૧૯૯૨ સાન્ફ્રાન્સિસીસકો યુ. એસ.એ:
વિહંગ ઉતાવળે કાર પાર્ક કરી ઓફિસના મકાનમાં દાખલ થવા જઈ રહ્યો હતો.ત્યાં ટેક્સીમાંથી બ્લેક પેન્ટ અને બ્લુ જેકેટમા સજ્જ એક સુંદર યુવતી ઉતરીને મકાનમાં દાખલ થઈ. ઠંડીને લીધે એ ધ્રુજતી હતી. ઉતાવળને લીધે એના હાથમાંથી ફાઈલ નીચે પડી ને બધા કાગળ વિખરાઈ ગયા.વિહંગે એને કાગળ ઉપાડવામાં મદદ કરી. કાગળો પર પોતાની ઓફીસના સ્ટેમ્પ જોઈ એ પૂછી બેઠો "આર યુ ગોઈંગ ટુ સેવન સ્ટાર ફાઇનાન્શ્યલ કંપની 'સ ઓફીસ ?
તે બોલી," યા , આઇ એમ ગોઇંગ ધેર"..બંને વચ્ચે ઔપચારિક વાતો થઈ.
વિહંગ બોલ્યો," આઇ એમ વરકિંગ વિથ સેમ કંપની "
એ સુંદર યુવતીનું નામ નેત્રા હતું. એ મુંબઈથી વિહંગની કંપનીમાં 'મેનેજમેનેટ ટ્રેનિંગ માટે આવી હતી. વિહંગ એનો ટ્રેઈનર હતો. વિહંગ ભારતીય હોવાથી નેત્રાને પણ નવા વાતાવરણમાં હાશકારો થયો. વિહંગ ભારતમાં જન્મેલો દિલ્હીનીનો રહેવાસી! અભ્યાસ માટે અહીં આવેલો. સારી કંપનીમાં કામ મળતાં અહીં જ સ્થાયી થયેલો. હવે અહીં રોજ વિહંગ અને નેત્રાને મળવાનું બનતું. બંને મિત્રો બની ગયા. વીકએન્ડમાં વિહંગ એને જોવાલાયક સ્થળોએ ફરવા લઇ જતો. બંનેના સ્વભાવમાં ઘણું સામ્ય હતું. મિત્રતા પ્રેમમાં પરિણમી બંને એકબીજાને દિલ દઈ બેઠા. ત્રણ મહિનાના સહવાસમાં બંને એ એકબીજાને જીવનભર સાથ રહેવાના કોલ આપ્યા. ટ્રેનિંગ પૂરી થતાં નેત્રાનો જવાનો સમય થયો. ફોન નંબર અને સરનામાની આપ-લે થઈ.બંનેએ નક્કી કર્યું કે પરિવારને જાણ કરીશું. નેત્રાના પરિવારમાં એની મમ્મી જ હતી. પિતાનું થોડા વરસો પહેલાં અવસાન થયું હતું. એને વિશ્વાસ હતો કે મમ્મી માની જશે. વિહંગે પણ કહ્યું કે એ પણ ઘરના સહુની સંમતિ લઈ શકશે. આ વર્ષના અંતમાં વિહંગ રજા લઈને મુંબઈ આવશે અને બંને લગ્ન કરી લેશે એવું વચન આપીને બંને સજળ આંખે છૂટા પડ્યાં.
