A - Purnata - 9 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 9

Featured Books
Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 9

વૈભવે દરવાજો ખોલ્યો તો સામે એસીપી મીરા શેખાવત ઊભા હતાં. વૈભવને અનુમાન તો થઈ જ ગયું કે મીરા શેખાવત શા માટે આવ્યાં હશે છતાંય તેણે ચહેરા પર પરાણે સ્મિત લાવીને પૂછ્યું, "યેસ મેમ, બોલો શું સેવા કરી શકું તમારી?"
મીરા હસી પડી. "મિસ્ટર વૈભવ, સેવા કરવા તો અમે લઈ જઈશું તમારી વાઇફને. હું મિસિસ રેના શાહની ધરપકડનું વોરંટ લઈને આવી છું." આમ કહી મીરા અંદર આવી અને તેણે એક નજર રેના પર નાંખી. રેના એટલી ગભરાઈ ગઈ હતી કે તેને પરસેવો છૂટી ગયો.
"કોન્સ્ટેબલ, અરેસ્ટ હર." મીરાનો ઓર્ડર મળતાં જ લેડી કોન્સ્ટેબલ આગળ આવી અને રેનાના હાથમાં હાથકડી પહેરાવી દીધી.
"વૈભવ પ્લીઝ , કઈક કર ને. મે સાચું કઈ જ નથી કર્યું." રેના કરગરીને રડવા લાગી.
"એસીપી, તમારી પાસે શું સાબિતી છે કે રેના ગુનેગાર છે?" મનહરભાઈ આગળ આવીને બોલ્યા.
"સાબિતી તો હું કોર્ટમાં રજુ કરી જ દઈશ. મારે તમને કશું સાબિત કરીને આપવાની જરૂર નથી છતાંય તમારી જાણ ખાતર કહી દઉં કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ વિક્રાંતનું ખૂન થયું એની અડધી કલાક પહેલા ફક્ત રેના એવી વ્યક્તિ હતી જે એના ઘરેથી નીકળી હતી. વિક્રાંતના બોડી પર અને એના બેડરૂમમાં રેનાના ફિંગર પ્રિન્ટ મળ્યા છે. આટલું ઘણું છે રેનાને દોષી સાબિત કરવા માટે." આમ કહી તેણે કોન્સ્ટેબલને ઈશારો કર્યો રેનાને લઈ જવા માટે.
રેના ખૂબ જ રડવા લાગી, "મમ્મી પ્લીઝ , તમે વૈભવને સમજાવો ને. મે સાચું... કશું જ નથી કર્યું...પપ્પા...વૈભવ...પ્લીઝ મારી વાત માનો. એસીપી...પ્લીઝ... લીવ મી..."
"મિસિસ રેના, હવે તો તમારે જે કંઈ પણ કહેવું હશે એ હું પોલીસ સ્ટેશન જઈને જ સાંભળીશ. એટલે ચૂપચાપ મારી સાથે ચાલો. સમય બગાડવો મને પોસાય એમ નથી." આમ કહી મીરા ફટાફટ બહાર નીકળી ગઈ અને રેના પરાણે ઢસડાઈને કોન્સ્ટેબલ સાથે બહાર ગઈ અને પોલીસ જીપમાં બેઠી. રેના સતત રડી રહી હતી.
વૈભવનું ઘર એક સારા એરિયામાં હતું. જ્યાં પોલીસવાન ભાગ્યે જ આવતી. કેમકે બધા ખૂબ જ સજ્જન માણસો અહી રહેતાં હતાં. પોલીસ વાનમાં બેસતી રેનાને જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયાં. અંદરો અંદર ગણગણાટ થવા લાગ્યો. જેટલા મોં એટલી વાતો.
