Mamata - 3 - 4 in Urdu Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 3 - 4

Featured Books
Categories
Share

મમતા - ભાગ 3 - 4

🕉️
મમતા
ભાગ: 3
❤️❤️❤️❤️❤️❤️❤️❤️


(આપણે જોયું કે શારદાબેન પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓને યાદ કરે છે. અને મુસીબતો વેઠીને મંથનને મોટો કરે છે. હવે આગળ....)

રમણભાઈની મદદથી શારદાબેન અને મંથન શહેરમાં આવ્યા. શરૂઆતમાં રમણભાઈએ પોતાના ઘરમાં આશ્રય આપ્યો. પછી શારદાબેન નાના મોટા કામ કરીને થોડું કમાઈ લેતા. પછી તેઓ ભાડાનાં મકાનમાં ગયા.

શારદાબેનને નાનપણથી જ રસોઈનો શોખ હતો. તે આંગળા ચાટી જાય તેવી ચટાકેદાર રસોઈ બનાવતા. શરૂઆતમાં તેઓ ઘરે એક બે જણાને જમાડતા પછી ધીમે ધીમે શારદાબેનની રસોઈની સોડમ બધે ફેલાવા લાગી. અને હવે તેમણે ટિફિન ચાલુ કર્યા.

મંથન પણ હવે મોટો થયો. તે પણ મદદ કરતો. કોલેજની સાથે મંથન સાઈડમાં નોકરી પણ કરતો. આમ મંથને એમ. બી. એ. કર્યુ. અને મંથનને સારા પગારની નોકરી મળી ગઈ. હવે તે કહેતો, "મા તેં ઘણું કામ કર્યુ. હવે તું આરામ કર." અને શારદાબેને ટિફિન છોડી દીધા. હવે તે ઠાકુરજીની સેવા કરતા અને પોતાનો સમય વિતાવતા.

મંથનને હવે પ્રમોશન મળતા સારા એરિયામાં સરસ મજાનો બંગલો ખરીદયો. શારદાબેનને પહેલેથી જ કાનો વહાલો હતો તો બંગલાનું નામ પણ "કૃષ્ણ વિલા" રાખ્યુ.

સીધા સાદા મંથનને હવે સારા ઘરનાં માંગા આવવા લાગ્યા. અને સાક્ષાત લક્ષ્મીનાં અવતાર સમી મૈત્રીને પસંદ કરી. ડાહી અને સંસ્કારી મૈત્રી અને મંથનની જોડી ખુબ સરસ લાગતી હતી. બંનેની સંમતિથી મંથન અને મૈત્રીનાં લગ્ન થયા. નવા ઘરમાં શારદાબા મૈત્રીને દિકરીની જેમ રાખતાં. મૈત્રી પણ શારદાબાનું ખુબ ધ્યાન રાખતી. મંથન અને મૈત્રીનું લગ્નજીવન ખુશીથી ચાલવા લાગ્યુ.......

બંને હનીમુન માટે આબુ પણ ફરી આવ્યા. હવે મૈત્રી પણ સારી ગૃહણી બની ગઈ હતી.

એક સાંજે મંથન અને મૈત્રી ગાર્ડનમાં જાય છે. મૈત્રીનાં ચહેરા પરની ખુશી જોઈ મંથન મૈત્રીનો હાથ હાથમાં લઈને કહે,"મૈત્રી શું વાત છે આજ તો તું ખુબ ખુશ લાગે છે." આ સાંભળીને મૈત્રી શરમાઈ જાય છે. અને તે મંથનને પોતાના મા બનવાનાં સમાચાર આપે છે. મંથન તો સાંભળીને ખુશ થઈ જાય છે. અને બંને સારા સમાચાર અને મીઠાઈનાં બોક્ષ સાથે ઘરે જાય છે.(ક્રમશ)

(મંથન અને મૈત્રીનાં જીવનમાં આવેલી ખુશી શું ટકશે? શું થશે મંથન અને મૈત્રીનાં જીવનમાં એ જાણવા વાંચતા રહો " મમતા "ભાગ :4 )



🕉️

"મમતા"
ભાગ :4
❤️❤️❤️❤️❤️❤️❤️❤️

( મૈત્રી મા બનવાની છે. એ જાણી મંથનનાં પગ તો જમીન પર ટકતા j ન હતાં. હવે આગળ શું થશે? તે જાણવા વાંચો " મમતા "ભાગ: 4)

મૈત્રી મા બનવાની એ સાંભળીને મંથન તો ખુશીથી પાગલ થઈ ગયો. બંને મંદિરે દર્શન કરી મીઠાઈનું બોક્ષ લઈ ઘરે ગયા.

