મહર્ષિ ભ્રુગુએ જગતની ઉત્પત્તિ વિશેને પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “સર્વ જંગમ પૃથ્વીમય શરીરોમાં ત્વચા, માંસ, હાડકાં, મજ્જા અને સ્નાયુ-આ પાંચ ધાતુઓ રહેલી છે અને તે શરીરને ગતિમાન રાખે છે. અગ્નિતત્વથી ઉત્પન્ન થયેલાં તેજ, અગ્નિ, ક્રોધ, ચક્ષુ અને ઉષ્મા આ પાંચ અગ્નિઓ શરીરધારીઓમાં રહેલા છે, તેથી તેઓ પંચાગ્નેય છે.
આકાશ તત્વને લીધે શ્રોત્ર, નાસિકા, મુખ, હૃદય અને ઉદર-આ પાંચ તત્વો શરીરને ધારણ કરીને રહેલાં છે. શ્લેષમા, પિત્ત, સ્વેદ (પરસેવો), વસા અને શોણિત-આ પાંચ જલીય તત્વો પ્રાણીઓના દેહમાં સદા રહે છે.
પ્રાણવાયુને લીધે પ્રાણી આનંદિત રહે છે. વ્યાનને લીધે વૃદ્ધિ પામે છે, અપાનવાયુ અધોભાગથી ગતિ કરે છે; ઉદાનને લીધે શ્વસનક્રિયા થાય છે. જયારે સમાનવાયુ હૃદયમાં રહેલો છે. આ પાંચ વાયુઓ દેહધારીઓમાં વ્યાપીને રહેલા છે.
શરીરને ધારણ કરનાર વ્યક્તિ પૃથ્વીના ગંધરૂપ ગુણોને તથા જળના રસતત્વને જાણે છે. ગંધના ગુણો હું જણાવું છું તે ધ્યાનથી સાંભળો. ઇષ્ટ, અનિષ્ટ, મધુર, કટુ, સુગંધિત, તીવ્ર, સ્નિગ્ધ, રુક્ષ અને વિશદ- આ પૃથ્વીતત્વના ગંધરૂપ ગુણના નવ ભેદ છે. શરીરધારી જ્યોતિરૂપ પ્રકાશને નેત્રોથી જુએ છે; વાયુ વડે સ્પર્શને અનુભવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસના પણ ગુણો છે. હવે હું રસના પ્રકારો કહું છું. મધુર, લાવણ, તિક્ત, કષાય અને અમ્લ-આ છ પ્રકારના રસને જળતત્વ કહેલ છે.
પ્રકાશ દ્વારા રૂપ જોવામાં આવે છે. રૂપના પણ અનેક ભેદ છે. હ્રસ્વ, દીર્ઘ, સ્થૂળ, ચતુરસ્ત્ર, ગોળ, શુક્લ, કૃષ્ણ, રક્ત, નીલ, પીત, અરુણ, કઠિન, ચિક્કણ, પિચ્છિલ, મૃદુ અને દારુણ-આ પ્રમાણે સોળ ભેદ છે. આકાશને કેવળ શબ્દગુણવાળું કહ્યું છે. શબ્દગુણોના પણ અનેક પ્રકારો છે. ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, ધૈવત, પંચમ તથા નિષાદ-શબ્દના આ સાત ભેદ આકાશતત્વથી ઉત્પન્ન થયેલા છે. એ પોતાના પ્રભાવથી ઢોલ, ભેરી, શંખ, મેઘ અને રથમાંથી ઉત્પન્ન થતા અનેક પ્રકારના શબ્દોને આકાશનો ગુણ કહ્યો છે.
વાયુના ગુણને સ્પર્શ કહેવામાં આવ્યો છે. તેના પણ અનેક ભેદ છે. ઉષ્ણ, શીત, સુખ, દુઃખ, સ્નિગ્ધ, વિશદ, ખર, મૃદુ, પિચ્છિલ, લઘુ અને ગુરુ-આ પ્રમાણે વાયુના ગુણના અગિયાર ભેદ જાણવા. શબ્દ અને સ્પર્શ આ બે ગુણોને વાયુના પણ માનવામાં આવ્યા છે.
