Swapn Sundari in Gujarati Love Stories by Kuntal Sanjay Bhatt books and stories PDF | સ્વપ્ન સુંદરી

Featured Books
Categories
Share

સ્વપ્ન સુંદરી

*સ્વપ્ન સુંદરી*

"રાત.. ઢલ ચૂકી હે સુબહ બેકરાર હે…તુમ્હારા.. ઇન્તઝાર હૈ..તુમ..પુકાર લો…" ફરી ઋજુલના સ્પેશિયલ રૂમમાં ગીત ગુંજી ઉઠ્યું. આ રોજનો ક્રમ હતો! આમ એ રૂમમાં જવાનો ચોક્કસ સમય ન હતો પરંતુ નિયમિત રીતે જતો તો ખરો જ અને આ જ ગીત વગાડતો એ પણ રિપીટ રિપીટ !


"ઍય, નિમુ જો તો આપણી પ્રેમયાત્રાને જોતજોતામાં પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં. તારામાં તો તસુભારેય ફરક નથી પડ્યો પણ હું સફેદી ઓઢી રહ્યો છું. કોઈકના પણ સફેદવાળ જોઈ તું કેવું બોલતી એ યાદ આવ્યું..'આ આમ ને આમ સફેદી ઓઢી ને બુઢ્ઢાઓ દેખાય કાળું ઢોળાવતાં હોય તો કોઈ સામું ય જુએ..!' તારી દરેક વાતો હું જીવું છું." ઋજુલ મોટા ચમકતાં કપાળ પરથી લાંબા ફરફરતાં કાળા ધોળા વાળને હાથેથી ઊંચા લઈ જતાં નિમાની તસવીર સાથે વાત કરતો હતો. નિમાની તસવીર જોતા જ એની કથ્થઈ નમકીની આંખોમાં એક અજબ ખુમાર છવાઈ જતો!

ઋજુલને પોતે ખ્યાતનામ ચિત્રકાર હોવાની કે એના ચિત્રો દેશવિદેશની આર્ટ ગેલેરીમાં મૂકવામાં આવે છે એ વાતનું એને માટે લેશમાત્ર મહત્વ નહોતું. "ધુની કલાકાર" શબ્દને ચરિતાર્થ કરનાર ઋજુલે હજી માંડ ત્રીસી વટાવી હશે છતાં ય એને સફેદ થઈ રહેલા વાળની કોઈ પડી નહોતી. વ્યવસ્થિત દેખાવું કે આકર્ષક બનવું એના માટે જરાય મહત્વનું નહોતું. ભરાવદાર ગાલ અને અણિયાળા નાકને કારણે દૂરથી જ દેખાઈ આવતા ઋજુલને ચકચકીત કલીનશેવમાં જોનારા દિવસો સુધી વધારેલી દાઢીમાં જોઈ અચંબો પામતા. આ માણસના દેખાવની વ્યાખ્યા કરવી એ કદાચ સૌથી મોટા ચિત્રકારના હાથમાં પણ નહોતું. ભગવાન પણ એને જોઈને વિચારતો હશે કે આ મે શું ઘડી નાંખ્યું! આમ,દેખાવને આધારે ઋજુલની વ્યક્તિ તરીકેની કોઈ ચોક્કસ ઓળખાણ આપવી અઘરી પડતી, પરંતુ એ કોઈ પણ કપડાં પહેરતો ત્યારે ઉપર ડાબી તરફ બિલકુલ હૃદયને અડે એમ એક ગુલાબ અને અંદર "N" ચોક્કસ જોવા મળતો.

