Fire Incident in Gujarati Magazine by Parth Prajapati books and stories PDF | અગ્નિકાંડ

Featured Books
Categories
Share

અગ્નિકાંડ


ક્યારેક ગરમ પાણીથી કે અગરબત્તીના તણખાથી દાઝ્યા છો? એક આંગળી પણ દાઝે તો કેવી બળતરા થાય...! ઉનાળાની કાળઝાળ ગરમીમાં માત્ર 45 ડીગ્રી તાપમાનમાં બહાર નીકળતાં આપણે તોબા પોકારી જઈએ છીએ, ત્યારે માત્ર વિચારો કે, રાજકોટ ગેમઝોનની અગ્નિમાં 800 ડીગ્રી કરતાં પણ વધુ તાપમાનમાં હસતાં ખેલતાં ભૂલકાઓ ભૂંજીને ખાખ થઈ ગયા, તેમની વેદનાઓ કેવી હશે... જે બાળક ગેમઝોનમાં મજા માણવા આવ્યું હશે, જ્યારે આગ લાગી હશે ત્યારે તેની હસી કેટલી તીવ્ર ચીસોમાં ફેરવાઈ ગઈ હશે... એક આંગળી બળે તો આપણાથી સહન નથી થતું, તો જ્યારે એ કુમળી કાયા આગની લપટોમાં આવી હશે, ત્યારે શું હાલત થઈ હશે એ બાળકની... આવા તો કેટલાય બાળકો તે અગ્નિમાં ભસ્મિભૂત થઈ ગયા... તેમની કિલકારીઓ જ્યારે ચીસોમાં ફેરવાઈ હશે, તે પળનો વિચાર માત્ર કરવાથી ભલભલું કઠિન કાળજું કંપી જાય...

પણ આપણને શું ફરક પડે છે... આ તો હવે આપણું રોજનું થયું... પછી એ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં ભળભળ બળતાં દર્દીઓ હોય, કે પછી કાંકરીયાની રાઈડમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં સહેલાણીઓ હોય... એ તક્ષશિલાકાંડમાં બળતાં બાળકો હોય કે પછી મચ્છુ નદીમાં ડૂબતાં લોકો હોય. માત્ર એક મિનિટ શ્વાસ બંધ કરીને રહી જુઓ, કેવું લાગે છે? તો થોડું વિચારો કે વડોદરાના હરણી તળાવમાં ડૂબી જનારા એ માસૂમ બાળકો, જ્યારે પાણીની અંદર તરફળિયા મારતાં હશે, ત્યારે એમની હાલત કેવી હશે?

એક બાદ એક દૂર્ઘટનાઓ ઘટતી જાય છે ને લોકો મરતાં જાય છે.. સરકાર દ્વારા લાખોની સહાય જાહેર કરીને કડક તપાસના આદેશો આપી દેવાય છે. થોડાં દિવસ પછી બે-ચાર લોકોને જેલનાં સળિયા પાછળ જોઈને આપણને હાશકારો થાય છે અને પછી શાંતિથી સૂઈ જઈએ છીએ... ખરેખર આપણે એ સમયે સૂતાં નથી, પણ ઊંઘતા હોઈએ છીએ અને બીજા કોઈ અગ્નિકાંડ કે હરણીકાંડની રાહ જોઈએ છીએ... આવી દુર્ઘટનાઓ હજુ પણ ઘટવાની છે અને વારંવાર ઘટવાની છે કારણ કે આપણે હવે ક્યાંક ને ક્યાંક લાગણીશૂન્ય બની રહ્યાં છીએ.

ક્યારેય વિચાર્યું છે કે આ બધું કેમ રોકાતું નથી.. કેમ આ નરસંહાર અવિરતપણે ચાલી રહ્યો છે? કારણ કે આવા અનેક અગ્નિકાંડને ભ્રષ્ટાચારરૂપી ઇંધણ મળી રહ્યું છે. જ્યાં સુધી આ ઇંધણની પાઇપલાઇન કાપવામાં નહીં આવે ત્યાં સુધી આવા અનેક અગ્નિકાંડ સર્જાતા રહેશે...

ફાયર NOC અને નીતિનિયમોના ધજાગરા ઉડાવીને ચાલતા દરેક ડેથઝોન પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ ભ્રષ્ટાચાર સિવાય બીજું કાંઈ નથી. વાત ખાલી ફાયર NOC અને અન્ય પરવાનગીઓની નથી, તમારે નાની અમથી નાસ્તાની દુકાન પણ ખોલવી હોય અને તમારી પાસે બધાં કાગળિયાં હોય, છતાં પણ જો તમારે અધિકારીઓના ખિસ્સા ભરવા પડતાં હોય તો એ ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા સિવાય બીજું કાંઈ નથી... આ જ આ સિસ્ટમની વાસ્તવિકતા છે. અધિકારીઓની ભ્રષ્ટ નીતિના કારણે લોકો સરકારી ઓફિસોના પગથિયાં ચડતાં પણ બે વાર વિચાર કરે છે.. આવી ભ્રષ્ટ નીતિઓના કારણે જ બધું ચાલી રહ્યું છે અને ચાલતું જ રહેશે.

આખી સિસ્ટમમાં સડી ગઈ છે, એટલે હવે આ સડો સાફ કર્યા વગર ચાલે તેમ નથી. હવે ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓની હકાલપટ્ટી કર્યે જ છૂટકો.. જેથી આ સિસ્ટમની ડાળીએ નવી કૂંપળો ફૂટી શકે...

મૂળ તો આ અધિકારીઓના ઘડતરમાં જ ખોટ છે. જ્યારે કોઈ વિદ્યાર્થી સરકારી નોકરીની તૈયારી કરતો હોય, ત્યારે તેને 'સરકારી નોકરી એટલે મલાઈવાળી નોકરી' જેવા પ્રલોભનો આપવામાં આવે છે. આવી માનસિકતાવાળો યુવાન જ્યારે સરકારી અધિકારી બને એટલે પહેલાં મલાઈ શોધે એમાં નવાઈ નહીં. શા માટે આપણે અહીયાં સરકારી નોકરીને મલાઈવાળી નોકરી કહેવાને બદલે જવાબદારીવાળી નોકરી તરીકે નથી કહેતાં? પરિણામે હાલ જે વ્યવસ્થા ચાલી રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક જાણતાં-અજાણતાં આપણે પણ સહભાગી છીએ જ. ટૂંકમાં સુધર્યા પછી જ સુધારવાની શરૂઆત કરી શકાય, તો જ બદલાવ આવશે, નહીં તો હાલ જે ચાલે છે, એ આગળ પણ ચાલતું જ રહેશે...

લેખક:- પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ)