Nitu - 15 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 15

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 15

નિતુ : ૧૫ (લગ્નની તૈયારી)


નિતુ સાંજ પડ્યે નિરાશા ભરેલી ઘેર આવી. કારણ કે તેની છેલ્લી આશા જે વિદ્યા પર નિર્ભર હતી તે પણ વિફળ ગઈ. ઘરમાં પ્રવેશે તે પહેલા તેણે પોતાનો ચહેરો સાફ કર્યો અને ખુશ થવાના ઢોંગ સાથે તે અંદર ગઈ. એમ જાણીને કે જો કોઈ તેનો આવો ચેહરો જોઈ જશે તો સમજશે કે કંઈ થયું છે. આમેય તેની મા શારદાને તો ખબર જ છે, છતાં કોઈને આવા શુભ અવસર પર ઉદાસી દેવાની તેની ઈચ્છા નહોતી.

તે અંદર પ્રવેશી કે શારદાએ તેને જોઈ કૃતિને કહ્યું, "લ્યો, આ નિતુ પણ આવી ગઈ. કૃતિ , હવે તું જાતે જ તેની સાથે વાત કરી લે." ઘરમાં શું ચાલી રહ્યું છે અને ક્યા વિષય પર વાત થઈ રહી છે તેની તેને ખબર જ ન્હોતી. તેને આશ્વર્યચકિત થયેલી જોઈ ને ધીરુભાઈ બધાને કહેવા લાગ્યા, "અરે ભૈ, ગજબ કરો છો તમે લોકો! તે બિચારી માંડ હજુ આવી છે. તેને અંદર આવી નિરાંતનો શ્વાસ તો લેવા દ્યો. પાણી- બાણી પાઉ અને પછી હંધીયે વાત કરો."

"કોઈ એ તો કહો કે થયું છે શું?" તે સોફા પર બેસતા બોલી.

શારદાએ તેને જવાબ આપ્યો, " નિતુ, આ કૃતિએ કાલે હા કહી એટલે ધીરૂભાઈએ બાબુને હંધી વાત કરી અને આજ એનો ફોન આઈવો કે એ લોકો પણ હા જ કે' છે. એટલે હવે આવતી કાલે તેઓ આવીને હગપણની વિધિ કરી જાહે."

"કાલે જ?!"

"હા... નિતુ બેટા, એ લોકોની એવી ઈચ્છા છે કે કાલે જ હગપણની વિધિ કરી લઈએ."

"પણ મમ્મી આવતી કાલે? આટલી જલ્દી બધી તૈય્યારી કેમ કરવી? કોઈને નિમંત્રણ આપવું હોય તો કેમ આપવું? અને આટલી બધી વાત થઈ ગઈ તો પણ કોઈએ મને ફોન કરીને જાણ ના કરી."

"અરે અરે શાંત નિતુ... " ધીરૂકાકા તેના હાથમાં રહેલું ન્યુઝપેપર એકબાજુ મૂકી તેની બાજુમાં બેસી આગળ બોલ્યા, "જો બેટા, તું જે કે' છે એ હું સમજુ છું અને માનું સવ કે થોડા ટેમમાં નો થાય. એ માણહોએ એ રીતે વાત કરી કે બધું થઈ જાય એમ છે. કાલે એ લોકો આવશે અને આંય ખાલી વિધિ કરી જાહે. એ પણ કોઈ મેં'માનને નથી લાવવાના. તો અમી પણ એવું નક્કી કર્યું કે આપણે બધા ઘરના ભેગા થઈને આ કામ પતાવી દઈએ. પછી લગનને ટાણે ભલેને ધૂમધામથી લગન કરીયે."

"વાત તમારી સાચી પણ કાકા..."

"મેં કીધુંને તને, કોઈ ચિન્તયા નો કર. આંય આજુ બાજુવાળાને જેનું કામ પડે એને બોલાવી લેહું. અમે આજે મુરતેય જોવરાવી લીધું છે. એક મહિના પછીનું મુરત બૌ હારું છે. જીતુભાઈ જોડે વાત થઈ. એણે હા ભણી એટલે આ બધું નક્કી કર્યું છે. કાલે એ લોકો હંધીય ત્યારી કરીને આવવાના છે. એટલે આપડે ખાલી નાનું-હુનુ કામ રેહે."

સૌએ ભેગા મળીને નક્કી કર્યું કે નાનકડી રીતે સગાઈનું આયોજન પૂર્ણ કરી લે. તેની પાછળનું કારણ હતું કે એક મહિના પછી નીકળેલું મુહૂર્ત. એટલે ધામધૂમથી લગ્ન થશે તો પછી અત્યારે દેખાડો કરવાનો કોઈ અર્થ નથી. આ વાતે સૌ સહેમત હતા. જો કે નિતુ એ વાતને સ્પષ્ટ પણે જોઈ શકતી હતી કે જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ તેનો બોજો વધતો જાય છે. તેની એકમાત્ર આશ વિદ્યા હતી અને તેના ઇન્કાર પછી માત્ર એક મહિના બાદ કૃતિના લગ્ન. તેને એક ક્ષણ માટે એવી ભીતિ જાગી કે જો તેનાથી કશું નહિ થાય તો? પણ હાલ આ અવસરમાં કોઈ બાધા ઉત્પન્ન કરવાનું તેને યોગ્ય ન લાગ્યું. જો કોઈ મેળ નહિ પડે તો લગ્નને દૂર ઠાલવવાનો નિર્ણય લેવો પડશે. આવો નિર્ણય લેવો કે ન લેવો તે પછીની વાત રહી, હાલ આ સગાઈની રસમ શાંતિથી પતી જાય એટલે બસ થયું. આવો વિચાર કરી તેણે તેઓના આ નિર્ણયને માન્ય રાખ્યો.

બીજા દિવસે સવાર પડી કે તેના ઘરમાં જાણે રાણી ખીલી. શારદાએ પોતાના ઘરની વહેલી સવારે સાફ સફાઈ કરી ફૂલ શી મહેક પથરાવતું હોય તેવું કરી દીધું. નવ વાગ્યાનો સમય હતો અને તે પહેલા બધું તૈય્યાર કરી લેવું જરૂરી હતું. નિતુ નીચે આવી કે શારદાએ તેને આડોશ પાડોશમાંથી એક એક વ્યક્તિને બોલાવી લાવવા કહ્યું. સાથોસાથ તેણે બાજુની સોસાયટીમાં રહેતી કરુણા અને તેની કલીગ અનુરાધાને બોલાવી લીધી. ટૂંક સમયમાં દરેક લોકો ભેગા થઈ ગયા અને મહેમાનોની રાહ જોવાવા લાગી. એટલામાં ધીરુભાઈના ફોનમાં રિંગ વાગી અને વાત કરતા તેણે સૌને કહ્યું કે મહેમાન પહોંચવામાં છે. હરખનો માહોલ ચારેય કોર પથરાઈ ગયો. સાગર પોતાના પરિવાર સંગે તેઓના ઘરઆંગણે આવી પહોંચ્યો. દરેકની વચ્ચે તેને બેસરાયો અને નિતુ પોતાની બહેનને લેવા માટે ગઈ.

અદ્વિતીય શણગાર સજેલી કૃતિ મક્ષીકાની રાણી પેઠે આવી અને જાજમ વિખેરતી તે સાગરની બાજુમાં બેઠી. પોતાની થનાર વધુને વ્હાલ દર્શાવી મધુએ તેના લલાટે કુમકુમ ચાંદલો કર્યો. એ ચાંદલાએ ઉગતા પૂર્ણિમાના ચાંદના અજવાળામાં વખતો વખત વૃદ્ધિ થાય તેમ વધારો કર્યો. કૃતિએ એક સ્મિત આપી અને નયન હાસ્યથી પોતાના થનાર સાસુમાની પ્રેમ સુવાસને સ્વીકારી. તેના હાથમાં શ્રીફળ રખાયું અને માથા પર સાસરિયા પક્ષની ચૂંદડી ઓઢાડી. એક હરખભરી ક્ષણે તેઓના આ બનેં પરિવારને ભેગા કર્યા અને સંબંધોનું નવું વૃક્ષ આરોપાયુ. બે પરિવારની નવી કૂંપળ ફૂટી જેની આધારશિલા સાગર અને કૃતિ હતા.

સગાઈની વિધિ પૂર્ણ કર્યા પછી અન્ય લોકો પોત- પોતાને ઘેર જતા રહેલા અને જીતુભાઈએ ધીરુભાઈ અને બાબુને સાથે રાખી શારદા સાથે લગ્ન અંગે વાત કરવા કહ્યું. તેણે તેઓને હાથ જોડી કહ્યું, "શારદાબેન માફ કરજો, અમારા લીધે તમારે આટલી જલ્દી આ બધી તૈય્યરીઓ કરવી પડી. પણ કાલે લગ્નનું મુહૂર્ત એક મહિના પછીનું નીકળ્યું એટલે અમને થયું કે આ બધું ટૂંકમાં પતાવી દઈએ."

"અરે એમાં હુ થયું. એમાં કાંય માફી માંગવાની ના હોય. આ કામ તો બઉ હારું થઈ ગયું."

"બસ મારે એટલું જ કહેવાનું હતું કે સગાઈની રસમ તો અમે અમારી રીતે ઉજવી અને તમે લોકોએ અમારી હા માં હા ભેળવી. પણ લગ્નનીમાં જેમ તમે કહેશો એમ અમે કરીશું."

"અરે એમાં કાંય થોડીને અમારે અમારું એકલાનું હકવાશે. બાકી હાચુ કઉને અમારો નિર્ણય તો મારી નિતુ જ લેશે. તમારે જે કામ કાજ હોય એની વાત નિતુ હારે કરી લેજો."

"ભલે, જેવી તમારી ઈચ્છા શારદાબેન. પણ હવે લગ્નના ટાંણાને સમય ઓછો છે તો ખરીદી અત્યાર દિ' થી શરુ કરવી પડશે. જો તમને કોઈ વાંધો ના હોય તો હું કાલે સાગરને મોકલું, કૃતિ તેની સાથે આવીને તેને ગમતી વસ્તુ પસંદ કરી લે તો વધારે સારું."

"કંઈ વાંધો નય જીતુભાઈ. તમી તમ- તમારે સાગરને મોકલજો. કૃતિ જાહે એની હારે. પણ જો તમને વાંધો ના હોય તો કાલે આઈતવાર છે અને નિતુએ ઘરે જ હશે. એ પણ હારે આવશે."

વડીલો એકબાજુ બેસીને નિર્ણય લઈ રહ્યા હતા અને સાગર કૃતિ અને નિતુ સાથે સામેના હિંચકા પર બેઠેલો હતો. શારદાની વાત સાંભળતા સાગર બોલ્યો, "ઠીક છે અમને કોઈ વાંધો નથી. ઈનફેક્ટ અમને તો હેલ્પ થઈ જશે. જો દીદી સાથે હશે તો વધારે આઈડિયા આવશે. આમે પણ કાલે સન્ડે એટલે દીદી પણ આખો દિવસ અમારી સાથે રહી શકશે."

તેની વાત સાંભળતા જ નિતુએ ધીમા અવાજે તેને કહ્યું, "હમ્મ... મને ખબર છે. કાલે તું કૃતિને ગિફ્ટ અપાવવાનો પ્લાન કરે છે એટલા માટે ને?"

"કેવી ગિફ્ટ?" કૃતિએ આશ્વર્ય સાથે પૂછ્યું.

સાગર કહે, "એ તને કાલે સમજાય જશે."

"કાલે? હવે તેમ મારાથી આટલું સસ્પેન્સ ના રાખી શકો."

"હા.. તો પણ તારે કાલ સુધી રાહ તો જોવી જ પડશે."

સાગર અને કૃતિની ચાલી રહેલી વાતને જોઈને નિતુને મનમાં એ ખાત્રી થઈ ગઈ કે કૃતિ માટે સાગરને પસંદ કરીને તેઓએ કોઈ ભૂલ નથી કરી. તેમના સંવાદને સાંભળતા તે સમજી ગઈ કે કૃતિ ખુશ તેના આ સંબંધથી ખુશ છે. તેને ઘરે પધારેલા મહેમાનોની જવાની રાહ હતી, જેથી કરીને મોકો મળતા તે શારદા સાથે વાત કરી શકે.