Ek Hati Kanan.. - 19 in Gujarati Fiction Stories by RAHUL VORA books and stories PDF | એક હતી કાનન... - 19

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

એક હતી કાનન... - 19

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ – 19)
અને મોર્નિંગ વોકે એને એક નવા મિત્રનો ભેટો કરાવ્યો.કાનને થોડા દિવસોમાં જ અનુભવ્યું કે દરિયાદેવ ની એક વધુ કૃપા. આ નવી મિત્રતા તો જિંદગીના અંત સુધી ટકી રહી.
“બેંકે મોર્નિંગ બ્રાન્ચ ચાલુ કરી છે કે શું?” કાનને પાછળ જોયું તો તપન હતો.
“મોર્નિંગ બ્રાન્ચ તો ચાલુ નથી કરી પણ મેં મોર્નિંગ વોક તો ચાલુ કર્યું જ છે.”કાનને જવાબ આપ્યો.
“અને કોલેજની ચાવી આજે તમારી પાસે રહી ગઈ લાગે છે?”કાનને વળતી કોમેન્ટ કરી.
“નહીં કાનનબેન,વળતે કામ આવે એટલે સાઈકલ સાથે રાખું પણ અત્યારે જવાનું તો ચાલતાં ચાલતાં.”તપને સ્પષ્ટતા કરી.
તપન પણ કાનન માટે અજાણ્યો તો નહોતો જ.જૈનપુરી માં રહેતાં રમીલાબેન નો સૌથી મોટો દીકરો.કોલેજના ત્રીજા વર્ષમાં ભણતો.ઓછાબોલો.કાનન ત્રણવાર બોલાવે ત્યારે માંડ એકવાર જવાબ આપે.બોલવા કરતાં સાંભળવાનો શોખીન.
હવે રોજ સાથે જવાનો બન્નેનો નિયમ થઇ ગયો હતો.બન્ને પુલ સુધી સાથે જ જાય.ત્યારબાદ કાનન પુલના બેન્ચ ઉપર થોડી વાર બેસી પરત આવે અને તપન કોલેજ જવા નીકળી જાય.
કાનન પોતાની મમ્મી પાસે આવતી એટલે થોડો પરિચય ખરો. મોટેભાગે તપન ના ભાગે સાંભળવાનું જ આવે.તપન ને કાનનની જિંદગીમાં રસ પડ્યો હતો.
“સ્વતંત્રતા એટલે શું?” એકવાર તપન પૂછી બેઠો.
“જે પરતંત્ર નથી તે સ્વતંત્ર છે.”કાનન ના જવાબથી તપન થોડો મૂંઝાયો હોય એવું લાગ્યું.
“તો પરતંત્રતા કોને કહેવાય?” બોલીને તપને તરત જ ઉમેર્યું.
“હવે સ્વતંત્ર નથી તે પરતંત્ર છે એવો જવાબ આપી મને વધારે કન્ફયુઝ ન કરજો પ્લીઝ.”
“સ્વતંત્રતાની સીધી સાદી વ્યાખ્યા આપવી હોય તો સ્વતંત્ર એટલે બીજાની સ્વતંત્રતા સ્વીકારવી,તેને માન આપવું. અત્યારે સ્વતંત્રતા દરેક ને પ્યારી છે, જોઈએ પણ છે, પણ આપવી નથી.”કાનને થોડી વિસ્તૃત રીતે સમજણ પાડી.
તપન તો આ નારીને,તેના વિચારોને મનોમન વંદી રહ્યો.
તપન તો બે દિવસથી કાનન ની સ્વતંત્રતા ની વ્યાખ્યામાં અટવાયેલો હતો.ત્યાં જ એકવાર કાનને પૂછી નાખ્યું.
“દુનિયામાં આટલાં બધાં ધર્મસ્થાનો,ઉપદેશકો હોવા છતાં સામાન્ય માણસ ના વર્તનમાં એની અસર કેમ દેખાતી નથી?”
આ પ્રશ્ન સામે આવતાં જ તપનનો આક્રોશ ભભૂકી ઉઠ્યો.
“કારણ કે દરેક વ્યક્તિનું ધ્યાન બીજાને સુધારવામાં હોય છે.સમાજને સુધારવા નીકળેલી વ્યક્તિ પોતાની અંદર જોવાની ટેવ જ રાખતો નથી હોતો.એને કારણે નથી પોતે સુધરતો અને નથી સમાજ સુધરતો.એક અપૂર્ણ વ્યક્તિ બીજાને કેમ પૂર્ણ બનાવી શકે?”
“મંદિર બનાવનાર,તેમાં મૂર્તિ સ્થાપનાર ક્યારેય તે દેવતા કે દેવીના ગુણો જીવનમાં ઉતારવાના પ્રયત્નો નથી કરતો.”તપન ની વાણીમાં છલકાતો આક્રોશ જોઇને લાગ્યું કે આ યુવાનમાં દમ તો છે જ.
આમ બન્ને હળવા થી ભારે વિષયો પર ઉતરી પડતાં.કાનનના જીવનમાં જે બની રહ્યું હતું તે જોઇને તપને એકવાર કહેલું પણ ખરું.
“મેં તો માત્ર તમારા મિલનસાર અને હસમુખા સ્વભાવનું રહસ્ય જાણવા ભૂતકાળનો પડદો સહેજ ઊંચક્યો હતો પણ ત્યાં તો પડદા પાછળ મને સંઘર્ષમય જીવન જીવતી એક નારીનાં દર્શન થયાં કે જે સ્ત્રી જેમ જેમ શાંતિ ઝંખે છે તેમ તેમ સંઘર્ષમાં વીંટળાતી જાય છે.”
કાનન ના જીવન વિશે વિચારતાં તપનને લાગ્યું કે એક નવલકથા માં જે હોવું જોઈએ તે બધું જ કાનન ના જીવનમાં છે.કાનનના જીવન પ્રસંગોમાં પ્રેમ પણ છે,ધિક્કાર પણ છે.રહસ્ય પણ છે અને રોમાંચ પણ.સામાજિક સંબંધો ના તાણાવાણા વચ્ચે સંઘર્ષ તો ચારેકોર ફેલાયેલો છે.કાનનની સંઘર્ષ કથા સામે લાવવામાં આવે તો ઘણી બધી સ્ત્રીઓ ને જીવવાનો ટેકો મળે,સાચો રસ્તો મળે.પરંતુ આ વાત કહેવી કેવી રીતે?તેના પ્રતિભાવો કેવા હશે?ક્યાંક સંબંધ કાપી નાખશે તો? એક પળ માટે એવો વિચાર પણ આવ્યો કે આ પ્લોટ પરથી પોતે એક સંઘર્ષકથા લખી નાખે.પરંતુ એના જીવનના વધુ ને વધુ પ્રસંગો ખૂલતા ગયા એના પરથી લાગ્યું કે આ કામ કાનન કરે તો જ યોગ્ય રહેશે.
તપનની આ ગડમથલ બે ત્રણ દિવસ ચાલી.એક દિવસ હિમ્મત કરીને પૂછી જ નાખ્યું.
“કાનન, તમે તમારી સ્મરણ શક્તિને સથવારે જિંદગી જે રીતે જોઈ છે,તમારી દરેક સ્વભાવગત ખાસિયતો અને તેની અસરો અનુભવી છે,તેનાં કારણોના ઊંડાણમાં પણ ઉતર્યાં છો તે જોતાં મને લાગે છે કે તમારે તમારી આત્મકથા વાર્તા સ્વરૂપે લખવી જોઈએ.જેથી સમાજને સ્ત્રીઓની સાચી સ્થિતિ દેખાય.”
કાનન માટે તો આ પ્રસ્તાવ નવો જ હતો.એ વાત ખરી કે તેની તીવ્ર યાદશક્તિને કારણે બાળપણની જરૂરી અને બિનજરૂરી વાતો મનના એકાંત ખૂણે ભંડારાયેલી હતી.અનેક પ્રયત્નો છતાં બધું સાવ ભૂલી શકી ન હતી.વાંચનનો શોખ ખરો પણ ક્યારેય પોતાની આત્મકથા લખવાનો વિચાર તો સ્વપ્નેય નહોતો આવ્યો. જો કે તે દિવસે તો એને કશો પ્રતિભાવ નહોતો આપ્યો પણ બીજે દિવસે કહ્યું હતું.
“તમારી પ્રપોઝલ મારા માટે તો સાવ નવી જ છે.અત્યાર સુધી મારી જીંદગીમાં કંઈક લખી શકાય એવું છે,કોઈને પ્રેરણા આપી શકે એવું છે એ જાતનો તો વિચાર જ નહોતો આવ્યો. અને હું જેટલું બોલીને વ્યક્ત કરી શકું છું એટલું લખીને ન પણ કરી શકું અને કદાચ પ્રયત્ન કરું તો પાત્રોને ન્યાય ન પણ આપી શકું.”કાનન અટકી.
“પણ લેખક મહાશય,એવું હોય તો તમે જ લખો ને?”કાનને વળતી દરખાસ્ત મૂકી.
તપન આ વળતી દરખાસ્ત થી થોડો ગૂંચવાયો.તપનને લખવાનો શોખ ખરો.નાનું મોટું લખતો પણ ખરો.પણ નવલકથા લખવી સરળ નથી એ વાત પણ તે જાણતો હતો.તપન નવલકથા લખવા અંગે હજુ પણ અવઢવમાં હતો.
એક સવારે આહાર વિશે ચર્ચા છેડાઈ ગઈ.કાનને કહ્યું.
“શરીર જે પાંચ તત્વોનું બનેલું છે તેમાંનું એક અગ્નિ તો આપણા શરીરમાં જ છે.ભૂખ એ અગ્નિ જ છે.તો આપણે શા માટે રાંધેલો આહાર લેવો જોઈએ? કમસેકમ એકાદ વખત તો કાચાં શાકભાજી,ફળો લઇ ના શકાય? કારણ કે સ્ત્રીઓની અડધી જિંદગી તો રસોડામાં જ પસાર થતી હોય છે.તો સ્ત્રીઓને આરામ પણ મળે.”
“કાનનબેન તમારી વાત સાથે હું સો ટકા સંમત છું કે સ્ત્રીઓનો મોટો સમય રસોડું જ ખાઈ જતું હોય છે પરંતુ આમાં એક મોટી મુસીબત એ પણ છે કે અત્યારે જે શાકભાજી કે ફળો આવે છે તે રાસાયણિક ખાતરથી પકાવેલાં હોય છે.એટલે એને જો સીધાં જ ઉપયોગમાં લેવામાં આવે તો ફાયદા કરતાં નુકશાન ની શક્યતા વધારે હોય છે.હા,વચલા રસ્તા તરીકે બાફીને ઉપયોગ કરી શકાય.”
“અને બીજી એ પણ વાત ધ્યાનમાં રાખવી પડે કે અત્યારે જયારે ભૂખ ભાંગવી એ જ ઘણા પરિવારો માટે રોજની સમસ્યા હોય છે ત્યારે ફળો કે શાકભાજી નો ખર્ચો ક્યાંથી પોષાય? એ લોકો માટે તો ક્યારેક દશ વીશ રૂપિયાના ગાંઠિયા અને ચા વધુ આશીર્વાદરૂપ હોય છે.એના ઉપર બે ગ્લાસ પાણી પીવાય એટલે પેટ ભરાયું છે એવું પણ અનુભવાય.અને આવા આહાર માં પણ આ લોકો મજૂરી કરી શકતા હોય છે એનું કારણ ભૂખ,અગ્નિ હોય છે. ‘ભૂખ્યા પેટે પાણા પણ પચી જાય’ એ ગુજરાતી કહેવત આ લોકોને પરફેક્ટ લાગુ પડતી હોય છે.”
આજે કાનને ફરી વાર તપનના વિચારના ઊંડાણને અનુભવ્યું.
આમ કાનન ગોંડલ ની મુલાકાત,મનનની માંડવી મુલાકાત,માનસીનો સાથ,નોકરી,બહેનપણીઓ,પડોશીઓ અને છેલ્લે છેલ્લે મળેલા તપનના સાથે પોતાનો અરણ્યવાસ વિતાવતી હતી,સહ્ય બનાવતી હતી અને નવી જીવનશૈલી જીવવાનો અનુભવ પણ લેતી હતી.
પરંતુ એક વાર તપન સાથેની વાતચીત દરમિયાન સ્વાભાવિક બોલાઈ ગયું કે
“ક્યારેક મને ડર લાગે છે કે માનસી,મનન અને તારા સહિત સ્ટાફ, પાડોશીઓ, સહેલીઓના સથવારે હસતે હસતે મારો સમય તો વિતાવી રહી છું પણ ક્યારેક મને લાગે છે કે અંદરખાને સતત સળગતો રહેતો મારા ભૂતકાળના વિચારોનો લાવારસ જો નેગેટીવ સ્વરૂપે બહાર આવશે તો મારા વર્તમાન અને ભવિષ્યના ફુરચે ફુરચા ઉડાવી દેશે.”
એ રાત્રે તપનની ઊંઘ ઊડી ગઈ.આખી રાત કાનને વ્યક્ત કરેલ ડર ના વિચારો જ એને સતાવતા રહ્યા.
બીજે દિવસે તપને માફી સૂચક સ્વરે કહ્યું.
“મને અફસોસ થાય છે કે નવલકથા લખવાના અતિ ઉત્સાહમાં મેં તમારા સુષુપ્ત જવાળામુખીને જગાડ્યો છે. જે ભૂતકાળ તમે ભૂલવાનો પ્રયત્ન કરતાં હતાં અને લગભગ ભૂલી પણ ગયાં હતાં તેને તાજો કરીને તમારી દુખતી રગ દબાવી દીધી છે.કોઈ પણ વ્યક્તિને પોતાના સ્વજન વિશેના ગમે તેવા કડવા અનુભવો,ભલે તે વાસ્તવિક હોય, યાદ કરવા ગમતા નથી.કાલથી તપન માત્ર અને માત્ર કાનનનાં આવતીકાલનાં સુંદર અને ભવ્ય સપનાઓને સજાવવામાં મદદ કરશે.”
તપને લાગણીભર્યા અવાજે પૂરૂં કર્યું.
આખરે કાનનની તપશ્ચર્યા નો અંત આવ્યો.
(ક્રમશ:)