રેનાની પાછળ મનહરભાઈ અને રેવતીબહેન બહાર આવ્યાં પરંતુ વૈભવ ઘરમાંથી એક ડગલું પણ ન ખસ્યો. જાણે પોતાનું હદય તેણે પથ્થરનું કરી લીધું હતું. વાન તો સડસડાટ નીકળી ગઈ પણ પાડોશીઓ રેવતીબહેનને રડતાં જોઈ રહ્યાં. અત્યારે કદાચ કોઈની હિંમત ન થઈ કે તેમના ઘર સુધી આવી આશ્વાસનના બે શબ્દો પણ કહે. ઘણા દાઝયા પર ડામ દેવાવાળા પણ હોય પણ અહી બધા સજ્જન હતાં એટલે અત્યારે રેવતીબહેન પાસે કોઈ ગયું નહિ. નકામું તેમના પરિવારને લાગે કે બધા અહી કઈ જાણવા માટે જ આવ્યા છે. રેવતી બહેન ફટાફટ ઘરમાં ગયાં.
"વૈભવ, કઈક કર ને બેટા. એ લોકો રેનાને જેલમાં પૂરી દેશે તો આપણી શું આબરૂ રહેશે સમાજમાં??"
"આ ટીવીમાં જે કંઈ બતાવે છે ને મમ્મી, એ પછી તો આબરૂ શું કહેવાય ને એ જ ભુલાઈ જશે તમને, જોવો." આમ કહી વૈભવે ટીવી ચાલુ કર્યું તો ટીવી પર વિક્રાંતના ખૂન અને રેના અને વિક્રાંત વચ્ચેના સંબંધોએ જોર પકડ્યું હતું. રેવતીબહેન તો આ જોઈ ધબ કરતાં સોફા પર બેસી પડ્યાં.
"નહિ, હું આ ક્યારેય સાચું નહિ માનું. ઉપરથી ભગવાન આવીને કહેશેને તો પણ નહિ. તું એક કામ કર ને વૈભવ, જો રેનાને જેલમાં પૂરી દીધી હોય તો તું કોઈક સારો વકીલ શોધ અને રેનાને જામીન પર છોડાવી આવ. એ ઘરે આવી જાય પછી હું જ શાંતિથી તેની સાથે વાત કરીશ." રેવતીબહેન આંખમાં આંસું સાથે બોલ્યાં.
"જરાય નહિ મમ્મી. હું ક્યાંય નહિ જાવ અને તમને કોઈને જવા પણ નહિ દઉં. રેનાને એના કર્મોની જ સજા મળી છે. એણે એક પણ વાર મારો , તમારો , આ ઘરનો કે પરીનો સુધ્ધા વિચાર નથી કર્યો. સારું છે પોલીસ એને લઈ ગઈ બાકી મને ખબર નથી કે હું શું કરી બેસત." આટલું કહી વૈભવ ગુસ્સામાં જ પોતાના બેડરૂમમાં જતો રહ્યો અને જોરથી દરવાજો બંધ કરી દીધો. રેવતીબહેન તેની પાછળ બસ બૂમો પાડતાં રહ્યાં પણ વૈભવના કાન જાણે કઈ સાંભળવા જ માંગતા ન હતાં.
"સાંભળોને, તમે તો કઈક કરો પ્લીઝ. શું તમને પણ રેના પર વિશ્વાસ નથી?"
"રેવતી, વાત વિશ્વાસની નથી. જો હું રેનાને છોડાવી પણ લાવું તો ઘરે વૈભવના હાથમાં એની શું હાલત થશે એ તું અને હું બંને જાણીએ છીએ. અત્યારે તો મને એ પોલીસ સ્ટેશનમાં વધુ સુરક્ષિત લાગે છે."
રેવતીબહેન બે હાથ માથે દઈ બેસીને બસ રડતાં રહ્યાં કેમકે ક્યાંક ને ક્યાંક એને પણ મનહરભાઈની વાત સાચી લાગી. પોતાના દીકરાનો ગુસ્સો ક્યાં નથી જાણતા પોતે.
*****************************
આ બાજુ પોલીસ સ્ટેશન પહોંચતા જ રેનાને જેલમાં બંધ કરી દીધી. સામાન્ય માણસ જેને દૂર દૂર સુધી પોલીસ સાથે ક્યારેય કોઈ પનારો ન પડ્યો હોય એને સીધો જ જેલમાં બંધ કરી દેવામાં આવે તો એની શું હાલત થાય?? બસ, અત્યારે રેનાની હાલત પણ એવી જ હતી.
કોઈ એની વાત સાંભળવા તૈયાર ન હતું. ન પરિવાર કે ન પોલીસ. છતાંય તેણે ફરી હિંમત કરી.
"એસીપી, પ્લીઝ એક વાર મારી પૂરી વાત તો સાંભળી લો. મે વિક્રાંતનું ખૂન નથી કર્યું. તમે એક વાર મોકો તો આપો મને હકીકત કહેવાનો."
મીરા પોતાની ચેર પર બેઠી અને ફરી તેણે ચા ઓર્ડર કરી. રેના ફરી એકવાર કરગરી આથી કંટાળીને મીરાએ જોરથી એક રાડ નાંખી, "શટ અપ. હવે જ્યાં સુધી હું કહું નહિ ત્યાં સુધી એક પણ શબ્દ મોઢામાંથી નીકળવો ન જોઈએ સમજી?"
રેના તો મીરાની રાડથી ફફડી જ ગઈ. મીરા ફરી એકવાર તેને જોઇને બોલી, "તમારી વાત પણ હું ચોક્કસથી સાંભળીશ. પહેલા જરાક આ મારી ચાને તો ન્યાય આપી દઉં. એમાં શું છે ને મિસિસ રેના, ચા વિના દિમાગ મારો શાંત ન થાય. જો દિમાગ શાંત નહિ થાય તો અત્યારે એનો ભોગ તો તમે જ બનશો. તો જ્યાં સુધી હું ચાની લિજ્જત ન ઉઠાવી લઉં ત્યાં સુધી તમે જરાક આ જેલની લિજ્જત જ ઉઠાવી લો. શું ખબર કેટલો સમય તમારે અહી રહેવાનું થાય." આમ કહી મીરા મંગાવેલી ચા પીવા લાગી.
રેના માટે તો જેલમાં એક એક મિનિટ એક યુગ જેવડી જતી હતી. એ ધીમેથી જેલમાં સુવા માટે બનાવેલા ઓટલા પર જઈને બેઠી. વૈભવના રાજમાં એ ક્યારેય નીચે પણ બેઠી ન હતી એટલે આજે આ ઓટલો એને ખૂબ ખરબચડો લાગી રહ્યો હતો.
આખરે મીરાની ચા પૂરી થઈ અને તેણે કોન્સ્ટેબલને કહીને રેનાને પોતાની સામે હાજર કરવા કહ્યું. રેના મીરાની સામે આવીને બેઠી.
"મિસિસ રેના, તમારી ધીરજની દાદ દેવી પડે હો. તમે તો સાચે મારી ચા પૂરી થઈ ત્યાં સુધી એક પણ શબ્દ ન બોલ્યા." મીરાએ થોડોક કટાક્ષ કરી લીધો.
"સીધા મુદ્દા પર આવીએ મેમ. હું સાચું કહું છું મે વિક્રાંતનું ખૂન નથી કર્યું. હું એને ગઈ કાલ રાતે મળવા જરૂર ગઈ હતી પણ મે એનું ખૂન નથી કર્યું." રેનાએ ફરી એ જ વાત કરી.
"દરેક ગુનેગાર પોતાને નિર્દોષ જ ગણતો હોય છે મિસિસ રેના. અમને પણ એના મોઢેથી સત્ય કઢાવતા આવડે છે." મીરાએ થોડીક કરડાકીથી કહ્યું.
"વિક્રાંતે કાલ રાતે મારી સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી." આટલું કહી રેના ફરી રડવા લાગી.
મીરા હસી પડી, "જે માણસ મૃત્યુ પામી ચૂક્યો છે એના પર તો કમ સે કમ આરોપ લગાવવાનું બંધ કરો મિસિસ રેના. તમારા જેવી સેક્રેટરી કમ મેનેજરને અમે સારી રીતે ઓળખીએ છીએ." મીરાએ એના શબ્દો પર એટલો ભાર આપ્યો કે રેના સ્તબ્ધ થઈ ગઈ.
" મારા જેવી એટલે? તમે કહેવા શું માંગો છો?" રેનાનો અવાજ થોડો ઉંચો થઇ ગયો.
( ક્રમશઃ)
શું છે વિક્રાંત અને રેનાની હકીકત?
શું વૈભવ જશે રેનાને છોડાવવા માટે ?
જાણવા માટે જરૂરથી વાંચજો આગળનો ભાગ.