દરિયો શાંત પ્રવાહમાં મોજા વહાવી રહ્યો હતો. મંદમંદ ગતિએ તનેને રિઝવતો પવન મનમાં સ્ફૂર્તિ ભરતો હતો. હતી એમ તો ઉનાળાની બપોર, પણ ટાઢક તો જાણે વરસાદ પડ્યા પછીના પવનના સૂસવાટા વાતાં હોય એમ જ પાથરી રહ્યા હતા. તપેલાં, થાકેલાં અને કર્માયેલાં જીવનમાં શ્વાસ ભરતાં હોય એમ કેટલાક યુગલો દરિયાના મોજા સાથે ટકરાવ કરતા હતા.
કેહવાય છે કે દરિયો સર્વ દર્દોને સમાવીને બેઠો હોય છે, એમ જ દરિયા કિનારે માનસિક થાકને ઉતારીને નીરવ શાંતિ માટે જ સ્વપ્નિલ અને સ્નેહા પણ દરિયાની ગોદમાં આવ્યાં હતા. સ્વપ્નિલ અને સ્નેહા એ પણ એક યુગલ હતા. આઈટી કંપનીમાં જોડે જ કામ કરતાં હતા. અઠવાડિયાની રજા માણવા માટે જ આવ્યા હતાં. શહેરના કોલબકોલની વચ્ચે શાંત વાતાવરણ મનને અને તનને જે સાંત્વના આપે છે તેનો અનુભવ અદભૂત અને આહ્લાદક હોઈ છે. આ યુગલ પણ એ જ શાંતિની શોધમાં હતું. તેઓ દરિયાના ઉછળતા મોજાની સંગે ઉછળતાં , કૂદતાં અને મન મૂકીને મજા માણી રહ્યા હતાં.
' ઓ સ્વપ્નિલ! જરા ફોટો તો પાડ.' સ્નેહા બોલી.
' જી... હુકુમ. હું તો ફોટોગ્રાફર બનીને જ આવ્યો હોઈ એમ લાગે.'
' આ પોસ કેવો લાગશે....' સ્નેહા પોસ આપતાં બોલી.
' તારા નખરાં જ એટલા છે કે બધા પોસમાં ફટકા જેવી જ લાગે.' સ્વપ્નિલએ મસ્તી કરી.
' એ તો હુ છુ જ...' વાળને અદા સાથે ઉછાળતા બોલી.
એમની વાતચીત એમ ચાલતી જ હતી, પણ સ્વપ્નિલનું ધ્યાન વાતોથી હટીને સામે આવતી એક સ્ત્રી પર ગયું. તે વર્તમાનથી ભૂતકાળમાં સળી પડ્યો. તેનુ મસ્તિષ્ક કૉલેજમાં લઈ ગયુ.
કૉલેજના દિવસો હતા. યુનિવર્સિટી કક્ષાએ યુવક મહોત્સવ ચાલી રહ્યો હતો. યુવક મહોત્સવ એટલે યુવાઓ માટે કળા પ્રસ્તુત કરવાનુ મંચ. આ મંચ પર યુનિવર્સિટીની બધી જ કૉલેજ સહભાગી થતી હોય છે અને ઉત્સવ જેવો માહોલ થઈ પડે છે. યુવક મહોત્સવ અને યુવાન હૈયા ઘેલમાં આવ્યા વિના ન રહે. સ્વપ્નિલ અને તેના સહપાઠી પણ આ મહોત્સવમાં જોડાયા હતા. તેઓ નૃત્યમાં ભાગ લઈ રહ્યા હતા. નૃત્ય માટે અલગથી મંચ હતું. જેની પાછળના ભાગમાં ડૂમમાં સર્વ કૉલેજના યુવક અને યુવતીઓ પ્રસન્ન ચિતે એકબીજા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. એ જ સમયે સ્વપ્નિલની નજર એક યુવતી પર પડી. રેશમી વાળ, મૃગનયની અને મનોહર સ્મિત રેલાવતો ચહેરો. બસ, જોતા જ મનહરી લે. જેને શબ્દોથી નહિ પણ આંખથી સૌંદર્ય સમજાય. તેનું નામ સ્વપ્નિલ જાણતો નહતો કે તે ક્યાં અને કઈ કૉલેજ તરફથી આવી છે તેનાથી પણ અનજાન જ હતો. મંચ પર સ્વપ્નિલની કૉલેજના પરફોર્મન્સની જાહેરાત થઈ. તેઓ નૃત્ય માટે સ્ટેજ પર ગયા. નૃત્ય શરૂ હતું, પણ સ્વપ્નિલની આંખમાં તે યુવતીનો ચહેરો જ જલકાતો હતો. જેથી તે પ્રસન્ન મનથી જોષપૂર્વક નૃત્ય કરતો હતો. નૃત્ય પૂરું થયું અને મંચ પરથી જઈ જ રહ્યા હતા અને સામે એ જ મૃદુભર્યું સ્મિતથી સ્વપ્નિલની સામે જોયુંને આંખેના ઈશારે જ ખૂબ સરસ નૃત્ય કરવાનું અભિવાદન પાથર્યું. એ અભિવાદન કરતો ચહેરો સ્વપ્નિલની ભીતર કોરાઈ ગયો. કોઈ વાતચીત, નહિ કોઈ નામ - સરનામું નહિ બસ તે યુવતી નજરમાં જ ઉતરી ગઈ. પરફોર્મન્સ પછી કપડાં બદલવા માટે તે ફટાફટ રૂમમાં ગયો અને કપડાં બદલીને આવ્યો. તેની આંખ ચારેબાજુ ફરીવરી પણ તે યુવતી ક્યાંય નહિ જોવાઈ. બસ બે ઘડીનુ સ્મિત એના મનને હરી લઈ ગયું. જે આજ પછી ક્યાંય જોવા નહોતું મળ્યું. ચહેરા પર અફસોસનો ભાવ હતો પણ મનને તે સ્મિત હુંફાળો આપતું હતું.
વર્ષો વિતી ગયા અને આજે તે જ ચહેરો સામે આવી રહ્યો હતો. સ્વપ્નિલની ઉરના સર્વ સંવેદનાના તાર રણઝણી ઉઠ્યા. તેના ચહેરા પર મધુર સંગીત રેલાય રહ્યું હતું. પણ સામે તે સ્ત્રીના ચહેરા પર ન તો તે વર્ષો પહેલા જેવુ સ્મિત પણ નહોતું કે ન તે સંવેદના. તેના કદમ સ્વપ્નિલથી પણ આગળ વટાવી ગયા પણ સ્વપ્નિલ તરફ નજર ન ધરી.
' ઓ સ્વપ્નિલ.... ઓ સ્વપ્નિલ... તારું ધ્યાન ક્યાંય છે?' અવાજ કાને પડ્યો અને તેનુ ધ્યાન બધીજ યાદો, આવેગો અને ભાવનાઓ સંકોળીને સ્નેહા પર ગયું.
દરિયા કિનારે જે શાંતિ મેળવવા માટે આવ્યા હતા તે શાંતિ સ્વપ્નિલ મળી નહિ પણ, ઘણી બધી ગડમથલ લઈને ઘરે પ્રયાણ કર્યું. તે અણધારી મુલાકાત વર્ષો પહેલાંના અને આજની ભાવના કઈક અંશે જ નહિ પણ જમીન - આસમાનનુ અંતર પેદા કરતી હતી. જે સ્વપ્નિલના હૈયામાં ત્સુનામી સમ આવેગો પેદા કરી ગયા.