Parasevani Kamani in Gujarati Short Stories by Ashoksinh Tank books and stories PDF | પરસેવાની કમાણી

Featured Books
Categories
Share

પરસેવાની કમાણી



બાપુનો આશ્રમ આ જ જગ્યા પર પચ્ચીસેક વર્ષથી આવેલો છે. બે ગામ વચ્ચે ટેકરીઓના ગાળામાં બાપુ શરૂઆતમાં નાની ઝૂંપડી બાંધી રહેતા અને બહાર ધૂણો પેટાવી સાધના કરતા. બાપુની સાધના અને ભક્તિની સુવાસ ધીમે ધીમે આજુબાજુના ગામડામાં પ્રસરવા માંડી હતી. ધીમે ધીમે બાપુના સેવકો વધતા ગયા. કોઈએ કાચી ઝુંપડીની જગ્યાએ પાકુ મકાન બંધાવી આપ્યું તો કોઈએ ખુલ્લા ધુણાની ઉપર પતરાનો શેડ કરી આપ્યો. આજે આ જગ્યા વિકસીને બે વીઘા જેટલા વિસ્તારમાં આશ્રમ બનીને ફેલાઈ ચૂકી છે. બાપુના આશ્રમમાં આંબા, વડલા,ઉમરા જેવા ફળાવ અને છાયડો આપતા અનેક વૃક્ષોની વનરાજી આખો ઠારે તેવી થઈ ગઈ છે. જ્યારે ઔષધીય છોડ અને ફૂલડાના છોડવા આશ્રમની શોભા વધારી રહ્યા છે. આશ્રમમાં બારથી પંદર દેશી અને ગીર ગાયો પણ છે. બાપુની ઉંમર લગભગ પંચાવન વર્ષની આડેવાડે હશે. બાપુની મોટી શ્વેત દાઢી, માથે બાંધેલી જટા કાનમાં પહેરેલા મોટા કુંડળ અને મોટી ગહન આંખો બાપુની વિદ્વતા દર્શાવી રહ્યા છે. બાપુના આશ્રમમાં છેલ્લા બે વર્ષથી એક યુવાન સાધુ પણ આવ્યા છે. જેણે બાપુને ગુરુ પ્રસ્થાપિત કર્યા છે. આ યુવાન સાધુ આખો દિવસ આશ્રમનું કામ કર્યા કરે. બાપુ માટે રસોઈ બનાવે અને ગાયોનું કામ કરવા આવતા મજૂરોને પણ ગાયોના કામ કરવામાં હાથ બટાવે.
બાપુ ખૂબ જ્ઞાની માણસ. તેની પાસે ઘડીક બેસો તો તમને જિંદગીના અનેક રહસ્યો પ્રાપ્ત થાય. ધર્મ શું છે? જિંદગી કેમ જીવાય?એવું બધું જ્ઞાન બાપુ પાસેથી મળે. અઠવાડિયામાં એક દિવસ રાત્રે બાપુ ધર્મસભા રાખે, જેમાં આજુબાજુના ગામમાંથી તેના સેવકો હાજરી આપે. ધર્મ સભામાં બાપુ સાચો ધર્મ,સાચી સેવા, સાચી મદદ,શિક્ષણ જેવા વિષયો પર જ્ઞાન પીરસે. બાપુ તેના બધા સેવકોને સરખો જ પ્રેમ આપે.કોઈ ધનાઢ્ય આવે કે ગરીબ દરેકનું સ્થાન બાપુના આશ્રમમાં સરખુ. બાપુ ગાયોનું દૂધ તેનાં વાછરુંને પાઈ દેતા.તેમાંથી વધે તે દૂધ દોહીને આશ્રમે દર્શને આવતા સેવકોને પ્રસાદીમાં ચા બનાવી પાતા. બાકી વધેલું દૂધ મેળવી તેમાંથી ઘી બનાવી સુખડી બનાવી નાંખતા.અમુક પ્રસાદીયા ભગત તો બાપુની આ સુખડી ખાવા જ આશ્રમમાં આવતા જેની બાપુને જાણ હતી છતાં બાપુ હોશે હોશે બધાને સુખડી પણ ખવડાવતા.
