Andhari Aalam - 8 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 8

Featured Books
Categories
Share

અંધારી આલમ - ભાગ 8

૮. : શયતાની સિન્ડિકેટ....!

કમલ જોશી પથ્થરના પુતળાની જેમ સ્થિર ઊભો હતો. માત્ર એની આંખોના ડોળ જ ફરતા હતા. ક્યારેક જમીન પર પડેલા કેમેરા તરફ તો ક્યારેક ખુરશી પર બેઠેલી મોહિની તરફ !

ઘણું વિચાર્યા પછી પણ તે કોઈ નિર્ણય નહોતો કરી શકતો. એના કાનમાં મોહિનીનાં વાક્યો પડઘો પાડીને ગુંજતાં હતાં. એની વાતમાં કઠોરતાની સાથે સાથે એક સચ્ચાઈ હતી... નીલકમલ હોટલમાં પહેલી વાર જોઈને એણે તેના પ્રત્યે જે લાગણી અનુભવી હતી, એ લાગણીનો અહેસાસ હતો.

કમલ એકીટશે ખુરશી પર બીજી તરફ મોં ફેરવીને બેઠેલી મોહિની સામે તાકી રહ્યો.

એના મગજમાં નાગરાજનનું અસ્તિત્ત્વ તોફાનની માફક ગાજતું હતું. અંધારી આલમની ભયંકરતાની કલ્પના માત્રથી જ એનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં.

જો મોહિનીની વાત સાચી હોય તો એ ખરેખર જ આ અજાણ્યા શહેરમાં કૂતરાનાં મોતે માર્યો જવાનો હતો. નાગરાજન વિરૂદ્ધ પોતે ઉઠાવેલું પગલું પોતાના મોત સુધી જ પહોંચશે એ હકીકત તેને સમજાઈ ગઈ હતી. એની આંખો સામે અંધકાર ફરી વળ્યો. એ અંધકારમાં તે જે સપનું સેવીને વિશાળગઢ આવ્યો હતો, એ પત્તાના મહેલની જેમ તૂટવા લાગ્યું. અંડર વર્લ્ડ વિશે સનસનાટીભર્યા સમાચાર મેળવીને પત્રકાર આલમમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવાનું સપનું !

પરંતુ નાગરાજનના દુશ્મન બનીને એણે એક પત્રકારના મૃત્યુના સર્ટિફિકેટ પર જાણે કે સહી કરી નાખી હતી.

એક પત્રકારનું ખૂન..… ! હા... એક પત્રકારનું ખૂન થઈ ગયું હતું...! રહી ગયો હતો કમલ ! માત્ર કમલ જોશી જ... ! નાગરાજનનો દુશ્મન કમલ જોશી... ! પોતાના અનિશ્ચિત જીવનની સલામતી ઝંખતો કમલ જેશી... !

'હે ઈશ્વર…' એણે બંને હાથે પોતાનું માથું પકડી લીધું. હમણાં જ પોતે જમીન પર ઢળી પડશે એવો ભાસ તેને થતો હતો. પોતાની દૃઢ ઇચ્છાશક્તિથી એણે પોતાની જાતને સંભાળી, નીચા નમીને કેમેરો ઊંચકી લીધો.

એક પત્રકારના ખૂન માટે એની આંખોમાં આંસુ ચમકી ઊઠયાં. અશ્રુભરી ધુંધળી નજરે એણે એ કેમેરા સામે જોયું કે જે એક પત્રકારના દેહ પર કફન બનીને વીંટળાઈ ગયો હતો.

પોતાનાં ધ્રુસકાં પર કાબૂ મેળવીને એણે શર્ટની બાંયથી આંખો લૂછી. એના ચહેરા પર દૃઢતાની રેખાઓ છવાઈ ગઈ. કેમેરા હાથમાં લઈને તે મોહિની પાસે પહોંચ્યો. એણે જોયું તો મોહિનીનો ખૂબસૂરત ચહેરો આંસુથી તરબતર હતો. મોહિનીએ માથું ઊંચું કરીને કમલ સામે જોયું.

'મને.. મને માફ કરી દે મોહિની!' કમલ જોશી ગળગળા અવાજે બોલ્યો, 'મને માફ કરી દેજે. મારા હૃદયમાં છૂપાયેલો પત્રકાર તારી નિર્દોષ, પવિત્ર લાગણીને મારા પર ફેંકવામાં આવેલી એક મોહપાશની જાળ સમજી બેઠો હતો. તારા કહેવા પ્રમાણે જો હું ખરેખર જ નાગરાજનનો દુશ્મન બની ગયો હોઉં તો સમજી લે કે એ પત્રકાર મરી પરવાર્યો છે. હવે હું કમલ છું માત્ર કમલ જોશી..! મને કમલ જોશીને માફ કરી દેજે મોહિની!”

'કમલ..' મોહિની ખુરશી પરથી ઊભી થઈને તેને વળગી પડી. એ ઘ્રુસકાં ભરતી હતી. એની આંખોમાંથી વહેતાં આંસુ કમલ જોશીના ખંભાને ભીનો કરતાં હતાં.

કમલ પણ પોતાના આંસુ પર કાબૂ નહોતો મેળવી શક્યો. બંને એકબીજાના આલિંગનમાં જકડાઈને આંસુ સારતા હતા. થોડી પળો બાદ મોહિની તેનાથી અલગ થઈ ગઈ. એણે પોતાની આંખો લૂછી નાખી.

' કમલ...' એ ઉત્તેજીત અવાજે બોલી, ‘તેં તે ખોટું કરી નાંખ્યું છે કમલ ! નાગરાજન સાથે દુશ્મનાવટ ઊભી કરીને તું ખરેખર જ તારા જીવનો દુશ્મન બની ગયો છે. એ લોકો ખૂબ જ શક્તિશાળી છે. તને એ લોકોની તાકાતની ખબર નહીં હોય, પરંતુ હું તેમને બરાબર ઓળખું છું. તેઓ ધારે તે કરી શકે છે. તે.. તે હાથે કરીને શા માટે એ જલ્લાદો સાથે દુશ્મનાવટ વહોરી લીધી? શા માટે?'

'મોહિની.'

મોહિનીએ પ્રશ્નાર્થ નજરે કમલ સામે જોયું.

