third not in Gujarati Motivational Stories by Priya books and stories PDF | ત્રીજો નહિ!

The Author
Featured Books
Categories
Share

ત્રીજો નહિ!

‘એક પથ્થર આવ્યો’!

‘બીજી દિશામાંથી બીજો આવ્યો’!

બન્ને પથ્થર વાગતાં બચી ગયા. ગાંડી ખડખડાટ હસી રહી. પથ્થરનો નિશાન ચૂકી ગયા ને? લે મૂઆ! હવે બસ, ત્રીજો નહી! કાલે વાત!

પેલો રઘલો જીતુ, રોજ ગાંડીને બે પથ્થર મારે.મોટે ભાગે નિશાન ચૂકી જાય. ગાંડીને ખૂબ મઝા આવે. તાળી પાડી ને નાચે. પછી એલાન કરે , ‘હવે કાલે’! કોઈનું કહ્યું ન માનનારો ગાંડી કહે એટલે નરમ ઘેંશ જેવો થઈ જાય.

આ તો નસિબના લખ્યાં કોણ મિથ્યા કરે. ગાંડી ચિંથરે વિંટ્યું રતન છે. આજે ભલેને ગાંડી હોય ગમે તેવા વેશ કાઢે. તેને જુવાનીમાં જોઈ હોય તો લોકોની આંખો પહોળી થઈ જતી. માસ્તરની છોડી, સાદા કપડામાં કંઈ ઢગલો રૂપ લઈને આવી હતી. માસ્તર અને તેમના ધર્મ પત્ની ખૂબ સાદા. ભગવાનનું માણહ. બન્ને જણાને થતું આ જુવાન છોડીને કેમ સાચવીશું? નાની હતી ત્યારથી ‘લીલી’ બધાની ખૂબ વહાલી. લીલા કપડાં પહેરીને નિકળે, પાછળ બે ચોટલા, ડાબેથી જમણે ને જમણથી ડાબે ફંગોળાતા હોય. ત્યારે શાંતિભાઈ માસ્તર અને શુશિલા બહેન મણનો નિસાસો નાખે.

‘હે પ્રભુ, તે આવું અણમોલ રતન અમારા જેવાને ત્યાં કેમ દીધું’? એક વાર જ્યારે પંચાયતનો પ્રમુખ ઘરે આવ્યો ત્યારે તેના મોઢામાંથી લાળ ટપકી પડી. બોલ્યા વગર ન રહેવાયું ,’ આ માદરપાટની મિલમાં મલમલ ક્યાંથી’?

શાંતિભાઈ માસ્તર તો સડક થઈ ગયા. ‘લીલી, જો તારી મા બોલાવે ‘. કહી છોડીને રસોડામાં ધકેલી.પેલો પ્રમુખ તો કામ પતાવીને ઘર ભેગો થયો.

તેને માસ્તરનું કામ ઘણીવાર પડતું. બહુ ભણેલો ન હતો. અવાર નવાર કૉર્ટ કચેરીના કાગળ આવે તો તે સમજવા માસ્તરને ત્યાં આવતો. ભલેને સમાજમાં પ્રમુખ થઈને ફરતો. અંગુઠાછાપથી થોડોક વધારે હતો. એ તો બાપદાદાની મિલકત હતી એટલે પંચાયતની ચુંટણીમાં પાણીની જેમ પૈસા વાપરે. બાકી જો પૈસા ન હોય તો કોઈ મજૂરીએ પણ ન રાખે. હરામ હાડકાંનાને કામ કરવાની આદત ક્યાં હતી?