જળ, તેજ અને વાયુ-આ ત્રણ તત્વો દેહધારીઓમાં નિત્ય જાગૃત રહે છે. આ પ્રમાણે દેહધરી પ્રાણો વડે પોષણ પામે છે. ‘સમાન’ વાયુથી શરીરનો પૃષ્ઠભાગ પોષાય છે. જઠરાગ્નિને પ્રાપ્ત થઈને બસ્તિના મૂળમાં અને ગુદાભાગમાં રહેલો ‘અપાન’ વાયુ મૂત્ર અને મળનું વહન કરે છે. વાણી વગેરેના કર્મમાં પ્રવૃત્તિ કરાવનાર વાયુ ‘ઉદાન’ છે. મનુષ્યોના શરીરની સમગ્ર સંધિઓમાં વ્યાપીને રહેલો વાયુ ‘વ્યાન’ છે. પ્રાણ અને અપાનવાયુના મધ્યમાં રહેલા સમાનવાયુની પ્રેરણાથી જઠરાગ્નિ અન્નનું પચન કરે છે. પક્વાશયથી ઉપર આમાશય આવેલું છે અને નાભિના મૂળમાં સર્વ પ્રાણ રહેલા છે.”
ભરદ્વાજ બોલ્યા, “જો વાયુ જ શરીરમાં રહેલા પ્રાણનો સ્વામી છે અને શરીરમાં જ તે ગતિ કરે છે, શ્વસનક્રિયા કરે છે, બોલે છે તો પછી જીવ નિરર્થક છે. અગ્નિને લીધે જ શરીરમાં પ્રાપ્ત થતો આગ્નેય ઉશ્મભાવ છે, અગ્નિ જ આહારનું પચન કરે છે તેથી જીવને વ્યર્થતા પ્રાપ્ત થાય છે. શરીરધારી મરણ પામ્યા પછી ટેનમાં જીવ હોતો નથી એ તો ઠીક; પરંતુ વાયુ જ તેણે છોડીને જતો રહે છે અને તેનો ઉષ્મભાવ નષ્ટ થઇ જાય છે. આ પાંચ તત્વોને લીધે જ શરીર જીવિત રહે છે; એમનો અભાવ થતાં જીવનું અસ્તિત્વ રહેતું નથી, એ વિષે સંશય નથી. આહાર ન કરવાથી જળ અને અગ્નિતત્વ નાશ પામે છે; શ્વાસના નિગ્રહથી વાયુ નાશ પામે છે, વ્યાધિ અને વ્રણના દુઃખથી પૃથ્વીતત્વ નાશ પામે છે.
આમાંનું કોઈ પણ એક તત્ત્વ નષ્ટ થવાથી શરીરેન્દ્રિય સંઘાત મૃત્યુ પામે છે. શરીર પાંચતત્વોમાં મળી ગયા પછી જીવનું શું થાય છે? શું એ એમની પાછળ જાય છે? એ ખેદ કરે છે? એ સાંભળતો નથી તેમ બોલતો પણ નથી! ‘પરલોકમાં ગયા પછી ગાય મને તારશે’ આવી બુદ્ધિથી મરણ પામતા જંતુએ આપેલી ગાય શી જીવનો ઉદ્ધાર કરે છે ખરી? પર્વત પરથી પડી જવાથી કે અગ્નિમાં બળી ગયાથી નાશ પામેલું અથવા પક્ષીઓએ ખાઈ નાખેલું શ્સીર ફરીથી સજીવ કેવી રીતે થઇ શકે? કપાઈ ગયેલા વૃક્ષનું મૂળ ફરીથી ઊગતું નથી, તેવી જ રીતે જીવના ગયા પછી તે ફરીથી કેવી રીતે આવી શકે! એક પ્રાણીમાંથી બીજું પ્રાણી ઉત્પન્ન થયું. તે મરણ પામ્યું. આમ એક પછી એક પ્રાણી મરણ પામ્યા પછી બીજમાંથી ઉત્પન્ન થતા બીજનો નાશ થાય છે. આવી રીતે કારણ પરંપરા નાશ પામ્યા પછી કાર્યનું પણ અવસાન થતું હોવાનો સંશય, મારા હૃદયમાં થાય છે. હે સર્વજ્ઞ, આપ મારા સંશયનું નિવારણ કરો.”
