Ek Hati Kanan.. - 15 in Gujarati Fiction Stories by RAHUL VORA books and stories PDF | એક હતી કાનન... - 15

Featured Books
Categories
Share

એક હતી કાનન... - 15

એક હતી કાનન... (રાહુલ વોરા)
(પ્રકરણ – 15)
રમણભાઈ,ટપાલી,એ પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક બજાવી હતી. કાનનના નામનું એક કવર રીડાયરેકટ થઈને આવ્યું હતું.
કવર બેન્કમાંથી આવ્યું હતું.કાનને કવર ખોલ્યું.કાનને છએક મહિના પહેલાં ઇન્ટરવ્યુ આપ્યો હતો તેનો ઓર્ડેર હતો.જો કે પહેલાં બોર્ડ તરફથી એલોટમેન્ટ લેટર આવે છે તેમાં જે બેન્ક એલોટ થઇ હોય છે તેનું નામ હોય છે અને પછી જે તે બેન્કનો ઓર્ડેર આવે છે. પણ અહી તો સીધો પોસ્ટીંગ ઓર્ડેર હતો. ભલે બેન્ક અલગ હતી પણ શહેર એ જ હતું,કચ્છ નું માંડવી.
કાનન ની શાંત જીંદગીમાં કયાંકથી પથરો આવીને પડ્યો અને વમળ પેદા કરતો ગયો.જે માંડવીમાં કયારેય પગ ના મૂકવાની પ્રતિજ્ઞા લઈને આવી હતી ત્યાં જ પોસ્ટીંગ મળ્યું હતું.જે માંડવીને ભૂલીને આગળ વધી રહી હતી ત્યાં જ જવું પડે એવા સંજોગો ઊભા થયા હતા.
ઓર્ડેર રીડાયરેકટ થઈને આવ્યો હતો એટલે સમય પણ ઓછો હતો.કાનન નું મન માંડવી જવા ના પાડતું હતું પણ ભણેલી ગણેલી કાનન બેન્કની નોકરી જતી કરવા પણ માગતી ન હતી.
મનન અને તેનાં કુટુંબીજનોએ નિર્ણય સંપૂર્ણપણે કાનન પ૨ છોડી દીધો.કાનને પડકાર ઉપાડી લેવાનું નક્કી કર્યું.
નોકરી કરવાનો,જ્યાં સુધી બદલી ન થાય ત્યાં સુધી નોકરી કરવાનો અને માંડવી એકલાં રહેવાનો.
રાતની બસમાં મનન અને કાનન માંડવી જવા નીકળી પણ ગયાં.સવારે પહોંચી એક ગેસ્ટ હાઉસમાં ઉતર્યાં.માંડવી પહોંચીને જયારે ગેસ્ટહાઉસમાં ઉતર્યાં ત્યારે કાનને વિચિત્ર લાગણી અનુભવી.પણ તુરંત કાનન સ્વસ્થ થઇ ગઈ.કાનનને લાગ્યું કે આવા તો ઘણા અનુભવોમાં તેને પસાર થવું પડશે.
અગિયાર વાગ્યે નોકરી જોઈન પણ કરી લીધી.મનને બ્રાંચ મેનેજરને મળી પરિસ્થિતિ સમજાવી દીધી.બ્રાંચ મેનેજર એકદમ ભલા માણસ હતા. તેણે સ્ટાફમાં બીજાં એક બહેન હતાં તેને અલગથી બોલાવી કાનનના સંજોગો સમજાવી અને સંભાળી લેવા કહ્યું. મકાન માટે શક્ય મદદરૂપ થવા પણ કહ્યું.
અને કાનન ને મળી માનસી.માનસી તરત જ કાનન પાસે પહોંચી ગઈ.ઓળખાણ આપી.પોતાને કંપની મળી તેની ખુશી પણ વ્યક્ત કરી હતી.તે પહેલાં તેણે પોતાના ઘરે ફોન કરી બાજુનાં એક રૂમ રસોડાંવાળાં ખાલી મકાન અંગે મકાનમાલિક સાથે વાત પણ કરી લીધી.
“કાનન,મને સાહેબે બધી જ વાત કરી છે.મારી બાજુમાં જ એક મકાન ખાલી છે.સાંજે તમે બન્ને જોઈ લેજો અને પસંદ પડે તો આવી જાજે રહેવા મારી પાડોશી બનીને.અને હા,સાંજે તમે બન્ને ડીનર પણ સાથે જ લેજો.”
ધૈર્યકાન્ત ને કાનનની પોસ્ટીંગ ના સમાચાર તો મળી ગયા હતા પણ એક કોયડો ઉકેલાતો ન હતો.કાનન નો ઓર્ડેર ગોંડલ પહોંચ્યો કઈ રીતે? કારણ કે એલોટમેન્ટ લેટર તો પોતે દબાવી દીધો હતો.ધૈર્યકાન્તે જયારે કાનન ના પોસ્ટીંગ ની વાત પોતાની પત્નીને કરી ત્યારે ચેતવણીના સૂરમાં સ્પષ્ટ કહી દીધું.