ઋજુલનાં ઘરમાં એક મોટો રૂમ ચિત્રો અને તેને લગતાં સામાન માટે અલાયદો જ હતો. બીજો રૂમ એક ચોક્કસ કારણસર, ચોક્કસ સમયે જ ખુલતો અને એની ચાવી ફક્ત ઋજુલ પાસે જ રહેતી. એ ત્યાં કલાકો પસાર કરી દેતો એ વખતે કોઈ ફોન કૉલ્સ નહિ કે કોઈ પણ મહેમાન આવે તો "સાહેબ, ઘરે નથી." એવો જવાબ એને ત્યાં કામ કરતાં રામુકાકાએ આપવો એવું નક્કી થયું હતું.


એક દિવસ ઋજુલે એક અદ્ભૂત સ્ત્રીનું પૉટ્રેઇટ બનાવ્યું હતું. એક આર્ટ ગેલેરીમાં એ મૂકવામાં આવ્યું હતું. જાણકારો અને ચાહકોએ બે-બે મોઢે વખાણ કર્યાં હતાં. એક વિદેશી ચાહકે મોં માંગી રકમ આપવાની તૈયારી બતાવી અને એકાએક ઋજુલે એ પૉટ્રેઇટ એ આર્ટ ગેલેરીમાંથી ઉઠાવી લીધું!


એ પૉટ્રેઇટ ઘરે લાવીને એણે ઘરનો એક રૂમ ખાલી કરાવી નાંખ્યો હતો. એ રૂમમાં એ બસ ફક્ત એ સ્વપ્ન સુંદરીનાં જ પૉટ્રેઇટ બનાવતો હતો. દરેક પૉટ્રેઇટ પર એક જ નામ "નિમા" એ કલાકો ત્યાં વાતો કરતો રહેતો.


"જો, નિમુ તું જો જીવનમાં સાચે પગરણ માંડવાની હોત તો જીવન જુદું હોત, અહીં આ રૂમમાં બેસી, અહીં આ બેડ પર કે અહીં જ તારી સાથે વિતાવવા ચાહેલી દરેક ક્ષણો હું ચિત્રોમાં ન ઢાળતો હોત! "


એ રૂમમાં બેસી એ ધીમાં અવાજે એક ગીત વગાડતો રહેતો, જાણે હ્ર્દયનાં ઊંડાણથી એ જ પોતે ગાતો હોય.." રાત ઢલ ચૂકી હે સુબહ બેકરાર હે..તુમ્હારા.. ઈન્તઝાર હે.. તુમ..પુકાર લો…" ત્યાંથી જ્યારે એ બહાર આવતો તો એક જબરજસ્ત એનર્જી ભરી આવતો હોય એમ લાગતું! રામુકાકાને ઋજુલનું એવું વર્તન ખૂબ જ અજબ લાગતું પરંતું પ્રેમાળ માલિકને આમ ખુશ જોઈને એ બહુ વિચારતાં નહિ.


ઋજુલ એ રૂમમાંથી બહાર આવ્યો, રામુકાકા એને ભાવતું ઓરેંજ જ્યુસ આપી ગયા.


"થેંક યુ રામુ કાકા..તમે ન હોત તો મારું શું થાત?"


"અરે, સાહેબ તમે ન હોત તો હું ખબર નહિ ક્યાં હોત? તમારાં જેવા માલિક મળવા અઘરાં પણ હવે હું થાક્યો છું, ઉંમર થઈ છે. તમારી જવાબદારી મૂકી દેવી છે કોઈ ના માથે..સમજ્યાં?" કહેતાં રામુકાકાએ બનાવટી થાક જાહેર કર્યો.


" હા..હા..હા..રામુકાકા થોભો અને રાહ જુઓ.. અપના ટાઇમ આયેગા." આમ હસતાં ઋજુલને જોઈ રામુકાકા પણ હસીને કામે વળગ્યાં.


"ડ્રીમ ગર્લ..કભી તો મિલેગી કહીં તો મિલેગી આજ નહિ તો કલ…" ગીત ગણગણતો ઋજુલ નજીક પડેલાં અખબાર પર નજર માંડી રહ્યો હતો, ત્યાં જ મુખ્ય દરવાજે ઊંચી, નમણી સ્ત્રીનો મીઠો રણકાર સંભળાયો,


" એક્સકયુઝ મી…"


'અરે! આ તો એ જ....એ જ નિમા.. મારી નિમા ..મારો એકમાત્ર પ્રેમ…મારી ડ્રીમગર્લ…ઓહઃ ઈશ્વરે આજે મોકલી જ દીધી..ખૂબ ખૂબ આભાર તારો!' એમ મનોમન બોલતાં ઋજુલથી અનાયાસે હાથ જોડાઈ ગયાં. આવનારે પણ હાથ જોડી અભિવાદન સ્વીકાર્યું! લિપસ્ટિકી ભીનાં આકર્ષક હોઠ ખૂલ્યાં.

" મારે મિસ્ટર ઋજુલ ખત્રીને મળવું છે. આપ…?"


હજી ઋજુલને વિશ્વાસ નહોતો થતો, એણે સ્ટાઈલ થી પોતાને કાને ચૂંટલી ભરી સત્ય કે સ્વપ્ન એ ચકાસી જોયું. પછી એકદમ પોતાનાં વિખરાયેલાં વાળ ઉંચા લેતાં ટી શર્ટ ઠીક કરતાં બોલ્યો ,


"મૅમ, આપની સમક્ષ હાજર છે."


અને સામેથી ઘેરી ભૂરી આંખોમાં આશ્ચર્ય સહિતનું રણકાર ભર્યુ મીઠું હાસ્ય આવ્યું. એ હાસ્ય સાથે જ એણે ઘરમાં પ્રવેશ કર્યો. એને આમ જોઈ છતાં ઋજુલ પ્રયત્ન પૂર્વક સ્વસ્થતા રાખવામાં સફળ થયો!


આવનારે ઔપચારિકતા પતાવી અને મુખ્ય મુદ્દો મૂક્યો, " મિસ્ટર ઋજુલ, તમે રિઅલી અમેઝિંગ આર્ટિસ્ટ છો, હું અમેરિકાથી ફક્ત એક સ્પેશિયલ ઈવેન્ટ માટે સુપર સ્પેશિયલ બની જાય એવું પોટ્રેઇટ તમારી પાસે ચાહું છું અને એને માટે જ આવી છું. રૂપિયા તમે કહેશો એટલાં પણ મને બે જ દિવસમાં એ પોટ્રેઇટ રેડી જોઈશે." કહેતાં નમણો, નાજુક લિસ્સી-ચમકતી ત્વચા વાળો હાથ લંબાવી ઋજુલ સામે એક બ્લેન્ક ચેક ધર્યો,


"આમાં ભરી દેજો જે રકમ ભરવી હોય એ..પણ એકદમ હું ફોટો આપું એવું જ બનવું જોઈએ." ઋજુલ બે ઘડી વિચારમાં પડી ગયો.


"ફોટો તો જુઓ." એ બોલી.


"તમે કહ્યું એટલે થઈ જશે. અત્યારે ફોટો જોવામાં સમય કેમ વ્યર્થ કરવો?" ઋજુલની આંખો એના ચહેરા ઉપરથી ખસવાનું નામ નહોતી લેતી.


"એ મારો ચિત્તચોર છે, આઇ લવ હિમ અલોટ..હિઝ આઇઝ.. ઉફ્ફ..જસ્ટ કાતિલ…એવી જ આંખો અને એ ચાહતના રંગ તમારા પેઇન્ટિંગમાં ઉભરાવા જોઈએ." બોલી એ થોડું શરમાઈ.


"ઓહ: એવું! પ્રેમના રંગ તો એવા ઉભરશે કે તમે વિચારશો કે આ એ જ પુરુષ છે કે કોઈ દિવ્ય પુરુષ. પ્રેમના રંગ કેવા હોય એ મારાથી વધારે કોણ જાણે!"


"ઓહો! ગ્રેટ તમે પણ કોઈને દિલોજાનથી પ્રેમ કર્યો લાગે છે, હવે મારી ચિંતા ઓછી થઈ."


