A - Purnata - 10 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 10

Featured Books
Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 10

રેના એસીપી મીરાને કહે છે કે વિક્રાંતને તે મળી હતી ત્યારે વિક્રાંતે તેના પર બળજબરી કરવાની કોશિષ કરી હતી. આ સાંભળી મીરા રેના પર કટાક્ષ કરે છે. "તમારા જેવી સેક્રેટરી કમ મેનેજરને અમે સારી રીતે ઓળખીએ છીએ."
આ સાંભળી રેનાનો અવાજ થોડો ઉંચો થઇ ગયો. "મારા જેવી એટલે? તમે કહેવા શું માંગો છો?"
"અવાજ કાબૂમાં રાખીને વાત કરો મિસિસ રેના. એ ન ભૂલો કે તમે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠાં છો. એ પણ એસીપી મીરા શેખાવતની સામે. મને મારી સામે ઊંચા અવાજે વાત કરતી વ્યક્તિ પસંદ નથી."
રેનાએ એક ઊંડો શ્વાસ લીધો. "ઓકે, સોરી. જુઓ મેમ, હું એક સારા ઘરની ઇજ્જતદાર સ્ત્રી છું. મારે વિક્રાંત સાથે એવા કોઈ સંબંધો ન હતાં જેવા તમે સમજો છો. અમે એક સારા મિત્રો હતાં અને ઓફિસમાં પણ એક બોસ અને એમ્પ્લોઇ વચ્ચે જેવા સંબંધો હોય એવા જ સંબંધ અમારી વચ્ચે પણ હતાં. એનાથી વધુ કઈ હતું નહિ."
"ઓહ , ખરેખર? એમ્પ્લોઇઝ ક્યારેય બોસના ઘરે રાત્રે જાય એવું તો મે ક્યાંય સાંભળ્યું નથી. તે સાંભળ્યું છે કિશન?"
"નહિ મેમ."
મીરાએ ફરી એક ધારદાર નજર રેના પર નાંખી.
"વિક્રાંત તે દિવસે ઓફિસ આવ્યા ન હતાં એટલે એમણે મને એક ફાઈલ દેવા જ ઘરે બોલાવી હતી. હું જવાની જ ન હતી પણ ફાઈલ ખૂબ જરૂરી હતી એટલે જવું પડ્યું."
"હા, બરાબર. ત્યાં જઈને બેય વચ્ચે એવું શું થયું કે તમારે વિક્રાંતનું ખૂન કરી નાખવું પડ્યું?"
હવે રેના બરાબરની અકળાઈ. "મેમ, એક જ વાત હું કેટલી વાર કહું કે મે ખૂન નથી કર્યું. એણે મારી સાથે બળજબરી કરવાની કોશિષ કરી તો મે ફક્ત બચાવમાં એને જોરથી ધક્કો માર્યો હતો. ધક્કો લાગતા જ તે બેડ પાછળ પડેલી કાચની ટીપોય સાથે અથડાયો. તેને માથામાં વાગ્યું અને તે તરત જ બેભાન થઇ ગયો. હું એટલી ડરી ગઈ હતી કે તરત જ ત્યાંથી નીકળી ગઈ."
"જૂઠ. તમે કોઈ ચોક્કસ હથિયાર વડે તેના માથા પર પ્રહાર કર્યો અને વિક્રાંત મરી ગયો. હવે એ કહી દો કે એ હથિયાર ક્યાં છે અને ક્યું છે." મીરા ગુસ્સે થઈ ગઈ.
"હું તમને એક જ વાત કેટલી વખત સમજાવું. જો મારે એને મારવો જ હોત તો માર્યા પછી એની બોડીને પણ ક્યાંક ઠેકાણે પાડી દેત ને? પાછળથી આ બધી ઝંઝટમાં તો ન પડત."
"એટલો સમય નહિ મળ્યો હોય રેના તને કદાચ." પાછળથી અવાજ આવ્યો. રેનાએ પાછળ ફરીને જોયું તો દેવિકા ઊભી હતી. તે વાવાઝોડાની જેમ રેના તરફ ધસી અને રેનાને બાવડેથી પકડીને ઊભી કરી અને એક સણસણતો તમાચો રેનાના ગાલ પર માર્યો. રેનાના કાન થોડી વાર સૂન થઈ ગયા. તમાચો એટલો જોરદાર હતો કે પોલીસ સ્ટેશનમાં ઘડીક સોપો પડી ગયો.
"મારે પહેલા જ સમજી જવાની જરૂર હતી કે તું વિક્રાંતને ફસાવવાની કોશિષ કરે છે. સીધી સાદી ગરીબ ગાય જેવી બનીને તે મારા માલદાર પતિને ફસાવી એના રૂપિયે એશ કર્યું અને જ્યારે મન ભરાઈ ગયું ત્યારે તેનાથી છૂટવા તેને મારી નાખ્યો. અરે, મે તો તને મારી દોસ્ત સમજેલી પણ તું તો દૂધ પાયેલો એ સાપ નીકળી જે એને જ ડંખી ગઈ જેણે તને દૂધ પાયું." દેવિકા રોષપૂર્વક બોલી.
