Andhari Aalam - 7 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | અંધારી આલમ - ભાગ 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અંધારી આલમ - ભાગ 7

૭ : કેમેરો ગૂમ

નાગરાજન...

અંધારી આલમના આ નામચીન માણસનું નામ માત્ર વિશાળગઢમાં જ નહીં, પૂરા ભારતમાં જાણીતું હતું. નાગરાજન નામનો આ ખતરનાક માનવી બાલ્યકાળમાં જ ગુનાખોરીના પંથે વળ્યો હતો. અપરાધની સીડીનાં એક પછી એક પગથિયાં વટાવતો તે આજે ટોચ પર પહોંચી ગયો હતો. લોકો એના ચહેરાને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, પણ “ નાગરાજન” નામને તેઓ સુપર સ્ટારની જેમ માનતા હતા.

વિશાળગઢની અંધારી આલમના બેતાજ બાદશાહ ગણાતા નાગરાજનની ઓથ નીચે દુનિયાભરના ખતરનાકમાં ખતરનાક અપરાધો થતા હતા અને લાખ પ્રયાસો પછી પણ પોલીસ આ ગુનાઓને જડમૂળમાંથી ઉખેડી નાંખવા માટે સદંતર નિષ્ફળ ગઈ હતી.

કેફી પદાર્થો જેવા કે ચરસ, હેરોઈન, કોકેન, મેરી જુઆના અને સોનાની દાણચોરીથી માંડીને વરલી મટકાના આંક ફરક અને જુગાર સુધ્ધાં – આ ભયંકર માનવીની છત્રછાયા નીચે પૂરા દેશમાં રમાતા હતા. પરદેશમાં પણ નાગરાજનનો ગેરકાયદેસર ધંધો ફેલાયેલો હતો. જેમાં દુબઈ અને સિંગાપોર મુખ્ય હતાં.

આજે એ અંડર વર્લ્ડનો સૌથી મોટો અપરાધી અને સૌથી મોટો દાણચોર ગણાતો હતો. નાગરાજનની વિરુદ્ધ કોઈ હરફ સુધ્ધાં ઉચ્ચારવા તૈયાર નહોતું. એ ભાગ્યે જ બહાર નીકળતો અને જ્યારે નીકળતો ત્યારે ખૂબ જ શાન અને ઠાઠમાઠથી નીકળતો. એની છેલ્લામાં છેલ્લી મોડલની ઈમ્પોર્ટેડ, એરકન્ડીશન્ડ મોટરની આગળ બે બોડીગાર્ડો મોટરસાયકલ પર રહેતા હતા. મોટરમાં પણ તેની આજુબાજુમાં સશસ્ત્ર ગાર્ડ અને વચ્ચે એ બેસતો હતો.

એની મોટરના કાચ બુલેટપ્રૂફ હતા. પાછળ પણ બે ખતરનાક બોડીગાર્ડ મોટર-સાયકલ પર રહેતા. એના ગુંડાઓ ધોળે દિવસે છડે ચોક, ભરબજારમાં રસ્તે જતી કોઈ પણ ખાનદાન કુટુંબની બહેન-દિકરીની છેડતી કરતા... ઠઠ્ઠા- મશ્કરી કરતા, અણછાજતા શબ્દો બકતા... આવા સમયે પોલીસના કોઈ માણસો દેખાતા જ નહીં ને કદાચ હાજર હોય તો પણ આંખ આડા કાન કરતા અગર ત્યાંથી આઘા-પાછા થઈ જતા હતા.

છતાં એક વખત પોલીસને અનિચ્છાએ નાગરાજનના એક માણસ પર કેસ કરવો પડયો હતો. એક વખત, એક જાહેર સ્થળે નાગરાજનના એક ચમચાએ શરાબના નશામાં ચકચુર બનીને, એક સ્ત્રીની આબરૂ પર હાથ નાંખ્યો હતો. બનાવ વખતે એક સામાજિક કાર્યકરથી આ જુલમ સહન ન થયો. એણે પોતાના મિત્રો સહિત જબરદસ્ત વિરોધ કર્યો.

ખૂબ જ ધમાલ, દેમાર દેકારો અને જબરો શોરબકોર છવાઈ ગયો. થોડી મારામારી પણ થઈ ગઈ. એ સામાજિક કાર્યકર હતો. પરિણામે પોલીસને તેની ફરિયાદ લેવી પડી.

કોર્ટમાં કેસ શરૂ થયો...

-પણ બસ, શરૂ થયો તે થયો જ.... આગળ ન વધી શકયો.

-એટલા માટે કે પેલો સામાજિક કાર્યકર ખૂબ જ ભેદી સંજોગોમાં કયાંક ગુમ થઈ ગયો હતો.   કેસની તારીખ પર તારીખ પડતી ગઈ. છેવટે ફરિયાદીનો જ પત્તો ન હોવાથી કેસ નીકળી ગયો. જે દિવસે કેસ નીકળી ગયો, એના ત્રીજા જ દિવસે, છેડતી વાળા જાહેર સ્થળેથી જ એ કાર્યકરની ક્ષત-વિક્ષત લાશ મળી આવી.. આ કામ નાગરાજનની ગેંગનું છે, એ હરકોઈ સમજી ગયું. લોકોએ આ બનાવથી ખૂબ જ આઘાત અનુભવ્યો.

બસ, એ પછી નાગરાજનનો રૂઆબ વધી ગયો...દાદાગીરી વધી ગઈ. પોલીસ પણ કંઈ જ નહોતી કરતી.

વિશાળગઢમાં સરકારની નહીં, પણ નાગરાજનની હકૂમત ચાલતી હતી.

અને નાગરાજન...?

—એ કોઈથી ય ડર્યા વગર ગભરાયા વગર, છડે ચોક, પોલીસનો ભય રાખ્યા વગર, જાણે એ શહેરનો કોઈ ખાનદાન અને આબરૂદાર  નાગરિક હોય એમ છૂટથી ખુલ્લેઆમ રહેતો હતો ને સમાજમાં હરતો-ફરતો હતો. નીચેથી ઉપર સુધી હપ્તાની રકમ એના તરફથી પહોંચી જતી હતી.

—દુનિયાના કોઈપણ દેશનાં ચલણ કરતાં ભારતના રૂપિયાની તાકાત સૌથી વધારે છે.

ભારત સિવાયના બીજા દેશોમાં લાંચ-રૂશ્વતથી કોઈ જ ગેરકાયદેસર કામ થતું નથી...ને કદાચ અપવાદ રૂપે થતું હોય તો પણ તેનું પ્રમાણ ખૂબ જ જૂજ છે. અલ્પ છે. જ્યારે ભારતીય રૂપિયામાં ગજબનાક તાકાત છે.. ખૂબ જ શક્તિશાળી છે આપણો રૂપિયો. નોટોના બંડલોનો નિવેદ ધરો... તમારું કોઈ પણ ગેરકાયદેસર કામ કાયદેસર રીતે થઈ જશે. મદારીની ડૂંગફૂગી પર જેમ વાંદરો નાચે, એમ નાગરાજન બંડલોથી હરકોઈને નચાવતો હતો.

નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચારની બોલબાલા હતી.

ખેર…નાગરાજન આમ પોતાના બોડીગાર્ડના સંરક્ષણ નીચે દેશના કોઈક મોટા નામાંકિત સદ્ગૃહસ્થની જેમ ફરતો રહેતો હતો.

એની પાસે ગાડી, બંગલા અને હોટલો; કેવી રીતે ને કયાંથી આવ્યા? એ પૂછવાની સરકારની હિંમત નહોતી.

એના અનેક બિઝનેસો ચાલતા હતા. જમીન-શેરની લે-વેચ... કન્સ્ટ્રકશન અને આવા તે અનેક ધંધા એ કરતો હતો. જોકે આ બધો દેખાવ હતો. જુદા જુદા ધંધાની ઑફિસોમાં કામકાજ તો બધું અંડર વર્લ્ડનું જ ચાલતું હતું. એની પોતાની મુખ્ય ઓફિસ “આકાશ મહેલ” નામની એક ખૂબસૂરત, વિશાળ બહુમાળી ઈમારત સૌથી ઉપરના મજલે હતી નીચેના બધા માળ પર એની પોતાની જ જુદા જુદા વ્યવસાયોની ઑફિસો હતી. ગ્રાઉન્ડ ફલોર પર એક અદ્યતન શોપીંગ સેન્ટર હતું. આખી ઈમારતના ખૂણેખૂણામાં નાગરાજનની સત્તા ચાલતી હતી. નાગરાજન વિશે સરકાર જાણતી હોવા છતાં પણ ચૂપ હતી. બિલ્ડીંગના સેલર ( ભૂગર્ભ)માં નાગરાજનનાં મોટાં ગોડાઉનો હતાં અને એમાં દાણચોરીનો અનેક પ્રકારનો માલ ભર્યો પડયો રહેતો હતો. દાણચોરીની દુનિયામાં એનું નામ હતું. સરકારની આંખો ઉઘાડી હોવા છતાં પણ બંધ હતી. પરદેશથી કરોડો રૂપિયાનો માલ આવતો રહેતો હતો.

પાકિસ્તાનથી દેશની સરહદો મારફત, ખાસ કરીને કચ્છની સરહદેથી, માદક દ્રવ્યોની પેટીઓ આવતી ત્યાંથી વિશાળગઢ અને પછી મુંબઈ થઈ ને પાછી પરદેશમાં ધકેલાઈ જતી. આ પ્રવૃત્તિ કોઈનાથી છૂપી નહોતી રહેતી.

આપણા દેશમાં આજે મીલાવટમાં પણ મીલાવટ છે. વેજીટેબલ ઘી પણ ચોખ્ખા વેજીટેબલ તરીકે દુર્લભ છે.. એમાં પણ ભેળસેળ છે. કસ વગરના ખાદ્ય પદાર્થો મળે છે. યુવાની પૂરેપૂરી ખીલે, એ પહેલાં જ અકાળે વૃદ્ધાવસ્થા આસ્તે કદમ સવાર થઈ જાય છે અને નેતાઓ હાંકલ કરે છે "દેશના યુવાનોએ, દેશની પ્રગતિ માટે આગળ આવવાની જરૂર છે.” સમજ નથી પડતી કે પૌષ્ટિક ખોરાકની લિજ્જત માણીને રાતી-રાણ જેવા દેખાતા આ નેતાઓ કઈ રીતે અને કયા મોંએ દેશના યુવાનોને આવી શિખામણો આપતા હશે.

ખેર, વાત નાગરાજનની હતી.

તે મૂળ વતની સાઉથનો હતો. પણ વર્ષો પહેલાં વિશાળગઢ આવીને સ્થિર થયો હતો. અભ્યાસમાં જોઈએ તો, જીરો હતો. પણ એનું દિમાગ ખૂબ જ તેજ હતું. નૈતિક હિંમતનો પણ પાર નહોતો. એના કાળા-સફેદ, કાયદેસર-ગેરકાયદેસર દરેક કામમાં તેના પાંચ પાર્ટનર હતા. નફામાં સૌનો સરખો હિસ્સો રહેતો હતો અને નાગરાજને કદાપિ કોઈ જ બેઈમાની નહોતી કરી. આ પાર્ટનરમાં રીટા એની અંગત સલાહકાર હતી.

બાકીના ચાર આ રહ્યા.

રતનલાલ, જોસેફ, રહેમાન અને ગુપ્તા...!

આ પાંચેય એકસરખા ભાગીદાર હોવા છતાંય તેઓનો બાસ તો નાગરાજન જ હતો.

રહેમાન ખૂબ જ બેરહેમ અને ખતરનાક માણસ હતો. નાગરાજનની કંપનીમાં બખેડાવાળા અને જ્યાં લોહી રેડાવાની શક્યતા હોય એ કામો રહેમાન જ કરતો હતો.

રીટા નાગરાજનની પ્રેયસી હોવાની સાથે સિન્ડીકેટની અંગત સલાહકાર પણ હતી. કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં નાગરાજન તેની સલાહ લેતો હતો.

