jodi o to uparthi bani ne ave che in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | જોડીઓ તો ઉપરથી બનીને આવે છે

Featured Books
Categories
Share

જોડીઓ તો ઉપરથી બનીને આવે છે

જોડીઓ તો ઉપરથી બનીને આવે છે...

શાલુ આજ ખૂબ ખુશ હતી, કારણ કે આજે તેનું છેલ્લું પેપર હતું. શાલુ પંજાબનાં નાનાં એવાં એક ગામમાં રહેતી હતી. માને તો નાનપણથી જ જોઈ ન હતી. પિતાએ જ ખૂબ જ લાડકોડથી મોટી કરી હતી. શાલુ ભણવામાં પણ હોંશીયાર હતી. ભણીગણીને આગળ વધવાની તેની તમન્ના હતી. આજે છેલ્લો દિવસ હતો, તો શાલુ તેની સહેલીઓ સાથે એક કાફેમાં ગઈ હતી. શાલુનો ફોન પર્સમાં હતો તો ફોનની રીંગ સંભળાઈ નહીં. બહાર આવી ફોન જોયો તો તે ચોંકી ઉઠી! પપ્પાનો ફોન?
શું થયું હશે? શાલુએ ઘણાં ફોન કર્યા પણ ફોન ઉપાડ્યો નહીં. શાલુ બધાને બાય કહી નીકળી ગઈ.

શાલુનાં મનમાં કેટલાય વિચારો આવી ગયાં. ફટાફટ બસ પકડી શાલુ ઘરે જવા નીકળી. ઘરે પહોંચી તો તેનાં પપ્પા પથારીમાં હતાં અને સાથે કોઈ અજાણ્યો છોકરો તેની પાસે બેઠો હતો.

શાલુ:" પપ્પા, શું થયું તમને? અરે! એમ્બ્યુલન્સ બોલાવી લેવાય ને..."

શાલુ તો રઘવાટમા બોલવાં લાગી. તેનાં પપ્પાએ હાથનો ઈશારો કરી પાસે બોલાવી. શાલુ તેની નજીક બેસી. તેનાં પપ્પા બોલી શકતાં ન હતાં. તેમણે શાલુનો હાથ પકડી પાસે બેઠેલા અજાણ્યાં છોકરાનાં હાથમાં હાથ આપ્યો, અને એટલું જ બોલી શક્યાં...." સદા સુખી રહો...શાલુ હવે....."

બસ વાક્ય અધૂરું રહ્યું અને તેઓએ શ્વાસ છોડી દીધાં. શાલુ તો રડવા લાગી. એ છોકરાએ શાલુને શાંત પાડી. આમ અચાનક બનવાથી શાલુ બેભાન થઈ ગઈ. એ છોકરાએ પાણી લાવી શાલુના મોં પર છાંટ્યું અને તેનાં આંખોના આંસુ લૂછ્યા. શાલુએ તેઓનો હાથ દૂર કર્યો અને દૂર જતી રહી.

એ છોકરાએ શાલુના પિતાનાં અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરી. શાલુ સૂનમૂન બની ગઈ. શાલુના પરિવારમાં તેનાં પિતા સિવાય કોઈ હતું નહીં. એ છોકરાએ બે હાથ જોડીને રજા માગી. શાલુએ પમ બે હાથ જોડ્યા, અચાનક તેને પપ્પાના શબ્દો યાદ આવ્યાં...

" સદા સુખી રહો"

પણ તે કંઈ જ બોલી નહીં. તે છોકરો જતો રહયો. એક દિવસ શાલુને કબાટમાંથી એક ચીઠ્ઠી મળી. જેમાં તેનાં પપ્પાએ એ છોકરાં વિશે લખ્યું હતું. પોતાની ગેરહાજરીમાં એ છોકરો એટલે કે રાઘવ સાથે લગ્ન જીવન શરુ કરે તેવી તેમની ઈચ્છા હતી. વાંચતા વાંચતા શાલુ રડવા લાગી. જેને તે ઓળખતી પણ નથી,જાણતી પણ નથી એવાં વ્યક્તિ સાથે જીવનભર પત્ની બની રહેવું કંઈ રીતે?

થોડાં દિવસો થતાં હવે શાલુ થોડી સ્વસ્થ બની. આજે એ છોકરો એટલે કે રાઘવ આવ્યો.

રાઘવ:" નમસ્તે, કેમ છો?"

શાલુ :" બસ બરાબર"

શાલુએ એ ચીઠ્ઠી લાવી રાઘવના હાથમાં આપી.

રાઘવ :" આપનાં પિતાની ઈચ્છા હતી, પણ આપ આપની મરજીના માલિક છો. મારાં તરફથી કોઈ દબાઉ નથી."

શાલુ કંઈ બોલી નહીં.

રાઘવ :" આપણે તેઓની અસ્થિઓ ગંગામાં પધરાવી જશું."

શાલુ :" હા, કાલે સવારે નીકળીશુ, આપ પણ આવશો તો મને ગમશે."