‘પ્રમુખ સાહેબ, તમારે કામ હોય તો મને તેડાવજો. હું હાથનું કામ પડતું મૂકીને તમારે ત્યાં આવી જઈશ’! પ્રમુખ જતો હતો ત્યારે માસ્તરે કહ્યું. પ્રમુખ તો હવે કૂતરાની જેમ હાડકું ભાળી ગયો હતો. માસ્તરને ત્યાં આવે, લીલીના રૂપનું પાન કરે ને તેના હૈયે કાતર ચાલે! બે વર્ષ પહેલાં તેની બૈરી સ્વર્ગવાસી થઈ હતી. એક વાર તેના દીકરા જીતુના શાળાના કામે આવ્યો. જીતુ સાથે હતો.

‘બાપરે, આ માસ્તરની દીકરી છે?’ બાપ તો જોઈ જ રહ્યો. હવે તેને ખતરો જણાયો. જેનો બાપ આવો તેના દીકરા કેવા હોય? જીતુ ભાઈતો શાળામાં ભણવાનું ભૂલી લીલીને જોયા કરે. ઉમરે હશે ૧૬ વર્ષની. જે ખૂબ ખતરનાક હોય છે!

લીલી આમ ખૂબ સીધી અને સાદી હતી. જુવાની ફાટ ફાટ ખીલી હતી. સમજે કાંઇ નહી પણ અંગોમાં થતાં ફે્રફાર નિહાળી રોમાંચ અનુભવતી. એમાંય જ્યારે જીતુ તેને તાકી તાકીને જોઈ રહેતો ત્યારે લજામણીની માફક શરમાતી. શાળામાં લીલી આગલી પાટલી પર બેસી ભણવામાં ધ્યાન આપતી હોય. ‘જીતુ, છેલ્લી પાટલીનો રાજ્જા.’

તેનો બાપ નહોતો ભણ્યો. તેને ભણવાનું શું કામ હતું? માંડ માંડ કેટલા વ્રત કર્યા પછી પટેલ, પ્રમુખને ત્યાં પારણું બંધાયું હતું. સોના પટલાણી ખૂબ ભલી. તેને પ્રમુખને વશમાં રાખતા આવડતું હતું. એક વાત કહેવી પડશે, પટલાણી એ કળામાં ખૂબ હોંશિયાર પૂરવાર થઈ. જેને કારણે પ્રમુખનો મોભો જળવાઈ રહેતો. લોકો પટલાણીના હાથની ‘ચા અને ભજીયાની’ મોજ અવાર નવાર માણતા.

જીતુને સારા સંસ્કાર માએ આપ્યા હતા. બાપ લાડ કરે, ના તેને ફટવે. મા તેને અંકુશમાં રાખે. આંગળી ઝાલીને દેવ દર્શને લઈ જાય. કથા વાર્તામાં રસ ન પડે તોય ઘસડી જાય. તેને થતું જે બે શબ્દ કાને સારા પડે. માના સ્વર્ગવાસ થયા પછી જીતુ થોડો નરમ થયો હતો. બાપને તો જાણે કાંઇ પડી જ ન હોય. આજે વળી શાળા માટેનું તેનું કામ હતું તેથી સાથે લાવ્યા હતા.

લીલી જોઈને ભાન ભૂલેલો જીતુ, તેનું દિલ જીતવાના રોજ નવા તુક્કા અજમાવતો. લીલી શરૂમાં ગભરાઈ ગઈ. માને વાત કરતાં જીવ ન ચાલ્યો. બહેન જેવી કીકી, તેની સહેલી. થોડી વાત કરી.

‘જો, લીલી સંભાળજે. ફસાતી નહી’.

‘કેમ એ મને શું કરી લેશે’?

‘એ તો મને પણ ખબર નથી. જીતુની આંખમાં જોજે’!

‘કાળી છે, માંજરી નથી, એટલે એ લુચ્ચો નથી.’ કહી લીલી ખડખડાટ હસી પડી.

લીલી શાળામાં હમેશા જીતુની હાલચાલ પર નજર રાખતી. ત્રાંસી આંખે બધું જોતી. ગમે તે કહો ,જીતુ તેને તાકી રહેતો તે તેને અંતરમાં ગમતું. જુવાનીમાં આ હરકત સહજ છે. આવું નાટક લગભગ છ મહિના ચાલ્યું. લાગ મળતાં જીતુએ પ્યારનો એકરાર કર્યો. લીલીએ ગમો યા અણગમો કશું બતાવ્યું નહી.