રતનલાલ સિન્ડીકેટની છત્રછાયા નીચે ચાલતા લાખો-કરોડોના બિઝનેસને ખૂબ જ વ્યવસ્થિત રીતે સંભાળતો હતો.. ને એવી કુનેહથી સંભાળતો હતો કે જો દાણચોરીનો ધંધો ગેરકાયદેસર ન હોત તો સરકારે જરૂર એની કુનેહથી પ્રભાવિત થઈને જાહેરમાં તેનું સન્માન કર્યું હોત !

આ જ રીતે જોસેફ અને ગુપ્તા પણ પોતપોતાને સોંપવામાં આવેલા બિઝનેસો ખૂબ જ વ્યવસ્થિત રીતે સંભાળતા હતા. અભણ, અવ્વલ નંબરનો મવાલી નાગરાજન આ પાંચેય ઉપર સવાર હતો.

પાંચમાંથી એકેયમાં તેની સામે ઊફ કરવાની કે હરફ ઉચ્ચારવાની પણ હિંમત નહોતી. રહેમાન જેવો ક્રૂર ખૂની પણ મનોમન એનાથી ડરતો હતો. નાગરાજન અભણ હોવા છતાંય ભાંગીતૂટી અંગ્રેજી, ગુજરાતી અને બીજી એકાદ-બે ભાષા બોલી શકતો હતો. ને સમજી પણ શકતો હતો. અત્યારે તે “આકાશ મહેલ "ની પોતાની ખાનગી, સાઉન્ડપ્રફ વિશાળ હોલ જેવી ઑફિસમાં ક્રોધે ભરાયેલા વાઘની જેમ આમથી તેમ આંટા મારતો હતો. એની નજર થોડી વાર પહેલાં જ ભોંઠા પડીને પાછા ફરેલા રહેમાન પર મંડાઈ હતી.

હોલમાં મોજુદ સૌ કોઈ ચૂપ હતા. એક ભારે ભરખમ ચુપકીદી વાતાવરણમાં છવાઈ ગઈ હતી. રહેમાન... અચાનક એણે ઊભા રહીને જોરથી ત્રાડ પાડી..

'તુ ખાલી હાથે પાછો આવ્યો, એમ... ?’ રહેમાનની આંખો નીચી ઢળી ગઈ.

'રહેમાન.. રહેમાન.. આ શું થઈ ગયું.. ? આશ્ચર્ય.. મને આશ્ચર્ય થાય છે રહેમાન ! આજ સુધી તું ક્યારેય નિષ્ફળ નથી ગયો પણ આજે.. આજે..તું એમ કહેવા માંગે છે કે એ કમજાત... અહીં ફિલ્મી હીરો બનવા આવેલો છોકરો તારા હાથમાંથી બચી ગયો… એ તને થાપ આપી ગયો...?'

રહેમાનને ગળામાં કંઈક અટકતું લાગ્યું. એની છાતી ધબકી ઊઠી.

એ ચૂપ જ રહ્યો. બલ્કે કંઈ બોલી જ ન શક્યો.

'રહેમાન... આપણા બધાના મોતના સામાનરૂપી કેમેરો એની પાસે છે...અને આ વાત જાણતો હોવા છતાંય તું ખાલી હાથે પાછો આવ્યો ?'

'સર...' રહેમાન અને સૌ કોઈ એને સર કહીને જ બોલાવતા. 'સર...” રહેમાને જાણે પોતાના માથા પર મણ મણનો બોજ હોય એમ ધીમે ધીમે ગરદન ઊંચી કરી. એની નજર નાગરાજનની.. ધગતી આંખો સામે ટકરાઈ અને તે ધ્રુજી ઊઠયો, “ એ હીરોનો દીકરો નહીં છટકી શકે. આપણા માણસો શિકારી કૂતરાની જેમ એને શોધે છે.'

'મારે હીરાના દિકરાની જરૂર નથી... એ હીરાની જ જરૂર છે સમજ્યો...? હજુ તો ફિલ્મમાં કામ મળ્યા પહેલાં જ એનામાં અમિતાભ બચ્ચન જેવો પાવર આવી ગયો લાગે છે.’

રહેમાન ચૂપ રહ્યો.

'તો તું એમ કહેવા માંગે છે કે તારા બધા જ માણસોને હાથતાળી આપીને હોટલમાંથી તે નાસી ગયો ખરું ને ? આટલા માણસો હોવા છતાં ય એ છટકી ગયો ! મને કહેવા દે, રહેમાન.. કહેવા દે. તારા માણસો કોઈ ગુંડા નહીં પણ મડદાલ જેવા છે.દેખાવ સિંહનો ને છાતી બકરીની! એ ટાઈપના માણસો લાગે છે તારી પાસે..'

'સર..'

'હવે શું કહેવું છે તારે ?'

'સર, મને એ કોઈ ફિલ્મી હીરો જેવો નથી લાગતો...! 'હેં…? લે, કર વાત...!' નાગરાજના અવાજમાં ભારોભાર કટાક્ષ હતો, ‘તેં જ તો થોડી વાર પહેલાં મને કહ્યું હતું કે એ છોકરો મુંબઈથી અહીં ફિલ્મી અભિનેતા બનવા આવ્યો છે. માળું, આ તો ભાઈ રહેમાન તું હવે ભારે કરે છે હોં...! અભી બોલા અભી ફોક...!'

‘મેં એના વિશે સાચું જ કહ્યું હતું સર...! હોટલમાં હરકોઈને, પોતે અહીં ફિલ્મમાં કામ મેળવવા માટે આવ્યો એમ જ જણાવ્યું હતું એણે. પણ...'

“હા...પણ...બોલ...તું “પણ”નો પહાડો બોલ્યે જા..'

‘પણ એ જે રીતે અમને થાપ આપીને નાસી છૂટ્યો એ પરથી મને લાગે છે કે...'

'આ બધું તો અગાઉ તું કહી ગયો છે વહાલા રહેમાન..'

