એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ – 20)
તપને લાગણીભર્યા અવાજે પૂરૂં કર્યું.
આખરે કાનનની તપશ્ચર્યાનો અંત આવ્યો.
કાનનની બદલી ગોંડલ થઇ.કાનને મનન ને ફોનથી સમાચાર આપ્યા કે બીજે જ દિવસે મનન હાજર.છેલ્લા બે દિવસ કાનને પોતાના એકાંતવાસ ને સરળ બનાવનાર દરેકને રૂબરૂ મળી આભાર માનવા માટે ફાળવ્યા.કાનન ના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિ પોતે કશું ને કશું ગુમાવી રહી હોય એવું અનુભવતી હતી.કાનન નું વ્યક્તિત્વ જ એવું હતું,સ્વભાવ જ એવો હતો કે જ્યાં જાય ત્યાં કેન્દ્રસ્થાને જ હોય.મનન તો છેલ્લા બે દિવસથી કાનને બિછાવેલી સંબંધોની જાળને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
આ બે દિવસ દરમિયાન સૌથી વધુ દુખી માનસી હતી અને સૌથી વધુ ખુશ પણ.પોતાનો પડછાયો પોતાથી દૂર ખસી રહ્યો હોય એવું તે અનુભવતી હતી.
પોતાના ઘરની બાલ્કનીમાંથી કાનનના વિદાયનું દ્રશ્ય જોઈ રહેલા તપનના હોઠો પરથી અનાયાસે આ શબ્દો સરી પડ્યા હતા.જેનું રહસ્ય તો તે સમયે પોતે પણ નહોતો સમજી શક્યો.
“કાનન,પાછું વળીને જોતાં જાજો હો.હજી એકવાર આવવાનું છે માંડવી તમારે.”
જો કે તપન વધુ સમય નહોતો ઊભો રહી શક્યો.પોતાની અધૂરી વાર્તાની વિદાયની યાદમાં ધસી આવેલાં અશ્રુના ટીપાં એ,માત્ર એક ટીપાં એ પોતાના હૃદયના ભાવોને જાહેર કરી દીધા હતા.
કાનને પાછળ જોયું તો તપનની પીઠ દેખાઈ.
તપનના કાનમાં કાનન ને જવાના છેલ્લા દિવસે કહેલા શબ્દો ગુંજતા હતા.
“દાદીબા પાસે લાડકોડમાં ઉછરી હોવાથી સ્વતંત્ર મિજાજથી વર્તી છું.છેલ્લા એકાદ વર્ષ કરતાં વધુ સમયથી સ્વતંત્ર રીતે રહું છું.તેમ છતાં સાસરામાં ગોઠવાતાં મને જરા પણ તકલીફ નહીં પડે.હવે હું દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખી છું. સામેની વ્યક્તિને મારા માપદંડથી માપવાને બદલે તેના વર્તનને તેની સ્વભાવગત લાક્ષણિકતાઓ સાથે સ્વીકારી લેવાની ટેવ પાડી રહી છું.મને એ પણ ખબર છે કે સાસુ-સસરા,જેઠ-જેઠાણી કે પતિ ના અમુક આગ્રહો રહેવાના જ.આ સમજવા,સ્વીકારવા હું તૈયાર જ છું.અનુભવે એ પણ શીખી છું કે શબ્દો કરતાં મૌન વધુ અસરકારક શસ્ત્ર છે અને ધારદાર પણ છે.ચર્ચા આગળ પણ ન વધે અને લાગણી પહોંચી પણ જાય.”
તપન આજે પણ સંઘર્ષોમાંથી સર્જાયેલી આ નારીને મનોમન વંદન કરી રહ્યો.
કાનન આગલે દિવસે તપને કહેલા શબ્દો યાદ કરી રહી હતી.
“કાનન,તમે આટલી નાની ઉંમરે પણ જે સંઘર્ષ વેઠ્યો છે,સહન કર્યું છે તે તમે અને માત્ર તમે જ સહન કરી શકો.કોઈ કાચા-પોચા માનવીનું આ ગજું પણ નથી.અને જયારે આવું સહન કરવાનું પોતાના કહી શકાય એવા લોહીના સંબંધીઓ તરફથી આવે ત્યારે દુઃખની માત્રા ઔર વધી જાય છે.હું તમને અંગત મિત્ર માનું છું અને આજીવન માનતો રહીશ.તમારા પાસેથી હું ઘણું શીખ્યો છું.બસ એક જ પ્રાર્થના હૃદયપૂર્વક કરતો રહીશ કે ભવિષ્યમાં તમને આ બધા જ સંઘર્ષનો ડબલ બદલો સુખ સ્વરૂપે મળી જાય.”
અને પોતે પણ શબ્દો પાછળ છુપાયેલી લાગણીનો અનુભવ ક્યાં નહોતો કર્યો.
મનન ખુશ હતો.છેલ્લા કેટલાય સમયથી સતત તાણમાં જીવતો મનન આજે ખૂબ જ હળવાશ અનુભવતો હતો. એક દોઢ વર્ષનો આ ગાળો આકરો જરૂર પડ્યો હતો પણ નિર્વિધ્ને પસાર થઇ ગયો એનો સંતોષ પણ હતો. ક્યારેય બસમાં આંખનું મટકું ન મારનાર મનનને પોતાના ખભે માથું ઢાળીને સૂતેલો જોઇને કાનન એના વીતેલા સમયની માનસિક પરિસ્થિતિનો તાગ લગાવી રહી હતી.
વહેલી સવારે મનને આંખો ખોલીને જોયું તો આજે કાનન જાગતી હતી.મનનને નવાઈ લાગી.
“મનન,હું એમ વિચારતી હતી કે દરિયા દેવે મને કેટ કેટલું આપ્યું છે.
પુરીના દરિયાકિનારે મળ્યો તું.
માંડવીના દરિયાએ તારા સાથને જીવનભરનો બનાવી દીધો.
અને આ વખતે તો મને ત્રણ ત્રણ ભેટ મળી.”
“ત્રણ ત્રણ?” મનન થી આશ્ચર્ય થી પૂછાઈ ગયું.
“કેમ એક માનસી કે જેના સાથે જ હું માંડવીમાં ટકી શકી,બીજી ભેટ મને હું મળી.મારા એકાંતે મને મારી જાતની ઓળખ મળી અને ત્રીજો મળ્યો તપન.યાદગાર મિત્ર.”
તપન નો ઉલ્લેખ ગમ્યો નહીં એટલે મનન મૂંગો રહ્યો.
ફરી એક વાર સંઘર્ષના દિવસો પૂરા થયા હોય એવા આશાવાદ સાથે કાનન ઘર તરફ જઈ રહી હતી.
રસ્તામાં જ એણે મનન ને પૂછ્યું.
“મારી ઈચ્છા છે કે દાદીબા ને આપણા ઘરની નજીક જ રાખું.અત્યારે ભલે વડોદરા ગયાં છે પણ ગોંડલ આવે ત્યારે નજીકમાં હોય તો મારી અવરજવર રહે અને વસ્તી પણ રહે.”
જો કે કાનનની આ ઈચ્છા અધૂરી જ રહી ગઈ.દાદીબા એ વડોદરામાં જ દેહ છોડ્યો.શનિ રવિ કાનન,મનન અને મનનનાં કુટુંબીજનો વડોદરા જઈ પણ આવ્યાં.ધૈર્યકાન્ત એ પણ આ વખતે બધાં સાથે સારું વર્તન કર્યું.કાનને એક વડીલ બહેનપણી ગુમાવી હોય એવી લાગણી અનુભવી.
બીજે જ દિવસે કાનન ફરજ પર હાજર થઈ ગઈ.શરૂઆતમાં કાનન ને એવું પણ લાગ્યું કે અહીંનો સ્ટાફ માંડવી જેટલો મિલનસાર નથી પરંતુ એક વર્ષ કરતાં પણ લાંબા એકાંતવાસે કાનન ને થોડી ગંભીર બનાવી દીધી હતી જે ફેરફારની નોંધ એના ઘરના સભ્યોએ પણ લીધી.
કાનન હવે બરોબર જીવનમાં ગોઠવાઈ ગઈ હતી.જો કે ખરું લગ્નજીવન પણ હવે શરુ થતું હતું.અત્યાર સુધી તો રજામાં બે ત્રણ દિવસ આવતી પરંતુ આવે ત્યારથી જવાની ચિંતા હોય અને મનન પણ માંડવી આવે ત્યારે એ જ પરિસ્થિતિ.આમ ટૂંકા ગાળાની મુલાકાતોથી મનમાં ઉચાટ જ વધુ રહેતો.
કાનન હવે બેંકમાં અને ઘરમાં પણ ગોઠવાઈ ગઈ હતી.ઘરમાં તો મોટાભાગની વ્યવસ્થા એણે ઉપાડી લીધી હતી.ધીરે ધીરે કાનન નાં સાસુ-સસરા ને એવી આદત પડી ગઈ હતી કે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો મોઢાંમાં પહેલું નામ કાનન નું જ આવે.
મનન તો જાણે પરાધીન જ થઇ ગયો હતો. એક યા બીજાં બહાને કાનન ની બૂમો પાડ્યા કરે.કાનન નાં જેઠાણીએ તો મીઠી ટકોર પણ કરેલી.
“અત્યાર સુધી જમવા સમયે જ દેખાતા મનનભાઈ હવે રસોડાં આસપાસ જ આંટા માર્યા કરતા હોય છે.”
કાનન પણ રજાના દિવસે દર કલાકે જુદાં જુદાં બહાને ઉપરના રૂમમાં મનન પાસે આંટો મારી આવતી.
કાનન અને મનન બન્ને સાથે જ ઘરેથી નીકળતાં.વળતે કાનન ચાલીને જ ઘરે આવી જતી.
આવા જ એક દિવસે કાનન સાંજે ઘરે આવતી હતી.ત્યાં ત્રણેક વર્ષનો એક છોકરો ઓચીંતો રસ્તા પર આવી ગયો.કાનને ઝડપથી છોકરાને તેડી લીધો.રીક્ષા વાળાએ તરત બ્રેક પણ મારી એટલે વાંધો ન આવ્યો.
રીક્ષાવાળો તો તરત નાસી ગયો.આજુબાજુ કોઈ દેખાતું ન હતું.રસ્તે પસાર થતા રાહદારીઓ પણ આ કાનન નો છોકરો છે એમ માનીને ચાલ્યા ગયા.છોકરો તો કાનન સામે ટગર ટગર જોયા કરતો હતો.કાનને એને તેડેલો જ રાખીને પૂછપરછ ચાલુ કરી.
“તારું નામ શું છે?ક્યાં રહે છે?”છોકરો તો હજુ પણ કાનન સામે જોયા જ કરતો હતો.જયારે બીજી વાર પૂછ્યું ત્યારે સામે એક બિલ્ડીંગ તરફ આંગળી બતાવી.કાનને નજીક જઈને જોયું તો એ કોઈ સંસ્થાનું બિલ્ડીંગ હોય એવું લાગ્યું.છોકરાએ આંગળી ચીંધેલી રાખી એટલે કાનન અંદર ગઈ.
એ અનાથ બાળકોની સંસ્થા “બાલઘર” હતી. અને સંસ્થામાં છોકરાને શોધવા માટે ધમાલ મચી ગઈ હતી. કાનન ને છોકરાને તેડીને આવતો જોઇને મુખ્ય સંચાલિકા બહેન સહિતનો સ્ટાફ સામે ધસી ગયો.
“હું પસાર થતી હતી ત્યાં આ છોકરાને રસ્તા વચ્ચે આવી ગયેલો જોયો એટલે મેં તેડી લીધો.રીક્ષા વાળાએ પણ સમયસર બ્રેક મારી એટલે વાંધો ન આવ્યો.”
કાનને વાત કરી છોકરાને મુખ્ય સંચાલિકા બહેનને સોંપ્યો.મુખ્ય સંચાલિકા બહેને તો વોચમેન સહીત પોતાના સ્ટાફને ધમકાવી નાખ્યો.
કાનન માટે તો આ બધું નવું જ હતું.અનાથ બાળકો,સ્ત્રીઓ અને વૃદ્ધોની સંસ્થા વિષે વાંચ્યું ઘણું હતું પણ રૂબરૂ જોવાનો અનુભવ પહેલો હતો.આવી સંસ્થા નો સ્ટાફ આટલો બધો સારો હોઈ શકે એ પણ એના માટે કોયડા સમાન હતું.
મુખ્ય સંચાલિકા બહેન કાનન ને પોતાની ઓફિસમાં લઇ ગયાં.કાનને પોતાની ઓળખાણ આપી.
કાનન ને રસ પડ્યો એટલે સંચાલિકા બહેને કાનનને સંસ્થાની માહિતી પણ આપી.
“બહેન,દાતાઓની કૃપાથી સંસ્થાની આર્થિક સ્થિતિ તો ઘણી સારી છે.સ્ટાફ પણ સારો છે.પરંતુ ક્યારેક ક્યારેક અમને લાગે છે કે સાંજના બે કલાકનું સમયદાન કોઈ બહારની વ્યક્તિ આપે અને બાળકો સાથે પસાર કરે તો બાળકોને પણ ચેન્જ મળે અને સ્ટાફને પણ થોડો આરામ મળે.”
કાનનના મગજમાં ઘરે જતાં આખે રસ્તે સંચાલિકા બહેનના શબ્દો ઘુમરાતા રહ્યા.
રાત્રે કાનને સાંજના બનાવની વાત કરી અને પોતાની ઈચ્છા પણ પ્રગટ કરી.
“મનન,હું બેંક થી છુટીને બે કલાક બાલઘરમાં જાઉં તો? આમ પણ રસોઈ તો સાત વાગ્યા પછી જ શરૂ કરવાની હોય છે.”
મનન, કાનનનાં એક વધુ નવાં સ્વરૂપને જોઈ રહ્યો.મનને અનુભવ્યું હતું કે કાનનનું હર એક નવું પગલું ભાવિ તરફ નો અંગુલિનિર્દેશ હોય છે.
(ક્રમશ:)