જીતુને થયું, ‘લીલીને મનમાં ભાવે છે’! હા, હજુ ખુલાસો કરતી નથી. લીલી ગમતું હોવા છતાં ખૂબ ગભરાઈ ગઈ હતી. એને મા કરતાં બાપુનો ડર વિશેષ હતો. માસ્તરને દીકરી હૈયાના હાર જેટલી વહાલી હતી. તેને જરાય અણસાર લીલીએ આવવા ન દીધો.

જુવાની દિવાની છે. એમાંય કોઈ ખૂબસૂરત જુવાન એ જુવાની પર મરી ફીટે તો ભલભલા ચળી જાય! લીલીના હાલ બૂરા હતા. કહેવાય નહી ને સહેવાય નહી એવું મીઠું દર્દ દિલ અને દિમાગ પર છવાઈ ગયું હતું. જીતુ ભલે ફટવેલો હતો. કોને ખબર લીલીનો જાદુ ચાલી ગયો. લીલીને ખાઅ દિલથી મહોબ્બત કરતો હતો. કદી છેડછાડ પણ ન કરી. ઉમર એવી હતી કે જોઈને ધરાઈ જતો. તેની મીઠી પ્રેમાળ નજર માત્રથી લીલી ઘવાઈ. બન્ને જણા માત્ર આંખો દ્વારા મળતા. પ્રેમ જતાવવા માટે, આંખથી તિક્ષ્ણ કોઈ કટારી નથી.

કોઈને આ છૂપા પ્રેમની ગંધ પણ ન આવી. આમને આમ બન્ને જણાએ શાળાનો અભ્યાસ પૂરો કર્યો. માસ્તર દીકરીનું રૂપ જોઈ તેના હાથ પીળા કરવા માટે વિચારી રહ્યા. પટેલના દીકરાને તો બાપની ગાદી સંભાળવાની હતી. માસ્તર રહ્યા બ્રાહ્મણ, પટેલમાં દીકરી દેવાનો વિચાર પણ તેને અકળાવે. હવે શું ?

લીલી રોટલા ઘડતી હોય ને વિચારે ચડી જાય. રોટલો બળે ત્યારે મા ટપારે,’ છોડી તારું ધ્યાન ક્યાં છે’? કઈ રીતે વાત જાહેર કરવી. પટેલને ઘરે પૂજાનો પ્રસાદ આપવાને બહાને જીતુને ગામને પાદર મળવાનો ઈશારો કર્યો. જીતુ રાજી થયો.

‘હવે ક્યાં સુધી આમ ચાલશે?’ લીલીએ સીધો સવાલ પૂછ્યો.

‘તું મને રસ્તો બતાવ. મારી મા નથી, બાપને કેવી રીતે કહું’?

‘પ્રેમ, બાપને પૂછીને કર્યો હતો?’

‘એ તો થઈ ગયો, ચાલ ભાગી જઈએ!’

મારા બાપની આબરૂ જાય. શાળાના છોકરા અને ગામ આખું તેમને ઈજ્જત આપે છે. હું દીકરી થઈ તેમનું નામ બોળું’?

‘પ્રેમ પૂછીને ન થાય. માતા અને પિતા જેમણે જન્મ આપ્યો તેમને દુઃખ પણ ન દેવાય. હવે શું?’

પ્રેમીઓની આ સ્થિતિ નવી નથી. તેના કરૂણ અંજામ આવે છે. કોને ખબર લીલી અને જીતુનું ભાગ્ય કેવું છે? આખરે લીલીએ હિમત કરી માને જણાવ્યું. મા, વાઢો તો લોહી ન નિકળે એવી થઈ ગઈ. તેને ખબર હતી, માસ્તર આ વાત સહન નહી કરી શકે. શુશિલાબહેનને થયું આ પગલી દીકરીને કેમ કરી સમજાવું? મા ખૂબ મુસિબતમાં ફસાઈ. તેેમને મન આ વાત પતિથી છુપાવવી એ ગુન્હો હતો. જે તેઓ કરી રહ્યા હતા.

શાંતિભાઈ હમેશા પત્નીને પૂછે ,’તું કેમ આવી થઈ ગઈ? તારી તબિયત તો ઠીક છે ને?’

‘મને શું ટાઢિયો તાવ આવ્યો છે? તમને કેમ એવું લાગે છે?’

‘તારા મોઢા પરની તંગ નસો જોઈ મારું દિલ દુઃખે છે.’

‘ના રે ના, હું તો મઝામાં છું’. જુઠું બોલ્યાનું દર્દ અંતરમાં સમાવ્યું.

હવે તો મુરતિયા જોવાની વાત ચાલતી હતી. ‘હમણાં શું ઉતાવળ છે?’

‘કેમ, છોડી ૧૭ની તો થઈ.’

‘જરા કામકાજમાં બરાબર પાવરધી થાય પછી વાત’. કહી વાત ઉડાડી દીધી.

આવું કેટલું ખેંચાશે? એક દિવસ શાંતિભાઈ માસ્તર મજાની સાડી અને બંગડીઓ લઈને આવ્યા. મા, દીકરી ખૂબ ખુશ થયા. રાતના વાત કાઢી, ‘આ આપણી ગગી કહે છે તેને કોઈકથી એ છે’.

‘એ એટલે શું’?

‘પ્રેમ’!

આંખમાં ઉંઘ હતી પણ વાત સાંભળતા નાઠી. ‘શું કહે છે? કોના્થી? ક્યારથી?’ એકીશ્વાસે બધા પ્રશ્નો પૂછી નાખ્યા.

‘પેલા પટેલ છે ને ,પ્રમુખ એના સુપુત્ર જીતુથી’.

માસ્તરે એવા જોરથી ઘાંટો પાડ્યો કે મા અને દીકરી બન્ને ધ્રુજી ઉઠ્યા.

હવે કોઈ ઉપાય ન હતો. જબરદસ્તીથી લીલીને પરણાવવાના પેંતરા રચ્યા. લીલી ખૂબ દુખી થઈ. રોજ રાત પડે જીતુ સાથે એકલી એકલી ગુસપુસ વાત કરે. એનું પ્રેમ પ્રકરણ ત્રણ વર્ષથી ચાલતું હતું. કોઈ હિસાબે તે બીજાને પરણવા રાજી ન હતી. એક બીજવર સાથે એના બાપે નક્કી કરી લીધું. લીલી તો સમાચાર સાંભળીને છળી મરી. હવે તો એના લવારા દિવસે પણ ચાલુ થઈ ગયા. માને ખૂબ ચિંતા થતી. વર પાસે તેનું કાંઈ ચાલતું નહી. લગ્નના બે દિવસ આગળ લીલી ગાંડા જેવી થઈ ગઈ. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. પેલો બીજવર ફસકી ગયો.

લગ્ન ન થયા પણ લીલીનું ચસકી ગયું. જીતુ વાત જાણી દુખી થયો. એને જ્યાં ત્યાં બધે લીલી દેખાતી. પથ્થર સાથે કાગળ બાંધી તેને પહોંચાડતો. લીલી વાત વાંચે ત્યારે સુધમાં આવે. રોજ બે ચિઠ્ઠી આવે. આમને આમ જીતુ પણ તેના પ્રેમ વગર પાગલ થઈ ગયો. તેના બાપે ઘણું મનાવ્યો પણ માને તે બીજા.

હવે તો રોજ બે પથ્થર આવતા. લખવાનું ભાનસાન જતું રહ્યું. બે આવે એટલે લીલી કહે, ‘ત્રીજો નહી !’