Prem - Nafrat - 126 last part in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૨૬ (અંતિમ)

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૧૨૬ (અંતિમ)

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨૬ (અંતિમ)

મીતાબેનને પતિ રણજીતલાલના મૃત્યુએ હતપ્રભ બનાવી દીધા હતા. એ એમના પરિવારનો મોટો સહારો હતા. એટલું જ નહીં અન્ય કામદારો માટે તે છાતી કાઢીને ઊભા રહેતા હતા. બધાનો જ સહારો છીનવાઈ ગયો હતો અને આ બધું લખમલભાઈએ કે એમના માણસોએ કરાવ્યું હોવાનું જાણ્યા પછી એમના માટે નફરતની લાગણી ફેલાઈ હતી. રચના યુવાન થઈ રહી હતી ત્યારે એણે આખી કહાની જાણીને બદલો લેવાનું મન બનાવ્યું ત્યારે મીતાબેન રણજીતલાલના કેટલાક સિધ્ધાંત ભૂલીને પણ એને સાથ આપવા તૈયાર થઈ ગયા હતા. લખમલભાઈની સામે એક અઘોષિત જંગ ખેલ્યા પછી એમને થયું હતું કે એમનો પરિવાર ખોટું કરી શકે એવો નથી. લખમલભાઈ રચનાની બદલાની વાતથી અવગત હતા પણ અમે રણજીતલાલ પરિવારના છે એ જાણ્યા પછી એમણે જાણે હથિયાર ફેંકી દીધા હતા.

રચના જ્યારે મા બનવાની હોવાના સમાચાર જાણ્યા ત્યારે એમને થયું કે નફરતની વચ્ચે પ્રેમનું બીજ રોપાયું છે. એ મુરઝાવું ના જોઈએ. રચનાએ એ બાળકને જન્મ આપવો જ જોઈએ. પોતે એનાથી એબોર્શનની વાત છુપાવી હતી. એણે દિલ પર પથ્થર મૂકીને જ એબોર્શન કરાવ્યું હતું. હવે જ્યારે એ મા બનવાની હોવાનું જાણ્યા પછી જે રીતે ખુશ છે એ જોતાં લાગે છે કે મેં કેટલાક નિર્ણય સાચા જ લીધા હતા. રચનાનું લોહી ગરમ છે એટલે ગુસ્સામાં કે બદલાની આગમાં એણે કેટલાક નિર્ણય લઈ લીધા હતા અને લખમલભાઈને નુકસાન કર્યું હતું. હવે એની ભરપાઈ અમારે કરવી જ જોઈએ.

મીતાબેન લાંબુ વિચારીને બોલ્યા:રચના, હવે તારા પર જવાબદારી વધી ગઈ છે. તારે લખમલભાઈના પરિવારના સંતાનને જન્મ આપવા સાથે એમના ધંધાની પણ નવી શરૂઆત કરાવવાની છે. તેં તારા દિમાગનો ઉપયોગ કરીને એમના ધંધાને જમીનદોસ્ત કરી દીધો હતો એને ફરી બુલંદી પર પહોંચાડવાનો છે.

મા, હું તમારા કહ્યા પ્રમાણે ચોક્કસ કરીશ. હું વિદેશમાં એટલી મહેનત કરીશ કે અમે ઘણું કમાઈને અહીં મોબાઈલ કંપની ફરી લોન્ચ કરીશું. આપણે બદલો લેવાનો હતો એ લઈ લીધો છે. એમનો પરિવાર મને પોતાની માનતો હતો ત્યારે હું એમની વિરુધ્ધ કામ કરી રહી હતી એનો મને પણ અફસોસ થાય છે. હવે એમની વહુ તરીકે મારે ફરજો બજાવવાની છે. એમણે જેટલું ગુમાવ્યું છે એનાથી બમણું પાછું અપાવીને મારું પ્રાયશ્ચિત કરીશ. રચના મીતાબેનને ભેટીને જાણે બાહેંધરી આપતી હોય એમ બોલી.

મીતાબેન એનાથી અલગ થઈને પોતાની રૂમમાં ગયા અને કોઈને ફોન કર્યો

*

લખમલભાઈ આરવ સાથે બેસીને એની વિદેશની તૈયારીની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે એક ફોન આવ્યો અને એમણે આભાર માની મૂકી દીધો. પછી કહ્યું:આરવ, હવે રચનાએ જે કર્યું કે કરાવ્યું છે એને ભૂલી જજે. એમાં એ છોકરીને કોઈ વાંક નથી. આપણે નુકસાન વેઠયું એના કરતાં એમણે જે સહન કર્યું છે એનું મને વધારે દુ:ખ છે.

પપ્પા, તમે જે પાપ કર્યું નથી એની સજા કેમ ભોગવી?’ આરવે પૂછ્યું.

બેટા, ભલે અજાણતા પણ એ પાપ થયું એમાં હું ભાગીદાર તો ગણાઉં ને? રાજા દશરથે ભૂલથી શ્રવણને તીર માર્યું હતું. એમનો એવો આશય ન હતો. મેં ધંધાના વિકાસ માટે માણસોને છૂટો દોર આપ્યો હતો. મને ખબર હોત કે કંપનીના માણસો કે કોન્ટ્રાકટર ખોટું કરી રહ્યા છે તો હું એમને એવું કરવા ના દેત. સમય અને સંજોગો પર કોઈનો કાબૂ નથી. કુદરત આપણાં પાછલા જન્મોની પણ સજા આપી રહી હોય એમ સમજયું હતું. રચના તારી સાથે જોડાયા પછી મને શંકા પડવા લાગી હતી કે અચાનક કંપનીનો ગ્રાફ ઉપર જઈને નીચેની તરફ આવી રહ્યો છે. દરમ્યાનમાં મને જાણવા મળ્યું કે કંપનીના સૌથી ઈમાનદાર અને શ્રેષ્ઠ કર્મચારી રણજીતલાલની એ દીકરી છે. મને બધું સમજાઈ ગયું. હું સજા ભોગવતો હોઉં એમ એની વચ્ચે આવ્યો નહીં. તને પણ ચેતવ્યો નહીં. મેં મારી રીતે એમને કહ્યા વગર એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે મારો વાંક ન હતો. આખરે મીતાબેનને એ વાતનો ખ્યાલ આવી ગયો અને ભરોસો બેઠો કે હું નિર્દોષ હતો. રચનાને ખબર ના પડે એ રીતે બધું ગોઠવ્યું અને હમણાં જ મીતાબેનનો ફોન આવી ગયો છે કે રચનાને પસ્તાવો છે અને એ હવે આપના પરિવાર અને ધંધાની પ્રગતિ માટે પોતાનું યોગદાન આપશે.

પપ્પા, રચના ભલે બદલા માટે કે નફરત હતી એટલે આપણી કંપનીને નુકસાન પહોંચાડી રહી હતી પણ એનો મારા પ્રત્યેનો પ્રેમ મને ક્યારેય ખોટો લાગ્યો નથી. એ કોઈ આશયથી મને પરણી હતી પણ એનું દિલ સાફ અને નિર્દોષ હતું. એનું મન એને ઉકસાવતું હશે. મને તો લાગે છે કે હું એને કહીશ કે અમને તારી બદલાની વાતની ખબર પડી ગઈ હતી તો પણ અમારા સંબંધમાં કોઈ ફરક પડવાનો નથી... આરવ રચનાના વખાણ કરીને બોલ્યો.

ના બેટા ના, હવે બધું જ ભૂલી જવાનું છે. આ વાત આપણી વચ્ચે જ રહેવી જોઈએ. એને ભલે એવો અંદાજ આવે કે આપણે એનો આશય જાણી ગયા હતા. તેમ છતાં આપણે અજાણ્યા રહેવાનું છે. અને એ ક્યારેક કબૂલાત કરે તો પણ એની વાત સાચી નથી એમ કહેવાનું. મને લાગે છે કે આ વધુ યોગ્ય રહેશે. હવે દાટેલા મડદા ઉખેડવાના જ નહીં. બસ એકબીજાને પ્રેમ જ પ્રેમ વહેંચતા રહેવાનું. આપણો જન્મ પ્રેમ કરવા અને પ્રેમ પામવા માટે જ થયો છે. એમાં નફરતને ક્યાંય સ્થાન હોય શકે નહીં. જો આપણે પણ નફરત કરીને દુશ્મની નિભાવી હોત તો કેટલો કંકાસ અને વિવાદ થયો હોત. તું પણ બધું જ ભૂલીને હવે આવનારા સંતાન તરફ ધ્યાન આપજે! એને પ્રેમ અને પ્રેમ જ મળવો જોઈએ. લખમલભાઈ આરવના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતા બોલ્યા.

આરવ લખમલભાઈના ચરણસ્પર્શ કરી એમની મહાનતાને વંદન કરી રહ્યો.

સમાપ્ત.

***

વાચકમિત્રો, આપે ખૂબ ધીરજ રાખીને નિયમિત રીતે અમારી આ નવલકથા વાંચી અને એની સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા એ માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપનું રેટિંગ અને પ્રતિભાવો અમને સતત પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યા છે. ફરી કોઈ નવી નવલકથા સાથે હાજર થઈશું. અમારી આ અગાઉની રાજકારણની રાણી વાંચવા પણ આપને ભલામણ છે.