‘મોહિની...” કમલનો અવાજ ગંભીર હતો, “ક્યારેક ક્યારેક માણસથી જાણ્યે-અજાણ્યે એવું કામ થઈ જાય છે કે જેની એણે કલ્પના પણ નથી કરી હોતી. મારામાં રહેલો પત્રકાર વિશાળગઢની અંધારી આલમના સનસનાટીભર્યા સમાચાર મેળવવા અહીં આવ્યો હતો. અત્યારે જે સંજોગો ઊભા થયા છે, તે માણસમાં રહેલી નૈતિકતાએ ઊભા કર્યા છે. મારામાં રહેલી નૈતિકતા મુશ્કેલીમાં ફસાયેલા મને એક ઘાયલ મણસ તરફથી મોં નહોતી ફેરવી શકી. એ ઘાયલ માણસ મને આ કેમેરો સોંપી ગયો છે. મેં ભારતના એ સાચા સપૂતને આ કેમેરો સહી-સલામત રીતે દેશના ઉચ્ચાધિકારી સુધી પહોંચાડવાનું વચન આપ્યું છે. હું તો એ પણ નથી જાણતો કે આ કેમેરામાં શું છે? જાણું છું માત્ર એટલું જ કે આ કેમેરા દેશના દુશ્મનોને જ મૂળમાંથી બરબાદ કરવા માટે અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે. કલમની તાકાતથી ગુનાઓ અને ગુનેગારો વિરુદ્ધ લડનારો એક રિપોર્ટર આ હકીકતથી કેવી રીતે મોં ફેરવી લે? મેં મૃત્યુ પામેલા દેશભક્તને જે વચન આપ્યું છે, એ હું પૂરું કરીશ. મારા જીવના જોખમે પણ હું એને આપેલાં વચનનો અમલ કરીશ.'

'આ કેમેરો તને કોણે સોંપ્યો હતો કમલ ? અને સાંભળ... મારાથી કોઈ વાત છૂપાવીશ નહીં..! મને તારા શરીરનો જ એક ભાગ માનજે. તને કંઈ આપી શકું એવી યોગ્યતા તો મારામાં નથી પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે જરૂર પડ્યે આ કોલગર્લ તારે માટે હસતાં હસતાં પોતાનો જીવ પણ આપી દેશે. તને મારા પ્રત્યે લાગણી છે અને એ લાગણીનો બદલો હું મારો જીવ આપીને પણ ચૂકવવા જરાય નહીં અચકાઉં! હા આ મોહિની તને પ્રેમ કરે છે... સાચા હૃદયથી પ્રેમ કરે છે. અલબત્ત પ્રેમના અહેસાસ સિવાય તને આપવા માટે મારી પાસે બીજું કશું જ નથી. મારા આ ઉપરથી સુંદર અને ખૂબસૂરત શરીરમાં અંદરખાનેથી એટલી બધી ગંદકી ભરી છે કે જ્યાં પ્રેમનો અહેસાસ સંતોષનો એક શ્વાસ પણ લઈ શકે છે તેમ નથી. આપણા બંનેનો સંબંધ માત્ર પ્રેમના અહેસાસ સુધી જ સિમિત છે. મારું આ શરીર તારે માટે મૃતદેહ સમાન છે... જીવતી લાશ સમાન છે.. તારો હક માત્ર આ શરીરમાં ધબકતા હૃદય પર જ છે ! એ હક તું માગીશ, તે પહેલાં જ હું તને અર્પણ કરી દઈશ. બોલ, આ કેમેરો તને કોણે સોંપ્યો છે ? ? '

'તારી લાગણીની હું કદર કરું છું મોહિની...!’ કમલ ભાવુક અવાજે બોલ્યો. પ્રેમના અહેસાસની દીવાલ એટલી ઊંચી હોય છે કે જેની ટોચ સુધી શારિરીક સંબંધની વાત ક્યારેય નથી પહોંચી શકતી !”

" ક્યારેય આ જાતના સબંધની આશા પણ રાખીશ નહીં. કમલ !'

'ના... મને આવો હલકો વિચાર સપનામાંય આવશે નહીં !'

'ખેર, આ કેમેરો તને કોણે સોંપ્યો. એ હવે હું જાણવા માગું છું.'

'એ સી.આઈ.ડી.નો ઑફિસર હતો.'

'સી. આઇ.ડી....?'

'હા...સી.આઈ.ડી...અર્થાત્ સેન્ટ્રલ ઈન્ટેલિજેન્સ ડિપાર્ટમેન્ટ !' કમલ બોલ્યો, 'આ આપણા દેશની એક ગુપ્તચર સંસ્થા છે. આ સંસ્થા વાસ્તવમાં દેશની સલામતિનો પાયો છે. સી.આઈ.ડી.ના એજન્ટો દેશના સલામતિરૂપી મહેલને અખંડ રાખે છે. એ એજન્ટ આ મહેલના પાયાની જ એક ઈંટ સમાન હતો. મરતા પહેલાં એણે આ કેમેરો મને સોંપ્યો હતો.’

'ઓહ...તો એનો અર્થ એ થયો કે તે એક જાસૂસ હતો.'

“હા...અને આવા જાસૂસોની જિંદગી ક્યારે, ક્યાં, કઈ પળે, કયા સંજોગોમાં પૂરી થઈ જાય છે તેનું કંઈ જ નક્કી નથી હોતું. તેમ એને પણ પોતાની જિંદગીનો કોઈ મોહ નથી હોતો. તેઓ સદાયે માથા પર કફન બાંધીને જ મિશન પર નીકળ્યા હોય છે. પોતાનું મિશન કોઈ પણ રીતે પાર પાડવું એ જ તેમની જિંદગીનો મુખ્ય ઉદ્દેશ હોય છે. મોતના અંધકારમાં ડૂબીને એ પોતાના ઉદ્દેશરૂપી મશાલને મારા હાથમાં મૂકતો ગયો છે મોહિની ! '

'અને આ મશાલને પ્રકાશ સુધી સહીસલામત રીતે પહોંચાડી દઈશ એમ તું માને છે કમલ ?' કહેતાં કહેતાં મોહિનીના ચહેરા પર કટાક્ષયુક્ત સ્મિત ફરકયુ. “ ના, કમલ ના...! તું કદાચ આ.. નહીં કરી શકે ! નાગરાજનની સિન્ડિકેટને જડમૂળમાંથી ઊખેડીને ફેંકી શકે એવો કોઈક ભેદ એ જાસૂસે આ કેમેરામાં કેદ કર્યો હશે એમ હું માનું છું અને જો આ વાત સાચી હોય તો સિન્ડીકેટની તાકાત કોઈ પણ સંજોગોમાં આવું નહીં થવા દે ! અર્થાત ભેદ રૂપી મશાલને પ્રકાશ સુધી નહીં પહોંચવા દે!'

‘મોહિની...' કમલના મોંમાંથી આશ્ચર્યોદ્ગાર સરી પડયો.