સનંદન બોલ્યા, “હે દેવર્ષિ, ભરદ્વાજે આ પ્રશ્ન પૂછવાથી બ્રહ્માના પુત્ર ભૃગુ બોલ્યા.”
ભ્રુગુએ કહ્યું, “શરીર નાશ પામ્યા પછી તેમાં જીવ કે પ્રાણ રહેતા નથી. તે જીવ નાય દેહ ધારણ કરે છે. શરીરના આશ્રયે રહેલો જીવ શરીર નાશ પામ્યા પછી પણ નાશ પામતો નથી. અગ્નિમાં કાષ્ઠ બળી ગયા પછી અગ્નિનું અસ્તિત્વ હોય છે તેમ શરીર નાશ પામી ગયા પછી જીવ વિદ્યમાન રહી અન્ય દેહને ધારણ કરે છે.”
ભરદ્વાજ બોલ્યા, “કાષ્ઠ બળી ગયા પછી અગ્નિનો નાશ થતો નથી એ સત્ય છે; પરંતુ કાષ્ઠ બળીને શાંત થઇ ગયા પછી છેવટે તો અગ્નિ પણ રહેતો નથી. કાષ્ઠરહિત અગ્નિ શાંત થઇ ગયા પછી નાશ પામી જાય છે આટલું જ હું જાણું છું.”
ભ્રુગુએ કહ્યું, “અગ્નિ આકાશને અનુસરતો હોવાથી દુર્ગ્રાહ્ય અને આશ્રય વિનાનો છે. તેવી જ રીતે જીવ પણ આકાશની પેઠે રહેલ હોવાથી શરીરનો ત્યાગ કાર્ય પછી તે અત્યંત સૂક્ષ્મ હોવાથી દેખાતો નથી. અગ્નિ પ્રાણને ધારણ કરી રાખે છે, પ્રાણ જીવને ધારણ કરીને રહેતો હોય છે. વાયુને પણ અગ્નિ ધારણ કરે છે અને ઉચ્છવાસનો નિગ્રહ કરવાથી તે અગ્નિ પણ નાશ પામે છે. આ પ્રમાણે શરીરમાં રહેલો અગ્નિ નાશ પામ્યા પછી અચેતન દેહ પાર્થિવ તત્વને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સર્વ સ્થાવર-જંગમનું કેવળ પૃથ્વી જ આશ્રયસ્થાન છે. પવન, આકાશ અને અગ્નિને આકાર વિનાનાં જાણવાં , જયારે દેહધારીપ આકાર ધરાવતા હોય છે.”