મુંબઈ પહોંચીને નેત્રા સેટલ થઇ ફોન કરશે એની આશામાં વિહંગે થોડા દિવસ રાહ જોઈ પણ નેત્રાનો કોઈ ફોન નહોતો. આખરે એના ઘરના નંબર પર ફોન જોડ્યો પણ કોઈ ઉત્તર નહોતો. એની ઓફીસના નંબર પર ફોન કરતાં જાંણવા મળ્યું કે નેત્રા રજા પર હતી. થોડા દિવસ રાહ જોઈને ઘરના સરનામાં પર પત્રો લખ્યાં. કોઈ ઉત્તર નહોતો. મુંબઈ રહેતાં એના મિત્રોને સંપર્ક કરી આપેલા સરનામાં પર તપાસ કરવા કહ્યું.બધાએ જણાવ્યું કે એ લોકો ઘર ખાલી કરી કશેક ચાલ્યા ગયા છે. ક્યાં ગયા છે કઈ જ ખબર નહોતી. થોડા દિવસો બાદ ફરીથી ઓફિસમાં ફોન કર્યો તો જાણવા મળ્યું કે નેત્રાએ રાજીનામુ આપી દીધું છે. અત્યારે ક્યાં છે કોઈને ખબર નહોતી. વિહંગ એના ફોનની રાહ જોઈ રહ્યો હતો પણ કોઈ સમાચાર કે ફોન નહોતા. દિવસો મહિનાઓમાં પરિણમ્યા. વિહંગની ધીરજ હવે ખૂટી ગઈ આખરે રજાઓ લઇ વિહંગ મુંબઈ પહોંચ્યો!!
ડિસેમ્બર ૧૯૯૩ મુંબઈ:
વિહંગે મુંબઈ પહોંચી નેત્રાના સરનામે અને ઓફીસમાં બધે જ તપાસ કરી. ક્યાંય એનો પત્તો નહોતો. એ ખુબ નિરાશ થઇ ગયો હતો. નેત્રાએ એની સાથ દગો કર્યો છે, એ વાત એનું દિલ માનતું જ નહોતું. પાછા ફરવાનો નિર્ણય કરી લીધો. હોટલ તરફ જતાં એની ટેક્સી દાદર પાસેથી પસાર થઈ ત્યારે એને યાદ આવ્યું કે નેત્રાએ તેને મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયકના મંદિર વિષે કહેલું કે ત્યાં બધાની આશા ફળે છે. વિહંગે ટેક્સી મંદિર પર લેવડાવી. ત્યાં પહોંચી સાચા મનનથી પ્રભુને નેત્રાને શોધી આપવા પ્રાર્થના કરી બહાર આવ્યો.
જાણે ચમત્કાર થયો હોય એમ સામેની દુકાનમાંથી પીળા સલવાર સૂટમાં ,ખુલ્લ ા
વાળમાં આંખો પર ગોગલ્સ પહેરેલી નેત્રા બહાર નીકળી. તેણે કોઈ નાની બાળકીનો હાથ પકડ્યો હતો. વિહંગ દોડતો એની પાસે પહોંચ્યો," નેત્રા..ઉભી રહે!!
" નેત્રા ઉતાવળે ચાલવા લાગી. વિહંગ દોડીને તેની પાસે પહોંચી ગયો. નેત્રા ક્યાં જાય છે? ઉભી રહે !"
વિહંગે ચીસ પાડી. ત્યાં એક કાર આવીને ઊભી રહી. નેત્રા બોલી," ચાલ ઘરે પહોંચીને વાત કરીયે."
વિહંગ કારમાં ગોઠવાયો. નેત્રા પણ પેલી બાળાનો હાથ પકડી કારમાં બેસી ગઈ ..વિહંગના મનમાં અનેક પ્રશ્નો હતાં પણ એ ચૂપ થઇ ગયો હતો.નેત્રાના ગોગલ્સ નીચેથી વહેતી આંસુની ધાર વિહંગ જોઈ શક્યો. કાર એક મોટા મકાન પાસે આવી ઉભી રહી. બધા નીચે ઉતર્યા. ડ્રાઈવર ગાડી પાર્ક કરવા ગયો. ઘરે આવીને બંને સોફા પર ગોઠવાયા. પેલી બાળકી પાણીના ગ્લાસ મૂકી ગઈ.