‘એક હીરો થવા આવેલો સામાન્ય માણસ આટલી બધી હિંમત ન કરી શકે સર ! જે રીતે એણે અમારો સામનો કર્યો, તે રીતે એણે રીતસર લડાઈની તાલીમ લીધી હોય એવું લાગે છે.’

'સમજ્યો.. તને એવું લાગે છે એ કબૂલ.. પણ આવું સમજ્યા પછી પણ પરિસ્થિતિમાં કોઈ ફર્ક પડતો નથી.'

'સાંભળ રહેમાન... અચાનક રીટા વચ્ચેથી બેલી ઊઠી, કલાકાર ગમે તે કરી શકે છે. તારા કહેવા પ્રમાણે તે હીરો બનવા આવેલો છે. હવે ઘડીભર માની લે કે એને ફિલ્મોમાં કામ તો મળી જાય. પણ તે હીરોનું નહીં, વિલનનું.. ! તો આવા કલાકારો શયતાનની ભૂમિકા પણ ભજવી શકે છે. ટૂંકામાં અભિનેતામાં દુનિયાનો મોટામાં મોટો ક્રૂર ગુનેગાર અને મહાનમાં મહાન માણસ છૂપાયેલો હોય છે. કલાકાર જરૂર પડ્યે ખૂન પણ કરી શકે છે તે જરૂર ન હોય ત્યારે નીચે આવતી કીડીને પણ નથી કચડતો.’

'રીટા સાચું કહે છે સર !' રતનલાલે જાણે માખણનો ડબ્બો ઉઘાડયો, ‘ફિલ્મી અભિનેતાઓની તો વાત જ નિરાળી છે... અને એમાંયે હમણાં તો આવા પ્રકારના જુવાનીયાઓને અનિલ કપૂર અને અમિતાભ બચ્ચન બનવાનો અભરખો જાગ્યો છે… હું તો એમ કહું છું..'

એની વાત અધૂરી રહી ગઈ.

'ના...ના... તારે કંઈ જ કહેવાની જરૂર નથી...' નાગરાજન ક્રોધથી ચીડાઈને માથું ધુણાવતાં બોલ્યો, “તું તો ચૂપ જ રહેજે. “હું તો એમ કહું છું ને આમ કહું છું.” એવી વાત જ જવા દે ભાઈ રતનલાલ...!'

રતનલાલની બોબડી બંધ થઈ ગઈ.

‘તમે તો બધા એનાં વખાણ કરવા માંડયા...! નાલાયકો, મારે એનાં વખાણ નથી સાંભળવા સમજ્યા તમે ? મારે તો કોઈ પણ કિંમતે કોઈ પણ હિસાબે એ હિરો અને કેમેરો, બંને જોઈએ છે.'

'સર, કેમેરો એની પાસે હશે ખરો..?’ ગુપ્તાએ વચ્ચે મમરો મૂકતાં કહ્યું.

'ના રે ના... એના બાપ પાસે હશે...! બોલ, હશે ને?'

ગુપ્તા હેબતાઈને પાછો ખુરશી પર બેસી ગયો.

હવે તું તો કંઈક બોલ રીટા એવા ભાવાર્થ સાથે નાગરાજને રીટા સામે જોયું.

'રહેમાન...' રીટાએ કહ્યું. રહેમાને તેની સામે જોયું.

બળદેવ નામનો જે વિશ્વાસઘાતી માણસ આપણી સિન્ડિકેટમાં હતો, એની લાશ તને હીરાની રૂમમાંથી જ મળી હતી?'

‘હા.. અને મેં એને ત્યાંથી ખસેડી દીધી છે.'

'તેં મૃતદેહની તલાશી લીધી હતી?’

‘હા... જાણે ટાંકણી શોધતો હોઉં એટલી બધી બારીકાઈથી મેં તલાશી લીધી હતી. કેમેરો તો ઠીક, એક માચીસ પણ એના ગજવામાંથી મને નથી મળી.’

'આનો અર્થ એ જ થયો કે મરતાં પહેલાં બળદેવ, આ હીરોને કેમેરો આપતો ગયો છે.” રીટાએ કહ્યું, ‘અને આપણા કારગત ભાગ્યે કેમેરો એવા માણસના હાથમાં આવ્યો છે કે જીવ ગુમાવવા પણ તે તૈયાર છે, પણ કેમેરો ગુમાવવા તૈયાર નથી. એ છેલ્લા શ્વાસ સુધી કેમેરાને પોતાના હાથમાંથી નહીં જવા દે.'

‘તું તો જાણે એ હીરોના બચ્ચાને ઓળખતી હો, એ રીતે વાત કરે છે.'

'સર...' રીટાનો અવાજ આદરસૂચક હતો, સમગ્ર પરિસ્થિતિ જોતાં એ કેમેરો સો એ સો ટકા વિશ્વાસઘાતી બળદેવે આ હીરા થવા આવેલા માણસને મરતી વેળાએ સોંપી દીધો છે, એની મને પૂરી ખાતરી છે કારણ કે રહેમાનને તલાશીમાં એ કેમેરા નથી મળ્યો. ઉપરાંત એ હીરો જો ખરેખર જ નિર્દોષ હોય, સ્પષ્ટ શબ્દોમાં કહું તો કેમેરો એની પાસે નહોતો તો શા માટે એણે નાસભાગ કરી? રહેમાનને થાપ આપી...? રહેમાને કહેલી વાતોને નજર સામે રાખીએ તો એ માણસ પોતાના પ્રાણ કરતાં પણ વધારે મહત્વ કેમેરાને જ આપશે. હવે કાં તો એ હીરો આપણી સાથે કેમેરાનો સોદો કરશે અથવા તો પછી સરકારના ઉચ્ચ ઓકિસરોને પહોંચાડશે.'

'એ આપણી સાથે સાદો શા માટે કરે?’

'કારણ કે કેમેરાનું મહત્ત્વ એને સમજાઈ ગયું છે. જો એ પૈસાનો લાલચુ હશે ને સાથે જ સિન્ડિકેટથી ડરતો હશે તો તે કેમેરાની આપણે જે કિંમત આપીશું એ રાજીખુશીથી લઈને સંતોષ માનશે અને આપણને કેમેરા આપી દેશે. જો લાલચુ નહીં હોય તો પછી સરકારને પહોંચાડવાનો પ્રયાસ કરશે.’

'મારી નાંખ્યા ને ?' નાગરાજન બબડયો, 'સરકારમાં એ કેમેરો જશે તો આપણે બધા મૂઆ જ સમજી લે રીટા...”

'બરાબર છે... પણ આપણે એને સરકાર સુધી નહીં પહોંચવા દઈએ સર ! આપણી પાસે તાકાત છે, માણસો છે... આપણું સંગઠન મજબૂત છે. વિશાળગઢ અને આસપાસના દરેક ગામમાં રહેતા આપણા તમામ માણસોને સૂચના આપી દેશું કે આવો કોઈ માણસ તે ગામના પોલીસ સ્ટેશને જાય તો તેને અટકાવી, પકડીને કેમેરા સાથે આપણી પાસે લઈ આવવો. કદાચ એ કોઈ પોલીસ-સ્ટેશનમાં કેમેરો જમા કરાવવા માટે સફળ થાય તો, તે પોલીસ-સ્ટેશનનો ઈન્ચાર્જ એને જવા દેવાને બદલે આપણ સુધી પહોંચતો કરે.'

'એ તો ચપટી વગાડતાં થઈ જશે રીટા...' રતનલાલે કહ્યું.

'એમ...?' નાગરાજને ખૂબ ગંભીર અવાજે રતનલાલને પૂછ્યું.

'હા, સર!'

‘તો વગાડ જોઈએ...' નાગરાજનના ગંભીર અવાજ પાછળ રતનલાલની ઠેકડી ઉડાવતી મજાક છૂપાયેલી હતી. રતનલાલ એ સમજી ગયો. એનું મોં ઊતરી ગયું. મનોમન એણે દુનિયાભરની ગાળોથી નાગરાજનને નવાજ્યો.

પછી એકાએક એ તેની પરવાહ કર્યા વગર બોલ્યો : 'સર, જે માણસ રહેમાનને થાપ આપી ગયો હોય એની બુદ્ધિમત્તાની કિંમત ઓછી ન જ અંકાય ! કેમેરાનું મહત્ત્વ તે જાણતો જ હશે અને એટલે જ તે વિશાળગઢ પોલીસને કેમેરા સોંપવા જાવાની મૂર્ખાઈ નહીં કરે. અહીંનું પોલીસ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટ હશે એ એક ને એક બે જેવી વાત તો એ સમજી જ ગયો હશે.’

‘તો પછી એ શું કરશે ?’ નાગરાજને સાચી ગંભીરતા પૂછ્યું.

'સર, એ સીધો જ દિલ્હી જવાનો પ્રયાસ કરશે... અને જો એકવાર તે દિલ્હી પહોંચી ગયો તો પછી આપણે કંઈ જ નહીં કરી શકીએ'

'આ હીરો વિશે બીજી કોઈ માહિતી મળી ?'

'હા.'

'શું...?'

‘મેં એના સામાનની તલાશી લીધી હતી.' રહેમાને જ અવાજે જવાબ આપ્યો, ‘એમાંથી મને એના બે-ત્રણ ફોટા મળ્યા છે. હવે હું એની સેંકડો નકલો કરાવીને આપણા માણસો સુધી પહોંચાડી દઈશ. બસ-સ્ટેશન, રેલ્વે-સ્ટેશન, એરપોર્ટ અને શહેરની નાની-મોટી તમામ હોટલો પાસે આપણા માણસો ફરતા રહેશે. એ જરૂર આપણી જાળમાં ફસાઈ પડશે સર.. એ જો શહેરના પોલીસ વડાની ઓફિસે પહોંચવાનો પ્રયાસ કરશે તો તે પણ આપણે નિષ્ફળ બનાવી શકીશું. વિશાળગઢની બહાર જનારી તમામ બસો, ટેકસીઓ અને પ્રાઈવેટ બસોના અડ્ડા પર પણ નજર રખાશે. એની હાલત મેં જોઈ છે. સર, એના કપડાં એકદમ ફાટી ગયાં હતાં અને ખૂબ જ ગંદા થઈ ગયેલા હતા, એ જોતાં તે ઉંદરની જેમ કોઈક જગ્યાએ ભરાઈ બેઠો હોવો જોઈએ. એ આ શહેરનો અજાણ્યો છે. એટલે કોઈ ઓળખીતા-પાળખીતા કે સગાં-વ્હાલાને ત્યાં આશરો લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. હોટલોમાં તો આપણા માણસો નજર રાખતા જ હશે.' રહેમાન ચૂપ થઈ ગયો.

'શાબાશ...' નાગરાજને સંતોષથી પોતાનું ગેંડા જેવું માથું હલાવ્યું. રહેમાન તરત જ બહાર નીકળી ગયો.

********

- બીજી તરફ

કમલ જોશી સ્નાનાદિથી પરવારીને ફ્રેશ થઈ ગયો પછી એ વૃદ્ધ તેને કીચન કમ ડાઈનીંગ રૂમમાં લઈ ગયો હતો અને થોડો નાસ્તો કરાવ્યો હતો. તથા ગરમ ગરમ કોફી પણ પીવડાવી હતી.

કમલે તેનો આભાર માનીને પરિચય પૂછયો ત્યારે તે ફક્ત સ્મિત ફરકાવીને રહી ગયો હતો.

કમલે ત્યારબાદ કશીયે પૂછપરછ કરવાનું માંડી વાળ્યું હતું. પછી એ વૃદ્ધ તેને પાછળના ભાગે આવેલા એક શયનખંડમાં લઈ ગયો.