ભરદ્વાજ બોલ્યા, “જો શરીરધારીઓમાં અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ અને જળ તત્વો રહેલાં છે, તો પછી એમ જીવ કયા લક્ષણથી યુક્ત થઈને રહેલો છે? માંસ, શોણિત, મેધ, સ્નાયુ અને અસ્થિવાળા આ શરીરનું ભેદન કરવામાં આવ્યા પછી એમાં જીવ મળતો નથી. જો પાંચ મહાભૂતોથી યુક્ત શરીર અજીવ છે તેઓ શારીરિક અને માનસિક દુઃખની પીડાનો અનુભવ કોણ કરે છે? જીવ કાનથી સાંભળે છે; પરંતુ મન વ્યગ્ર હોય ત્યારે તે સાંભળતો નથી તેથી જીવ નિરર્થક છે. સર્વ પ્રાણીઓ મનનો નેત્ર સાથે સંયોગ થવાથી દ્રશ્ય જુએ છે; પરંતુ મન જો વ્યાકુળ હોય તો પદાર્થને નેત્રો જોતાં હોવા છતાં જોતાં નથી. પાણી નિદ્રાવશ થયા પછી જોતો નથી, સૂંઘતો નથી, સાંભળતો નથી, બોલતો નથી તેમ સ્પર્શને પણ જાણતો નથી, નિદ્રાવસ્થામાં હર્ષ કોણ પામે છે? ક્રુદ્ધ કોણ થાય છે? શોક કોણ કરે છે? ઉદ્વેગ કોણ પામે છે? ઈચ્છા કોણ કરે છે? ચિંતન કોણ કરે છે? દ્વેષ કોણ કરે છે? અને વાણી કોણ બોલે છે?”
ભૃગુ બોલ્યા, “હે મુને, પાંચ ભૂતોથી બનેલા કોઈ પણ શરીરને અહીં એકમાત્ર અંતરાત્મા ધારણ કરે છે. તેજ, ગંધ, રસ, શબ્દ, સ્પર્શ, રૂપ તથા બીજા ગુણોનો અનુભવ કરે છે. અંતરાત્મા સર્વ અંગોમાં વ્યાપીને રહે છે. આ શરીરમાં થનારાં સુખ-દુઃખને પણ તે જ અનુભવે છે. આ શરીરનાં પાંચે તત્વો જયારે જુદાં પડી જાય છે, ત્યારે તે આ દેહનો ત્યાગ કરીને અદ્રશ્ય થઇ જાય છે. ચેતનતાને જીવનો ગુણ હોવાનું કહેવામાં આવ્યું છે. દેહનો નાશ થવાથી જીવનો નાશ થતો નથી. તે એક દેહમાંથી બીજા દેહમાં ચાલ્યો જાય છે. તત્ત્વદર્શી પુરુષો પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ તેનાં દર્શન કરે છે.
વિદ્વાન પુરુષ શુદ્ધ તેમ જ સાત્વિક આહાર કરીને સદા રાતના સમયે પહેલા અને છેલ્લા પ્રહરમાં યોગયુક્ત અને વિશુદ્ધ ચિત્ત થઈને પોતાની અંદર જ આત્માનાં દર્શન કરે છે. મનુષ્યે લોભ અને ક્રોધને વશમાં રાખવા જોઈએ. સર્વ જ્ઞાનોમાં આ જ પવિત્ર જ્ઞાન છે અને આ જ આત્મસંયમ છે. ક્રોધથી લક્ષ્મીને સદા બચાવવી અને માત્સર્યથી તપની રક્ષા કરવી. માન અને અપમાનથી વિદ્યાને બચાવવી તથા પ્રમાદથી પોતાની રક્ષા કરવી.
હે બ્રહ્મન, જેનાં સર્વ કાર્ય કામનાઓના બંધનથી રહી હોય છે તથા ત્યાગ માટે જેણે પોતાના સર્વસ્વની આહુતિ આપી દીધી હોય છે, તે જ ત્યાગી અને બુદ્ધિમાન છે. કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, બધાંની સાથે મૈત્રીભાવ રાખી નભાવતા રહેવું અને સંગ્રહનો ત્યાગ કરીને બુદ્ધિ વડે ઇન્દ્રિયો પણ વિજય મેળવવો. સદા તપશ્ચર્યામાં લાગ્યા રહીને ઇન્દ્રિયોનું દમન અને મનનો નિગ્રહ કરીને મુનિવૃત્તિથી રહેવું. આસક્તિના સર્વ વિષયોમાં અનાસક્ત રહેવું અને પરમેશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી.”
ક્રમશ: