બેસી જા.' નાગરાજને ભડકીને કહ્યું, ‘આ વાત તો તું અગાઉ પણ દસ વાર કહી ચૂક્યો છો.” રહેમાન અપમાનનો કડવો ઘૂંટડો ગળે ઊતારીને ખુરશી પર બેસી ગયો.
'સર ..!' રીટા બોલી, ‘મેં હમણાં જ કહ્યું તેમ જે માનવી મારા તર્કસંગત સવાલોના તર્કસંગત જવાબ આપીને પોતે તે વિશે કંઈ નથી જાણતો એમ પુરવાર કરે, તો માની લેજો કે તે નિર્દોષ છે.'
સહસા કાઉન્ટર જેવા લાંબા અર્ધચંદ્રાકાર ટેબલ પર વિવિધ રંગોના ટેલિફોનમાંથી, સફેદ કલરના ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.
નાગરાજનના સંકેતથી રીટાએ આગળ વધી રિસીવર ઊંચકીને કાને મૂક્યું.
ત્યારબાદ એણે એકાદ મિનિટ સુધી સામે છેડેથી કહેવાયેલી વાત સાંભળી. પછી નાગરાજન સામે જોઈને બોલી, 'સર, એ રિપોર્ટર ભાનમાં આવી ગયો છે.'
'ઇશ્વરનો મોટો ઉપકાર કે એ મર્યો નથી.' નાગરાજનના અવાજમાં રહેમાન પ્રત્યે નકરતનો સૂર હતો, “જો એ મૃત્યુ પામ્યો હોત તો... ખેર, ચાલ...આપણે જ તેની પૂછપરછ કરીએ....'
'તો... ચાલો...' રીટા દ્વાર તરફ આગળ વધતાં બોલી. ગુપ્તા અને રહેમાનને ત્યાં જ પડતાં મૂકીને નાગરાજન તથા રીટા બહાર નીકળી ગયાં.
લીફટ મારફત તેઓ એ જ ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરની નીચે, ભોંયરાના એક રૂમમાં પહોંચ્યા.
રૂમમાં ભરપુર અજવાળુ હતું.
તેના બરાબર વચ્ચેના ભાગમાં પાથરેલા એક પલંગ પર અત્યારે કમલ જોશી સૂતો હતો. એના આખા શરીર પર ડ્રેસિંગ કરીને પટ્ટીઓ ચોંટાડવામાં આવી હતી.
ચહેરા પર ઠેકઠેકાણે ડ્રેસિંગ કરીને ચોંટાડવામાં આવેલી પટ્ટીઓ પર વચ્ચેથી રૂ દેખાતું હતું.
- પલંગ પાસે આધેડ વયનો ડોકટર જેવો દેખાતો એક માનવી ઊભો હતો.
નાગરાજનને જોઈને તે સ્ફૂર્તિથી એક તરફ ખસી ગયો. નાગરાજને તેને બહાર જવાનો સંકેત કર્યો. એ તરત જ બહાર નીકળી ગયો.
નાગરાજન તથા રીટાએ કમલ સામે જોયું.
કમલ પણ સ્થિર નજરે એ બંને સામે તાકી રહ્યો હતો. નાગરાજન કેટલીયે વાર સુધી એની આંખોમાં આંખો પરોવીને ઊભો રહ્યો.
કમલની નજર નહોતી હારતી એ જોઈ તે તેને ખૂબ જ નવાઈ લાગતી હતી. કમલ હજુ પણ એકીટશે એની સામે તાકી રહ્યો હતો.
કમલની નજરનો તાપ નાગરાજન જેવો માણસ પણ ન જીરવી શક્યો. 'રીટા...આની તબીયત સારી નથી લાગતી.' એણે રીટા સામે જોતાં કહ્યું.
'મારી તબીયત સારી જ છે !' કમલ સ્પષ્ટ અવાજે બોલ્યો. નાગરાજને આગળ વધી પલંગ પર બંને હથેળી ટેકવી એના ચહેરા પર નમીને પૂછયું, 'તું મને ઓળખે છે ? ?
કમલે ધીમેથી હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
'કોણ છું હું...?'
'વિશાળગઢની અંધારી આલમનો બેતાજ બાદશાહ...! નાગરાજન...!' કમલનો અવાજ ભાવહીન હતો.
કમલ જોશીની આ વાત કોણ જાણે કેમ નાગરાજનને ગાળ જેવી લાગી.