હમણાં બાપુના મનમાં એક એવી ઈચ્છા જાગી કે આશ્રમની પાછળ ખાલી પડી રહેતી જમીનમાં એક એવી ગૌશાળા બનાવવી કે જ્યાં ઘાયલ કે બીમાર અને ખોડખાપણવાળી ગાયોને રાખવી અને તેની સેવા કરવી. એક દિવસ ધર્મસભામાં બાપુએ પોતાના સેવકો સમક્ષ આ વાત મૂકી. આ વાતને સેવકોએ સહર્ષ સ્વીકારી લીધી. ઘણા સેવકોએ તો આજે જ દાનની જાહેરાત કરી દીધી. પરંતુ બાપુએ આટલી ઉતાવળ કરવાની ના પાડી.
બાપુએ કહ્યું, "હું પહેલા બધો વિચાર કરી લઉં,પછી બધાએ બધાની હાજરીમાં નહીં પરંતુ મને એકલા મળીને દાન આપવું. દાન આપનારના નામની જાહેરાત પણ હું નહીં કરું. મારે જેનું જેટલું દાન સ્વીકારવું હશે એટલું જ સ્વીકારીશ."બધો સેવક ગણ બાપુની આવી જાહેરાતથી મૂંઝાઈ ગયો.પરંતુ આની પાછળ પણ બાપુનો કંઇક સંદેશ હશે એવું સમજી બધા ચૂપ રહ્યા.
એક દિવસ બાપુ સવારમાં પૂજા અર્ચના કરી આંબાના ઝાડ નીચે હિંચકે બેઠા બેઠા તેના યુવાન છેલાને ધર્મ કોને કહેવાય તેના વિશે જ્ઞાન આપી રહ્યા હતા. એટલામાં એક કાર આશ્રમના દરવાજે ઉભી રહી. તેમાંથી આભૂષણે ભરેલો એક જાડિયો માણસ ખબ.. ખબ... કરતો નીચે ઉતર્યો, તેણે બાપુના ચરણ સ્પર્શ કર્યા. બાપુએ તેને સામે આસને બેસાર્યો.પેલો અમીર લાગતા માણસે બાપુને કહ્યું," હું આપને ગૌશાળા પેટે નાનકડી ભેટ ધરવા આવ્યો છું."પછી બાપુના જવાબની રાહ જોયા વગર તેણે ડ્રાઇવરને હુકમ કર્યો.ડ્રાઇવર કોથળો કહી શકાય તેવો થેલો ભરીને રૂપિયા લાવ્યો. જાડિયા માણસે થેલો બાપુના ચરણોમાં ઠાલવી દીધો. બાપુના પગ આગળ પાંચસોની નોટનો ઢગલો થઈ ગયો. બાપુએ રૂપિયાના ઢગલા પર જરાક નજર કરીને પેલા જાડિયા માણસને આદેશ આપ્યો, "તારી આ નોટો ફરી કોથળામાં ભરીને તારી ગાડીમાં મૂકી દે. હમણાં મારે આની જરૂર નથી. જરૂર પડશે ત્યારે કહીશ."
પેલા જાડિયા સેવકનો અહમ ઘવાયો હોય તેવું લાગ્યું. તેણે તેના ડ્રાઇવરની સામે જોયું. ડ્રાઇવરે રૂપિયાની થપ્પી કોથળામાં ભરી કોથળો ગાડીમાં મૂકી દીધો. જાડિયો માણસ બાપુને નમન કરી નીકળી ગયો. બાપુની સામે બેઠેલા તેના છેલાને કશી સમજ ના પડી તે વિચારતો રહ્યો.