"જસ્ટ શટ અપ દેવિકા. તું જે મનમાં આવે એ બોલી જઈશ તો એ સત્ય નહિ થઈ જાય. અરે એટલી જ તને તારા પતિની ચિંતા હતી તો એ કેટલો સુખી છે કે દુઃખી એ પણ ધ્યાન રાખ્યું હોત તો. તને તો તારા મોડલિંગમાંથી નવરાશ જ ક્યાં મળતી હતી. લેટ નાઈટ પાર્ટી, હરવું ફરવું ને પતિના પૈસે મોજ કરવી. બસ, આટલું જ આવડ્યું." આ વખતે રેના પણ ચૂપ ન રહી.
"મારી અને વિક્રાંત વચ્ચે શું હતું ને શું નહિ એ તું મને ન સમજાવ. એ મારો પતિ હતો, એને કેમ સંભાળવો એ મને ખબર હતી ઓકે. " દેવિકાની આંખમાં ક્રોધ છલકી ઉઠ્યો.
"બસ...આ સોતન વાળી તું તું મે મે બંધ કરો. આ પોલીસ સ્ટેશન છે. તમારા બાપાનું ઘર નહિ." મીરા જોરથી બરાડી.
"હું બસ એટલું ઇચ્છુ છું કે મને ન્યાય મળે. મારા પતિના ખૂનીને સજા મળે બસ." દેવિકા બોલી.
"અરે, પણ જ્યારે મે કશું કર્યું જ નથી તો કેવી સજા?" રેના ફરી અકળાઈ ગઈ.
"એ નક્કી અમે કરી લઈશું મિસિસ રેના. હાલ પૂરતું તો તમે તમારો ગુનો કબુલી લો એટલે સજામાં થોડી રાહત મળે." મીરાએ આખરે કંટાળીને કહ્યું.
"જે ગુનો મે કર્યો જ નથી એ હું કોઈ પણ ભોગે નહિ કબુલું." રેના પોતાની વાત પર અડગ રહી.
"એસીપી, આ એમ નહિ માને. આને તો થર્ડ ડિગ્રી ટોર્ચેરિંગ આપો એટલે સીધી દોર થઈ જાય." દેવિકા ઉગ્ર થઈ ગઈ.
"કિશન, રેનાને ફરી જેલમાં બંધ કરી દો." મીરાનો ઓર્ડર મળતાં જ કિશન રેનાને ફરી જેલમાં લોક કરી ગયો.
"મારા વકીલ હમણાં આવતાં જ હશે. હું રેના પર કેસ કરીશ. તેના ફેમિલી પર પણ માનહાનિનો દાવો કરીશ. કોઈ પણ ભોગે એને હું છૂટવા તો નહિ જ દઉં." આમ કહી દેવિકા જતી રહી.
રેના બૂમો પાડતી રહી, "દેવિકા, પ્લીઝ મારી વાત સાંભળ." જો કે રેનાની બૂમો ફક્ત બૂમો જ રહી.
રેના ફરી રડી પડી. એને સમજ પડતી ન હતી કે આગળ શું કરવું. એ ખૂણામાં જઈને આંખો બંધ કરીને બેસી ગઈ. ઘણી વાર સુધી એ એમજ બેઠી રહી. એને ક્યાંક આશા હતી કે ઘરેથી કોઈક તો આવશે જ. જો કે એ આશા પણ એની ઠગારી જ નીવડી. આંસુઓ પણ જાણે હવે સુકાઈ ગયાં હતાં. અચાનક જ તે ઊભી થઈ.
"મેમ, પ્લીઝ મને એક કૉલ કરવા દેશો?" મીરાએ પોતાનું કામ કરતાં કરતાં જ એક નજર રેના તરફ ફેંકી. કોઈ બીજો આરોપી હોત તો મીરાએ ઘસીને ના પાડી દીધી હોત પણ રેના સારા ઘરની વ્યક્તિ હતી એટલે તેણે હા પાડી.
"ફક્ત એક જ ફોન અને એ પણ પાંચ જ મિનિટ." રેનાએ ફક્ત માથું હલાવ્યું. કિશને તાળું ખોલ્યું. રેના મીરાના ટેબલ પર પડેલા લેન્ડ લાઈન ફોન પાસે આવી. સૌથી પહેલા તેણે વૈભવનો નંબર લગાડ્યો. રિંગ જઇ રહી હતી પણ વૈભવ ફોન ઉપાડતો ન હતો. એની આંખમાંથી એક આંસુ સારી ગયું. એણે ફરી વાર ટ્રાય કરી પણ પરિણામ શૂન્ય.
વિધિની આ કેવી વક્રતા છે કે જેની સાથે જિંદગીના દસ દસ વર્ષ કાઢ્યા, જેના માટે પોતાની જાત બદલી કાઢી એ માણસ આજે પોતાના પર વિશ્વાસ કરવા તૈયાર નથી. પોતાની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. તેનું દિલ ચિરાઈ ગયું.
આખરે તેણે ફરી એક નંબર ડાયલ કર્યો. રિંગ જઈ રહી હતી. રિંગ પૂરી થવાની અણી પર હતી. રેનાને એવું લાગ્યું કે ફોન નહિ ઉપડે. એ ફોન મૂકવા જ જતી હતી કે ફોનમાં ઊંઘરેટી અવાજ સંભળાયો, "હેલો..."
રેનાની આંખોમાં આશા જાગી. વિલાઈ ગયેલા ચહેરા પર એક નાની ચમક ઉભરી આવી,"હેલો ગોલું..."
( ક્રમશઃ)
કોણ છે ગોલુ?
શું એ આવીને બચાવશે રેનાને?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.