'કદાચ, આ મારી નિમા ન પણ હોય...કદાચ એ કોઈકની પત્ની હશે, એને વેલેન્ટાઈન ગિફ્ટ આપવા માંગતી હશે. ઓહઃ પ્રભુ કેમ હું જ મળ્યો તને આવી મજાકમાટે..ઓહઃ ઓહઃ ઓહઃ..!' વિચારી ઋજુલથી ભગવાનને ફરિયાદ થઈ ગઈ.


એ આવનારે બહાવરા બની ગયેલાં ઋજુલની આંખો સામે નેઈલ આર્ટ કરાવેલી સુંદર આંગળીઓથી ચપટી વગાડી.


" હેય મિસ્ટર…ફોટો તો જુઓ બનશે કે નહિ એનો મને ફાઇનલ જવાબ જોઈએ." એ બીજીવાર ફોટો માટે બોલી.


ના કહેવાનો તો કોઈ સવાલ જ નહોતો કેમકે એ એની નિમા હોય કે ન હોય પણ અંદરથી એની ઈચ્છાને માન આપવાની એક તીવ્ર ઈચ્છા થઈ જ આવી. એણે કોઈ પણ ચોક્કસ ભાવ વગર એ ફોટો લઈ લીધો.


ચૅક પરત કરતાં કહ્યું, "એ હું આપને સંતોષકારક પરિણામ આપી શકું પછી લઈશ."


એ એક મસ્ત તોફાની મુસ્કાન સાથે બે દિવસમાં આવીશ કહી વિદાય થઈ.


ઋજુલ ધીમે હતાશ ડગલે એની નિમાનાં રૂમમાં ભરાઈ ગયો. એક ગુલાબ સાથે ઉભેલી નિમાનાં પૉટ્રેઇટ પાસે જઈ ઉભો. બે હાથે પોતાના કપાળ પર આવતાં વાળ માથા તરફ જોરથી ખસેડી હાથ દબાવી રાખ્યાં, જાણે ઉઠતાં આવેગોને ખાળી સ્થિર કરી દેવા માંગતો હતો. અજાણ પણે બબડી રહ્યો હતો.


"અબ ન કોઈ જૂસ્તજુ રહી તુમ્હેં પાનેકી,

પર તેરી જૂસ્તજુ પે ખરા ઉતરના ચાહતા હૂં,

તુમ્હેં હર મનચાહી ખુશી મિલે બસ યહી,

મેં બાર બાર દોહરાના ચાહતા હૂં."


એ પૉટ્રેઇટ ચૂમીને બહાર નીકળ્યો. પોતાનાં એ ચિત્રોનાં રૂમમાં ગયો. ભારે મને યંત્રવત્ નિમા માટેનાં પેઇન્ટિંગ બનાવવાની બધી તૈયારી કરી. પેઇન્ટ બ્રશ આંગળી અને અંગુઠાની વચ્ચે રમાડતાં રમાડતાં વિચારવા લાગ્યો,


' હું કોઈને પણ મારી નિમા વિચારી લઉં એ યોગ્ય નથી. પણ અજબ યોગાનુયોગ છે કે સ્વપ્ન આંખ સામે છે!'


ખિસુ ફંફોસી એ ફોટો કાઢ્યો…અને…અને જોયું તો…એનો પોતાનો જ પાંચ વર્ષ પહેલાંનો એ જ આર્ટ ગેલેરી વાળો ફોટો જ્યાં પહેલું સ્વપ્નસુંદરીનું પૉટ્રેઇટ મૂક્યું હતું! એ ઉછળી પડ્યો, બહાવરો બની ગયો.. "ઓહઃ ગોડ…હે ઈશ્વર…પ્રભુ તે મારી પ્રાર્થના સાંભળી.." કરી બૂમો પાડતો રહ્યો…એમ બૂમો પાડતો બહાર આવ્યો તો સામે જ એ અમેરિકાથી આવનાર એની નિમા! એણે હાથ ફેલાવ્યા ને એની નિમા દોડીને એને વળગી પડી!