પાણી પીને સ્વસ્થ થઈ નેત્રાએ જણાવ્યું કે અમેરિકાથી ફર્યાના બે દિવસ બાદ ૧૨ માર્ચ ૧૯૯૩ ના દિવસે મુંબઇમાં શ્રેણીબદ્ધ બૉમ્બ ધમાકા થયા. એ સમયે તેણી પોતાની મમ્મી સાથે બેન્કમાં કામથી ગઈ હતી.જ્યાં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. એના પ્રચંગ ધડાકાથી એ બેહોશ થઇ ગઈ. જયારે ભાન આવ્યું ત્યારે ખબર પડી કે એની મમ્મી આ અકસ્માતમાં મૃત્યુ પામી હતી અને બેંકના તૂટેલા કાચની કરચો એની આંખમાં જવાથી એની એક આંખ જતી રહી હતી. બીજી આંખમાં પણ ગંભીર ઇજા થઈ હતી. જેથી તેણી લગભગ અંધ થઇ ગઈ હતી. પોતાના અંધાપાથી વિહંગનું જીવન નષ્ટ નહોતું કરવું એટલે તેણે પોતાનું ઘર બદલી નાખ્યું અને ઓફીસ પણ છોડી દીધી હતી. જેથી વિહંગ એનો સંપર્ક ન કરી શકે. હાલમાં તેની એની એક સખીના ઘરે રહેતી હતી. આ બાળા એની સખીની નાની બહેન હતી. ગાડી અને ડ્રાઈવર પણ એની સખીનાં જ હતાં.
નેત્રાની આપવીતી સાંભળી વિહંગની આંખોમાંથી અવિરત આંસુઓની ધારા વહી રહી. વિહંગ બોલ્યો ," આટલું બધું દુઃખ તે એકલી એ સહ્યું.. એ પણ મારા માટે ?આટલો પ્રેમ ? તે એવું કેમ ધારી લીધું કે હું તારા વિના રહી શકીશ ? તારા વિનાનું જીવન દોજખ જેવું જ છે. પ્રેમ તે એકલીએ નથી કર્યો મેં પણ કર્યો છે. મેં માત્ર તારી સુંદરતાને પ્રેમ નથી કર્યો. તારા અસ્તિત્વને પ્રેમ કર્યો છે. આંખો નથી તો શું થયું,? આજથી મારી નેત્રા મારા નેત્રોથી દુનિયા જોશે ..હું તારી આંખો બનીશ. ચાલ મારી સાથે! "
નેત્રા બોલી "વિહંગ, મને માફ કરજે પણ હું તારી સાથે નહીં આવી શકું. હું અંધ શાળામાં મારી સાથે કામ કરતા એક મિત્ર સુહાસ ને પ્રેમ કરું છું અને તેને લગ્નનું વચન આપી ચૂકી છું. "
આ સાંભળીને વિહંગ ત્યાંથી બહાર નીકળી ગયો. તેના ગયા બાદ અસ્ખલિત આંસુ વહાવતી નેત્રા બોલી," મને માફ કરી દેજે વિહંગ! મારે અસત્ય બોલીને તારું દિલ તોડવું પડયું કારણ હું જીવનભર તારા પર બોજ બનીને તારું જીવન દોજખ બનાવવા માંગતી નહોતી!"
નેત્રા ના ઘર નીચે થી આંસુ ભરી આંખે પસાર થઈ રહેલો વિહંગ વિચારી રહ્યો," હું જાણું છું તું બીજા કોઈને પ્રેમ કરી શકે જ નહીં છતાંય ન તારા સ્વાભિમાન ને ખાતર હું તને છોડી ને નીકળી ગયો! તું મારી આશ્રિત બનીને જીવવા નહોતી માંગતી એથી ખોટા પ્રેમનું બહાનું બનાવી રહી છે!!"
એકબીજા ના સુખ માટે દર્દ સહી લેનાર પ્રેમ આવો પણ હોય શકે!!
- તની