એ રોષથી હોઠ પીસીને રીટા સામે જોવા લાગ્યો. રીટા આગળ વધીને કમલની બાજુમાં પલંગ પર બેસી ગઈ.
'તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી.' એ સ્મિત ફરકાવીને બોલી, “હવે કોઈ તમને યાતનાઓ નહીં આપે. તમને યાતનાઓ આપવાની અમને જરા પણ ઇચ્છા નથી.’
'તો પછી તમે શું ઇચ્છો છો ?'
‘એ જ કે જે તમારી પાસે છે !'
'મારી પાસે તો માત્ર મારો જીવ છે!'
'અમે તમારો જીવ લેવા નથી માગતા!” રીટાના અવાજમાં ભરપુર આત્મીયતા હતી.
'તો પછી મને અહીં શા માટે કેદ કરવામાં આવ્યો છે ?'
બળદેવે તમને જે કેમેરો આપ્યો છે, એ ક્યાં છે ? '
'હું કોઈ કેમેરા વિશે નથી જાણતો.’
કમલનો જવાબ સાંભળીને નાગરાજને ક્રોધથી દાંત કચકચાવ્યા. રીટાએ નાગરાજનનો હાથ દબાવ્યો પછી કમલના ચહેરા પર આવેલા હાવભાવનું નિરીક્ષણ કરતાં કહ્યું. 'કંઈ વાંધો નહીં તમે કેમેરા વિશે કંઈ નથી જાણતા એ અમે કબૂલ કરીએ છીએ. હવે તો તમે ખુશ છો ને ?'
'હું નાનો બાળક નથી મેડમ !' કમલ સ્મિત ફરકાવતાં બોલ્યો.
'જો તમારી પાસે કેમેરો ન હોય તો તમને જે યાતનાઓ આપવામાં આવી એ બદલ હું રહેમાન તથા સિન્ડિકેટ તરફથી માફી માંગું છું.'
"એની કંઈ જરૂર નથી.”
"ઠીક છે...” રીટાએ બેદરકારીપૂર્વક ખભા ઉછાળતાં કહ્યું, "પરંતુ મારા અમુક સવાલોના જવાબ તમારે આપવા પડશે.”
"પૂછો... તમારા સવાલના જવાબ મારાથી આપી શકાય તેમ હશે તો હું જરૂર આપીશ."
'વેરી ગુડ...હવે સૌથી પહેલાં તો મને એ જણાવો કે જે તમારી પાસે બળદેવે આપેલો કેમેરો નહોતો, તો પછી તમે હોટલ પરથી શા માટે ફિલ્મી હીરોની ઢબે મારામારી કરીને નાસી છૂટયા ?'
“હું ખૂબ જ ગભરાઈ ગયો હતો..." કમલ બોલ્યો, ‘મેં એક ઘાયલ માનવીને મદદ કરવાના હેતુથી મારા રૂમમાં આશરો આાપ્યો હતો. પરંતુ રૂમમાં પ્રવેશતાં જ એ મૃત્યુ પામ્યો હતો. હું એ અજાણ્યા માનવીના મૃતદેહને કારણે નાહક જ ખૂનના આરોપમાં ફસાવા નહોતો માંગતો.’
'પરંતુ હોટલમાંથી નાસીને તો તમે ઊલટું તમારી જાતને ખૂની પુરવાર કરતા હતા. હોટલના રજીસ્ટરમાં ભલે તમે તમારા નામ- સરનામાં ખોટા લખાવ્યા હોય, પરંતુ પોલીસને વહેલાં-મોડી સાચી હકીકતની ખબર પડી જ જવાની હતી. હોટલમાંથી નાસી છૂટ્યા પછી પણ કાયદારૂપી જોખમની તલવાર તો તમારા માથે લટકતી હતી. કમ સે કમ એક રિપોર્ટર તો આવું મૂર્ખ પગલું ભરે જ નહીં. એ તો તરત જ પોલીસને ફોન કરે.'
'હું કાયદાના ભયથી નહોતો નાસી છૂટ્યો!'
'તો....'
'પોતાની પાછળ બદમાશો પડ્યા છે, એવું મરતાં મરતાં એ માનવીએ મને જણાવ્યું હતું. એ બદમાશો મારા રૂમ પાસે પહોંચ્યા હતા. તેઓ જોરજોરથી બારણું ખટખટાવતા હતા.
એ ભયથી જ હું નાસી છૂટ્યો હતો.’
‘તમારે એ બદમાશોથી ગભરાવાની શું જરૂર હતી ?'
‘એટલા માટે કે મેં પ્રયાસ કર્યો હતો તેમના શિકારને આશરે આપવાનો.'
“ઓહ... તો તમે એ બદમાશો એટલે કે સિન્ડિકેટના માણસોના ભયથી નાસી છૂટયાં ખરું ને?'
'જી...'
‘તમે જે માણસને તમારી રૂમમાં આશરો આપ્યો હતો, મે મરતાં પહેલાં તમને કોઈ કેમેરો નહોતો સોંપ્યો ? ’
“ના... મને કોઈ જ કેમેરાની ખબર નથી.’
‘તમને ખબર નથી એ તો અમે પહેલાં જ કબૂલી ચૂક્યા છીએ. ખેર, તમે સિન્ડિકેટના માણસોના ભયથી પહેલાં છત પર પહોંચ્યા. અને ત્યાં રહેમાન વિગેરેને સિમેન્ટની ગુણીઓથી અધમૂઆ કરી નાખ્યા પછી નીચે ઊતરીને નાસી છૂટયા બરાબરને ?”
'હા...'
'તમે નાસી છૂટયા ત્યારે તમારી પાસે પૈસા નહોતા...'
'એવું કોણે કહ્યું... ? મારા ગજવામાં એ વખતે પૂરા સાડા ત્રણ હજાર રૂપિયા હતા જેમાંથી બે હજાર તમારા માણસો મને અહીં પકડી લાવ્યા ત્યારે પણ મારા ગજવામાં મોજુદ હતા.'
'ઓકે.. ઓકે.. હોટલમાંથી નાસી છૂટ્યા પછી તમે ક્યાં ગયા હતા?'
'મને ખબર નથી.'
'એટલે...?'
'જુઓ મેડમ..! હું આ શહેરથી તદ્દન અજાણ્યો છું. એટલે હું ક્યાં પહોંચ્યો હતો એની મને ખબર નથી.”
'વારૂ, તમારા શરીર પર નવાં નકોર વસ્ત્રો, નવા બૂટ વિગેરે ક્યાંથી આવ્યા ?'
'આ બધું મે ખરીધું હતું.'
'ક્યાંથી...?'
'એ જગ્યા રેલવે-સ્ટેશનની આજુબાજુમાં જ ક્યાંક હતી. એ શોપીંગ કોમ્પલેક્ષની અમુક દુકાનો જ ઉઘાડી હતી.’
'તમે આ શહેરથી અજાણ્યા છો એટલે એ શોપીંગ કોમ્પલેક્ષના નામની તો તમને ખબર નહીં જ હોય! ખેર, નકલી દાઢી, સુંદર અને મેકઅપનો અન્ય સામાન ? '
‘એ બધું મેં ખરીદ્યું હતુ. સિન્ડિકેટના માણસોની નજરમાંથી બચવા માટે જ મેં સરદારજીનું રૂપ ધારણ કર્યું હતું.”
'સરદારજીનો મેકઅપ તમે ક્યાં કર્યો હતો ?'
'રેલવે સ્ટેશનના ટોઈલેટમાં...'
'વેરી ગુડ... તમે તો જાણે કોઈક રિપોર્ટ તૈયાર કરી નાખ્યો હોય એ રીતે મારા સવાલોના જવાબ આપી દીધા!' રીટા એક- એક શબ્દ પર ભાર મૂકતાં બોલી.
'રીટા...' નાગરાજન જોરથી બરાડ્યો, 'આ રિપોર્ટરનો દિકરો એકદમ ખોટું બોલે છે.'
'હું જાણું છું...” કહેતાં કહેતાં રીટાનો ચહેરો એકદમ કઠોર બની ગયો.
'મિસ્ટર કમલ, મારા સવાલોના જે જવાબ તમે આપ્યા, તેમાંથી એકેય જવાબ તર્કસંગત નથી. તમે શરૂઆતથી જ ખોટું બોલતા આવ્યા છે.'
'કેવી રીતે...?'
'એટલા માટે કે તમે તમારા એકેય જવાબનો પુરાવો આપી શકો તેમ નથી. કારણ કે તમે દરેક જવાબની સાથે આ શહેરથી તમે અજાણ હોવાનું બહાનું શોધી લીધું છે. મિસ્ટર કમલ, તમે એક રિપોર્ટર છો.. અને રિપોર્ટર જે શહેરમાં જાય એ શહેર એનાથી અજાણું રહેતું નથી. અને આ વાત પરથી જ પુરવાર થઈ જાય છે કે તમે શહેરથી અજાણ્યા નથી. આ શહેરમાં જરૂર તમારુ કોઈક શુભેચ્છક છે. હોટલમાંથી નાસીને તમે સીધા એની પાસે જ ગયા હતા. તમે સરદારજીનો મેકઅપ ધારણ કરીને અમારી સિન્ડિકેટને મૂરખ બનાવવાનો પ્રયાસ કર્યો. જે કેમેરા વિશે નથી જાણતાનો કક્કો ઘૂંટો છો, એ કેમેરો વાસ્તવમાં તમારા કોઈક શુભેચ્છક પાસે પડયો છે.”
‘આ...આ વાત તદ્દન ખોટી છે...' કમલના અવાજમાં વિરોધનો સૂર હતો.
'શટ અપ...!' રીટા જોરથી ગર્જી ઊઠી, ' તમે કોની સાથે અથડામણમાં ઊતર્યા છો અને આ અથડામણનો શું અંજામ આવે એની તમને ખબર છે ? '
'હા... ખબર છે...!' કમલ જોશીનો અવાજ એકદમ શાંત હતો, ‘હું વિશાળગઢની અંધારી આલમના બેતાજ બાદશાહ ગણાતા નાગરાજન સાથે અથડામણમાં ઊતર્યો છું. અને આ અથડામણને અંજામ મારું મોત આવી શકે તેમ છે... મારો મૃતદેહ વિશાળગઢની તે કોઈક ગંધાતી ગટરમાંથી મળી આવશે એની મને ખબર છે. પરંતુ કંઈ વાંધો નહીં... મારો કદાચ આવો અંજામ આવે તો મને એની જરા પણ પરવાહ નથી. હું ખુશીથી મરવા માટે તૈયાર છું.' ‘જરૂર...જરૂર...તારી આ ઇચ્છા પણ પૂરી કરવામાં આવશે. પરંતુ મરતાં પહેલાં તારે કેમેરા વિશે જણાવવું જ પડશે... તું તો શું... તારા પરમ પૂજ્ય પિતાશ્રીને પણ મોં ઉઘાડવું પડશે.”
"જવાબમાં જાણે નાગરાજનની મજાક ઉડાવતો હોય એવું સ્મિત કમલે ફરકાવ્યું.
એનું સ્મિત જોઈને નાગરાજન ક્રોધથી કાળઝાળ બની ગયો. આજ સુધી કોઈએ એનું આવું ઠંડું અપમાન નહોતું કર્યું. એણે તરત જ ગજવામાંથી રિવોલ્વર ખેંચી કાઢીને કમલ સામે તાકી.
'સાલ્લા કમજાત...!’ એ હિંસક અવાજે બોલ્યો, “આજે હું તને જીવતો નહીં મૂકું...!'
પરંતુ તે ટ્રેગર દબાવે એ પહેલાં જ રીટાએ ગજબનાક સ્ફૂર્તિ વાપરીને એના હાથમાંથી રિવોલ્વર આંચકી લીધી.
'આ... આ આપ શું કરો છો સર... ?' એ બોલી, 'આપ ગોળી છોડો એમ જ આ ઇચ્છે છે ! એને મોત જોઈએ છે, ને એ આપ તેને આપવા માટે તૈયાર થઈ ગયા છો. આપણે તેની પાસેથી હજુ કેમેરો મેળવવાનો બાકી છે, એ વાત આપ શા માટે ભૂલી જાઓ છો ?’
નાગરાજન ઊંડા ઊંડા શ્વાસ ખેંચતો ક્રોધથી સળગતી નજરે કમલ જોશી સામે તાકી રહ્યો.
જ્યારે કમલના ચહેરા પર પૂર્વવત્ રીતે નાગરાજનની મજાક ઊડાવતું સ્મિત ફરકતું હતું.
'મિસ્ટર... તો તમારે કેમેરા વિશે નથી જ જણાવવું એમ ને?' છેવટે રીટાએ નિર્ણયાત્મક અવાજે પૂછયું.
'તમારા આ સવાલનો જવાબ હું અગાઉ આપી જ ચૂક્યો છું મેડમ!' કમલનો અવાજ ભાવહીન હતો.
'ઠીક છે...' રીટાએ નાગરાજનને ઉદ્દેશીને કહ્યું, 'ચાલો સર...!' નાગરાજને આગ્નેય નજરે કમલ સામે જોયું.
પછી તે રીટા સાથે બહાર નીકળી ગયો.