શાલુ અને રાઘવ સાથે જ તેનાં પિતાની અસ્થિઓ પધરાવવા ગયાં. પિતાની છેલ્લી ઈચ્છા પ્રમાણે હવે રાઘવ સાથે જીવન વિતાવવું કે કેમ! એ અસમંજસમા હતી શાલુ.... આંખો બંધ કરી અને તેને પિતાનાં છેલ્લાં શબ્દો યાદ આવ્યાં. આંખ ખોલી તો સામે રાઘવનો ચહેરો સામે દેખાયો. ઈશ્વરની મરજી સમજી શાલુએ રાઘવ સાથે જ જીવન વિતાવવાનો નિર્ણય કર્યો.

સમય સુરત રહ્યો. રાઘવ અને શાલુ સાથે જ રહેતાં હતાં. રાઘવના પરિવારમાં પણ કોઈ ન હતું. એક અનાથ આશ્રમમાં રહીને તે મોટો થયો હતો. શાલુના પિતાએ તેને આગળ ભણવામાં ઘણી મદદ કરી હતી. રાઘવનો સરળ અને શાલિન સ્વભાવ જોઈ શાલુ માટે રાઘવની પસંદગી કરી હતી.

એક જ ઘરમાં રહેવા છતાં શાલુ અને રાઘવ અલગ અલગ રહેતાં હતાં. રાઘવ ખાસ કંઈ બોલતો નહીં અને શાલુ પણ જોબ માટે ઈન્ટરવ્યુ આપવા રોજ શહેરમાં જતી તો સાંજે પાછી ફરતી. આજે શાલુ ખુશ હતી તેને એક કંપનીમાં સરસ મજાની નોકરી મળી ગઈ હતી, તો શાલુ મીઠાઈનું બોક્સ લાવી અને રાઘવના મોંમાં મીઠાઈ મૂકી. રાઘવ પરાઠા બનાવતો હતો. અચાનક તેનો હાથ ગરમ તવીને અડી ગયો અને રાઘવે ચીસ નાંખી....

રાઘવ:" ઓહહ!"

શાલુ:" શું થયું?"

શાલુ તો રાઘવની ચીસ સાંભળી દોડીને રાઘવ પાસે પહોંચી અને બરફ લાવી તેનાં હાથ પર ઘસવા લાગી. રાઘવ તો શાલુના હાથનાં સ્પર્શથી આનંદિત થઈ ગયો. શાલુએ પણ ઉંચુ જોયું અને બંનેની આંખો મળી, બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયાં. શાલુ દોડીને રૂમમાં જતી રહી.

હવે શાલુ રોજ સવારે વહેલી જ નોકરી પર જતી રહેતી. રાઘવની જોબ તો અહીં જ હતી તો તે મોડો જતો. એક સાંજે શાલુ જોબ પરથી આવી તો તેને સખત તાવ આવતો હતો. તે આવીને સૂઈ ગઈ. રાઘવ ઘરે આવ્યો તો શાલુને સૂતેલી જોઈ. તે પાસે ગયો અને જોયું તો શાલુનુ શરીર તાવથી ધગધગતું હતું. તે તરત જ પાણી લાવી શાલુના માથાં પર ઠંડા પાણીના પોતા મૂકવા લાગ્યો. શાલુની આંખ ખૂલી તો રાઘવનો હાથ તેણે પકડી લીધો અને બોલી.

શાલુ :" આઈ લવ યુ, રાઘવ."

રાઘવ:" હાલ તો તમે આરામ કરો, હું તમારા માટે ગરમ ગરમ ખીચડી બનાવી લાવું."

રાઘવ ખીચડી બનાવીને લાવ્યો અને પોતાનાં હાથે તેણે શાલુને જમાડી. શાલુ તો રાઘવનો પ્રેમ જોઈ તેને ભેટી પડી. રાઘવે પણ શાલુને આલિંગનમાં લીધી.

બી જા દિવસે સવારે શાલુ ઊઠી અને રેડી થઈ રાઘવના રૂમમાં આવી. રાઘવ હજુ સૂતો હતો. અવાજ થતાં આંખો ખોલી તો સામે સાડી પહેરેલી શાલુને જોઈ તે આંખો ચોળવા લાગ્યો.

રાઘવ :" શાલુ, તારી તબિયત તો ઠીક છે ને?"

શાલુ બારીના પડદાં ખોલતાં બોલી.

શાલુ:" હા, જનાબ હું તો બિલકુલ ઠીક છું, આપ જલ્દીથી રેડી થઈ જાવ. આપણે મંદિર જવાનું છે."

રાઘવ પણ રેડી થઈ ગયો. સિલ્કના કૂર્તા પાયઝામો પહેરી બહાર આવ્યો. બંનેએ શાલુના પિતાની છબી સામે હાથ જોડ્યા અને તેમનાં આશીર્વાદ લીધાં. મંદિર પહોંચી બંનેએ ઈશ્વરને પ્રાર્થના કરી અને ત્યાં જ શાલુ પૂજાની થાળી લાવી. રાઘવે તેમાંથી કંકુ લીધું અને શાલુની માંગ ભરી. ઈશ્વરની મરજી અને પિતાની ઈચ્છાને માન આપી રાઘવ અને શાલુએ તેનાં નવાં જીવનની શરૂઆત કરી. કહેવાય છે કે " જોડીઓ તો ઉપરથી જ બનીને આવે છે ...."

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર