મિસ્ટર એન્ડ મિસેજ માહી
- રાકેશ ઠક્કર
રાજકુમાર રાવ- જહાનવી કપૂરની ‘મિસ્ટર એન્ડ મિસેજ માહી’ માં આમ ખાસ કોઈ નવીનતા નથી પણ એક સંદેશ સાથે પારિવારિક ફિલ્મ હોવાથી પૈસા વસૂલ ફિલ્મ છે. નિર્દેશક શરણ શર્માએ જહાનવી સાથેની પ્રથમ ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ થી અંદાજ આપી દીધો હતો કે એ પ્રગતિ કરશે. આ વખતે એમણે જહાનવી કપૂરની ભૂમિકા મુખ્ય રાખી છે. એની પાસેથી સારું કામ લીધું છે.
એક રીતે આ મહિલા પ્રધાન ફિલ્મ છે. જહાનવીની આસપાસ જ વાર્તાના તાણાવાણા વણાયેલા છે. ફિલ્મમાં રાજકુમાર હીરો છે પણ જહાનવીનો સહાયક કલાકાર લાગે છે. અલબત્ત દ્રશ્ય રોમેન્ટિક હોય કે ઈમોશનલ બંને પતિ-પત્ની તરીકે અસલ લાગે એવી કેમેસ્ટ્રી છે. ‘સ્ત્રી’ માં સાથે હતા જ. જહાનવીએ ફરી સાબિત કર્યું છે કે તે ભલે પ્રતિફિલ્મ 10 ટકા પણ અભિનયમાં સતત સુધારો લાવી રહી છે. જો સારી સ્ક્રિપ્ટ હોય તો એ પડકાર ઝીલીને પોતાનું શ્રેષ્ઠ આપી શકે છે. ફિલ્મમાં તે દર્શકોને રડાવવાનો દમ રાખે છે. ‘બવાલ’ પછી તે ફરી ‘પત્ની’ તરીકે જામે છે. એ ક્રિકેટ જે સહજતાથી રમતી દેખાય છે એના પરથી કહી શકાય કે મહિનાઓ સુધી તાલીમ લીધી હતી એ વાત સાચી લાગે છે. એમ કહી શકાય કે અત્યારના જે સ્ટાર કિડ્સ છે એમાં જહાનવી કપૂર અભિનયમાં નંબર વન પર છે. તકલીફ એ છે કે સોશિયલ મીડિયામાં એની જે ઇમેજ છે એ તેની અભિનેત્રી તરીકેની છબિને ઉભરવા દેતી નથી. જ્યાં સુધી જહાનવી ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર વધુ છવાયેલી રહેશે ત્યાં સુધી ટિકિટ ખર્ચીને એને થિયેટરમાં જોવા જનારા દર્શકોની સંખ્યા જલદી વધશે નહીં. સોશિયલ મીડિયા પર એ ગ્લેમરસ રૂપમાં હોય છે જ્યારે ફિલ્મોમાં સાધારણ પરિવારનું એક પાત્ર બને છે.
રાજકુમાર રાવના અભિનયનો તો જવાબ જ હોતો નથી. તે સતત વિકાસ કરી રહ્યો છે. દરેક ફિલ્મમાં પોતાની ભૂમિકામાં ડૂબી જાય છે અને સહજ રીતે ન્યાય આપે છે. ખડૂસ પિતાની ભૂમિકામાં કુમુદ મિશ્રા સખત સ્વભાવથી અસર છોડી જાય છે. કોચ તરીકે રાજેશ શર્માનું કામ સારું છે. ઝરીના વહાબ કમાલની અભિનેત્રી છે. સ્ક્રિન ટાઈમ ઓછો મળવા છતાં ભૂમિકા મહત્વની બની રહે છે. રાજકુમાર સાથેનું ઝરીનાનું એક પાંચ મિનિટનું દ્રશ્ય એ વાતનો ખ્યાલ આપે છે કે એ કેટલી સશક્ત અભિનેત્રી છે. એ દ્રશ્ય શ્રેષ્ઠ પણ બની રહે છે.
ફિલ્મના નામ પરથી એવો ભાસ ઊભો થતો હતો કે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના જીવન પરની છે. રાજકુમારનું નામ ‘મહેન્દ્ર’ છે એટલું જ નહીં એ ‘માહી’ તરીકે છે. પણ ક્રિકેટ આધારિત કોઈ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ લાગતી નથી. કેમકે ક્રિકેટની રમત ખાસ નથી. એમાં દરેક પ્રકારના ઇમોશન નાખ્યા હોવાથી ડ્રામા ફિલ્મ વધારે કહી શકાય. આગળ વધીને એને લવસ્ટોરી કહી શકાય એમ છે. ક્રિકેટ વધુ લોકપ્રિય હોવાથી ગાયન કે ડાન્સને બદલે વિષય એનો રાખ્યો છે.
ફિલ્મ માટે એના ટ્રેલરે મુશ્કેલી ઊભી કરી હતી. વાર્તા આમ પણ કલ્પી શકાય એવી છે ત્યારે ટ્રેલરમાં બતાવી દીધી હતી. નિર્દેશક વાર્તાને અને પાત્રોને સ્થાપિત કરવામાં સમય લે છે. તેથી પહેલો ભાગ ધીમો લાગે છે. ક્રિકેટ જ્યારે વાર્તાનો આધાર બને છે ત્યારે ગતિ વધે છે. જોવાનું માત્ર એ જ રહે છે કે બંને સામે જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે એમાંથી એ કેવી રીતે કયા પડાવ પાર કરીને ખરા ઉતરે છે. એમાં પિતા-પુત્રનો વૈચારિક સંઘર્ષ જોવા મળે છે.
ફિલ્મમાં કેટલીક બાબતો હેરાન કરે એવી છે. જહાનવી 15 વર્ષથી ક્રિકેટ રમી નથી. પછી છ માસમાં તાલીમ લઈને સીધી રાજ્ય કક્ષાની ક્રિકેટ ખેલાડી બની જાય છે. આખી ટુર્નામેન્ટમાં એનું પ્રદર્શન ખરાબ હોય છે પણ છેલ્લી મેચમાં સારું રમે છે અને એના આધારે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થાય છે. એમાં વળી ઉંમર સહિત કોઈ સમસ્યા નડતી નથી. સંવાદ બહુ સામાન્ય છે. ગીત-સંગીત પર ઓછી મહેનત થઈ છે. ‘જુનૂન હૈ’ પણ ફિલ્મની વાત સમજાવી શકે એવું ગીત નથી. ‘દેખા તેનુ’ અને ‘અગર હો તુમ’ ઠીક છે. ‘રોયા જબ તૂ’ ને બેકગ્રાઉન્ડમાં વગાડ્યું હોત તો સમય બચ્યો હોત. ‘મિસ્ટર એન્ડ મિસેજ માહી’ કલાકારોના અભિનય અને નિર્દેશન માટે એક વખત જોઈ શકાય એવી પારિવારિક ફિલ્મ જરૂર છે.