'દોસ્ત...' મોહિનીના અવાજમાં ભરપુર આત્મીયતા હતી, 'હું હંમેશા સાચું જ કહું છું. અત્યારે તો આ કેમેરા કરતાં પણ વધુ ફિકર મને તારી થાય છે... તારી જિંદગી...’

'ના...ના...મોહિની...!' કમલ વચ્ચેથી જ એની વાત કાપી નાખતા બોલ્યો, ‘આ કેમેરો મારા હૃદયના ધબકારા સમાન છે...! મારા જીવ કરતાંય આ કેમેરો વધુ કીમતી છે!'

“મારા માસૂમ દોસ્ત. અત્યારે તું લાગણીના પૂરમાં તણાયેલો છે એટલે મારી વાત તારા મગજમાં નહીં ઉતરે. જિંદગીથી મોટી કિંમત આ દુનિયામાં બીજી કોઈ વસ્તુની નથી હોતી. લોકોએ આમાં જીવથી પણ વધુ વહાલી કે કીમતી હોવાની કહેવત ઘડી કાઢી છે. મૃત્યુ પછી માણસ પાસે કંઈ જ નથી બચતું. જ્યારે આ વહાલી કે કીમતી વસ્તુ ગુમાવ્યા પછી માણસની જિંદગી બાકી રહે છે અને આ જિંદગીમાં ફરીથી કોઈક વહાલી કે કીમતી વસ્તુ આવી જાય છે. !  હૃદયના ધબકારા ચાલુ હશે તો આવી બીજી અનેક કીમતી વસ્તુઓ મળી રહેશે.'

'એ જાસૂસે આ કેમેરા માટે પોતાનો જીવ આપી દીધો છે. તે વાત તું શા માટે ભૂલી જાય છે મોહિની ? '

'કબૂલ...પરંતુ એ જાસૂસ હતો...! જાસૂસની ફરજ અને તારી ભાવુકતામાં જમીન-આકાશનો તફાવત છે કમલ ! એક જાસૂસની રગેરગમાં દેશભક્તિ, તેના ઉદ્દેશના કીટાણુ ભરીને એને દુનિયાના તમામ સંબંધોથી જુદો કરી નાખવામાં આવે છે. તું પાગલ નથી કમલ ! તું લાગણીના પૂરની થોડી પળોમાં જાસૂસ બની શકે તેમ નથી કે જે માત્ર પોતાની ફરજ અને ઉદ્દેશ માટે જ જીવે છે. તેમ મા-બાપ, ભાઈ, બહેન અને સમાજના વિચારો જ્યારે તને ચારે તરફથી ઘેરી વળશે ત્યારે તું આ કેમેરાને તારે માટે ઉપાધિ, મુશ્કેલી માનવા લાગીશ.”

'મોહિની...' કમલ નીચું જોઈ ગયો.

'એમ નહીં... મારી સાથે નજર મેળવીને બોલ કે હું સાચું કહું છું કે નહીં ? '

કમલ એની સાથે નજર ન મેળવી શક્યો.

મોહિનીની આંખોમાં સચ્ચાઈ હતા.

એણે સાચું જ કહ્યું હતું કે જાસૂસમાં અને તેનામાં જમીન- આસમાનનો ફરક છે.

'કમલ...” મોહિની એના ચહેરા પર છવાયેલા હાવભાવ પારખીને બોલી, ‘જે થઈ ગયું તેને માટે પસ્તાવો ન કરવો જોઈએ. કારણ કે પશ્ચાત્તાપ એ એક એવી ગુંગળામણ છે કે જેની પીડા મૃત્યુથી પણ બદતર છે. હું એક કોલગર્લ બની ગઈ! હું મારી મરજીથી ... મારી ઈચ્છાથી કોલગર્લ બની છું એમ તું માને છે ? ના.. મારી આવી જરા પણ મરજી કે ઈચ્છા નહોતી. મારી ઇચ્છા વિરુદ્ધ મારે કોલગર્લ બનવું પડયું છે. શરૂઆતમાં મને આપઘાત કરી લેવાનો વિચાર પણ આવ્યો. પરંતુ મારો આ વિચાર ખોટો હતો. મેં મારી સ્થિતિને જિંદગીના માળખાને અનુરૂપ બનાવીને જીવવાનું શીખી લીધું છે. પશ્ચાત્તાપ નામનો શબ્દ હવે મારી ડીક્ષનેરીમાં નથી રહ્યો દોસ્ત! ઉપરાંત જે પશ્ચાત્તાપથી કોઈ ફાયદો ન થાય તેમ હોય તો એવો પશ્ચાત્તાપ શું કામનો ? જો તું સિન્ડિકેટના ચીફ નાગરાજન પાસે જઈ, આ કેમેરા તેને સોંપી પશ્ચાત્તાપ વ્યક્ત કરીશ તો એ કંઈ ફૂલહાર પહેરાવીને તારું સ્વાગત નહીં કરે! તે સંજોગોમાં પણ એ તને જીવતો નહીં જ મૂકે! કેમેરો લઈને તારો આભાર માનવો તો એક તરફ રહ્યો ઉલટું, તારી છાતીમાં ગરમાગરમ ગોળી ઊતારી દેશે.”

'હું જાણું છું મોહિની...! અને જે વાતનો કોઈ ભય નથી રહ્યો તો પછી એનો મોહ શા માટે રાખવો જોઈએ ??

'રાઈટ...પરંતુ તેમ છતાંય પ્રયાસ તો કરવો જ જોઈએ. તારી પાસે જે કેમેરો છે, એના બદલામાં સરકાર જરૂર તને સલામતી ભરી જિંદગી આપી શકે તેમ છે. તું દિલ્હી ચાલ્યો જા દોસ્ત! કોને ખબર છે કે નાગરાજનની સિન્ડિકેટની કબરનો પથ્થર કદાચ તારા હાથેથી પણ રાખવાનું નસીબમાં લખ્યું હોય ! અને જો એમ થશે તો હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનીશ ! પરંતુ એટલી સલાહ તો હું ચોક્કસ આપીશ કે કોઈપણ સંજોગોમાં તારા જીવની સલામતીનો વિચાર પહેલાં કરજે. જીવ સલામત હશે તો તને ભવિષ્યમાં આવા દસ નાગરાજનને પહોંચી વળવાની પૂરી તક મળશે.’

'તારી સલાહને હું ધ્યાનમાં રાખીશ મોહિની... ! હવે જેમ બને તેમ જલ્દીથી આ શહેરમાંથી સહી સલામત રીતે બહાર નીકળી જવા માગું છું. મને ગમે તેમ કરીને આ શહેરમાંથી બહાર કાઢ મોહિની...!'