“હવે કાનનને હેરાન કરવાના પ્રયત્નો જરા પણ નથી કરવાના.જો હવે મારી દીકરીને જરા પણ પરેશાન કરી છે તો એકલા રહેવાનો વારો આવશે.”
ધૈર્યકાન્ત પોતાની પત્નીના અવાજની મક્કમતા થી ઘણું બધું સમજી ગયા અને કાનન ગઈ તે રાતના મનોમંથન બાદ થોડા કૂણા પણ પડ્યા હતા.
મનન બેચેન હતો.હોટલ પર આવ્યા બાદ ફરી પાછો વિચારોના દરિયામાં ડૂબી ગયો.ભલે નોકરી સ્વીકારવાનો.એકલા રહેવાનો નિર્ણય કાનન નો પોતાનો હતો અને વિશ્વાસ પણ હતો કે કાનન કોઈ પણ પરિસ્થિતિમાં રસ્તો કાઢી લેશે.તેમ છતાં કોઈ અજ્ઞાત ભય તેને સતાવી રહ્યો હતો.એક પળ તો એવો વિચાર પણ આવી ગયો કે પોતાના સસરાને મળીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવી દેવા.પરંતુ કાનન સાથે વાત કર્યા વિના કંઈ પણ કરવું એને યોગ્ય ન લાગ્યું.
અચાનક બેલ વાગતાં તે ચમક્યો.કાનન તો પાછી નહીં આવી હોય ને? કોઈ પ્રોબ્લેમ થયો હશે? થોડી વારમાં તો એને હજારો વિચારો આવી ગયા.
રૂમનો દરવાજો ખોલ્યો તો સામે સરૂબેન,એનાં સાસુ,ઉભાં હતાં.
“કેમ તબિયત બરોબર નથી?’ મનન ની હાલત જોઇને એનાથી અનાયાસે પૂછાઈ ગયું.
“ના,ના.આ તો થોડો મુસાફરીનો થાક.”મનને સ્પષ્ટતા તો કરી પણ એનો ચહેરો ઘણું બધું કહી આપતો હતો.
ઓચિંતું મનન ને યાદ આવ્યું કે લગ્ન પછી કાનન નાં મમ્મીને પહેલીવાર મળી રહ્યો છે એટલે પગે લાગ્યો.
સરૂબેન ની આંખો પણ ભીની થઈ ગઈ.કેવી વિચિત્ર પરિસ્થિતિ હતી.પહેલી વાર જમાઈ પગે લાગે છે અને આપવા માટે એની પાસે આશીર્વાદ સિવાય કશું જ નથી.
“મનન બેટા, બન્ને જણા ખૂબ ખૂબ સુખી થાજો.ઓચિંતી આવી છું એટલે આપવા માટે ખાલી આશીર્વાદ જ છે.”
“મારા આવવાનું કારણ એટલું જ છે કે અહીં કાનન ની ચિંતા બિલકુલ ન કરજે.હું એનો સ્વભાવ જોતાં સાથે રહેવાનો આગ્રહ નહીં કરું પણ એને કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું પણ ધ્યાન રાખીશ.તારા સસરાને પણ આ બાબતે સ્પષ્ટ ચેતવી દીધા છે.”
મનન તો આ સાંભળી ને બિલકુલ હળવોફૂલ થઇ ગઈ.એની ચિંતા અડધી ઓછી થઇ ગઈ.
સાંજે હોટેલ પર આવી કાનને બધી વાત કરી.સાંજે માનસીને ઘરે પહોંચી ગયાં.કોઈ જાણીતું નજીક હોય તો ફરક પડે તે હેતુથી મકાન તરત જ ભાડે રાખી લીધું.થોડો ઘણો સમાન સાથે લાવ્યાં હતાં.થોડો ઘણો સ્થાનિકે લેવાનો હતો અને બાકીની કસર માનસીએ પૂરી કરી દીધી.
કાનને ફરી એકવાર અનુભવ્યું કે જીંદગીમાં એને પોતાનાં કરતાં બીજાં નો સાથ વધારે મળ્યો છે.કાનન ને દરિયાદેવ તરફથી હંમેશાં કંઈક ને કંઈક મળ્યું જ હતું.આ વખતે મળી માનસી.
માનસી નું કુટુંબ ભર્યું ભાદર્યું હતું.માનસી પતિ-પત્ની,એક બાબો ઉપરાંત સાસુ-સસરા,જેઠ-જેઠાણી તથા તેનાં બે સંતાનો.
બીજે દિવસે મનન ગોંડલ રવાના પણ થઈ ગયો.પોતાનાં સાસુ ની ખાતરી અને માનસીના સાથે તેની ચિંતા ઘણી હળવી કરી નાખી હતી. કાનનની સંઘર્ષ કથા માં એક નવા પ્રકરણ નો ઉમેરો થયો.
(ક્રમશ:)