ઘરે આવી શારદાબાને પગે લાગ્યા. અને સારા સમાચાર આપ્યા, કે આપ દાદી બનવાનાં છો. આ સાંભળીને શારદાબાને તો આંખોમાં હરખનાં આંસુ આવી ગયા. અને મંથન અને મૈત્રીને આશીર્વાદ આપ્યા કે સાત છોકરાનાં મા બાપ બનો અને બધા ખડખડાટ હસી પડયા. અને શારદાબા તેના લાલાને ધન્યવાદ આપવા મંદિરમાં ગયા. હાથ જોડીને લાલાનો આભાર માન્યો.

ઘરમાં એક નાનું બાળક આવશે એ વાતથી જ ખુશીનું વાતાવરણ છવાયેલ હતું. મંથન અને શારદાબા મૈત્રીનું ખુબ ધ્યાન રાખતા. અને ખુશ રાખતા. મૈત્રીને કાનુડા જેવો દિકરો જોઈતો હતો તો મંથનને લાડકી દીકરી જોઈતી હતી. આ વાત પર બંને ઘણીવાર લડી પડતા અને શારદાબા કહેતા કે દિકરો આવે કે દીકરી બસ મા અને બાળક બંને સ્વસ્થ રહેવા જોઈએ. ઘરમાં એક નાના બાળકની કિલકારી ગુંજવી જોઈએ.

"કૃષ્ણ વિલા" માં ખુશીનો માહોલ હતો. પણ ભગવાનને આ ઘરની ખુશી નામંજુર હતી. હજુ તો આઠમો મહિનો જ ચાલતો હતો ને એક દિવસ મૈત્રીને દુઃખાવો ઉપડતા તેને દવાખાને લઈ ગયા. એકાએક બી. પી. વધતા ડૉકટરે સિઝેરિયન કર્યુ. અને નાની બાળકીનો જન્મ થયો પણ...... મૈત્રીની તબિયત વધારે બગડતા બાળકીનું મોં જોઈ તેણે છેલ્લા શ્વાસ લીધા.

મૈત્રીનાં જવાથી મંથન પર તો જાણે આભ તુટી પડયું. એક બાજુ નાની પરીનું તેના જીવનમાં આવવું અને આમ અચાનક મૈત્રીનું છોડીને જવું. મંથન તો ગુમસુમ થઈ ગયો. પણ શારદાબાએ બાળકીને અને મંથન બંને ને સંભાળી લીધા. ઘણા દુઃખોનો સામનો કરેલા શારદાબા કઠણ હૃદયે પ્રભુએ આપેલી વિપત્તિને હસતા મોં એ સ્વિકારી લીધી. બાળકીનું નામ "પરી" રાખ્યુ. હવે મંથન માટે પરી જ જીવવાનો આધાર હતી. આવેલી મુસીબતને સ્વિકારી મંથન પોતાનાં કામમાં ગડાડૂબ રહેવા લાગ્યો.

જયારે શારદાબાએ એકલા હાથે પરીને મોટી કરી. અને કયારેય મા ની કમી મહેસુસ થવા ન દીધી. પરી હવે ત્રણ વર્ષની હતી.

આમ, આટલા વર્ષ પછી શારદાબા જૂના દિવસો યાદ કરી આંસુ સાથે કામમાં લાગી ગયા. પરી પણ હવે મોટી થતાં મા વિષે સવાલો કરતી જેનો શારદાબા અને મંથન પાસે કોઈ જવાબ ન હતો. તેથી જ શારદાબા મંથનને બીજા લગ્ન માટે દબાણ કરતાં હતાં. અને કહેતા કે એકલા જીવન વિતાવવુ કેટલુ અઘરૂ છે એ મારા સિવાય કોણ જાણે? (ક્રમશ)


(શું શારદાબાનાં કહેવાથી મંથન બીજા લગ્ન કરશે? પરીનાં જીવનમાં નવી મા આવશે? એ જાણવા આપે વાંચવો જ રહ્યો "મમતા "ભાગ :5)


વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર