Damn in Gujarati Motivational Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | ડામ

Featured Books
Categories
Share

ડામ


કાળજાળ ગરમીમાં તપેલી ધરતી પર રાતનો શીતળ પવન ઠંડક પ્રસરી રહ્યો હતો.એ નાનકડી ચાના ગલ્લા પર જાંખો પડેલા બલ્બનો પ્રકાશ એ પવનમાં ઝોલા ખાય રહ્યો હતો.એ મંદ મંદ પવન હાઈવેની સામે બાજુ ટેન્ટમા બેઠેલો ખાખી વર્દીવાળો માણસ કીર્તનસિહ સિગારેટનો ધુમાડો છોડી રહ્યો હતો અને આવજાવ કરતી તમામ વાહનોના હેડલાઇટને એવી રીતે નિહાળી રહ્યો હતો કે જાણે એની ફરજના આઠ કલાક વિતી જાય. ગોધરા- ઇન્દોર હાઇવે એટલે ચોરી- લૂંટફાટનો અતિશય ત્રાસ, એટલા માટે જ આ હાઇવે પર ઠેરઠેર નાની -નાની પોલીસ ચોકી ગોઠવવામાં આવી છે.એમાંથી એક પોલીસ ચોકીમાં કીર્તનસિહ પોતાની ફરજ બજાવતો હતો. એમ તો દરેક ચોકીમાં બે સાથીદાર હોઈ છે પણ કીર્તનસિહ એટલા માટે એકલો હતો કે એના સાથી અઠવાડિયાની રજા પર હતો.

ઉનાળાની અંધારી રાતમાં ચારેબાજુ શાંતી પ્રસરાયેલી હતી.વાહનોના અવરજવર સિવાય કોઈ વટે મારગુ જોવા ન્હોતુ મળતું એટલા માટે કીર્તનસિહ એકલો એકલો કંટાળી ગયો હતો.આ એકલતાના લીધે ઠંડા પવનની શીતળતા આંખોમાં ઊંઘનો અહેસાસ કરાવી રહી હતી.પરંતુ ફરજ પર હતો અને હાઇવે પણ ચોરોના લીધે વધુ કપરો હતો. એટલે ત્યાંથી આવ જાવ કરતી કેટલીક ગાડીઓ પર નજર રાખવી પડે એમ જ હતું. તે ઉંઘને ઉડાવવા અને એકલતાને દૂર કરવા માટે હાઈવેની પેલી બાજુ ચાની દુકાન પર જવાનો વિચાર કરે છે.જેવો તે હાઈવેની સામે બાજુ જવા નીકળે છે જ એટલામાં એક ગાડી ફૂલ સ્પીડમા ત્યાંથી પસાર થાય છે. કીર્તનસિંહ પેહલા કોઈ ખાસ ધ્યાન આપતો નથી, કેમ કે હાઇવે પર અવારનવાર હાઇસ્પીડમાં ગાડી નીકળતી જ હોઈ છે. પણ અચાનક એક હાથનો ઈશારો થઈ રહ્યો હતો, કદાચ તે મદદ માગી રહ્યો હોઈ એમ લાગી રહ્યું હતુ. કીર્તનસિહ આ જોઈને અવાવક બની જાય છે. શું કરવું? કે શું ન કરવું? એ સમજાતું નથી.પોલીસવાળાની ફરજ હોઈ છે કે કોઈ મુશ્કેલીમાં હોઈ તો મદદ કરવી જ પડે. આ જ ખ્યાલ રાખીને બાઇકને કીક મારીને ગાડીની પાછળ જવા માટે નીકળે છે. જતાં જતાં આગળની ચોકીમાં ફરજ બજાવતા સુનિલને ફોન કરીને માહિતી આપે છે પણ ત્યાંથી તે ગાડી પસાર થઈ ન્હોતી એટલે બે ચોકીની વચમાં જ ક્યાંક ગાડી ઉભી રહી હોઈ એમ અનુમાન કર્યો.

કીર્તનસિહ બાઈક લઈને પીછો જ કરી રહ્યો હતો, રસ્તો સૂમસામ અને રાતના અંધકારમાં વધુ ડરાવણો લાગી રહ્યો હતો. થોડા આગળ વધતા જ રસ્તામાં એ જ ગાડી દૂર ઉભેલી દેખાઈ. કીર્તનસિહ બાઈકની ગતિ ધીમી કરે છે અને સતેજ બને છે. કેમ કે ગાડીમાં હથિયારધારી લુંટારાઓ હોઈ શકે છે. ધીરે ધીરે ગાડી પાસે પહોંચી જાય છે.ગાડીને ચારેબાજુથી ફરીને જોવે છે તો ગાડીમાં કોઈ ન્હોતુ. કીર્તનસિહ હાઈવેની આજુબાજુ પોતાની નજર દોડાવે છે,પણ રાતના અંધકારમાં ક્યાંય કશું જોવાય રહ્યું ન્હોતુ. જેવો બાઈક પર બેસવા જ જાય ત્યાં દૂર એક ઝૂંપડીમાથી પ્રકાશ આવતો દેખાય છે. તેની નજર અને કદમ તે પ્રકાશની દિશામાં ગતિ કરવા લાગ્યા. જેમ જેમ તે ઝૂંપડી નજીક જઈ રહ્યો હતો તેમ તેમ એના કાનમાં મંત્રોચ્ચારનો અવાજ પડી રહ્યો હતો.ધીમા ધીમા પગે ઝૂંપડીની નજીક પહોચી જાય છે.દીવાલની એક તિરાડમાંથી ઝુંપડીમાં નજર નાખે છે તો બધી જ વાત સમજાય જાય છે.એક તાંત્રિક મંત્રોચ્ચાર કરી રહ્યો હતો, એની સામે એક બાળકીને પકડીને બે પુરુષ બેસી રહ્યા હતા, અગ્નિની જ્વાળામાં લોખંડનો સળિયો લાલગુમ થઈ રહ્યો હતો, આ બધી બાબતોના આધારે વર્તાય રહ્યું હતું કે તે બાળકીને ડામ આપવાની તૈયારી થઈ રહી હતી. કીર્તનસિહ એકલો હતો અને સામે ત્રણ ચાર માણસો હતા.તે બંદૂક ચડાવીને ઝુંપડીમાં પ્રવેશ કરે છે.
" શું થયુ ,સાહેબ ? "

" આ શુ ચાલી રહ્યુ છે?" ગરમ મિજાજમાં કીર્તનસિહ બોલ્યો.

" સાહેબ, મારી છોકરી પર ભૂતપ્રેતનો પડછાયો પડ્યો છે એટલે બાબા પાસે દોરો કરાવવા આવ્યા છીએ."

" દોરો જ કરાવવાનો હોઈ તો તે સળીયાને કેમ ગરમ કરી રહ્યા છો? સાચુ સાચુ બોલો, શું કરી રહ્યા છો?"

એટલુ કહેતા જ પાછળથી માથામાં કોઈ ઘા મારે છે અને કીર્તનસિહ નીચે પડી જાય છે. કીર્તનસિહને બાંધીને બંધી બનાવી દેવામાં આવે છે, ફરી તે લોકો વિધિ શરૂ કરે છે. એકલો પડેલો કીર્તનસિહ ચાહવા છતા પણ તે છોકરીને અંધશ્રદ્ધા માંથી ન બચાવી શકવાની પીડા ભીતરથી કોતરી ખાય રહી હતી.આ એવી અંધશ્રદ્ધા હતી કે દવાદારૂ કરાવવાના બદલે ડામ આપવામાં આવતો. આ ડામના લીધે ઘણા બાળકો કે માણસોના જીવ પણ ગુમાવી ચૂક્યા છે. બસ, આજ અંધશ્રદ્ધાથી તે બાળકીનો જીવ બચાવવા માટે ખુદ ને લાચાર સમજી રહેલો, કીર્તનસિહ જેમ તેમ કરીને ઉપરના ખિસ્સામાં રહેલા ફોનમા ડાઈલ બટન પર ક્લિક કરે છે.છેલ્લે તો તેને બાજુની ચોકીમાં સુનિલને લાગે છે.અહી થઈ રહેલી વિધિને સાંભળે છે અને પરિસ્થિતિનો તાગ મેળવી લે છે.

એ અંધારી અને શાંત રાતમાં અવાજ આજુબાજુ પ્રસરાય રહ્યો હતો.દસ મિનિટ જેટલો જ સમય થયો એટલામાં ઝુંપડીમાં બીજા ચાર પોલીસવાળા પ્રવેશે છે. કીર્તનસિહ ને છોડાવે છે અને પેલા લોકોને પકડી પાડે છે.

"કેમ ? આ બધું શું કરી રહ્યા હતા? સાચુ સાચુ બોલો, નહિ તો તમારો ખેર નહિ."

" સાહેબ, આ છોકરીને ડાકણનો છાયો લાગ્યો છે અને મોટી થઈને ડાકણ થશે તો લોકોના જીવ લેશે. એટલા માટે બાબા પાસે ડામ લેવડાવવા આવ્યા છીએ."

" વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છતાં તમે લોકો ડાકણમાં માનો છો. બિચારી આ છોકરીનો જીવ જોખમમાં મૂકતા તમને શર્મ ન આવી? "

" આ છોરી મરી જતી તો પણ શું થાત? બીજા લોકોને તો ડાકણ બનીને ન મારતી કે?"

". આ લોકો કેટલા નિર્દય છે? એમને પકડીને થાણે લઈ જાવ."

" સાહેબ, તમે મારો ઈશારો સમજીને આવી ગયા એટલા માટે લાખ લાખ તમારો આભાર.નહિ તો આજે મારી છોકરીને આ લોકો મારી જ નાખતા." એક સ્ત્રી હાથ જોડીને કીર્તનસિહનો આભાર માને છે.

પી.એસ.આઇ. કીર્તનસિહની બહાદુરી અને સમયસૂચકતાની પ્રશંસા કરે છે. હજુ, પણ કેટલાક વિસ્તારોમાં આવી અંધશ્રદ્ધાની આડમાં નાના છોકરાઓથી માંડીને મોટી ઉંમરના લોકોના જીવ જાય છે. ડાકણનું નામ આપીને છોકરીઓ તથા સ્ત્રીઓની સાથે અત્યાચાર કરવામાં આવે છે, તેમને સતાવવામાં આવે છે, હત્યા કરવામાં આવે છે. વિજ્ઞાન આગળ વધી રહ્યું છે પણ શિક્ષણના અભાવના લીધે અંધશ્રદ્ધા ,વહેમો અને કુરિવાજો ઘર કરી રહ્યા છે.