‘હું એનો જ વિચાર કરું છું.' મોહિનીનો અવાજ ગંભીર હતો, 'પરંતુ તું સહીસલામત રીતે વિશાળગઢની બહાર પગ મૂકી શકીશ એવું મને નથી લાગતું.'

'આ તું શું કહે છે મોહિની...?'

'હું સાચું જ કહું છું કમલ...!' મોહિનીએ પૂર્વવત્ અવાજે કહ્યું, 'નાગરાજનની સિન્ડિકેટના માણસો અત્યારે વિશાળગઢની ગલીએ ગલીએ શિકારી કૂતરાની જેમ તને શોધતા ફરતા હશે. જો એ લોકોની જાળને તોડીને તું નીકળી જઈશ તો હું એને દુનિયાની આઠમી અજાયબી માનીશ...! અને આ અજાયબી જોઈને મને ખૂબ જ આશ્ચર્યની સાથે સાથે આનંદ પણ થશે.’

'અત્યારે હું તારી સામે જીવતો-જાગતો ઊભો છું તે પણ - એક આશ્ચર્યની જ વાત છે મોહિની !'

'વિશાળગઢમાંથી સહીસલામત રીતે બહાર નીકળી જવાનું એક વધુ આશ્ચર્ય તને પ્રાપ્ત થાય એમ હું ઇચ્છું છું. પરંતુ હું તને ચાહું છું અને મારી આ ચાહનાના બદલામાં તારે તારી જિંદગીનો અધ્યાય પૂરો ન થઈ જાય એનું ખાસ ધ્યાન તું રાખે એવી મારી હાર્દિક ઈચ્છા છે. હું તને દરેક જાતની મદદ કરવાની સાથે સાથે તારી જિંદગીની સલામતી પહેલાં ઇચ્છું છું. જો તું વિશાળગઢમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતાં સિન્ડિકેટની ચુંગાલમાં ફસાઈ જઈશ તો તારી જીવનલીલા સંકેલાઈ જશે એમાં પણ શંકાને કોઈ સ્થાન નથી.'

‘તો શું હું અહીં એમ ને એમ હાથ-પગ વાળીને પડયો રહું?'

'ના, અહીં પડયા રહેવાથી પણ કંઈ નહીં વળે.'

'તો પછી... ?'

'તારે દિલ્હી જવું જ પડશે, પરંતુ એક શરતે હું તને જવા દઈશ.’

'શુ?'

'તારે આ કેમેરો મારી પાસે મૂકીને પછી જ દિલ્હી જવાનું છે !'

'આ તું શું કહે છે?'

'કેમ.... ? તને મારા પર ભરોસો નથી?'

'મને તારા પર મારી જાત કરતાં પણ વધુ ભરોસો છે મોહિની!' કમલ ભાવુક અવાજે બોલ્યો.

'દોસ્ત !' મોહિનીએ મક્કમ અવાજે કહ્યું, 'જે રીતે તું સી.આઈ.ડી.ના જાસૂસને આપેલા વચનનું, ભરોસાનું ખંડન નથી કરતો, એ જ રીતે હું પણ તારો ભરોસો નહીં તૂટવા દઉં. આ કોલગર્લ મરી જશે પણ ક્યારેય તારો વિશ્વાસઘાત નહીં કરે, એની તું ખાતરી રાખજે.'

'કોલગર્લ કહીને તું તારી જાતને ગાળ ન આપ મોહિની !' કમલ પીડાભર્યા અવાજે બોલ્યો.

'આ તો મારી રીત છે દોસ્ત !' મોહિનીએ બેદરકારીભર્યું સ્મિત ફરકાવતાં કહ્યું.

'તો આ કેમેરો તને સોંપીને હું એકલો દિલ્હી જઉં. એમ ને ?' કમલે પૂછ્યું.

'હા.'

'પછી...?'

'દિલ્હી પહોંચીને તારે સૌથી પહેલાં ત્યાંના ઉચ્ચાધિકારીઓ સાથે કેમેરાની બાબતે વાતચીત કરવાની છે, અને ત્યારપછી મને ફોનથી તેની જાણ કરજે. સરકારના વિશ્વાસુ ઑફિસરો મને કેમેરા સહિત સહીસલામત રીતે અહીંથી લઈ જશે. બસ, કેમેરો સોંપ્યા પછી આપણી જવાબદારી પૂરી ! સરકાર જાણે ને નાગરાજન જાણે! આપણું કામ પૂરું થતાંની સાથે જ આપણે ક્યાંક દૂર દૂર ચાલ્યા જશું ! થોડા દિવસો ફરીને પાછા આવીશું ત્યારે વિશાળગઢમાં નાગરાજનના નામનું કોઈ અસ્તિત્વ નહીં હોય! આપણે કોઈ જાતના ભય વગર જીવન પસાર કરી શકીશું.'

'પણ..'

'તને મારા પર ભરોસો નથી ખરું ને?'

'ના, એવું કંઈ નથી.'

'તો પછી?'

'આ કેમેરાને તારે ખૂબ જ સલામત રીતે રાખવો પડશે.' કમલનો અવાજ બેહદ ગંભીર હતો.

'દોસ્ત...' મોહિનીએ પણ એવા જ અવાજે કહ્યું, 'આ હીરાનું મહત્ત્વ મારે મન બીજું કંઈ નહીં, પણ તારા જીવ જેટલું જ છે ! હું આ કેમેરાને તારો જીવ જ માનું છું... ! દુનિયામાં કોઈ મોટી ઉથલ-પાથલ થઈ જાય, મને એની જરા પણ પરવાહ નથી. ભારતમાં નાગરાજન જેવી એક નહીં ને ભલે એક હજાર સિન્ડિકેટ ઊભી થાય! મને તેનો કોઈ જ અફસોસ નથી. આ દેશના ભલે ગમે તેટલા ટૂકડા થઈ જાય, તો પણ મને એનો જરાય રંજ નથી, પરંતુ મારા જીવતાં જીવત જ તારા જીવને કંઈ થઈ જશે તો હું મારી જિંદગી સમેટી લઈશ...! કારણ.. કારણ કે હું તને ચાહું છું.'

‘મોહિની...!' કમલનો અવાજ લાગણીના અતિરેકથી રૂંધાઈ ગયો.

‘તું શું છો, એ તો હું નથી જાણતો પણ, તું મારે માટે સારો જીવ આપી શકે તેમ છે, એટલી તો મને જરૂર ખબર છે.'

'એટલા માટે જ તો તારી જિંદગીને સલામત રાખવા ખાતર આ કેમેરાને મારી પાસે રાખું છું દોસ્ત ! બોલ, હવે તો આ કેમેરો મારી પાસે રહે એમાં તને કંઈ વાંધો નથી ને?’

'ના...'

“હવે તું સ્નાનાદિથી પરવારી જા, ત્યાં સુધીમાં હું તથા કાકા નાસ્તો બનાવી નાખીએ છીએ.’

કમલ જોશી હકારમાં માથું હલાવીને ચાલ્યો ગયો.

જતાં પહેલાં કેમેરો એણે મોહિનીને સોંપી દીધો હતો. મોહિની કેમેરાને સાચવીને કબાટના ગુપ્ત ચોરખાનામાં મૂકીને પછી કીચન તરફ આગળ વધી ગઈ.

**********

કમલ જોશી અત્યારે વિશાળગઢના આલિશાન રેલવે સ્ટેશનના ટોઈલેટમાં મોઝુદ હતો.

જાણે પોતાના ચહેરા પર અસંખ્ય કીડીઓ સરકતી હોય એવો તેને ભાસ હતો થતો. ચહેરા પર મીઠી ખંજવાળ ઊભી કરતાં દાઢી મૂછ ઉખેડીને ફેંકી દેવાનું તેને મન થતું હતું.

મનની ઈચ્છાને મનમાં જ સમાવીને એણે ટોઈલેટના અરીસામાં પોતાના ચહેરાનું નિરીક્ષણ કર્યું.

એના ચહેરાને અત્યારે એ પોતે પણ નહોતો ઓળખી શકતો. અત્યારે એ સરદારજીના મેકઅપમાં સજ્જ હતો. મોહિનીએ જ સુંદર રીતે તેને જે મેકઅપ કરી આપ્યો હતો તે ખેરખર આશ્ચર્યજનક હતો.

એના માથા પર કોફી કલરની પાઘડી હતી. ચહેરા પર ગુંદરથી ચોંટાડેલી દાઢી..! એણે કાળુ પેન્ટ અને પીળુ ટી-શર્ટ પહેર્યાં હતા. એની આંખો પર ડાર્ક બ્લ્યૂ કાચના મોટી ફ્રેમના ગોગલ્સ ચશ્મા ચડાવેલા હતા.

આ મેકઅપથી તેને ખૂબ જ સંતોષ હતો. સરદારજીના આ મેકઅપમાં તે સહેલાઈથી નાગરાજનના માણસોને થાપ આપી શકે તેમ હતો.

એણે બાજુમાં ઊભેલા માણસને પૂછ્યું, 'કેટલા વાગ્યા...!!'

'અગિયાર વાગવામાં પાંચ મિનિટ બાકી છે.' એ માણસે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોઈને જવાબ આપ્યો,  'આપને ક્યાં જવું છે?'

કમલને તેનો આ સવાલ સ્હેજ ખૂંચ્યો. પરંતુ તેમ છતાંય તેને જવાબ આપવાનું યોગ્ય લાગ્યું, 'હું દિલ્હી જવાનો છું.'

ત્યારબાદ વોશ બેસિન પર હાથ ધોતાં એ માનવીને પડતો મૂકીને તે એરકંડીશન્ડ હોલમાં પહોંચ્યો. હોલમાં રિઝર્વેશન લેવા માટે ઊભેલા માણસોની લાંબી લાંબી લાઈન હતી.

આ રેલવે-સ્ટેશનનો રિઝર્વેશન હોલ હતો.

કમલની ટિકિટ તેના ગજવામાં જ પડી હતી. તેને રાજધાની એકપ્રેસની ટિકિટ મળી ગઈ હતી.

અત્યારે તે નાગરાજન તથા તેની સિન્ડિકેટના માણસોને ભૂલીને મોહિની વિશે વિચારતો હતો.

મોહિની પોતાને કેટલી ચાહે છે ? પોતે એની મદદથી જ નાગરાજનના શિકારી કૂતરા જેવા ખૂંખાર બદમાશોની ચુંગાલમાંથી છટકવામાંથી સફળ થયો હતો.

સરદારજીને મેકઅપ કર્યા પછી મોહિનીએ પરાણે એના ગજવામાં હજાર રૂપિયા મૂકીને અશ્રુભરી આંખે તેને પોતાને ત્યાંથી વિદાય આપી હતી.

એ તેની સાથે રેલવે-સ્ટેશને આવવા નહોતી માગતી. પોતે કેમેરાને મોહિનીના કબજામાં રાખીને કોઈ ભૂલ તો નથી કરીને ?

—મોહિની પોતાને દગો તો નહીં આપે ને... ?

-ક્યાંક એ કેમેરો પોતાની પાસે રાખીને કોઈ ચાલબાજી તો નથી રમતી ને ?

આવા વિચારો પણ તેને આવ્યા હતા.

પરંતુ અત્યારે આ વિચારો તેને પાપ લાગતા હતા.

મોહિની ક્યારેય પોતાની સાથે વિશ્વાસધાત નહીં કરે, એની તેને ખાતરી થઈ ચૂકી હતી.

કારણ... ?

કારણ કે એ તેને ચાહતી હતી... ! પ્રેમ કરતી હતી..... અને આ પ્રેમને નાટકનું નામ આપી શકાય તેમ નહોતુ. ખરા અંતઃકરણપૂર્વક તેને ચાહતી હતી.

એક આ કારણસર એને કેમેરો સોંપતી વખતે કમલને જરાય ભય નહોતો લાગ્યો.

હાલ તુરત તેને વિશાળગઢથી નીકળીને દિલ્હી પહોંચવું હતુ. દિલ્હી પહોંચીને, સીધા હોમ મિનિસ્ટરનો સંપર્ક સાધીને કેમેરા વિશે બધું જ જણાવી દેવાનું હતું.

એક વખત નાગરાજનની સિન્ડીકેટના પરાક્રમના પૂરાવાઓ સરકારને મળી ગયા પછી, એની સિન્ડીકેટ ભલે ગમે તેવી શક્તિશાળી હોય, પરંતુ સરકાર સામે એનું અસ્તિત્વ નહીંવત્ હતું. કારણ સિન્ડીકેટ કરતાં સરકાર પાસે વધુ તાકાત હતી. અને તાકાત સામે નાગરાજનની સિન્ડિકેટની હેસિયત હાથીની સામે કીડી સમાન હતી.

પોતાના હાથેથી નાગરાજન અંડર વર્લ્ડના બાદશાહની સિન્ડિકેટની કબરનો પાયો ખોદાવાનો છે, એવા વિચારથી કમલ ખૂબ જ ખુશ હતો. એના સહકારથી અંધારી આલમમાં હાકલા પડકારા કરતા નાગરાજનના શાસનનો અંત આવવાનો હતો. એને ઊઠીને દિલ્હી પહોંચી જવાનું મન થતું હતું.

એને સિગારેટ પીવાની ખૂબ તલપ લાગી હતી. સરદારજીના મેકઅપમાં હોવાને કારણે એ સિગારેટ પી શકે તેમ નહોતો. કારણ કે સાચો સરદાર ક્યારેય સિગારેટ નથી પીતો એ વાત તેને ખબર હતી.

એણે પોતાની નવીનકોર બ્રીફકેસને જમીન પર મૂકી. ગજવામાંથી રાજધાની એકસ્પ્રેસની કેટલાય પાનાવાળી ડાયરી જેવી ટિકિટ કાઢી.

રાજધાની એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી ચૂકી હતી પરંતુ મોહિનીએ છેક છેલ્લી ઘડીએ જ તેને ટ્રેનમાં ચડવાની સૂચના આપી હોવાને કારણે એ હજુ સુધી ટ્રેનમાં નહોતો બેઠો.

એ પોતાની ટિકિટ પર સીટીંગ-ચેરનો નંબર તપાસતો હતો. એ જ વખતે લાઉડ સ્પીકર પર લેડીઝ એનાઉન્સરનો અવાજ ગુંજી ઊઠ્યો.

'વિશાળગઢથી દિલ્હી જનારી રાજધાની એકસપ્રેસ પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઊપડવાની તૈયારીમાં જ છે !'

આ સૂચના હિંદી, અંગ્રેજી અને ગુજરાતી એમ ત્રણેય ભાષામાં આપવામાં આવી.

કમલે ટિકિટને ગજવામાં મૂકીને બ્રીફકેસ ઊંચકી લીધી. એરકંડીશન હૉલના દરવાજામાંથી પસાર થઈને તે ઝડપથી અંદરના ભાગ તરફ આગળ વધ્યો. મુંબઈ સેન્ટ્રલની જેમ વિશાળગઢના પણ બધા પ્લેટફોર્મ એક જ હોલમાં વિશાળ શેડથી ઢંકાયેલા હતા.

એ મુખ્ય ઈમારતની સીડી પાસે પહોંચ્યો હતો કે અચાનક સામેથી એક માણસ આવીને આંધળાની માફક ખૂબ જોરભેર તેની સાથે અથડાયો.

કમલે માંડમાંડ પોતાની જાતને પાછળના ભાગમાં ઊથલી પડતાં બચાવી. એણે ક્રોધથી સળગતી નજરે પોતાની સાથે અથડાયેલા માણસ સામે જોયું. અને જાણે કમલની નજરની કંઈ જ અસર ન થઈ હોય એમ એ માનવીના ચહેરા પર લુચ્ચું સ્મિત ફરકતું હતું.

'શું નામ છે તમારું મિસ્ટર...!' એણે નફટાઈથી પૂછ્યું.

'નામનું તમારે શું કામ છે ?' કમલ વીફરેલા અવાજે બોલ્યો.

'છત્તી આંખે આંધળાની જેમ ચાલો છો ! દેખાતું ન હોય તો શા માટે આવા ભીડભર્યા સ્થાને દોડયા આવો છો ?' એ જ વખતે કમલની આજુબાજુમાં ભૂતના ઓળાની જેમ બે માણસો ફૂટી નીકળ્યા.

'મેં તમારું નામ પૂછયું છે મિસ્ટર !' એ માનવીએ કઠોર અવાજે કહ્યું. અચાનક કમલના દિમાગમાં ધમાકો થયો.

આ લોકો કોઈ પણ ભોગે પોતાને રાજધાની એકસપ્રેસમાં જાવા દેવા નથી માગતા એ વાત તરત જ તેને સમજાઈ ગઈ.

'એક તરફ ખસો મિસ્ટર...! મારી ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે!' એ બોલ્યો.

'અમે તમારું નામ પૂછ્યું છે મિસ્ટર ! '

'મારું નામ સંતોકસિંહ છે!’ કમલે ઉતાવળા અવાજે મારી જવાબ આપ્યો.

એ માનવીએ સ્મિત ફરકાવીને ચપટી વગાડી.

કમલની જમણી તરફ ઊભેલા માણસે પોતાના ગજવામાંથી એક કોઈક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો કાઢીને તેને બતાવ્યો.

ફોટા પર નજર પડતાં જ કમલના મોતિયા મરી ગયા. એનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. કારણ કે એ ફોટો તેનો પોતાનો જ હતો.

આ ફોટો એણે વિશાળગઢના દિવાન ચોકમાં આવેલા મોડર્ન રટુડીઓમાં રાઈટીંગ એશોસીએશનના મેમ્બરશીપ કાર્ડ પર ચોંટાડવા માટે પડાવ્યો હતો.

પોસ્ટકાર્ડ સાઈઝના એ ફોટા પર પેન્સિલ વડે તેના ચહેરા પર દાઢી-મૂછ ચીતરેલા હતા. માથા પર પણ પાઘડી દોરેલી હતી.

એનો અત્યારનો દેખાવ આબેહૂબ એ ફોટાને મળતો આવતો હતો. 'આ.. આ શું છે...!' કમલે કંપતા અવાજે પૂછયું.

'આ ફોટો તમારો જ છે ને ?’ જમણી બાજુએ ઊભેલા માણસે ભાવહીન અવાજે પૂછયું.

'ના..'

'તમારો નથી?'

કમલે નકારાત્મક ઢબે માથું હલાવ્યું. 'તમે ખોટું બોલો છો...'

'એટલે?'

'તમારું નામ સંતોકસિંહ નથી !'

'મારું નામ સંતોકસિંહ જ છે.' કમલે વિરાધભર્યા અવાજે કહ્યું.

'તમારું નામ સંતોકસિંહ નહીં, પણ ખુશવંતસિંહ છે !'

'ના...મારું નામ ખુશવંતસિંહ નથી... મને જવા દો...'

'મારી ટ્રેન...'

'શટઅપ...' સહસા ડાબી બાજુએ ઊભેલો માનવી જાણે પોતે કોઈક મોટો ઓફિસર હોય એ રીતે જોરથી બરાડ્યો.

એનો બરાડો સાંભળીને ત્યાં કેટલાય મુસાફરો એકઠાં થઈ ગયાં. સૌ આ તમાશો જોવા લાગ્યાં.

ડાબી બાજુ ઊભેલા માનવીએ પોતાના ગજવામાંથી એક આઈડેન્ટી કાર્ડ કાઢીને કમલની આંખો સામે લહેરાવ્યું.

‘મારું નામ...' એ બોલ્યો, 'ગણેશ વાડેકર છે અને હું સી.આઈ. ડી. વિભાગનો ઇન્સ્પેકટર છું.'

ભીડમાં ઊભેલા લોકોએ પણ એનું આઈડેન્ટી કાર્ડ જોયું.

'તું.' એ માનવીએ આઈડેન્ટી કાર્ડને ગજવામાં પાછું મૂકતાં કમલને એક વચનમાં સંબોધતાં કહ્યું, 'તું ખૂંખાર ત્રાસવાદી ખુશવંતસિંહ છે, તને પકડવા માટે સરકારે પચાસ‌ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.'

'ના...આ વાત ખોટી છે.' કમલ ચીસ જેવા અવાજે બોલ્યો.

'શું આ ફોટો પણ ખોટો છે?' એ માનવીએ પોતાના હાથમાં જકડાયેલો ફોટો એકઠાં થયેલાં લોકોને બતાવતાં કહ્યું, 'આ ફોટા સાથે આ માણસનો ચહેરા મળતો આવે છે કે નહીં આપ પોતે જ જોઈ, ખાતરી કરીને કહો...'

'હા...મળતો આવે છે !' ભીડમાંથી કોઈક બોલી ઊઠયુ.

'મળતો આવે છે નહીં...આબેહૂબ એ જ છે !'

'આ...આ વાત તદ્દન ખોટી છે...! ' કમલે વિરોધભર્યા અવાજે બૂમ પાડી.

એ જ વખતે વાતાવરણમાં રાજધાની એકપ્રેસની વ્હીસલનો તીવ્ર અવાજ ગુંજી ઊઠ્યો.

'તારે અમારી સાથે આવવું પડશે.’

'મારી ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ છે! મને જવા દો !!

“કેમ...? શું તારે ટ્રેનમાં બોંબ મૂકવો છે ?’

“તમે...તમે બધા ખોટા છે...”

'અમે ખોટા છીએ એમ...?'

'હા...એકવાર નહીં...દસ વખત ખોટા છો...!' કમલે ઉત્તેજીત અવાજે કહ્યું.

' લે. કર વાત...! આ તો ઊલટું ચોર કોટવાળને દંડે છે!'

'મને જવા દે...'

'ભાઈ ખુશવંત...” સહસા જમણી તરફ ઊભેલા માનવીનો અવાજ કઠોર બની ગયો, “સીધી રીતે હેડકવાર્ટર આવવું છે કે પછી દોરડે બાંધીને લઈ જઈએ ?’

'પણ હું ખુશવંતસિંહ નથી.'

'હું તારી ધરપકડ કરું છું ખુશવંતસિંહ...! આજ સુધીમાં તે ત્રાસ ફેલાવીને કેટલાંય નિર્દોષ માણસોના જીવ લીધા છે, પરંતુ આજે મારા હાથમાંથી નહીં બચી શકે ! '

'નહી..' કમલે એક તરફ દોડવાનો પ્રયાસ કર્યો.

પરંતુ તેની આજુબાજુમાં ઊભેલા બંને માણસોએ એને પકડી લીધો. કમલે પોતાના માથાની ટક્કર જમણી તરફ ઊભેલા માણસના નાક પર મારી. એ માનવી ચીસ નાખીને સીડી પર ઉથલી પડયો. કમલે આંચકો મારીને ડાબી બાજુ ઊભેલા માણસના પંજામાંથી પોતાનું બાવડું છોડાવ્યું અને પછી વળતી જ પળે સામેના ભાગમાં ઊભેલા માનવીની છાતી પર લાત ઝીંકી દીધી.

આંખના પલકારામાં જ આ બધું બની ગયું હતું. એ લોકોની પક્કડમાંથી મુક્ત થતાં જ કમલ એક તરફ દોડયો. બ્રીફકેસને એણે ત્યાં જ પડતી મૂકી દીધી હતી. ચારે તરફ દેમાર દેકારો છવાઈ ગયો. ત્યાં ઊભેલા સૌ કોઈ પકડો... પકડો..ની બૂમો પાડવા લાગ્યાં. કમલ ઝડપભેર સ્ટેશનની ઈમારતમાંથી બહાર નીકળીને દોડવા લાગ્યો.

સ્ટેશનના કંપાઉન્ડમાં હારબંધ ઊભેલી ટેક્સીઓની વચ્ચે તે હાંફતો હાંફતો દોડતો હતો. પાછળ બૂમો પાડતી લોકોની ભીડ હતી.

કમલની હાલત કોઈકનું ગજવું સાફ કરીને નાસી રહેલા ખિસ્સા- કાતરૂં જેવી હતી. પકડો પકડો... નો શોર પ્રત્યેક પળે ચારે તરફથી વધતો જતો હતો.

પોતાની જાતને સી.આઈ.ડી. ઈન્સ્પેકટર તરીકે ઓળખાવતો ગણેશ વાડેકર નામધારી માનવી તથા તેના બંને સાથીદારો ભીડમાં સૌથી આગળ હતા. વાડેકરના હાથમાં કાળના દૂત જેવી રિવોલ્વર ચમકતી હતી.

કમલ ટેકસીઓની કતારમાંથી બહાર નીકળીને સ્ટેશનના મુખ્ય ફાટક પાસે પહોંચ્યો તો દૂરથી ભીડ જોઈને ફાટક પર ઊભેલા બે સિપાહીઓ તેની સામે દોડયા.

પોલીસને જોઈને કમલને થોડી હિંમત આવી. એ તેમની પાસે પહોંચીને ઊભો રહી ગયો.

“પ્લીઝ...મને પોલીસ-સ્ટેશને લઈ જાઓ એ કરગરતા અવાજે બોલ્યો, 'હું” સરકારનો માણસ છું... આ બદમાશો મારી.... પરંતુ એ પોતાની વાત પૂરી ન કરી શક્યો.

આ દરમિયાન ત્યાં આવી પહોંચેલા વાડેકર નામધારી માણસે પાછળથી ખૂબ જોરથી એનો કાંઠલો ખેંચ્યો.

કમલના મોંમાંથી ગોં.. ગોં... નો અવાજ નીકળવા લાગ્યો.

ભીડના માણસો હાથમાં ચપ્પલ લઈને કમલને મેથીપાક જમાડવા માટે આગળ વધ્યા.

'ખબરદાર...' કમલનો કાંઠલો પકડીને ઊભેલા વાડેકરે ભીડને ઉદ્દેશીને ઊંચા અવાજે કહ્યું, 'પાછળ ખસો...આ કોઈ ખિસ્સાકાતરુ નહીં પણ ખુંખાર ત્રાસવાદી ખુશવંતસિંહ છે!'

ભીડ ગભરાઈને આગળ વધતી અટકી ગઈ.

'તમે કોણ છો મિસ્ટર...?' એક સિપાહીએ નીડર અવાજે વાડેકરને ઉદ્દેશીને પૂછયું, “ અને આ માનવીને શા માટે પકડ્યો છે... ? દેખાવ પરથી તો એ સજ્જન લાગે છે.’

‘સજ્જન લાગે છે એટલે તો આજ સુધી હાથમાં નહોતો આવ્યો.” વાડેકરે રૂઆબભર્યા અવાજે કહ્યું, 'દેખાવ પરથી સજ્જન

અને અંગોથી ભોળો લાગતો આ માનવી વાસ્તવમાં ખુંખાર ત્રાસવાદી ખુશવંતસિહ છે !'

"તમારા કહેવાથી શું વળે.. ? આ જ માણસ ખુંખાર ત્રાસવાદી ખુશવંતસિંહ છે. એવું એના કપાળ પર ક્યાં લખ્યું છે ?' વાડેકરને એ સિપાહી જરા વધારે પંચાતિયો અને દૂધમાંથી પૂરા કાઢનારા સ્વભાવનો લાગ્યો.

'તારું નામ શું છે...?' એણે એ સિપાહીને ઉદ્દેશીને કઠોર અવાજે પૂછયું.

'મિસ્ટર...' એ સિપાહી કાળઝાળ રોષથી બોલ્યો, “સભ્યતાથી વાત કરો .. ને સૌથી પહેલાં તો એ કહો કે તમે કઈ વાડીનાં મૂળા છે. અને આ સજ્જન પર, આ રીતે રિવોલ્વર તાકવાનો તમને શું હક્ક છે...? હું ધારું તો અત્યારે જ તમને જેલના સળીયા ગણતા કરી શકું તેમ છું.'

'એમ...?' વાડેકરે ઠાવકા અવાજે પૂછયું.

‘હું કઈ વાડીનો મૂળો છું એ જ તારે જાણવું છે ને ?'

'લે...જોઈ લે...' વાડેકર નામધારીએ ગજવામાંથી આઈડેન્ટી કાર્ડ કાઢીને તેને બતાવ્યું.

આઈડેન્ટી કાર્ડ જોઈને એ સિપાહીના હોંશ ઊડી ગયા. વળતી જ પળે એણે બંને એડી ભેગી કરી, કપાળ પર હાથ મૂકીને તેને સલામ ભરી.

'માફ કરજો સાહેબ... !' એ થોથવાતા અવાજે હું આપને ઓળખી ન શક્યો !' બોલ્યો,

'કંઈ વાંધો નહીં.' વાડેકરનો અવાજ બેહદ ગંભીર હતો, 'શું નામ છે તારું...!'

'જી પાંડુ...' એ સિપાહીએ ગભરાતા અવાજે કહ્યું. વાડેકર નામનો આ સી.આઈ.ડી. વિભાગનો ઇન્સ્પેકટર જો આઈ.જી. સાહેબને ફરિયાદ કરશે તે પોતાની વર્દી ઊતરી જશે એવો ભય તેને સતાવવા લાગ્યો.

'હા, તો ભાઈ પાંડુ...' વાડેકર પ્રસન્ન અવાજે બોલ્યો. 'તારી ફરજનિષ્ઠા જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. તું ક્યા સેકશનમાં છો ?'

'જી... સેન્ટ્રલ વિભાગમાં...'

'ભલે...ભલે... તારા જેવા કર્તવ્યનિષ્ઠ માણસની કદર કરવાની મારી ફરજ છે. હું આઈ.જી. સાહેબને તારા પ્રમોશન માટે ભલામણ કરીશ. આવતે મહિને તું સિપાહીની નહીં, પણ સબ. ઈન્સ્પેકટરની વર્દીમાં હોઈશ!’

પાંડુ નામનો અક્કલનો આંધળો ફૂલાઈને ફાળકો બની ગયો.. એણે ગર્વભરી નજરે પોતાના સાથી સિપાહી સામે જોયું. ત્યારબાદ એ બંને ડંડો પછાડતા ભીડને દૂર કરવા લાગ્યા.

 

'દિકરા..' વાડેકર નામધારી માનવી કમલ સામે જોઈને કઠોર અવાજે બોલ્યો, ‘નાહક જ તારાં હાડકાં ભંગાવવાથી તને કંઈ લાભ નહીં થાય! આ લોકો તારી નકલી દાઢીની સાથે સાથે માથાના અસલી વાળ પણ ચામડી સહિત ખેંચી કાઢશે.’

“તમે... તમે...” કમલે થોથવાઈને ધ્યાનથી તેની સામે જોયું. જવાબમાં વાડેકરે કાળજુ થરથરાવી મૂકતું ક્રુર સ્મિત ફરકાવ્યું. એ જ વખતે એક ચોકલેટી કલરની એમ્બેસેડર કાર ત્યાં આવીને ઊભી રહી.

વાડેકરે રિવોલ્વરના જોરે કમલને એમ્બેસેડરની પાછલી સીટ પર ધકેલી દીધો.

પછી તે પણ બેસી ગયો.

એના બંને સાથીદારો પણ અગાઉથી જ ગોઠવાઈ ગયા હતા.. કમલની આંખો સમક્ષ અંધકાર છવાતો જતો હતો.

તેને પોતે નાગરાજનની સિન્ડીકેટના બદમાશોની ચુંગાલમાં ફસાઈ ગયો છે, એ વાત તેને સમજાઈ ગઈ હતી.

અસંખ્ય લોકોની હાજરીમાં કાયદા પર છવાઈને સિન્ડીકેટના માણસોએ જે રીતે કમલ જોશીને પોતાની ચુંગાલમાં જકડયો હતો, તે સિન્ડીકેટની અસીમ તાકાત અને કાયદાની નબળાઈનો સ્પષ્ટ પૂરાવો હતો.

આ નબળાઈનો લાભ લઈને તેમણે કમલ પર કબજો મેળવી લીધો હતો.

વળતી જ પળે એમ્બેસેડર સ્ટાર્ટ થઈને પૂરપાટ વેગે ફાટકમાંથી બહાર નીકળી ગઈ.