થોડી વાર થઈ હશે. ત્યાં બીજો સેવક આવ્યો.તેણે પોતાની જૂની મોટરસાઈકલ દરવાજાની પાસે ઊભી કરી, બાપુના ચરણ સ્પર્શ કરી બાપુની સામે પાથરણાં પર બેસી ગયો. બાપુએ તેના ખબર અંતર પૂછ્યા. થોડીવાર રહી સેવકે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. પછી તેમાં ઊંડે ઊંડે ખોળીને ગડી વાળેલી સો સોની પાંચ નોટો કાઢીને બાપુના ચરણમાં મૂકી ધીમે રહી કહ્યું, "બાપુ આપે જે ગૌશાળાની વાત કરી હતી, મારે તેમાં દાન આપવું છે."બાપુએ સોની નોટો લઈને બાજુમાં પડેલ પેટીમાં નાખી. બાપુએ નોટો ઉપાડી ત્યારે પેલા સેવકના મો પર દાન આપ્યાનો અલગ પ્રકારનો આનંદ છલકાતો હતો. બાપુએ છેલાને આવેલ સેવકને સુખડીની પ્રસાદી ખવડાવવા કહ્યું. પ્રસાદ આરોગી સેવકે બાપુને પ્રણામ કરી વિદાય લીધી.
સેવકની વિદાય પછી છેલો વધારે મૂંઝાયો. છેલાની મૂંઝવણ બાપુ પારખી ગયા.તેણે કહ્યું, "પેલા સેવકના ઢગલો રૂપિયા કે જેનાથી આખી ગૌશાળા ઊભી થઈ જાય તેમ હતી.તે ના સ્વીકાર્યા અને આ દુબળા સેવકના પાંચ સો રૂપિયા કેમ સ્વીકાર્યા? એવો પ્રશ્ન થાય છે ને?"
છેલાએ માથું હલાવી હા ભણી.
"તો સાંભળ ઢગલો રૂપિયાનું દાન આપવાવાળાના રૂપિયા ખંડણીના, કોઈની જમીન પડાવીને લીધેલા, અવૈધ વેપાર કરીને મેળવેલા એક જ દિવસની પાપની કમાણીના રૂપિયા હતા. એ રૂપિયાના ઢગલામાં મને કેટલાયના પરસેવાના ટીપા દેખાતા હતા, કેટકેટલાનાં થીજી ગયેલા આંસુ દેખાતા હતાં,તો કેટલાયનું લોહી અને નિઃસાસા પણ દેખાતા હતા. એ માણસ આપણા આશ્રમનો સેવક જરૂર છે. પરંતુ તેના પાપના પૈસાના ભાગીદાર આપણે ન થઈ શકીએ.આશ્રમમાં આવીને તે કંઈક સારું ગ્રહણ કરશે તો તેની જિંદગી સુધરશે. બાકી આજે તો મને તેના મોઢા પર પૈસાનો ઘમંડ અને બધાથી વધુ આપવાની હરીફાઈ જ દેખાઈ. આવો અનીતિનો પૈસો ભેગો કરી મારે ગાયોની સેવા નથી કરવી. જ્યારે બીજો ગરીબડો સેવક આવ્યો, તે કડિયા કામ કરતો મજૂર માણસ હતો. તેની આખો દિવસની મહેનતને અંતે મળતા છ સો રૂપિયા તો તેના ઘર ખર્ચમાં જ વપરાઈ જાય છે. તેમ છતાં તેણે છેલ્લા ત્રણ ચાર મહિનામાં થોડા થોડા કરીને ધર્મ માટે અલગ રાખેલા રૂપિયા આજે પાંચ સો રૂપિયા થઈ ગયા. જે આજે તેણે અહી અર્પણ કર્યા. આ રૂપિયામાંથી મને તેની પરસેવાની કમાણીની ફોરમ આવે છે. આ પાંચ સો રૂપિયા આપ્યા પછીનો તેના મોઢા પરનો સંતોષ જોઈને મને એવું લાગ્યું કે આવા રૂપિયા વાપરીને હું ગૌશાળા બનાવીશ જેમાં બીમાર અને ઘાયલ ગાયો જલ્દીથી સારી થઈ જશે."
બાપુની આ માર્મીક વાત સાંભળીને યુવાન છેલાના મનમાં બાપુ પ્રત્યે વધારે શ્રદ્ધા જાગી ગઈ તેણે બાપુના ચરણોમાં વંદન કર્યા.

લેખક: અશોકસિંહ ટાંક
9428810621