'તું ઘણો જ થાકી ગયો હો એવું લાગે છે.’ વૃદ્ધે કમલના ફિક્કા ચહેરા સામે જોતાં માયાળુ અવાજે કહ્યું, 'માટે તું હવે - થોડા કલાકોની ઊંઘ ખેંચી કાઢ. સવાર પડવા આવી છે. હું કાલ બપોરે તને ઉઠાડીશ.' આટલું કહી, જવાબની રાહ જોયા વગર એ વૃદ્ધ બહાર નીકળી ગયો અને તેની પાછળ બારણું બંધ થઈ ગયું. એકલો પડી ગયેલો કમલ જોશી ચારેય તરફ નજર ફેરવવા લાગ્યો. એક મોટા હોલ જેવડો આ શયનખંડ હતો અને એમાં

ડબલ બેડ, ટી.વી., સોફાસેટ વિગેરે મોઝુદ હતા. એણે ઝડપથી કેમેરો કાઢીને બેડનું ગાદલું ઊંચું કરીને પગ તરફના ભાગમાં છૂપાવી દીધો. ત્યાર બાદ નચિંત બનીને તે ઊંઘી ગયો.

થોડા કલાકો પછી અચાનક કંઈક અવાજ થવાથી એની ઊંઘ ઊડી ગઈ. એ અવાજ બારણું ઉઘડવાથી થયો હતો. ઉઘડી ગયેલા બારણામાં દાખલ થઈને પેલો માયાળુ તેના પલંગ પાસે આવ્યો, એના હાથમાં ચાની ટ્રે હતી. ટ્રે સેન્ટર ટેબલ પર મૂકીને એણે કમલને બાથરૂમ તરફ સંકેત કર્યો.

કમલ આભારસૂચક ભાવથી માથું હલાવીને બાથરૂમમાં ચાલ્યો ગયો. બાથરૂમની પાછલી બારી એક જાહેર સડક પર પડતી હતી અને તેના કાચમાંથી તડકો અંદર આવતો હતો. સડક પર પગપાળા જતા રાહદારીઓ, રીક્ષા અને મોટરો તથા અન્ય વાહનની આવ-જા ચાલુ હતી. એનાં પોતાનાં કપડાં બાથરૂમમાં જ હેમ પર લટકતાં હતાં.

વીસેક મિનિટ પછી તે ફ્રેશ થઈ, પોતાનાં કપડાં પહેરીને બહાર નીકળ્યો. એની ભારે અજાયબી વચ્ચે વૃદ્ધ હજુ ત્યાં જ બેઠો હતો.

કમલે ચા પી લીધી અને પછી પ્રશ્નાર્થ નજરે વૃદ્ધ સામે જોયું. “ભાઈ...” વૃદ્ધ એની સામે જોતાં બોલ્યો, 'હવે તારો થાક ઊતરી ગયો છે. હું તને હવે વધુ વાર રહેવા દઈ શકું તેમ નથી, માટે હવે તું અહીંથી રવાનો થઈ જા...” કહી, ઊભો થઈ, પીઠ ફેરવીને એ ત્યાંથી બહાર નીકળી ગયો.

કમલ દિગ્મૂઢ બની ગયો.

વૃદ્ધમાં અચાનક થયેલા ફેરફારનું કારણ તે સમજી શક્યો નહીં'. પણ હવે કાકલુદી કરીને અહીં રહેવાનો કોઈ અર્થ નહોતો. એટલે જવાની તૈયારી રૂપે એણે કેમેરો લેવા માટે ગાદલું ઊંચું કર્યું.

બીજી જ પળે તે અવાક અને જડવત્ બની ગયો. થોડી પળો સુધી તેને ખૂબ જોરથી ચક્કર આવ્યા. એની આંખો સામે અંધકારની કાળી ચાદર ઊતરી આવી. એના ગળામાં જાણે કે શૂળ ભોંકાતા હતા. સુકાતા હોઠ પર એની જીભ યંત્રવત ડાબે-જમણે ફરી વળી.

થોડી વાર પછી એના હોંશ ઠેકાણે આવ્યા. એની વિસ્ફારિત બનેલી આંખો પલંગના પગ તરફના ખાલી ભાગ પર સ્થિર થઈ ગઈ હતી.

અને... અને રાત્રે એણે છૂપાવેલો કેમેરો ગુમ થઈ ગયો હતો.

કેમેરો... ક્યાં ગયો કેમેરો...?

ધરતી ગળી ગઈ કે આકાશ કોળીયો કરી ગયું ?

ક્યાં છે કેમેરો...?

હે ભગવાન...!

એનું કાળજું ધફ ધક્ થતું હતું.

પગ પાણી પાણી થતા હતા.

એની આંખો સામે બળદેવ ઊર્ફે રાજેશનો કરૂણામય ચહેરો ઉપસી આવ્યો. પછી એના હોઠ સખ્તાઈથી બીડાયા. ચહેરા પર ઝનૂન ઊભરાયું. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. ત્યારબાદની દસ મિનિટમાં કેમેરો શોધવા માટે તે શયનખંડની ઈંચ ઈંચ જેટલી જગ્યાની તલાશી લઈ ચુક્યો હતો. પરિણામે શયનખંડની તમામ વસ્તુઓ વેરણછેરણ થઈ ગઈ હતી. ડબલ બેડનું ગાદલું નીચે પડયું હતું. આવી જ હાલત બાકીની વસ્તુઓની હતી.

— નક્કી કેમેરો આ ડોકરાએ જ બઠાવી લીધો છે! કમલ પોતાની જાતને ઉદ્દેશીને મનોમન બબડયો. મારો બેટો, જાણે મારો સગો બાપ હોય એ રીતે ભાઈ-ભાઈ કરતો હતો. જરૂર આ ડોકરો મારી પાછળ પડેલા બદમાશોનો સાથી હોવો જોઈએ. ક્રોધે ભરાઈને એણે દાંત કચકચાવ્યા.

તે વંટોળિયાની જેમ બહાર નીકળીને લોબીમાં આવ્યો. એને બીજા બેડરૂમનું બારણુ દેખાયું એણે બારણાને ધકકો માર્યો તે ઉઘડયું નહી. મીઠાબોલા ડોકરાએ કદાચ અંદરથી સ્ટોપર-સાંકળ બંધ કરી દીધી હતી.

કાળઝાળ રોષને કારણે એ જોરજોરથી શ્વાસ લેતો હતો. પછી એના જમણા પગની જડબેસલાક લાતના ઉપરાઉપરી ત્રણ-ચા પ્રહાર બંધ બારણા પર ઝીંકાયા.

તે થોડી ક્ષણો શ્વાસ લેવા અટક્યો.

એ જ પળે એની ભારે અજાયબી વચ્ચે બારણું ઉઘઢી ગયું. પ્રવેશદ્વાર પર એક લાવણ્યમય સુંદરી ઊભી હતી. એની ખૂબ સુરત આંખોમાં એક સાથે અનેક પ્રશ્નાર્થચિહ્નો છવાયાં હતાં.

“તમે...? પેલો ડોકરો ક્યાં મૂઓ...' કમલના બાકીના શબ્દો મોંમાં જ રહી ગયા. સામે ઊભેલી સુંદરીના મોહક ચહેરા સામે તે પળભર મંત્રમુગ્ધ હાલતમાં તાકી રહ્યો.

'ત...ત...તમે... તું અહીં ક્યાંથી?' કમલ તેને ઓળખીને ત્રુટક અવાજે બોલી ઊઠ્યો.

કહેવાની જરૂર નથી કે આ પરમ સુંદરી બીજું કોઈ નહીં પણ મોહિની નામની કોલગર્લ જ હતી.

'કેમ...?' મોહિનીના અવાજમાં કડવાશ હતી, 'મને અહીં જોઈને નવાઈ લાગે છે તમને?'

'પણ... તું...અહીં...?' કમલ હજુયે આશ્ચર્યસાગરમાં ગોથાં ખાતો હતો.

'હા...' એ સ્મિતસહ બોલી, 'હું અહીં..! આ મારું જ ઘર છે...'

'ઓહ... તો પેલો ડોકરો તારો બાપ લાગે છે ખરું ને? '

'તમારી ભાષા સુધારો મિસ્ટર...' મોહિની રોષથી બોલી, 'એ મારો બાપ નથી પણ બાપ કરતાંય વિશેષ છે, સમજ્યા તમે? હું એને કાકા કહું છું. કાકાએ તમને અહીં આશરો આપ્યો એનો બદલો તમે આ રીતે વાળો છો ? ઉપકાર પર અપકાર ? વાહ... જવાબ નથી તમારો મિસ્ટર...! શું બગાડયું છે કાકાએ તમારું..?'

'એણે મારો કેમેરો ચોરી લીધો છે.'

'ઓહ... એમ વાત છે... તો તમે એમ કહેવા માંગો છો કે કાકાએ તમારો કેમેરો ચોર્યો છે?'

'હા...એમ જ કહું છું.' કમલનો અવાજ ક્રોધના અતિરેકથી ધ્રુજતો હતો.

'કેમેરો કેવોક હતો તમારો? જરા કહો તો ખરા...'

'એ સિગારેટ કેસ કરતાં પણ થોડો નાનકડો હતો.’

‘એમ...?' હવે મોહિનીને અવાજ ટીખળી હોવાની સાથે સાથે રમતિયાળ પણ હતો, તો તો ખૂબ જ મોંઘો હોવો જોઈએ આ કેમેરો ખરું ને ?'

'હા...મેં સાડા ત્રણ હજાર રૂપિયા ચુકવીને તે ખરીદ્યો હતો.'

'આઈ સી...આઈ સી…” મોહિની ઠાવકા અવાજે બોલી. પછી વળતી જ પળે એણે નીચા નમી, ટેબલ પર પડેલી વેનીટી - બેગ ઉઘાડીને તેમાંથી પચાસ રૂપિયાવાળી નોટનું એક બંડલ કાઢીને કમલ સામે ફેંક્યું.

'આ પાંચ હજાર રૂપિયા છે.. એમાંથી તમારા કેમેરાના સાડા ત્રણ હજાર રૂપિયા લઈને બાકીના પંદરસો રૂપિયા અહીં જ મૂકી દે અને પછી ચૂપચાપ અહીંથી વંજી માપી જાઓ.’

'ના...' કમલે બંડલ ઊંચકીને તેની સામે પાછું ફેંકતાં કહ્યું, મારે પૈસા નહીં પણ એ કેમેરો જ જોઈએ છે.'

'તમારે માત્ર કેમેરો જ જોઈએ છે. એમ ને?'

'હા..'

સહસા મોહિનીના ગળામાંથી પ્રચંડ અટ્ટહાસ્ય નીકળ્યું. કમલ કિંકર્તવ્ય વિમૂઢની જેમ તેની સામે તાકી રહ્યો. અચાનક મોહિનીએ અટ્ટહાસ્ય બંધ કર્યું. એનો ચહેરો પથ્થર જેવો સખત થઈ ગયો.

'એ કેમેરો...' એ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલી. 'એ કેમેરો તો વિશાળગઢની અંધારી આલમનો બેતાજ બાદશાહ નાગરાજન પણ મેળવવા માગે છે!'

'શું'...?' જાણે અચાનક જ પગે સાપ વીંટળાય કમલ ઉછળી પડ્યો. નાગરાજન વિશે એણે ઘણું ઘણું સાંભળ્યું હતું.

'તુ.. તું..?'

'તમે રિપોર્ટર છો ને ?'

'હા..'

'તો પછી નાગરાજન શું ચીજ છે... એની શું હૈસિયત એ પણ જરૂર જાણતા જ હશો. આ નાગરાજન નામનો નાગ કેમેરાના બદલામાં મને લાખો રૂપિયા આપી શકે તેમ છે.'

'ના...ના...” કમલ વ્યાકુળ અવાજે બોલ્યો, 'એ કેમેરા મારો છે. હું એ કોઈને ય આપવા નથી માંગતો.’

'મિસ્ટર...તમે જે હોટલમાં ઉતર્યા હતા, એ હોટલનો મેનેજર મારો પરિચિત છે. અને માત્ર એ જ શા માટે ? વિશાળગઢની લગભગ દરેક હોટલના મેનેજરો મને બહુ સારી રીતે ઓળખે છે કારણ મારો બિઝનેસ જ એ પ્રકારનો છે. તમે.. તમે મને મારા દિલની વાત કહેવાની... ખુલાસો કરવાની એક તક પણ નહોતી આપી. મને ધુત્કારી કાઢી હતી. હું... સમગ્ર પુરુષ જાતિને ધિક્કારું છું. મારી દરેક રાતો પુરૂષો સાથે પસાર થતી હોવા છતાંય હું તેમને નફરત

કરું છું. પરંતુ જ્યારે તમે મને ખાનદાન કુટુંબની કહી, ત્યારે પહેલી જ વાર મને લાગ્યું કે, પુરુષો વિશેની મારી વિચારસરણી ખોટી છે.  દરેક પુરુષો એકસરખા નથી હોતા... તમારા જેવા દેવતા પણ હોય છે...હું મનોમન તમને ચાહવા લાગી...પરંતુ મારી સાચી હકીકત સાંભળ્યા પછી તમે મારા ગાલ પર તમાચો મારીને મારું સન્માન કર્યું: હું જે ગંદકીભર્યું જીવન પસાર કરું છું, એમાં મારો કંઈ જ વાંક નથી. બધો વાંક તમારા જેવા પુરુષોનો જ છે. એક વાંક મારો જરૂર છે. અને એ વાંક મેં આ દુનિયામાં જન્મ લીધો, તે છે! ખેર, કાલે રાત્રે હું હોટલેથી પાછી ફરતી હતી ત્યારે મેં પાછળના ભાગ તરફથી ગોળીઓ છૂટવાના અવાજો સાંભળ્યા હતા. હું કોઈક ખાલી ટેકસીની રાહ જોતી ઊભી હતી. ત્યારબાદ મેં અચાનક જ પોલીસ જીપનું સાયરન સાંભળ્યું. ક્યાંક હું પણ ફસાઈ જઈશ એવો ભય મને સતાવવા લાગ્યો, હું તાબડતોબ હોટલની સામે આવેલા પબ્લિક ટેલિફોન બૂથમાં જઈને છૂપાઈ ગઈ.' કહીને મોહિની પળભર માટે અટકી.

કમલ જડવત્ બનીને ઊભો હતો.

એક ઊંડો શ્વાસ લઈ ને મોહિનીએ પોતાની વાત આગળ લંબાવી.

'મારે અર્ધા કલાક સુધી ત્યાં જ રોકાવું પડયું. અને આ દરમિયાન મેં જોયું તો નાગરાજનનો રહેમાન નામનો ખાસ માણસ પોતાના બદમાશ સાથીદારો સાથે ત્યાં આવી પહોંચ્યો. હોટલમાં કોઈક જબરદસ્ત બખેડો ઊભો થયો છે, એ હું તરત જ સમજી ગઈ. ખેર, ત્યારબાદ હું ઘેર પાછી ફરી. ત્યારે કાકા મારી રાહ જોતા હતા. મારા આવવા વિશે મેં તેમને એ બૂથમાંથી જ ફોન કરી દીધો હતો. અમે સાથે જ ભોજન કર્યું. પછી હું સૂવા માટે જતી હતી કે અચાનક જ તમે ડોરબેલ દબાવી. હું બારણા પાસે પહોંચી. મેં આઈ ગ્લાસમાંથી નજર કરીને તમને ઓળખ્યા. તમારો દેખાવ તથા હાલત જોઈને, તમારે કારણે જ હોટલમાં બખેડો થયો હતો, એ વાત તરત જ હું સમજી ગઈ. તમે રહેમાનના પંજામાંથી છૂટયા છો એ વાત મારા મગજમાં આવી ગઈ. મેં તરત જ જઈને, કાકાને બારણું ઊઘાડીને તમને અંદર આવવા દેવાનું છે ત્યાર પછી તમે કેમેરાને ક્યાં છૂપાવ્યો છે, એ હું કી હોલમાંથી જોઈ ચુકી હતી. તમે સુતા હતા એ દરમિયાન મેં જ તે કેમેરા લીધો છે. ખેર, ત્યારબાદ મેં તમે ઊતર્યા હતા, એ હોટલમાં ફોન કરી ત્યાં થયેલા બખેડા વિશે પૂછપરછ કરી. મેનેજરના કહેવા પ્રમાણે નાગરાજનના માણસો એ હોટલમાં ઊતરેલા, ફિલ્મ અભિનેતા બનવા આવેલા ભાવિ અમિતાભ બચ્ચનને પકડવા માટે આવ્યા હતા. પણ એ તેમના પંજામાંથી સહી-સલામત રીતે નાસી છૂટયો હતો. એણે એ ભાવિ અમિતાભના દેખાવનું જે વર્ણન જણાવ્યું, એ આબાદ તમને મળતું હતું. તમારા ગજવામાંથી મળેલા આઈડેન્ટીટ કાર્ડ પરથી તમે રિપોર્ટર છો, એ વાત મને જાણવા મળી ગઈ. મિસ્ટર કમલ, કલમ ચલાવવી અને હકીકતનો સામનો કરવો બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. તમે મને ભૂલથી પણ ખાનદાન કુટુંબની માની હતી, એ બદલ હું તમારી આભારી છું તમે જેમ તેમ જલ્દીથી આ શહેરમાંથી વંજો માપી જાઓ એમાં જ તમારું હિત છે. નહીં તો નાગરાજનના માણસો કોપ બનીને તમારા પર તૂટી પડશે. આ દુનિયામાં તમારું નામોનિશાન પણ નહીં રહેવા દે સમજ્યા?'

વાત પૂરી કર્યા પછી મોહિનીએ વેનીટી બેગમાંથી કેમેરો કાઢીને ખૂબ ધીમેથી, કશુંયે નુકસાન ન થાય તેની સાવચેતી રાખીને કમલ જોશી સામે ફેંક્યો. પછી તે ખુરશી પર બેસી ગઈ.

'અને કમલ?'

એ નર્યા-નિતર્યા અચરજથી ક્યારેક મોહિની સામે તો ક્યારેક જમીન પર પડેલા કેમેરા સામે તાકી રહ્યો.