થોડીવારે એ સ્થિતિમાં રહ્યાં પછી નિમા અહીં કઈ રીતે આવી? કઈ રીતે એનાં પ્રેમમાં પડી અને એને શોધ્યો એ વાત કરી. રામુકાકાએ ત્યાં સુધીમાં ચા નાસ્તાની તૈયારીઓ આરંભી.


" ઋજુલ, એ આર્ટ ગેલેરીમાં તમે મારું બનાવેલું એ અદ્ભૂત પૉટ્રેઇટ જોઈ એક અમેરિકન ફિદા થઈ ગયો હતો. એણે એનાં ફોટોઝ લઈ લીધાં હતાં. એ તમારું એડ્રેસ લઈ અહીં મળવા આવ્યો પરંતું તમે એ ટાઈમે તમારી નિમા સાથે એના રૂમમાં હતા. બે ત્રણ ધક્કા ખાધા પછી નોકરનાં હાથ પગ પકડી તમારું એ રૂમમાં હોવાનું કારણ જાણ્યું!" કહી જરા અટકી અને મીઠી મુસ્કાન સાથે આગળ બોલી, " હું એક ડૉકટર છું ઋજુલ, હજી મહિનો પહેલાં જ એ અમેરિકન એક્સિડન્ટ થયેલી હાલતમાં હોસ્પિટલમાં આવ્યો અને મને જોઈને આભો બની ગયો, " હાઉ કેન ઇટ પોસીબલ! હાઉ કેન…?" પછી એણે માંડીને બધી વાત કરી. ત્યારબાદ મેં તમારો ફોટો ગૂગલ પરથી મેળવ્યો. કોઈક આટલો પ્રેમ પણ કરી શકતું હશે અને એ પણ પોતે વિચારેલી એક સ્વપ્ન સુંદરીને? એ જ મારે માટે બહુ આશ્ચર્ય કારક બાબત હતી. એ વિશે રોજ વિચારતી અને તમારો ફોટો જોતી હું એ તમારા પ્રેમનાં પ્રેમમાં પડતી હોઉં એવું લાગી રહ્યું હતું. ઘણાં પ્રયત્નો કર્યા તમને અને તમારું પરફેક્ટ એડ્રેસ શોધવાના અંતે સફળ થઈ. જેવું મળ્યું કે પળનો પણ વિલંબ કર્યા વગર અહીં આવી જ ગઈ!"


ફરી એ ઉભી થઈ અને ફરી કોઈ અકળ લાગણીથી વળગી પડી!


" મારું નામ સપના મહેતા છે બટ હું હવે નિમા ખત્રી બનવા માંગુ છું બનાવશો?"


" હા, મારી નિમા હા…ઈશ્વર હજી પણ ચમત્કાર સર્જે છે અને મનથી એક જ વ્યક્તિની ચાહત રાખો તો મેળવી આપે છે એ વાતમાં હવે હું માનવા લાગ્યો છું." અને પાગલની જેમ સપના મહેતાને અરે.. ના ના..એની નિમાને ઉંચકીને ગોળ ગોળ ફરવા લાગ્યો.


"અરે..અરે..ઋજુલ બસ કરો..નીચે મૂકો મને ભૂખ લાગી છે." સપના એની સ્વપ્નિલ ભેજ સભર આંખે એને અટકાવતાં સ્નેહાળ સ્મિત સાથે બોલી.


ત્યાં જ રામુકાકા ચા નાસ્તા સાથે હાજર થયા અને પોતે પણ થોડે અંશે આ અદ્ભૂત પ્રેમકથાનો હિસ્સો છે એમ વિચારી પોરસાવા લાગ્યાં.

કુંતલ સંજય ભટ્ટ

સુરત.